Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

સફેદ સોનું- કપાસના પાકમાં રોગ નિયંત્રણ

વિશ્વકક્ષાએ ભારત કપાસના વિસ્તાર અને ઉત્પાદનમાં અનુક્રમે પ્રથમ અને બીજુ સ્થાન ધરાવે છે. કપાસએ આપણા દેશમાં ખાસ કરી સૌરાષ્ટ્રમાં વવાતો અગત્યનો રોકડીયો પાક છે. જે ખેડૂતો માટે ‘સફેદ સોનું’ તરીકે ઓળખાય છે. આ અગત્યના પાકમાં અસર કરતા ઘણા પરિબળોમાંનો એક તેમાં આવતા રોગો છે. કપાસના પાકમાં વિસ્તાર મુજબ ઘણા રોગો આવતા હોય છે તે પૈકી ગુજરાતમાં ૪ થી ૫ રોગો મુખ્ય છે. બાકીના રોગો ખાસ ઉલ્લેખનીય નથી પરંતુ વિષમ પરિસ્થિતિમાં તેને અનુકૂળ હવામાન આવી જાય તો થવાની શક્યતાઓ રહે છે. આવા રોગોની ઓળખ અને થવાનું કારણ સંપૂર્ણપણે જાણતા હોઈએ તોજ તેના નિયંત્રણ માટે યોગ્ય અને સમયસર પગલાઓ લઇ શકાય. કપાસના મુખ્ય રોગો નીચે મુજબ છે.

KJ Staff
KJ Staff
cotton
cotton

વિશ્વકક્ષાએ ભારત કપાસના વિસ્તાર અને ઉત્પાદનમાં અનુક્રમે પ્રથમ અને બીજુ સ્થાન ધરાવે છે. કપાસએ આપણા દેશમાં ખાસ કરી સૌરાષ્ટ્રમાં વવાતો અગત્યનો રોકડીયો પાક છે. જે ખેડૂતો માટે  ‘સફેદ સોનું’ તરીકે ઓળખાય છે. આ અગત્યના પાકમાં અસર કરતા ઘણા પરિબળોમાંનો એક તેમાં આવતા રોગો છે. કપાસના પાકમાં વિસ્તાર મુજબ ઘણા રોગો આવતા હોય છે તે પૈકી ગુજરાતમાં ૪ થી ૫ રોગો મુખ્ય છે. બાકીના રોગો ખાસ ઉલ્લેખનીય નથી પરંતુ વિષમ પરિસ્થિતિમાં તેને અનુકૂળ હવામાન આવી જાય તો થવાની શક્યતાઓ રહે છે. આવા રોગોની ઓળખ અને થવાનું કારણ સંપૂર્ણપણે જાણતા હોઈએ તોજ તેના નિયંત્રણ માટે યોગ્ય અને સમયસર પગલાઓ લઇ શકાય. કપાસના મુખ્ય રોગો નીચે મુજબ છે.

) ખૂણીયા ટપકાં:-

રોગકારક:- આ રોગ ઝેન્થોમોનસ એઝેનોપોડીસ નામના જીવાણુંથી થાય છે.

લક્ષણો:- આ રોગ છોડના જમીન ઉપરના બધા ભાગમાં જોવા મળે છે. આ રોગનું પ્રથમ લક્ષણ કુમળા બીજપત્ર ઉપર દેખાય છે. શરૂઆતમાં પાણી પોચા વર્તુળાકાર ઘાટા લીલા રંગના ટપકાં દેખાય છે અને ત્યાર પછી એ વધતા અનિયમિત આકાર ધારણ કરે છે અને બદામી અથવા કાળા રંગના થાય છે. ધરુંના થડ ઉપર લાંબા ચાઠાઓ થતા ધરું ધબડાઈને મારી જાય છે. પાન ઉપર નીચલી સપાટી એ અને ત્યાર પછી ઉપલી સપાટી ઉપર પ્રથમ કાળાશ પડતા લીલા ચાંદા પડે છે. પછી તે બદામી અને કાળા રંગમાં ફેરવાય છે. તે મોટે ભાગે નસોમાંથી આગળ વધતા નથી તેથી તેનો દેખાવ ખૂણા વાળો બને છે. રોગ વધતા ડાળીઓ નમી પડે છે. જેને કાળીયો તરીકે ઓળખાય છે. રોગની તીવ્રતા ઉપપુષ્પપત્રો અને જીંડવા ઉપર પણ દેખાય છે. નાના જીંડવા આ રોગથી ખરી જાય છે અને જે ખરી નથી જતા તે વહેલા ફાટે છે. રૂની ગુણવત્તા બગડે છે અને એ જીંડવાનું બી રોગયુકત બનતું હોય છે.

નિયંત્રણ:-

  • આ રોગ બીજથી ફેલાતો હોવાથી પ્રથમ તો બીજની માવજત આપવી અગત્યની છે. બીજ માવજત માટે ૧૦૦ મી.લી. ગંધકનો તેજાબ ૧ કિ.ગ્રા. બીજમાં નાખી બે થી ત્રણ મિનીટ બીજને સતત હલાવી બીજ પરની રુંવાટી દુર થતા સાદા પાણીમાં ૩-૪ વખત ધોઈ તેજાબની અસર દુર કરવી. ત્યારબાદ બીજને છાયડામાં સુકવી થાયરમ (૨ થી ૩ ગ્રામ/કિ.ગ્રા. બીજ) દવાનો પટ આપી વાવેતર કરવું.
  • સ્યુડોમોનસ ફ્લુરોસેન્સ (સ્ટ્રેઇન-૧) ૧૦ ગ્રામ દવા એક કિ.ગ્રા. બીજને માવજત આપી વાવેતર કરવું અને વાવેતર પછી ૦.૨% (૨૦ ગ્રામ/ ૧૦ લીટર પાણીમાં) નો ૩૦ દિવસના અંતરે ૩ વખત છંટકાવ કરવા. બીજને સ્ટ્રેપટોસાયક્લીન ૦૧% (૧ ગ્રામ/૧૦ લીટર પાણીમાં) ના દ્રાવણમાં ૨૦ મિનીટ સુધી બોળી રાખવાથી પણ પ્રાથમિક નિયંત્રણ સારી રીતે થઇ શકે છે.
  • સ્ટ્રેપટોસાયક્લીન ૦૧% (૧ ગ્રામ) + કોપર ઓક્ઝીક્લોરાઈડ ૦.૨% (૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં) નું મિશ્રણ કરી ૧૫ દિવસના અંતરે ૨ થી ૩ વખત છાંટવું.
  • પાકની કાપણી બાદ પણ, ડાળી, જીંડવા વગેરે રોગીસ્ટ અવશેષોને બાળી નાખવા. અને શક્ય હોય તો રોગ પ્રતિકારક જાતોનું વાવેતર કરવું.

.) બળિયા ટપકાંનો રોગ:-

રોગકારક:- આ રોગ અલ્ટરનેરીયા મેક્રોસ્પોરા નામની ફૂગથી થાયછે. આ બીજ જન્ય રોગ છે.

લક્ષણો:-  આ રોગના ખાસ લક્ષણોમાં સામાન્યપણે પાકટ અને નીચેના પાન પર નાના બદામી, ગોળ કે અનિયમિત આકારના ટપકાંઓ જે રોગ વધતા જતા પાછળથી આકારમાં વધીને કેન્દ્રીય ભૂત વર્તુળોવાળા અને મોટે ભાગે કેન્દ્રમાં તીરાડવાળા ચાઠાઓ ઉત્પન કરે છે. ચાઠાનો મધ્યભાગ રાખોડી અને કિનારીએથી બદામી ઘેરા રંગની જોવા મળે છે. 

નિયંત્રણ:-

  • ખુણીયા ટપકાંની જેમ બીજને થાયરમ દવાની માવજત આપવી.
  • પ્રાથમિક ચેપ દેખાય કે તરતજ ૦.૨% ઝાયનેબ, મેન્કોઝેબ (૨૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં) અથવા કોપર ઓક્ઝીક્લોરાઈડ (૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં) પૈકી કોઈપણ એક દવાનો છંટકાવ ૨ થી ૩ વખત ૧૫ દિવસના અંતરે કરવાથી રોગને કાબુમાં લઇ શકાય છે.
  • ફૂગનાશક મિશ્રણ કેપ્ટન ૭૦% + હેક્ઝાકોનાઝોલ ૫% ૭૫૦ ગ્રામ પ્રતિ હેક્ટર (૧૫ ગ્રામ ૧૦ લીટર પાણીમાં) પ્રમાણે ૩ છંટકાવ રોગની શરૂઆત થાય કે તરત જ ૧૫ દિવસના અંતરે કરવા.
  • રોગીસ્ટ અવશેષો દુર કરવા.

.) મૂળખાઈ (મૂળનો સડો) :-

રોગકારક:- આ રોગ રાઈઝોક્ટોનિયા સોલાની, રાઈઝોક્ટોનિયા બટાટીકોલા તથા મેક્રોફોમીના ફેઝીઓલાય નામની જમીન જન્ય ફૂગ થી થતો હોય છે.

લક્ષણ:- આ રોગ ખાસ કરીને ઉત્તર ગુજરાતની ગોરાળું અને રેતાળ જમીનમાં ઉગ્ર સ્વરૂપે જોવા મળે છે. જયારે કાળી જમીનમાં આ રોગનું પ્રમાણ નહીવત જણાય છે. ૨૫o  થી ૩૯o  સે. ઉષ્ણતામાન આ ફૂગને અનુકૂળ હોય છે અને જમીનના ભેજ સાથે સીધો સબંધ છે. છોડ એકાએક પુરેપુરો ચીમળાઈ જય છે અને પછી ખેતરમાં ગોળાકાર (વર્તુળાકાર) સ્વરૂપમાં બીજા છોડ એકાએક મારતા જાય છે. રોગીષ્ટ છોડના મૂળ (ફક્ત આદીમુળ અને થોડા નાના મૂળના અપવાદ સિવાય) કહોવારાનો ભોગ બનતા હોય છે. તેથી તેવા છોડ સહેલાયથી ખેચી કાઢી શકાય છે. તે વખતે એમનું આદીમૂળ અકબંધ હોય છે. પરંતુ અન્ય મૂળ તૂટેલા હોય છે. તુરંત ચીમળાયેલા છોડમાં મૂળ સહેજ ચીકણું અને ભીનું હોય છે. છાલની અંદરના મૂળના કઠણ ભાગ ઝાંખો થયેલ જોવા મળે છે.

નિયંત્રણ:-

  • લાંબા ગાળાની પાક ફેરબદલી, સપ્રમાણ નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશનો ખાતર તરીકે ઉપયોગ કરવો. આંતરપક તરીકે મઠ અથવા અડદનું વાવેતર કરવાથી રોગનું પ્રમાણ ઘટાડી શકાય છે.
  • મેન્કોઝેબ ૦.૨% (૨૭ ગ્રામ ૧૦ લીટર પાણીમાં) અથવા કોપર ઓક્સીકલોરાઈડ ૦.૨% (૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં) સુકતા છોડની આજુબાજુ રેડવુ અને ત્યારબાદ ૪ થી ૫ દિવસ પછી યુરીયા અથવા એમોનિયમ સલ્ફેટ ખાતર આપવાથી રોગનું નિયંત્રણ થઇ શકે છે.
cotton
cotton

.) સુકારો:-

રોગકારક: આ રોગ જમીનજન્ય ફૂગ ફ્યુંઝેરીયમ ઓક્ઝીસ્પોરીયમ ફોરમા સ્પ્સીસ વાસીન્ફેકટમથી થાય છે. રોગકારક ફૂગ જમીનમાં રહે છે જેથી રોગ નિયંત્રણ કરવું ખુબજ મુશ્કેલ હોય છે.

લક્ષણો:- ભારતમાં તેમજ ગુજરાતમાં આ રોગ ભારે કાળી ભાસ્મિક જમીનમાં વધુ જોવા મળે છે જયારે રેતાળ ગોરડું જમીનમાં રોગ ભાગ્યે જ જોવા મળે છે. પાકની કોઈપણ અવસ્થાએ રોગનું આક્રમણ થાય છે. આ રોગ લાગુ પડેલ છોડની ડાળીઓની ટોચ ઉપરના પાન કરમાવાની શરૂઆત થાય છે. પૂર્ણપણે રોગનો ભોગ બનેલા છોડના પાન ચીમળાઈને ખરી જાય છે અને માત્ર ડાળીઓ વાળો છોડ ખેતરમાં ઉભેલો દેખાય. છોડની નાની અવસ્થાએ બીજપત્રો ધીમે ધીમે પીળા પડે છે અને ડીટના ફરતે બદામી વર્તુળ ઉત્પન્ન થાય છે અને છેવટે છોડ સુકાઈ ને મરી જાય છે. સુકારો લાગેલ છોડની છાલ ઉખેડવામાં આવે તો મૂળના ઉપલા અને થડના હેઠળના ભાગમાં કાળા રંગની રેખાઓ અથવા પટ્ટીઓ દેખાય છે. આવા મૂળ અને થડ જયારે ચીરવામાં આવે ત્યારે તેમની વાહીનીઓ બદામી અથવા કાળી થયેલી જોવા મળે છે.

નિયંત્રણ:-

  • થાયરમ (૩ થી ૪ ગ્રામ પ્રતિ કિલો બીજ) દવાની માવજત આપવી.
  • વાવણી સમયે બીજને ટ્રાયકોડર્માં વિરીડી અથવા ટ્રાયકોડર્માં હરજીયાનમ જેવી જૈવિક નિયંત્રક ફૂગનો પટ આપવો.
  • લાંબાગાળાની પાક ફેરબદલી, સારૂ એવું છાણિયું ખાતર, જરૂરી પોટાશ અને ઝીંકની પુર્તતા કરવાથી રોગની માત્રા ઘટાડી શકાય છે.
  • કોપર ઓક્ઝીક્લોરાઈડ ૦.૨% કર્બેન્ડાઝીમ ૦.૨% (૪૦ ગ્રામ દવા ૧૦ લીટર પાણીમાં) ઓગળી સુકાતા છોડના થડની આજુબાજુ જમીનમાં રેડવું.

.) લાલ પાન:-

રોગકારક:-  આ દેહ ધાર્મિક વિકૃતિ છે. અમેરિકન જાતોમાં પાન લાલ થઇ જવાનો પ્રશ્ન વધારે જોવા મળે છે. રુંવાટીવાળા પાનની જતો કરતા રુંવાટી વગરની જાતોમાં તે વિશેષ નજરે પડે છે.

લક્ષણો:- કપાસના છોડના પાન પીળા અથવા લાલ રંગના થઇ જાય છે. શરૂઆતમાં પાનની કિનારી અને પછી નજીકનો ભાગ લાલ બને છે. ઉપદ્રવ તીવ્ર હોય તો આખું પાન લાલ થઇ જાય છે. પાનની કિનારી તરફથી પાન સુકાતા જાય છે. અને ખરી પડે છે.

કારણો:-

  • મેગ્નેશિયમ અને નાઈટ્રોજન તત્વની ઉણપ જણાય ત્યારે તથા છોડ ઉપર જીંડવાની સંખ્યા વધારે હોય ત્યારે.
  • ચુસીયા જીવાતોનો ઉપદ્રવ વધુ હોય ત્યારે આ સમસ્યા વધે છે.
  • સામાન્ય રીતે ચોમાસા પછી બીટી કપાસની કેટલીક જાતોમાં આ સમસ્યા જોવા મળે છે.
  • લાંબા સમય સુધી વરસાદ નું પાણી જમીનમાં ભરાય રહેવાથી. બે કે તેથી વધુ રસાયણો એકબીજા સાથે સુસંગત ન હોય અને છાટવામાં આવે ત્યારે.
  • ઓક્ટોબર માસમાં રાત્રિનું તાપમાન નીચું જોવા મળે ત્યારે પણ છોડમાં લાલ પાન પાછળની અવસ્થામાં જોવા મળે છે.
  • મુળની સામાન્ય પ્રક્રિયામાં વિક્ષેપ થવાથી.
  • જમીનમાં તાંબુ, જસત, લોહ જેવા સૂક્ષ્મ તત્વોની ઉણપ આ પ્રક્રિયાને વેગ આપે છે.

નિયંત્રણ:-

  • છોડમાં પુરતો નાઈટ્રોજન મળી રહે તે માટે ૧ થી ૨ % ડીએપી અથવા યુરીયાનો છંટકાવ કરવો.
  • બીટી કપાસમાં દેહધાર્મિક સુકારાના નિયંત્રણ માટે ૨૮૦ કિલો નાઈટ્રોજન/હે. ચાર સરખા હપ્તે (૭૦ કિલો નાઈટ્રોજન વાવણી વખતે અને બાકીનો નાઈટ્રોજન વાવણીના ૩૦,૬૦,૯૦ દિવસે) આપવો. તે ઉપરાંત છોડ પર યુરીયા, ફેરસ સલ્ફેટ, ઝીંક સલ્ફેટ અને મેગ્નેશિયમ સલ્ફેટ દરેકના ૫૦ ગ્રામ/ ૧૦ લીટર પાણી પ્રમાણે છંટકાવ કરવો.
  • જમીનમાં ભેજની ઉણપ દેખાય તો જરૂર મુજબ પિયત આપવું.

.) ફૂલ ભમરી ખરી પડવાની સમસ્યા:-

          ઘણી વખત કપાસના રોગમાં જીવાત ના હોવા છતાં ચાપવા પીળા પડી ડીટ પાસે રતુંબડા રંગના થઇ ખરી પડતા માલુમ પડે છે.

ખરી પડવાના કારણો:-

  • જમીનમાં ભેજની ખેંચ અથવા ઓછું પ્રમાણ.
  • છોડમાં પોષક તત્વો અને અંત:સ્ત્રાવોનું અસંતુલન થવાથી.
  • એકાએક વાતાવરણમાં ફેરફાર થવાથી.
  • ફૂલ ભમરી બેસવાની અવસ્થાએ વધારે પડતા વરસાદ અથવા ઉષ્ણતામાન થી.

નિયંત્રણ:-

  • નેપ્થેલીન એસિટીક એસીડ ૧૦ પીપીએમ ૬૦ અને ૮૦ દિવસે છંટકાવ કરવો.

નેપ્થેલીન  એસિટીક એસીડ ૧૦ પીપીએમ સાથે ૨ ટકા ડીએપી અથવા ૨ ટકા યુરિયાનો ૬૦ અને ૮૦ દિવસે છંટકાવ કરવો.

Related Topics

Cotton

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More