ગેલાર્ડિયાને અંગ્રેજીમાં બ્લેન્કેટ ફલાવર અને આપણી ગામઠી ભાષામાં ગાદલીયો કહે છે. ગેલાર્ડિયા દરેક પ્રકારના વાતાવરણ અને જમીનને અનુકૂળ સરળતાથી ઉગાડી શકાય તેવા સુંદર, સર્વકાલીન અને સુલભ વર્ષાયુ ફૂલછોડ છે.
ગેલાર્ડિયાને અંગ્રેજીમાં બ્લેન્કેટ ફલાવર અને આપણી ગામઠી ભાષામાં ગાદલીયો કહે છે. ગેલાર્ડિયા દરેક પ્રકારના વાતાવરણ અને જમીનને અનુકૂળ સરળતાથી ઉગાડી શકાય તેવા સુંદર, સર્વકાલીન અને સુલભ વર્ષાયુ ફૂલછોડ છે. ગેલાર્ડિયા એ કંપોઝીટી કૂળનો મધ્યમ ઉંચાઈનો, બારેમાસ સહેલાઈથી વાવી શકાય તેવો છોડ છે. આ છોડના ફૂલ ગલગોટા જેવા આકારના લાંબી દાંડીવાળા સિંગલ કે ડબલ પ્રકારના સેવંતી જેવા મોટા અને આકર્ષક રંગોવાળા હોય છે. ફૂલ પીળા, ભૂખરા, તામ્ર લાલ, કેસરી, મેલા, બદામી કે લાલ બહુરંગી રંગના હોય છે. કેટલાંક લાલ તામ્ર રંગના ફૂલોને સફેદ કે લાલ કિનારી પણ જોવા મળે છે અથવા ઘણી વખત કેસરી લાલ ફૂલોને પીળી કિનારી પણ જોવા મળે છે.
ઉપયોગ:
ગેલાર્ડિયાના કૂલછોડ બગીચામાં કયારાઓમાં અને બોર્ડર તરીકે મોટા પાયા ઉપર વાવવામાં આવે છે. ગેલાર્ડિયાના છોડ જયારે પૂરેપૂરા ફૂલોથી ખીલે છે ત્યારે બગીચામાં રંગબેરંગી ચાદર પાથરી હોય તેવું દ્રશ્ય ઉપસી આવે છે. ગેલાર્ડિયાના ફૂલોનો છૂટાં ફૂલ તરીકે, સુશોભન માટે હાર, વેણી બનાવવામાં તથા પૂજાપાઠમાં તેમજ ફૂલોની શેરોનો ઉપયોગ મંડપ અને સ્ટેજ શણગારવામાં ખૂબજ બહોળા પ્રમાણમાં થાય છે. ગેલાર્ડિયાનો છોડ વિકસિત થતાં જમીન પર પથરાતો હોઈ જે જગ્યાએ પાણીથી ધોવાણ થવાની શકયતા હોય ત્યાં ગેલાર્ડિયા પલચેલા જાતની રોપણી કરવાથી જમીનનું ધોવાણ થતું અટકાવી શકાય છે.
વિવિધ જાતો :
ડી.જી.એસ-૧ : |
આ જાત ધારવાડ, કર્ણાટક દ્વારા બહાર પાડવામાં આવી છે આ જાત તમામ ઋતુઓમાં ઉગાડી શકાય છે. |
રેડ પ્લુમ : |
આકર્ષક લાલ ફૂલો લગભગ એક છોડ પર આવે છે. આ જાત વધી ને ૬૦ સેમી ઊંચું થાય છે. |
બેબી કોલ: |
એક નાનું સરખું માત્ર ૨૦ સેમી જેટલું થાય છે . લાલ કલર ના ફૂલ જેની ધાર પીળા રંગની હૉય છે |
ડેઝલર: |
ફૂલોનો રંગ જેનો મધ્ય ભાગ મરૂન અને પીળા હોય છે. છોડ ૪૦ સેમી ઊંચું થાય છે. |
ગોબ્લિન: |
છોડ ૩૦ સેમી ઊંચું થાય છે. જેના પાર પીળી ધાર વાળા લાલ ફૂલો આવે છે. |
ગોલ્ડન: |
છોડ પર સોનેરી-પીળા ફૂલો આવે છે. છોડ ૩૭.૫ સે.મી ઊંચું વધે છે. |
કોબોલ્ડ: |
છોડ લગભગ ૨૦ સેમી ઊંચું થાય છે અને ૪૫ સેમી ઘેરાવો ધરાવે છે. |
મોનાર્કસ્ટ્રેઈન: |
ફૂલો પીળાથી ઘેરા લાલ રંગના હોય છે અને અમુક બે રંગોનું મિશ્રણ ધરાવે છે. |
સન : |
છોડ વધીને ૩૦ સે.મી થાય છે જેના પર સોનેરી પીળા ફૂલો આવે છે. |
ટોકિઝર : |
છોડ ૭૫ સે.મી થાય છે જેના પર પીળા રંગના ફૂલો આવે છે જેનો મધ્ય ભાગ લાલ રંગ નો હોય છે. |
વિવિધ શંકર જાતો |
|
બરગન્ડી : |
વાઇન રંગના લાલ ફૂલોઆવે છે. |
ઇપ્સવિચબ્યૂટી : |
ઓરેન્જ થી મરૂન રંગ ફૂલો આવે છે. |
એચ. લોન્ગસ્ટન : |
સોનેરી પીળા રંગ ફૂલો આવે છે જેનો મધ્ય ભાગ મરૂન રંગ નો હોય છે. |
નાના નિસ્કે : |
પીળા થી લાલ રંગના ફૂલો આવે છે. |
ધ કિંગ: |
પીળા રંગના ફૂલો આવે છે. |
આબોહવા:
ગેલાડિયા દરેક ઋતુમાં સફળતાપૂર્વક ઉગાડી શકાય છે, ગેલાર્ડિયાના છોડ સખત પ્રકારના છે, જે વધુ ગરમી અને પાણીના અછતમાં પણ લાંબો સમય રહી શકે છે. સામાન્ય રીતે ગરમ ભેજવાળું વાતાવરણ વધારે અનુકૂળ આવે છે, તે ઉનાળા અને ચોમાસા દરમ્યાન સરળતાથી ઉગાડી શકાય છે.
જમીન:
જમીન દરેક પ્રકારની જમીનમાં વાવેતર કરી શકાય છે પરંતુ ભારે કાળી, ચીકણી અને ઓછી નિતાર શકિતવાળી જમીન કે જયાં પાણીનો ભરાવો થતો હોય તેવી જમીન અનુકૂળ આવતી નથી. સારી નિતાર શકિતવાળી જમીન પસંદ કરવી જોઈએ.
ખાતર:
જે જમીનમાં ગેલાડિયાનું વાવેતર કરવું હોય તે જમીનમાં હેકટર દીઠ ૧૫ થી ૨૦ ટન કોહવાયેલુંછાણીયું ખાતર કે કમ્પોસ્ટ ખાતર ભેળવી જમીનને ખેડી ભરભરી બનાવવી તથા લીલા પડવાશ તરીકે શણનું વાવેતર ગેલાર્ડીયાના વાવેતર પહેલા ૬૦ દિવસે કરવું. એઝોસ્પિરીલમ અને ફોસ્ફોબેકટર બેકટેરીયા ૨.૫ કિ.ગ્રા./ હેક્ટર નાખવા. ૫ ટન, હેક્ટર વર્મીકમ્પોસ્ટગેલાર્ડીયાના વાવેતર સમયે તથા ત્રીજા, ચોથા અને પાંચમાંમહીને આપવું.
પ્રસર્જન:
મોસમમાં એકવાર ઉગતા ગેલાર્ડિયા નું પ્રસજન બીજથી કરવામાં આવે છે. બારમાસી ગેલાર્ડિયા કટીંગ અથવા બીજ દ્વારા પ્રસજન કરી શકાય છે.
રોપણી:
આ પાકની રોપણી કરવાની હોય ત્યારે ખેતરને વ્યવસ્થિત ખેડ કરી જમીન તૈયાર કરી કયારાઓ બનાવી ચાર થી છ અઠવાડિયાની ઉંમરનું ગેલાર્ડિયાનું ધરૂ 30 સે.મી. X 30 સે.મી. અથવા ૪૫ સે.મી. X 30 સે.મી.ના અંતરે ઉનાળુ પાક માટે ફેબ્રુઆરી-માર્ચમાં, ચોમાસુ પાક માટે જૂન-જુલાઈમાં અને શિયાળુ પાક માટે સપ્ટેમ્બર-ઓકટોબર માસમાં રોપીને ફૂલ મેળવી શકાય છે, ખાસ કરીને ચોમાસામાં જર્યા ભારે વરસાદ હોય ત્યાં આ પાક લેવામાં આવતો નથી કારણ કે ભારે વરસાદના કારણે છોડ જમીન પર ઢળી જાય છે અને ફૂલોની ગુણવત્તા ખરાબ થઈ જાય છે.
અન્ય માવજત:
છોડ રોપ્યા બાદ હળવું પાણી આપવું, અન્ય પિયત ઋતુ પ્રમાણે ઉનાળામાં ૫ થી ૭ દિવસે અને શિયાળામાં ૮ થી ૧0દિવસના અંતરે જમીનના પ્રકારના પ્રમાણે આપવામાં આવે છે. જરૂર જણાય ત્યારે કયારાઓમાંથી નીંદણ દૂર કરવું. છોડના સારા વિકાસ માટે ત્રણ થી ચાર વખત હળવો ગોડ કરવો જોઈએ. છોડના વિકાસ દરમ્યાન મોલો-મશીનો ઉપદ્રવ જણાય તો વનસ્પતિજન્ય સુક્ષ્મ જીવાણું આધરિત દવાનો છંટકાવ કરવો.
રોગ અને જીવાત:
આ પાકને ખાસ કોઈ રોગ જીવાત લાગતા નથી. આમ છતાં ઘણીવાર મોલોમશીનો ઉપદ્રવ જણાય ત્યારે લીમડાના અર્કમાંથી બનાવેલ દવા ૫% નો છંટકાવ કરવો. બીવેરીયા ૭૫ ગ્રામ ૧૦ લીટરના દ્રાવણનો છંટકાવ કરવો. ઉપરાંત વનસ્પતિજન્ય કિટનાશી ઔષધોમાં સીતાફળ, આંકડો, ધતુરો અને અરડુસી સહિત ઘણી જાતની વનસ્પતિ જીવાતના નિયંત્રણ કરવાનો ગુણધર્મ ધરાવે છે. આ ઉપરાંત થીઓમીથોક્ષમ [ ર૦૦ ગ્રામ / એકર (ર૦ ગ્રામ /પમ્પ) ] છાંટવી હિતાવ છે.
ફૂલ ઉતારવા:
છોડની રોપણી બાદ ત્રણ થી સાડા ત્રણ માસ બાદ ફૂલ તૈયાર થાય છે. છૂટાં ફૂલ (લુઝફલાવર) તરીકે ઉતારવામાં આવે છે. ફૂલોને દૂરના બજારમાં મોકલવાના હોય તો આગલા દિવસે સાંજે અને નજીકના બજારમાં મોકલવાના હોય તો વહેલી સવારે ઉતારવામાં આવે છે. ઉતારેલ ફૂલોને હળવું પાણી છાંટીને ટોપલામાં વ્યવસ્થિત રીતે ભરીને ઉપર ભીનું કપડું ઢાંકીને બજારમાં મોકલવા.
ઉત્પાદન:
સારી માવજત કરેલ ખેતરમાંથી હેકટર દીઠ ૧૬ થી ૧૮ ટન જેટલા ફૂલોનું ઉત્પાદન મળે છે. ગેલાર્ડિયાના ફૂલોનો જથ્થાબંધ ભાવ માંગ પ્રમાણે સામાન્ય રીતે ૧ કિ.ગ્રા.ના પ થી ૭ રૂપિયા જેટલો હોય છે, આમ હેકટરે ૮0,000 થી ૧, ૧0,000 રૂપિયા સુધી આવક મેળવી શકાય છે જયારે હેકટર દીઠ આશરે ર0,000 થી ર૫,000 રૂપિયા જેટલો ખર્ચ થાય છે. ચોમાસા કરતાં શિયાળુ ઋતુમાં ઉત્પાદન તેમજ આવક વધુ મળે છે.
લેખકો: ૧કુમારી મલ્લિકા આર. સિંધા*,૧શ્રી. કૌશિક એસ. સોલંકી, ૨કુમારી રિદ્ધિ એચ. પટેલ
(રિસર્ચ સકોલર)
ફ્લોરીકલ્ચર અને લેન્ડસ્કેપ આર્કિટેક્ચર વિભાગ, અસ્પી બાગાયત-વ-વનીય મહાવિદ્યાલય
૨વન્ય મહાવિદ્યાલય
નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી – ૩૯૬ ૪૫૦
આ પણ વાંચો : ચણાના પાકમાં બ્રેઇડેડ રોગનો પ્રકોપ વધી રહ્યો છે, બચાવવા માટે આ દવાઓનો છંટકાવ કરો
આ પણ વાંચો : લીલીના ફૂલથી થશે સારી કમાણી
Share your comments