Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

કઠોળના પાકોમાં થતા રોગો અને તેનું વ્યવસ્થાપન

કઠોળ પાકોમાં થતા રોગો વિશે આજે આપણે માહિતી મેળવીશું અને તેનું વ્યવસ્થાપન કેવી રીતે કરવુ જોઈએ તે અંગે વિસ્તૃત માહિતી જાણીશુ. જે તમને મદદરૂપ થશે.

KJ Staff
KJ Staff
Diseases Of Pulses
Diseases Of Pulses

(૧) સૂકારો (વિલ્ટ):

પાક: તુવેર, ચણા


લક્ષણો:

આ રોગ ફ્યૂઝેરીયમ નામની જમીનજન્ય ફૂગથી થાય છે. આ રોગના લક્ષણો સામાન્ય રીતે ફૂલ અને શિંગ અવસ્થાએ જોવા મળે છે. ફૂગ છોડના મૂળ દ્વારા જલવાહીનીમાં દાખલ થઈને પાણી અને ખોરાકનું આવન જાવન રોકી દે છે. જેને કારણે છોડ નીચેના પાનનીકિનારીથી ધીરે ધીરે પીળાપડતાજાયછે,ત્યારબાદ ઉપરના ભાગમાં અસર કરે છે. ધીરે ધીરે આખો છોડ પીળો પડી સૂકાઈ જાય છે. આવા રોગિષ્ઠ છોડના મૂળને ચીરીને જોતાં તેની જલવાહીનીઓ બદામી અને કાળી પડી ગયેલી જણાય છે. જમીનમાં ભેજનું વધુ પ્રમાણ અને ઊંચું ઉષ્ણતામાન રોગને સાનુકૂળ હોય છે. અનુકૂળ વાતાવરણ મળતા બહુજ મોટી સંખ્યામાં છોડ સૂકાઈ જાય છે.

વ્યવસ્થાપન:

ઉનાળામાં ઊંડી ખેડ કરવી અને મહિના માટે જમીનને ૨૫ માઈક્રોનની પારદર્શક પોલીથીન શીટના આવરણ દ્વારા તપાવવી જેથી જમીનમાં રહેલ ફૂગ અને કીટકો નાશ પામે.

જમીનનું સૂર્યોકરણ કરવું.

દર ત્રણ વર્ષે જુવા૨ કે દિવેલા જેવા પાક સાથે ફેરબદલી કરવી.

રોગ પ્રતિકારક જાતો જેવી કે ગુજરાત તુવર -૧૦૬ (માહી), એજીટી-૨ તેમજ વૈશાલીનો ઉપયોગ કરવો.

જમીન તૈયાર કરતી વખતે ૧૦ ટન પ્રેસમડ અથવા ટ્રાયકોડર્મા ફૂગની વૃદ્ધિ કરેલ હોય તેવું છાણીયું ખાતર ૨ ટન પ્રતિ હેક્ટર મુજબ આપવું.

રોગની અટકાયત માટે કાર્બોક્ષીન (૩૭.૫ %) + થાયરમ (૩૭.૫%) ૩ ગ્રામ કિ.ગ્રા બીજ પ્રમાણે બીજ માવજત આપવી

ટ્રાયકોડર્મા વીરીડી (૨ X ૧૦ સીએફયુ/ગ્રામ) ૧૦ ગ્રામ પ્રમાણે બીજ માવજત આપી વાવણી કરવી અને પ્રતિ હેકટરે ૨.૫ કિ.ગ્રા. ૫૦૦ કિ.ગ્રા. છાંણિયા ખાતર સાથે ભેળવી વાવણી સમયે ચાસમાં આપવાની ભલામણ કરવામાં આવે છે.

ટેબુકોનાઝોલ ૫.૪% ની ૦.૨૪ ગ્રામ/૧૦ કિલો બીજ પ્રમાણે માવજત આપવી

ચણાની રોગ પ્રતિકારક જાતો - અવરોધી, ઉદય અને પુસા- ૩૬૨

(૨) ભૂકી છારો:


પાક: તુવેર, મગ, અડદ, મઠ અને ચોળા


લક્ષણો:

આ રોગને સૂકું અને ઠંડું હવામાન વધારે અનુકૂળ આવે છે. રોગનો ફેલાવો પવન દ્વારા થાય છે. રોગની શરૂઆતમાં પાન પર રાખોડી અને આછા સફેદ રંગના ધાબા અને ત્યારબાદ સફેદ પાઉડરની છારી જોવા મળે છે. નવા કે નાના છોડમાં ઉપદ્રવથી છોડનો વિકાસ અટકે છે.


વ્યવસ્થાપન:


વાવેતર માટે રોગ પ્રતિકારક જાતોની પસંદગી કરવી તેમજ મોડી વાવણી કરવી.
કાર્બેન્ડાઝીમ ૧૦ ગ્રામ અથવા વેટેબલ સલ્ફર ૧૦ ગ્રામ અથવા ટ્રાયકોડર્મા ૧૦ ગ્રામ પ્રતિ લિટર.

પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.


(૩) પીળો પંચરંગીયો:


પાક: મગ, અડદ, ચોળા અને મઠ


લક્ષણોઃ


વિષાણુથી થતો આ રોગ પાકની કોઈપણ અવસ્થામાં આવે છે. શરૂઆતની અવસ્થામાં નવા પાન પર પીળા રંગના ટપકા જોવા મળે છે, ત્યારબાદ જેમ નવા પાન આવતા જાય તેમ તેના ઉપર લીલા પીળા રંગના ધાબા બનતા જાય છે. કુમળા છોડ નબળા તેમજ ઠીંગણા રહે છે. રોગ લાગેલ છોડ પર શીંગો ઓછી બેસે છે અને દાણા પોચા રહે છે. આ રોગનો ફેલાવો સફેદ માખીથી થાય છે.


વ્યવસ્થાપન :

રોગપ્રતિકારક જાતો ગુજરાત આણંદ ઉરદબીન(અડદ)- ૪ (શ્યામલ), ગુજરાત આણંદ મગ- ૮ (હરા મોતી), ગુજરાત આણંદ મગ- ૫, જીએએમ-૫, જીએનએમ-૬, જીએમ-૭ ની વાવણી કરવી.

થાયોમેથોક્ઝામ ૩૫ એફએસ ૧૦ મિ.લી કિ.ગ્રા બીજ પ્રમાણે માવજત આપી વાવણી કરવી. ત્યારબાદ થાયોમેથોક્ઝામ ૨૫ ડબલ્યુજી (૪ ગ્રામ ૧૦ લિટર પાણી) નો પ્રથમ છંટકાવ વાવેતરપછી ૩૦ દિવસે અને બીજો છંટકાવ ૪૫ દિવસે કરવાથી ચૂસીયાં પ્રકારની જીવાતોનું નિયંત્રણ થાય છે અને રોગ ફેલાતો અટકે છે.

સફેદ માખીના નિયંત્રણ માટે શોષક પ્રકારની જંતુનાશકો જેવી કે થાયોમેથોક્ઝામ ૨૫ ડબલ્યુજી ૨ ગ્રામ અથવા ઇમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૨ મિ.લી. ૧૦ લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો.

શેઢા પાળા પરના નીંદણનો નાશ કરવો.

(૪) સરકોસ્પોરાથી થતા પાનના ટપકા 

પાક: મગ, અડદ, ચોળા, મઠ અને તુવેર


લક્ષણો:

આ રોગ સરકોસ્પોરા નામની ફૂગની જુદીજુદી પ્રજાતિઓથી થાય છે. ઊંચું ઉષ્ણતામાન અને ભેજવાળા વાતાવરણમાં રોગ ઝડપથી ફેલાય છે. રોગની- શરૂઆતમાં અનિયમિત આકારના નાના મોટા ટપકા પાન ઉપર જોવા મળે છે. અનુકૂળ વાતાવરણ મળતા અસંખ્ય ટપકા ભેગા થાય છે અને છેવટે પાંદડા કોહવાથી કાણા પડી ખરી પડે છે.


વ્યવસ્થાપન:


  • થાયરમ, કાર્બેન્ડાઝીમ, મેન્કોઝેબ પૈકી ગમે તે એક ફૂગનાશક ૨ થી ૩ ગ્રામ/કિ.ગ્રા. બીજ પ્રમાણે બીજ પટ આપીને વાવણી કરવી
  •  મેન્કોઝેબ ૦.૨૫ % (૩૦ ગ્રામ/૧૦ લિટર પાણીમાં) અથવા કાર્બેન્ડાઝીમ ૦.૦૨૫ % (૫ ગ્રામ/૧૦ લિટર પાણીમાં) ૧૨ થી ૧૫ દિવસના અંતરે ત્રણ છંટકાવ કરવા.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                 

(૫) વંધ્યત્વનો રોગ:

પાક: તુવેર                                                                                                                                                    

લક્ષણો:

રોગિષ્ઠ છોડના પાન ઝૂમખામાં, કદમાં નાના અને આછો લીલાશ પડતા હોય છે. છોડની ટોચ ઘટાદાર તેમજ એક જગ્યાએથી વધુ ડાળીઓવાળો દેખાય છે. વધુ ઉપદ્રવમાં છોડ ફૂલ કે શિંગો વગરનો જોવા મળે છે. આમ આ રોગને શિંગો લાગતી ન હોવાથી તેને તુવેરનો ‘વાંઝીયો’ કે ‘વંધ્યત્વ’ના રોગ તરીકે ઓળખવામાં આવે છે.


નિયંત્રણ:

ખેતરના શેઢા પાળા સાફ રાખવા તેમજ પાછલા પાકના અવશેષોનો નાશ કરવો.
બે હાર વચ્ચે ૩૦ થી ૪૦ સે.મી. અંતર રાખવું.

રોગ પ્રતિકારક જાત એજીટી-૨ અને વૈશાલીનો ઉપયોગ કરવો. મધ્યમ રોગ પ્રતિકારક જાત ગુજરાત તુવર -૧૦૬ (માહી) નું વાવેતર કરવું.

શરૂઆતમાં ઓછા ઉપદ્રવમાં રોગિષ્ઠ છોડનો ઉપાડીને નાશ કરવો.

આ રોગનો ફેલાવો પાનકથીરીથી થતો હોવાથી જંતુનાશક દવા જેવી કે ડાયકોફોલ ૧૮.૫ ઇસી ૧૫-૨૫ મિ. લિ./ ૧૦ લિટર પાણીમાં અથવા ઇથીયોન ૫૦ ઇસી ૧૦ મિ. લિ./ ૧૦ લિટર પાણીમાં અથવા ફેનાઝાક્વીન ૧૦ ઇસી ૧૦ મિ. લિ./ ૧૦ લિટર પાણીમાં છંટકાવ કરવો.

(૬) થડનો કોહવારો
પાક: તુવેર

લક્ષણો:

ધરૂ અવસ્થામાં આ રોગના ઉપદ્રવથી છોડ મરી જાય છે. શરૂઆતની અવસ્થામાં પાન પર પાણી પોચા બદામી અને કાળા રંગના ડાઘા પડે છે. આવા ડાઘા પાનનીદાંડી અને થડ ઉપર પણ જોવા મળે છે. અસરગ્રસ્ત પાન ઝાંખા પડીને સૂકાય છે. થડ પર પણ કાળાશ પડતા ડાઘા જોવા મળે છે અને ત્યાં ગાંઠોનો વિકાસ થાય છે. ઉપદ્રવ વધતાં છોડ પવનને લીધે ભાગી જાય છે. જમીનમાં ભેજનું પ્રમાણ વધુ અને ઊંચું ઉષ્ણતામાન તેમજ સતત વરસાદવાળું વાતાવરણ આ રોગને અનુકૂળ  આવે છે.

 

વ્યવસ્થાપન:


• બીજને રીડોમીલ (૩ ગ્રામ/કિ.ગ્રા.) અથવા મેટાલેક્ઝીલ ૩૫ એસડી ૩ ગ્રામ/કિ.ગ્રા. બીજનો પટ આપવો.
• વાવણીના સમયમાં ફેરફાર કરવાથી રોગને આવતો રોકી શકાય છે.
• ટ્રાયકોડર્મા વીરીડી (૨ X ૧૦ સીએફયુ/ગ્રામ) ૧૦ ગ્રામ પ્રમાણે બીજ માવજત આપી વાવણી કરવી

રોગ પ્રતિકારક જાત બી.ડી.એન-૧ અને આઇ.સી.પી.એલ - ૧૫૦ નો ઉપયોગ કરવો.

(૭) ગેરુ:
પાક: ચણા


લક્ષણો:

ફૂગથી થતો આ રોગ ચણાનું વાવેતર કરતા અમુક વિસ્તારોમાં જોવા મળે છે. રોગની શરૂઆતમાં પાનની સપાટી ઉપર ટાંકણીના માથા જેવડા નાના ગેરુના ઉપસેલા ટપકાં દેખાય છે અને ટપકાની બરાબર ઉપરની સપાટી પીળી પડે છે. વખત જતાં ગેરુના ટપકા ઉપરની સપાટીએ અને જો રોગનો ઉપદ્રવ વધુ હોય તો છોડની દાંડી ઉપર પણ જોવા મળે છે. રોગના લીધે દાણાની ગુણવત્તામાં તથા ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે.


વ્યવસ્થાપન:

પાક લીધા પછી તેનાં જડીયાં-મૂળીયાં વીણી લઇ તેનો નાશ કરવો.

લીમડાના પાણીનો અર્ક ૧ ટકા દ્રાવણ મુજબ વાવણી બાદ ૩૦, ૫૦ અને ૭૦ દિવસનો છંટકાવ કરવાથી રોગનું નિયંત્રણ કરી શકાય છે.

રોગની શરૂઆત થાય કે તરત હેક્ઝાકોનાઝોલ ૫ ઈસી (૧૦ મિ.લી ૧૦ લિટર પાણીમાં) ૧૨ થી ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા.

(૮) કાલવ્રણ:
પાક: મગ, અળદ, ચોળા અને મઠ


લક્ષણો:

ફૂગથી થતા આ રોગની શરૂઆતમાં પાન અને શીંગો પર રતાશ પડતા ઘેરા રંગના સાધારણ ગોળ ટપકાં જોવા મળે છે. ઉપદ્રવ વધતાં પાકતી અવસ્થાએ આ ટપકાં ઘાટા કથ્થઈ રંગના થઇ ભેગા થાય છે અને છેવટે પાન સૂકાઈને ખરી પડે છે. રોગનું આક્રમણ વધતા આ રોગ દાણા અને શીંગો પર લાગે છે. હૂંફાળું અને ભેજવાળું વાતાવરણ આ રોગને અનુકૂળ આવે છે.

 

વ્યવસ્થાપન:

રોગમુક્ત બીજની પસંદગી કરવી.

બિયારણને કાર્બેન્ડાઝીમ ૨ ગ્રામ/કિ.ગ્રા.નો પટ આપવો.

પાકની ફેરબદલી કરવી.

ઊભા પાકમાં કાર્બેન્ડાઝીમ ૫૦ ટકા (૫ ગ્રામ/૧૦ લિટર)નો છંટકાવ કરવો.

ઊભા પાકમાં ટેબુકોનાઝોલ ૨૫.૯% ઈસી (૧૫ મિ.લિ/ ૧૦ લિટર)નો છંટકાવ કરવો.

 

(૯) મૂળનો કોહવારો
પાક: ચણા

લક્ષણો:

જમીનજન્ય ફૂગથી થતો આ રોગ પાકના જીવનકાળની કોઈપણ અવસ્થાએ જોવા મળે છે. આ રોગનું ખાસ લક્ષણ એ છે કે, છોડ એકાએક ચીમળાઈ જાય છે. ખેતરમાં રોગ ગોળાકાર વિસ્તારમાં વધે છે જેને ‘ફૂંડી’ કેહવાય છે. આ રોગમાં જમીનના સ્તરે કાળાશ પડતા ડાઘા જોવા મળે છે. રોગિષ્ઠ છોડ સહેલાઇથી ખેંચીને કાઢી શકાય છે. આવા છોડનું નિરીક્ષણ કરતાં મૂળ સડેલા માલૂમ પડે છે. આદીમૂળ સિવાયના અન્ય મૂળ વધારે કોહવાયેલા તેમજ તૂટી ગયેલ દેખાય છે અને છોડ મૂળથી જુદો પડી સૂકાઈ જાય છે. આદીમૂળ ભીનાં અને ચીકણા હોય છે અને તેની છાલ પીળી અને વિચ્છેદિત જણાય છે. રોગની તીવ્રતા વધારે હોય ત્યારે છાલ બદામી અને કથ્થઈ રંગની થઈ જાય છે. સામાન્ય રીતે પાણીનો ભરાવો હોય તેવા વિસ્તારોમાં અથવા વધુ ભેજવાળી પરિસ્થિતિમાં આ રોગ વધુ જોવા મળે છે.

વ્યવસ્થાપન:

પાક વાવતાં પેહલાં દિવેલીનો ખોળ હેક્ટરે ૧૦૦૦ કિ.ગ્રા. પ્રમાણે જમીનમાં આપવો.

બિયારણને કાર્બેન્ડાઝીમ + થાયરમ ૧૫ % એસસી ૩ ગ્રામ/કિ.ગ્રા. દવાનો પટ આપવો.

ટ્રાયકોડર્મા વીરીડી (૨ X ૧૦ સીએફયુ/ગ્રામ) પ્રતિ હેક્ટરે ૨.૫ કિ.ગ્રા. ૫૦૦ કિ.ગ્રા. છાંણિયા ખાતર સાથે ભેળવી વાવણી સમયે ચાસમાં આપવું.

જરૂર જણાયે પૂરતા પ્રમાણમાં પિયત આપવું.

 

પી. બી. પટેલ, જે. વી. પટેલ અને એમ. આર. થેસિયા

વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ- ૩૮૮ ૧૧૦.

 

આ પણ વાંચો : બટાકાના રોગો અને નિયંત્રણ

આ પણ વાંચો : તમારાં પાક અને તેના મૂલ્યવર્ધક નિપજની જાળવણી કેવી રીતે કરશો ?

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More