Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Horticulture

ફળો તથા શાકભાજીનો સંગ્રહ કેવી રીતે કરશો તે જાણો

Himanee Chauhan
Himanee Chauhan
store fruits and vegetables
store fruits and vegetables

સામાન્ય રીતે ફળો અને શાકભાજીને લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે લણણી પછી નીચા તાપમાને સંગ્રહ કરવામાંઆવે છે. જેથી તેની બગડવાની પ્રક્રિયા ને ધીમી પાડી લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય.

પરંતુ,કેટલાક ફળો તથા શાકભાજી જેવા કે ટામેટા, કેળા, કેરી,ચીકુ, પપૈયા, સીતાફળ વગેરેનો લાંબા સમય સુધી નીચા તાપમાને સંગ્રહ કરવાથી તેના પર વિપરીત/ખરાબ અસર થાય છે, જેને ચિલીંગ ઇન્જરી તરીકે ઓળખવામાં આવે છે. ચિલીંગ ઇન્જરી થવાથી ફળો તથા શાકભાજી ઉપર ડાઘા પડવા, શેલક્રેકિંગ (કોસ નું ફાટવું) થવું, અસમાન રીતે પાકવું,પાકવું નહિ, કાળું પડવું, દુર્ગંધ આવવી અથવા ફળ કે શાકભાજી ની સુગંધ ન આવવી વગેરે જેવી આડ અસર જોવા મળે છે.આમ,ફળ અને શાકભાજીને લણણી પછી યોગ્ય પ્રાથમિક પ્રક્રિયા કર્યા બાદ યોગ્ય તાપમાન અને ભેજવાળા વાતાવરણમાં સંગ્રહ કરવામાં ના આવે તો પણ તેનો બગાડ થાય છે.

આઈ સી એ આરના વર્ષ ૨૦૧૪ના વાર્ષિક અહેવાલ પ્રમાણે ફળો તથા શાકભાજીનો લણણી અને ત્યારબાદની પ્રક્રિયાઓમાં સરેરાશ ૧૫% કરતા વધુ બગાડ થાય છે. લણણી પછી ખેતપેદાશમાં રહેલી ફિલ્ડ હીટ (ગરમી) અને અયોગ્ય તાપમાને સંગ્રહ ઝડપથી બગાડ થવાના મુખ્ય કારણો છે. વૈજ્ઞાનિક સંશોધન પ્રમાણે ફળો તથા શાકભાજીનો લણણી પછી ૨૫ºસે તાપમાને ૧ કલાકમાં થતો બગાડ ૧ºસે તાપમાને એક અઠવાડિયામાં થતા બગાડ બરાબર થાય. આમ, ફળો તથા શાકભાજીને લણણી બાદ તરતજ શક્ય તેટલા ટૂંકા ગાળામાં ઠંડા કરી તેમાં રહેલી ફિલ્ડ હીટને દૂર કરી યોગ્ય તાપમાન અને ભેજવાળા વાતાવરણમાં સંગ્રહ કરવાથી બગાડ થતો અટકાવી, તેની ગુણવત્તા અને પોષક તત્વો જાળવી રાખી લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે. આ ફિલ્ડ હીટ (ગરમી)ને દૂર કરવા માટેની પદ્ધતિને પ્રીકૂલિંગ કહેવામાં આવે છે. આમ, પ્રીકૂલિંગ લણણી બાદની સૌપ્રથમ અને ખૂબજ અગત્યની પ્રક્રિયા છે.

ફાળો તથા શાકભાજીની લણણી પછીની માવજત માટેની પ્રક્રિયા

પ્રીકૂલિંગ કરવાની વિવિધ પદ્ધતિઓ અને તેની રીતો

ફળો તથા શાકભાજીનું લણણી કર્યા પછી તરતજ સોર્ટીંગ, ગ્રેડિંગ (વર્ગીકરણ) અને ક્લીનીંગ કરી પ્રીકૂલિંગ કરવું. સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી પ્રીકૂલિંગ પદ્ધતિની વિગતવાર રીત નીચે મુજબ છે. 

.) રૂમ કૂલિંગપદ્ધતિ ધ્વારા પ્રીકૂલિંગ કરવાની રીત:

સામાન્ય રીતે રૂમ કૂલિંગ પદ્ધતિ માટે કોલ્ડ સ્ટોરેજ રૂમ અથવા પ્રીકૂલિંગ રૂમનો ઉપયોગ થાય છે. લણણી બાદ ફળો/શાકભાજીને પ્લાસ્ટિકના કેરેટમાં અથવા ખોખા (ફાઈબર બોર્ડ/પ્લાસ્ટિક)માં મૂકી તેને કોલ્ડ સ્ટોરેજ રૂમ અથવા પ્રીકૂલિંગ રૂમમાં યોગ્ય રીતે ગોઠવીને મુકવામાં આવે છે. ત્યારબાદ, ઠંડી હવા ધ્વારા રૂમને જરૂરી તાપમાને ઠંડી કરવામાં આવે છે. આ પ્રીકૂલિંગ પદ્ધતિમાં સામાન્ય રીતે રૂમની હવાને ઠંડી કરવા માટે એરકન્ડીશનીંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. ફળ/શાકભાજીને યોગ્ય તાપમાને ઠંડા કરી કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ અથવાતો વેચાણ માટે મોકલવામાં આવે છે.

રૂમ કૂલિંગ પદ્ધતિધ્વારા પ્રીકૂલિંગ દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબત

  • ફળો તથા શાકભાજીને ઝડપથી ઠંડા કરવા માટે યોગ્ય પેકિંગ (હવાની અવર-જવર માટે કાણા ધરાવતા)માં પેક કરવા તેમજ તેની કોલ્ડ સ્ટોરેજ રૂમ અથવા પ્રીકૂલિંગ રૂમમાં ચોક્કસ રીતે ગોઠવણ કરવી જરૂરી છે.

રૂમ કૂલિંગ પદ્ધતિને લગતી મહત્વની બાબતો:

  • આ પ્રીકૂલિંગ પદ્ધતિ અન્ય પ્રીકૂલિંગ પદ્ધતિ કરતા પ્રમાણમાં ધીમી હોવાથી પ્રીકૂલિંગ કરવામાં વધારે સમય લાગે છે.
  • રૂમ કૂલિંગ પદ્ધતિ ધ્વારા પ્રીકૂલિંગ માટે સામાન્ય કોલ્ડ સ્ટોરેજ કરતા ત્રણ ગણી ક્ષમતા વાળી એરકન્ડીશનીંગ સિસ્ટમની જરૂર પડે છે.
  • વિવિધ વૈજ્ઞાનિક અભ્યાસ પ્રમાણે આ પ્રીકૂલિંગ પદ્ધતિ ટામેટા, આમળા, કેળા, કેરી, ગાજર, ચોળી, ફણસી, તુવેર, કાકડી, બીટ, સુકી ડુંગળી, મરચાં, બટાકા, કોળું, લસણ વગેરે જેવા ફળો અને શાકભાજીના પ્રીકૂલિંગ માટે ઉપયોગમાં લઇ શકાય છે.

.) હાયડ્રો કૂલિંગ પદ્ધતિ ધ્વારા પ્રીકૂલિંગ કરવાની રીત:

જે ફળો/શાકભાજીનું હાયડ્રોકૂલિંગ પદ્ધતિ ધ્વારા પ્રીકૂલિંગ કરવાનું હોય તે ફળો/શાકભાજીપાણીના સીધા સંપર્કથી નુકશાન ન થાય તેવા હોવા જોઈએ.હાયડ્રોકૂલિંગ પદ્ધતિ ધ્વારા પ્રીકૂલિંગ કરવા માટે ફળો/શાકભાજીને પ્લાસ્ટિકના કેરેટમાં/કાણા વાળા પેકેજીંગ મટીરીયલમાં મૂકી અથવા કન્વેયર બેલ્ટ પર પાથરી ઠંડા પાણીનો યોગ્ય પધ્ધતિ ધ્વાર છંટકાવ કરી અથવા ઠંડા પાણીમાં ડુબાડી યોગ્ય તાપમાને ઠંડા કરવામાં આવે છે. ત્યારબાદ,કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ અથવાતો વેચાણ માટે મોકલવામાં આવે છે.

હાયડ્રોકૂલિંગ પદ્ધતિધ્વારા પ્રીકૂલિંગ દરમિયાનધ્યાનમાં રાખવાની બાબત

  • હાયડ્રોકૂલિંગ પદ્ધતિ જે ફળો/શાકભાજીને વેચાણ પહેલા ધોવાની જરૂર પડતી હોય છે, ખાસ તેવા ફળો/શાકભાજી માટે વાપરવા ભલામણ કરવામાં આવે છે.

હાયડ્રો કૂલિંગપદ્ધતિને લગતી મહત્વની બાબતો:

  • હાયડ્રો કૂલિંગ અન્ય પ્રીકૂલિંગ પદ્ધતિ કરતા પ્રમાણમાં ખૂબજ ઝડપી હોવાથી પ્રીકૂલિંગ કરવામાં ઓછો સમય લાગે છે.
  • હાયડ્રોકૂલિંગ પદ્ધતિ માટે વપરાતા પાણીનો હાયડ્રોકૂલિંગ માટે ફરીથી ઉપયોગ (રિયુઝ) કરવામાં આવતો હોવાથી તેમાં ક્લોરીન (લગભગ૧૦૦ પીપીએમ) અથવા સોડીયમ હાઈપોક્લોરાયડ (લગભગ ૧૦૦ પીપીએમ) જેવા જંતુનાશક દ્રવ્યો ભેળવવા આવશ્યક છે.
  • વિવિધ વૈજ્ઞાનિક અભ્યાસ પ્રમાણે આ પ્રીકૂલિંગ પદ્ધતિ કેરી, દાડમ, પપૈયા, કેરી,આમળા,મકાઈ, ટામેટા,ગાજર, કાકડી વગેરે જેવા ફળો તથા શાકભાજીના પ્રીકૂલિંગ માટે ઉપયોગમાં લઇ શકાય છે.

.) ફોર્સ્ડ ઍર કૂલિંગપદ્ધતિ ધ્વારા પ્રીકૂલિંગ કરવાની રીત:

ફળો/શાકભાજીને પ્લાસ્ટિકના કેરેટમાં અથવા યોગ્ય કાણા વાળા ખોખા (ફાઈબર બોર્ડ/પ્લાસ્ટિક)માં મૂકી તેને ફોર્સ્ડ ઍર કૂલિંગ રૂમમાં ચોક્કસ રીતે ગોઠવવા. ત્યારબાદ, એક તરફથી ઉચા દબાણે ઠંડી હવા ફેકવામાં આવે છે. આમ, જે તરફથી હવા ફેકવામાં આવતી હોય તેની બીજી તરફ હવાના ઓછા દબાણના કારણે ઝડપથી પ્રીકૂલિંગ થાય છે.

ફોર્સ્ડ ઍર કૂલિંગ પદ્ધતિ ધ્વારા પ્રીકૂલિંગ દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો:

  • ફળો તથા શાકભાજીને ઝડપથી ઠંડા કરવા માટે યોગ્ય પેકિંગ (હવાની અવર-જવર માટે કાણા ધરાવતા) માં પેક કરવા.
  • ફોર્સ્ડ ઍર કૂલિંગ રૂમમાં તેની ગોઠવણ હવાના પ્રસરણ ને અનુરૂપ કરવી જરૂરી છે.

ફોર્સ્ડ ઍર કૂલિંગપદ્ધતિને લગતી મહત્વની બાબતો:

  • ફોર્સ્ડ ઍર કૂલિંગ પદ્ધતિ રૂમ કૂલિંગપદ્ધતિકરતા ૪ થી ૧૦ ગણી ઝડપી છે.
  • પ્રીકૂલિંગ (ઠંડુ થવાનો) દર ઉચા દબાણે ફેકવામાં આવતી ઠંડી હવાની ઝડપ અને તાપમાન પર આધાર રાખે છે.
  • ઠંડી હવાનું યોગ્ય તાપમાન જાળવી રાખવું જેથી ફળો તથા શાકભાજીને ચિલીંગ ઇન્જરી ના થાય અને પ્રીકૂલિંગ (ઠંડુ થવાનો) દર જળવાઈ રહે.
  • જયારે ઝડપી પ્રીકૂલિંગ ઈચ્છનીય હોય ત્યારે આ પ્રીકૂલિંગ પદ્ધતિ વધુ ખર્ચાળ નીવડે છે.
  • વિવિધ વૈજ્ઞાનિક અભ્યાસ પ્રમાણે આ પ્રીકૂલિંગ પદ્ધતિ ફુલાવર, ચોળી, ફણસી, કાકડી, મશરૂમ, ટામેટા, તુવેર, વટાણા, બટાકા, કોળું, લસણ, મરચાં, ગાજર, કાકડી, પપૈયા, આમળા, કેરી, સીતાફળ વગેરે જેવા ફળો તથા શાકભાજીના પ્રીકૂલિંગ માટે ઉપયોગમાં લઇ શકાય છે.

 

ફળો તથા શાકભાજીમાં પ્રીકૂલિંગથી થતા ફાયદા

  • પ્રીકૂલિંગ ધ્વારા ફળો તથા શાકભાજીનો શ્વસન (રેસ્પીરેશન રેટ) દર ધીમો કરી શકાય છે.
  • ફળોનો પાકવાનો દર ધીમો થાય છે, જેથી લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે.
  • ફળો તથા શાકભાજી લણણી બાદ ઊંચા તાપમાને રહેતા બાષ્પીભવન થવાથી ચીમળાઈ જાય છે. પ્રીકૂલિંગ ધ્વારા ચીમળાવાની પ્રક્રિયા રોકી/અટકાવી/ધીમી કરી શકાય છે.
  • ફળો તથા શાકભાજીના પ્રીકૂલિંગ ધ્વારા સુક્ષ્મજીવાણુંની પ્રક્રિયા અટકાવી શકાયઅને જેથી બગાડ થતો અટકે છે.

આમ, પ્રીકૂલિંગ ધ્વારા ફળો તથા શાકભાજીની ગુણવત્તા, પોષક તત્વો અને દેખાવ લાંબા સમય સુધી જાળવી શકાય છે,જેથી તેનો બજારમાં પોષણક્ષમ ભાવ મળી શકે.

ફળો તથા શાકભાજીનો સંગ્રહ

વૈજ્ઞાનિક અભ્યાસ પ્રમાણે વિવિધ ફળો તથા શાકભાજીને નીચે આપેલ કોષ્ટકમાં જણાવેલ તાપમાન અને ભેજવાળા વાતાવરણમાં સંગ્રહ કરવાથી તેની ગુણવત્તા અને પોષકતત્વો જાળવી રાખી લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે. જેથી બજારમાં જરૂરીયાત પ્રમાણે પુરવઠો પૂરો પાડી પોષણક્ષમ ભાવ મેળવી શકાય.

આમ, ઉપર આપેલ કોષ્ટક પરથી માલુમ પડે છે કે વિવિધ ફાળો તથા શાકભાજીનો તેમાં રહેલા પોષક તત્વો જાળવી રાખી લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે પ્રીકૂલિંગ બાદ જે તે ફળ અથવા શાકભાજીને અનુકુળ તાપમાન અને ભેજ વાળા વાતાવરણમાં સંગ્રહ કરવો ખુબજ જરૂરી છે.

આ પણ વાંચો : કેસર છે અધધ મોંઘુ છતાં કેમ છે બજારમાં તેની પુષ્કળ માંગ, જુઓ કેસર વિશે ક્યારેય ન સાંભળેલી વાતો

આ પણ વાંચો : અમૂલ બાદ બરોડા ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો ઝિંક્યો, સામાન્ય લોકોને ભારે પરેશાની

 

 

Share your comments

Subscribe Magazine

More on Horticulture

More