Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

એક અગત્યની ઔષધીય વનસ્પતિ: ટેટુ

આમ તો તમે ઘણી ઔષધીય વનસ્પતિઓને વિશે જાણતા જ હશો, પરંતુ આજનાં યુગમાં જોવા મળતી કોરોના જેવી ગંભીર બીમારીઓની સારવાર માટે ઘણા સંશોધનની વૈજ્ઞાનિકોને જરૂર પડે છે. આવી બીમારીઓથી બચવા કુદરતમાં પહેલાથી જ ઘણી વનસ્પતિઓ ઉપલબ્ધ છે, પરતું કદાચ આપણે તેમના વિશે જાણતા નથી.

KJ Staff
KJ Staff
tattoos
tattoos

આજના આ લેખમાં એક એવી જ ઔષધીય વનસ્પતિ વિશે જાણીશું જે આવી ગંભીર બીમારીઓની સારવાર માટે સક્ષમ છે અને બીજી ઘણી બીમારીઓમાં પણ ઉપયોગી બની રહે છે. આટલું બધુ ઔષધીય મહત્વ હોવા છતાં ઘણાં ઓછા લોકોને તેના વિશે માહિતી છે, તો ચાલો જાણીએ આ ઔષધીય વનવ્રૃક્ષ વિશે.

તે ઔષધીય વનવૃક્ષનું નામ છે ટેટુ. ટેટુનું વૈજ્ઞાનિક નામ ઓરોક્સાયલમ ઇન્ડિકમ (Oroxylum indicum) છે. ટેટુ એ એક મહત્વપૂર્ણ ઔષધીય વનવ્રૃક્ષ છે, જેનો ઉપયોગ પ્રાચીન સમયથી માનવ જાતિ દ્વારા વિવિધ રોગોના સારવાર માટે કરવામાં આવે છે.

કેવી રીતે ઓળખશો?

 અરે તમે ટેટુના વ્રૃક્ષને નથી ઓળખતાં! ટેટુ તો તેના ફળો દ્વારા દૂરથી જ ઓળખાય જાય છે. ટેટુના ફળો લાંબા પટ્ટા આકારના અને દૂરથી જોતાં જાણે વૃક્ષ ઉપર જાણે તલવાર લટકતી હોય એમ લાગે છે અને બીજ ચપટા તેમજ સફેદ પાંખવાળા ધરાવતા હોય છે. ટેટુ એક નાનાથી મધ્યમ કદનું અને ઝડપથી વીકાસ પામતું પાનખર વૃક્ષ છે. ટેટુના વયસ્ક વ્રુક્ષ ૮ થી ૧૫ મીટર સુધી ઊંચાઇ તેમજ ૪૦ સેન્ટીમીટર સુધી ઘેરાઇ પામી શકે છે. ટેટુના ફૂલો બહારથી લાલ જાંબલી અને અંદરથી ગુલાબી-પીળા રંગના હોય છે તેમજ વૃક્ષની છાલ આછા ભૂખરા રંગની, જેની અંદર પરાગ રજકોને આકર્ષવા માટે તીવ્રગંધ બહાર આવતી હોય છે.

ક્યાં જોવા મળે છે?

 આ વૃક્ષ ઉષ્ણકટિબંધીય અને ઉપ-ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં વ્યાપકપણે વિખેરાયેલું છે. તે ભારત, થાઈલેન્ડ, વિયેતનામ, મલેશિયા, ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ, ચીન, ભૂતાન, તાઈવાન અને જાપાન સહિત સમગ્ર એશિયાઈ પ્રદેશોમાં વ્યાપકપણે વિતરિત થયેલ છે. તે સમગ્ર ભારતમાં અને તેમાં પણ ખાસ કરીને ભેજવાળા પહાડી જંગલોમાં વ્યાપક રીતે વિસ્તરેલ છે. તે હિમાલયની તળેટીથી શરૂ થઈ ૧૦૦૦ થી ૧૨૦૦ મીટરની ઉંચાઈ સુધી ભારતીય ઉપખંડ, પશ્ચિમ ઘાટ, પૂર્વ ઘાટ અને અરવલ્લી પર્વતમાળા અને મધ્ય ભારતના જંગલોમાં જોવા મળે છે.

ટેટુનાં ઔષધીય ઉપયોગો:

 ટેટુ વૃક્ષના દરેક ભાગ જેમ કે, છાલ, પાંદડા, ફળ, મૂળ, દાંડી, ફૂલ અને બીજનો ઉપયોગ વિવિધ બીમારીઓની સારવારમાં પ્રાચીન સમયથી થતો આવ્યો છે. તેના વિવિધ ભાગોનો ઉપયોગ પરંપરાગત રીતે અને આયુર્વેદમાં માનવ આરોગ્ય માટે કરવામાં આવે છે. તો ચાલો જાણીએ ટેટુનાં વિવિધ ભાગો સાથે તેના વિશિષ્ટ ઉપયોગો:

 છાલ: છાલના પાવડરમાંથી બનેલી પેસ્ટનો ઉપયોગ મોઢાના કેન્સર, ખંજવાળ અને અન્ય ચામડીના રોગો જેવા રોગ માટે કરી શકાય છે.

 ફળ: સ્ત્રીરોગ સંબંધી વિકાર અને બાળપણના વિકારમાં પણ ટેટુનું ફળ ફાયદાકારક છે

 બીજ: મોટા ભાગના કિસ્સામાં સ્ત્રીઓ ગર્ભધારણ કરવા માટે સૂકા બીજના પાવડરનો ઉપયોગ કરે છે. બીજનો ઉપયોગ પરફ્યુમ ઉદ્યોગમાં તથા સુકાઈ ન જાય તેવું તેલ બનાવવામાં પણ થાય છે.

આદિવાસીઓ દ્વારા ઉપયોગ:

 ભારતમાં કેટલાક સ્થાનિક આદિવાસી સમુદાયો વિવિધ બિમારીઓની સારવાર માટે વપરાય છે. કમળો, બળતરા, કેન્સર, ઝાડા, તાવ, જથરનું ચાદું, તણાવ, સંધિવા અને સૂક્ષ્મજીવોનો ચેપ જેવા વિવિધ રોગોની રોક અને સારવાર માટે આ વૃક્ષનો સદીઓથી પરંપરાગત લોક દવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ટેટુના મૂળની છાલની પેસ્ટ ભારતમાં નાગા જાતિ દ્વારા મરડો, ઝાડા કમળો અને સંધિવાની સારવાર માટે મૌખિક રીતે આપવામાં આવે છે. ઉત્તરપૂર્વ ભારતની હલમ જાતિ દ્વારા કમળાના ઈલાજ માટે બે ચમચી ખાંડ સાથે એક ગ્લાસ છાલનો ઉકાળો વારંવાર આપવામાં આવે છે. ભારતમાં વિવિધ જાતિઓ દ્વારા ન્યુમોનિયા, શ્વસન સંબંધી તકલીફો અને તાવની સ્થિતિમાં ટેટુના બીજ અને છાલ આપવામાં આવે છે.

આ પણ વાંચો:ખરીફ મગફળી પાકની ઉન્નત ખેતી પધ્ધતી

ટેટુના પરંપરાગત લોક દવા તરીકેના ઉપયોગો:

વૃક્ષના ભાગો

પરંપરાગત ઉપયોગો

ફળ

ü  ટેટુનું ફળ ડાંગરના ખેતરોમાં કરચલાઓને મારી નાખવા માટે વપરાય છે

ü  તે ભોજનમાં શાકભાજી તરીકે પીરસવામાં આવે છે

ü  ટેટુનું ફળ બ્રહ્મ રસાયણ, દશમુલારિષ્ટ, ધનવંતરાઘૃતા, અમૃતરિષ્ટ, નારાયણ તૈલા, દંત્યાદ્યારિસ્તા, અને ચ્યવનપ્રશાનો સૌથી મહત્વપૂર્ણ ઘટક છે

ü  તે ભૂખ સુધારવા, ગળાના ચેપમાં, શ્વાસનળીનો સોજોમાં, હૃદયની બીમારી, કોઢ અને પીલ્સના ઉપચારમાં થાય છે

બીજ

ü  ટેટુનું બીજ ગળાની ગૂંચવણો અને ઉચું લોહીના દબાણની સારવારમાં થાય છે

ü  તે પાચન, સંધિવા અને ઘાની સારવારમાં વપરાય છે

ü  સ્ત્રીઓમાં ગર્ભધારણ પ્રેરિત કરવા માટે ટેટુનાં બીજનો પાઉડર આપવામાં આવે છે

ü  રાખ સાથે તેટુના વાંટેલા બીજમાંથી બનાવેલ લૂગદીને કાકડાનો સોજો, બળતરા, ચામડીના રોગો, મચકોડ અને ગરદન પર લગાવવામાં આવે છે.

ફૂલો

ü  ટેટુનાં વૃક્ષને બગીચામાં સુશોભન છોડ તરીકે ઉગાડવામાં આવે છે

ü  ટેટુનાં ફૂલોનું શાક બનાવી પીરસવામાં આવે છે

પાંદડા

ü  ટેટુનાં પાંદડાનો ઉપયોગ સર્પદંશ, ચાંદા, માથાનો દુખાવો અને મોટી બરોળની સારવાર માટે થાય છે

મૂળ

ü  ટેટુનાં મૂળમાં કબજિયાત, મૂત્રવર્ધક, પાચક, કામોત્તેજક, કફનાશક અને સંધિવા વિરોધી તત્વ હોય છે

મૂળ છાલ

ü  ટેટુનાં મૂળની છાલ પાચન તેમજ શક્તિવર્ધક દવામાં વપરાય છે

ü  તે ગરદનનું કેન્સર અને ક્ષય જેવા રોગથી લઈ મરડો, ઝાડા કમળો અને સંધિવાની જેવી સામાન્ય બીમારીમાં પણ ઉપયોગી છે

ડાળીની છાલ

ü  ટેટુની છાલનો ઉપયોગ ઢોરના ઘા પરના કીટાણુઓને મારી નાંખવા થાય છે

બાયોએક્ટિવ સંયોજનો:

 થોડીક વૈજ્ઞાનિક ભાષામાં વાત કરીએ તો ટેટુનું વૃક્ષ બાયોએક્ટિવ સંયોજનો પણ ધરાવે છે જેમકે, ફ્લેવોનોઇડ્સ, ગ્લાયકોસાઇડ્સ, આલ્કલોઇડ્સ, ટેનીન, ટેર્પેનોઇડ્સ, સેપોનિન, ફિનોલ્સ, ક્વિનાઇન્સ વગેરે છોડના વિવિધ ભાગોના નિષ્કર્ષણમાંથી મળી આવે છે. તેમાંથી ફ્લેવોનોઈડ્સ એ ટેટુના મુખ્ય સંગ્રહ ઘટકો છે જે છોડના લગભગ તમામ ભાગોમાં મળી શકે છે. આ તમામ ફ્લેવોનોઈડ્સમાં, બેકલીન એ ટેટુમાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતું અને પ્રભાવી સક્રિય સંયોજન છે. આ બેકલીન અને ટેટુના બીજા સક્રિય ઘટકો જેમાં ઓરોક્સિલિન A અને ક્રાઈસિન, કે જે ACE2 ને અવરોધિત કરીને COVID-19 ચેપ સામે કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે, આવુંપ્રાયોગિક અને મોલેક્યુલર ડોકીંગનાઅભ્યાસમાં જાણવા મળ્યું છે

 તો જોયુને મિત્રો, ટેટુએ એક અત્યંત મહત્વની ઔષધીય વનસ્પતિ છે, જે માનવ જાતિને પ્રાચીન કાળથી ઉપયોગમાં આવી રહી છે અને તે આજની કટોકટી પરિસ્થીતિમાં પણ ઉપયોગી બની રહી છે. તે ઘણી ગંભીર બીમારીઓ જેવી કે હૃદય રોગ, કેન્સર, સ્ત્રીરોગ, ન્યુમોનિયા અને શ્વસન સંબંધી તકલીફો સામે રક્ષણાત્મક સાબિત થઈ ચૂકી છે.

લેખક: કેયુર આર. રાઠોડ, રામ મયુર. એલ, ડૉ. પુરન ચંદ્રા (ICAR-NBPGR, નવી દિલ્હી), રિદ્ધિ પટેલ, ડૉ. સુમનકુમાર એસ. ઝા, ડૉ. બી એસ. દેસાઇ

વન્ય મહાવિદ્યાલય, નવસારી કૃષી યુનિવર્સિટી, નવસારી, ગુજરાત૩૯૬૪૫૦

મો.: 9662828239, 7046650343

ઈમેલ: rathodkeyur03@gmail.com

rammyuur132@gmail.com

 

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More