આપણા દેશમાં ખેડૂતો શાકભાજીના પાકની ખેતી માટે પરંપરાગત સાધનો અને પદ્ધતિઓનો ઉપયોગ કરે છે જેના કારણે ભારતમાં શાકભાજીની સરેરાશ ઉપજ હજુ પણ ઘણા એશિયન દેશો કરતા ઓછી છે. તથા શાકભાજીના પાકમાં ખેડૂતોને ઉપજ ઓછી અને ખર્ચ વધુ લાગે છે. આ ઉપરાંત લણણી, સંભાળ, સંગ્રહ અને પરિવહન પ્રક્રિયા દરમિયાન કુલ ઉત્પાદનના ૩૦ થી ૪૦ ટકા જેટલું ભારે નુકસાન થાય છે. જો સુધારેલા યંત્રો, મશીનો અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ પાકની લણણી માટે કરવામાં આવે તો પાકની ઉપજમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે અને નુકસાનને મોટા પ્રમાણમાં ઘટાડી શકાય છે. વધુ ઉપજ આપતી જાતો વિકસાવીને તથા અવનવી લણણી તકનીકો અપનાવીને મોટાભાગના શાકભાજીમાં ઉપજ વધારવા માટે ઘણો અવકાશ છે.
ગાજરની લણણીમાં આવતી મુશ્કેલીઓ
ગાજર પરિપક્વ થયા પછી તેની લણણી એ એક મહત્વપૂર્ણ પ્રકિયા છે અને તે આશરે ૯૦ થી ૧૧૦ દિવસે પરિપક્વ થાય છે. સામાન્ય રીતે, ખેડૂતો જ્યાં માટી નરમ હોય ત્યાં ગાજરનાં પાંદડાઓને હાથથી પકડી અને હળવેથી ઉપાડે છે જેથી ગાજરનું મૂળ જમીનની અંદર ના રહી જાય. જે માટી કઠણ હોય ત્યાં, ખુરપી અથવા કોશ દ્વારા જમીનને નરમ કરી અને પછી મૂળને હળવેથી ઊંચો કરે, જેથી તે તૂટી ન જાય. આ પ્રક્રિયા દરમિયાન ખેડૂતને કમરથી જુકીને અથવા બેસીને જમીન માંથી ગાજર ખેંચી અને સાથે સાથે આગળ પણ વધવાનું હોઈ છે, જેથી શરીરના પાછળના ભાગના સ્નાયુઓમાં વધુ તણાવ જણાય છે. આ ઉપરાંત હથેળીઓમાં પણ ઘાવ પડવાની શક્યતાઓ વધુ રહે છે. વધુ પડતું આ કાર્ય થાકમાં પરિણમે છે અને કાર્યક્ષમતા ઘટાડે છે. સાથે સાથે સમય અને શારીરિક ઉર્જાનો વ્યય થાય છે.
હાલ દેશમાં ઔદ્યોગિકરણ વધતાં ખેત મજુરોની સંખ્યામાં ઘણા અંશે ઘટાડો થયો છે જેથી મજૂરીની કિંમતમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. લણણીના સમયે પૂરતા મજુરોના અભાવે ઘણીવાર પાકને મોટું નુકશાન થાય છે. આવી અનેક સમસ્યાઓના કારણે ગુજરાત તથા સમગ્ર ભારતમાં ગાજરનું વાવેતર અલ્પ પ્રમાણમાં થાય છે.
માહિતી સ્ત્રોત - ગાધે એસ. કે., તિવારી વિ. કે. અનેચાવડા એસ. કે. જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, જૂનાગઢ.
આ પણ વાંચો - શિયાળા શાકભાજીના વાવેતરથી પહેલ ખેતરમાં કરવામાં આવેલ ખેતકાર્યોની વૈજ્ઞાનિક માહિતી
Share your comments