પ્રસ્તાવના:-
શાકભાજીએ દૈનિક આહારનો ખુબજ અગત્યનો ભાગ છે. શાક્ભાજી પોષકતત્વો ઉપરાંત કાર્બોદિત પદાર્થો અને પ્રોટિન નો અગત્યનો સ્તોત છે. ભારત શાક્ભાજી ના ઉત્પાદનમાં ચીન પછી બીજા નંબરે આવે છે. ભારતમાં વિવિધ આબોહવા અને જમીનને કારણે લગભગ બધા પ્રકારના શાકભાજીનુ ઉત્પાદન થાય છે.
શાકભાજીમાં લીલા શાકભાજી પણ અગત્યનુ સ્થાન ધરાવે છે. લીલા પાંદડાવાલા શાકભાજી પાકો ને ઠંડુ અને ભેજવાળુ હવામાન પસંદ હોવાથી આ પાકો ની શિયાળામા સારી રીતે ખેતી થઈ શકે છે.
પાલક લીલા શાકભાજીમાં અગત્યનુ સ્થાન ધરાવે છે. પાલકએ ટુંકા સમયમાં સારુ ઉત્પાદન આપતો પાક છે. પાલકના પાન નો ઉપયોગ ભાજી તરીકે ખાવામા થાય છે. પાલકમાં મોટા પ્રમાણમા પોષકતત્વો આવેલા હોય છે. પાલકમાં વિટામીન એ,વિટામીન બી,વિટામીન સી, વિટામીન કે ,એન્ટીઓકિસડેન્ટ,લોહ ,તાંબુ, ફોલીકએસિડ, કેલ્શિયમ,પોટેશિયમ,જસત,પ્રોટીન, ઓમેગા-3 અને ફાઇબર આવેલા હોય છે.
આયુર્વેદ અનુસાર પાલકએ શિતળ પાક છે. તે શ્વાસના રોગો, કફ, પિત્ત, લોહીના બગાડને દૂર કરે છે. પાલકમાં ઘણા પોષક્તત્વો આવેલા હોવાથી તેનો રસ વિશ્વભરમાં પિવાય છે. પાલકનો રસ પિવાથી આંખની ખામી અને લોહ્તત્વની ઉણપ દૂર થાય છે.
પાલક મુખ્ય બે જાત ની હોય છે:
દેશી અને સંકર. મુખ્યત્વે ત્રણ પ્રકાર ના પાલક જોવા મળે છે: સેવોય,સેમિ સેવોય અને સપાત પાન વાળી પાલક.
આબોહવા
પાલક મુખ્ય શીત સિઝનનો પાક છે. પરંતુ તે આખા વર્ષ દરમિયાન ઉગાડી શકાય છે. છતા તે શીત, પાનખર અને વસંતમાં સારી રીતે ઉગાડી શકાય છે.
વાવણી
શિયાળામાં ઓકટોમ્બર-નવેમ્બર અને ઉનાળામાં ફેબ્રુઆરી-માર્ચમાં પાલક સારી રીતે ઉગાડી શકાય છે. વાવણી દરમિયાન વધુ ઠંડી,ગરમી અને પાણીનો ભરાવો માફક નથી.
બીજનો દર અને અંતર
એક હેકટર દીઠ 25 થી 30 કિગ્રા બીજની જરુર રહે છે. વાવણી પાલકના બીજ છાંટીને અથવા હારમાં વાવેતર કરીને કરવામા આવે છે. પાલકના બે ચાસ વચ્ચે 25 થી 30 સે.મીનુ અંતર રાખવામા આવે છે. બીજને વાવ્યા પછી ચાસને માટીથી ઢાંકી દેવામા આવે છે.
જમીન
પાલકના પાકને બધા પ્રકારની જમીન માફક આવે છે; તેમ છતા સારી નિતારવાળી અને પાનીનો ભરાવ ન થાય તેવી થોડી રેતાળ અને ગોરાડુ જમીન વધારે માફક આવે છે.
ખાતર
વાવેતર પહેલા હેકતર દીઠ 30 ટન છાણીયુ ખાતર આપવુ. દરેક કાપણી પછી 20 કિગ્રા નાઇટ્રોજન આપવાથી પાન ની ગુણવત્તામાં વધારો થાય છે,અને નવો ફાલ જલ્દી તૈયાર થાય છે.
પિયત:- વાવણી પછી હળવુ પિયત આપવુ. શિયાળામા 10 થી 12 દિવસના અંતરે અને ઉનાળામા 6 થી 7 દિવસના અંતરે પિયતની જરુર પડે છે.
સુધારેલી જાતો
જોબનેર ગ્રીન , ઓલ ગ્રીન ,પુશા જયોતિ ,પુશા પાલક, પુશા ભારતી.
કાપણી અને ઉત્ત્પાદન
વાવેતરના એક માસ પછી કાપણી કરવામા આવે છે. ત્યારબાદ 12 થી15 દિવસના અંતરે કાપણી કરી કુલ 6 જેટલી કટીંગ લઈ શકાય છે, આમ હેકટર દીઠ 30 થી 50 ટન ઉત્પાદન મેળવી શકાય છે.
વિતરણ અને સંગ્રહ
પાલકને વિશ્વમા અનેક રીતે વેચાય છે. ભારતમાં તે મુખ્યત્વે તાજી ઝુડીમાં વેચાય છે. વિશ્વમા તેને તાજા સ્વરુપ સિવાય કેન કરીને અને ઠારીને પણ વેચાય છે.
પાક સંરક્ષણ
પાન ખાનારી ઇયળ
નાની ઇયળો સમુહમાં રહીને પાનનો લીલા રંગનો ભાગ ખાઈ જાય છે. અને મોટી ઇયળો મોટા પ્રમાણમા પાનને કોતરી ખાય છે. તેના ફુદા દેખાવે આછાબદામી રંગના હોય છે.
પાનના ટપકા
આ રોગ ફુગથી થાય છે. પાન ઉપર આછા કથ્થાઇથી કાળા રંગના ગોળ ટપકા જોવા મળે છે. ટપકાની સંખ્યા અને કદ વધતા પાન સુકાઇ જાય છે. તેના નિયંત્રણ માટે પાકની ફેર બદલી કરવી અને 25 ગ્રામ મેન્કોઝેબ 10 લિટર પાણીમા ભેળવીને 2 થી 3 વાર છંટકાવ કરવો.
પટેલ નિહાર એ., ચૌધરી વિશાલ એમ., ડો. એસ. એસ. મસાઇ
અસ્પી બાગાયાત-વ-વનીય મહાવિદ્યાલય, નવસારી ક્રુષિ યુનિવર્સીટી, નવસારી
નવસારી, 396 450
આ પણ વાંચો : જી હા ! ગોરસ આંબલીમાં રહેલા છે ઔષધિય ગુણો, વાંચો તેને ખાવાથી થશે આ લાભ
આ પણ વાંચો : ભારતીય થાળીમાં 'બટાકા' કેવી રીતે પહોંચ્યાં? જાણો તેની રસપ્રદ સફર અને આયુર્વેદ પ્રમાણે તેના ફાયદા અને ગેરફાયદા
Share your comments