જીરૂ એ બીજ મસાલા પાકોમાં ખૂબ જ અગત્યનો અને વિદેશી હૂંડિયામણ કમાવી આપનાર મહત્વનો રોકડીયો પાક છે. જીરૂએ સૂકા અને અર્ધ સૂકા વિસ્તારમાં રવિ (શિયાળુ) રૂતુમાં થતો મોખરાનો પાક છે. જીરૂનો પાક અન્ય રવિ પાકોની સરખામણીમાં ટૂંકા ગાળામાં, ઓછી મહેનતે અને ઓછા ખર્ચે, ઓછા જથ્થામાં વધુ વળતર આપતો બીજ મસાલા પાક છે.
ખાતર વ્યવસ્થાપન
- સારું કોહવાયેલું છાણિયું ખાતર જમીન તૈયાર કરતી વખતે જમીનમાં સપ્રમાણ રીતે આપી બરાબર ભેળવી દેવા આવશ્યક છે.
- પાયાના ખાતરો ચાસમાં બીજની નીચે પડે તે રીતે આપવાથી છોડ તેનો પુરેપુરો ઉપયોગ કરી શકે છે.
- વાવણી સમયે હેકટર દીઠ પાયાના ખાતર તરીકે ૧૫ કિ.ગ્રા. ફોસ્ફરસ (૩૩ કિ.ગ્રા. ડી.એ.પી.) અને ૧૩.૩ કિ.ગ્રા. નાઈટ્રોજન (૧૭ કિ.ગ્રા. યુરિયા) આપવું.
- બાકી રહેલો ર૬.૭ કિ.ગ્રા. નાઈટ્રોજન પ્રતિ હેકટર પૂર્તિ ખાતર તરીકે વાવણી બાદ ૮-૧૦ અને ૩૦ દિવસે પ૭ કિ.ગ્રા. યુરીયાને બે સરખા હપ્તામાં પિયત આપ્યા બાદ સાંજના સમયે પગ ટકે તેવા ભેજે આપવું.
- સુક્ષ્મ તત્વોની ઉણપવાળી જમીન માટે ભલામણ કરેલ ખાતર સાથે ૧ ટન સારૂ કોહવાયેલા છાણીયા ખાતરને ૧.૫ કિ.ગ્રા. ફેરસ સલ્ફટ અને ૦.૫૦ કિ.ગ્રા. ઝીંક સલ્ફટથી સમૃધ્ધ કરી પાયામાં આપવાથી વધુ ઉત્પાદન મળે છે.
- ક્ષારીય જમીનમાં ભલામણ કરેલ ખાતર કરતાં વધારે ખાતર આપવું.
પિયત વ્યવસ્થાપન
- સૂકા અને અર્ધસૂકા વિસ્તારમાં પિયત ખૂબ જ મોંઘું સંશાધન હોવાથી તેનો સમજદારી પૂર્વક ઉપયોગ કરવો હિતાવહ છે. અસંતુલિત માત્રા અનેપ્રમાણ વિના આડેધડપિયત પાકનેનિષ્ફળ બનાવે છે. તેથી પાકની વૃધ્ધિ જમીનના પ્રત અને વાતાવરણને ધ્યાને રાખી પિયત વ્યવસ્થા અપનાવવી જરૂરી છે.
- જીરૂના પાકમાં પ્રથમ પિયત વાવણી બાદ તુરત જ આપવું. જીરૂનો ઉગાવો ૧૧ થી ૧ર દિવસે થતો હોવાથી સારા ઉગાવા માટે બીજું પિયત જમીનની પ્રત પ્રમાણે ૮ થી ૧૦ દિવસે સમયસર આપવું.
- શરૂઆતના બે પિયત હળવા આપવા. ત્રીજુ પિયત નિંદામણ કર્યા બાદ ૩૦ દિવસે આપવું અને ચોથું પિયત ૫૦ દિવસે આપવું.
- સારા ઉત્પાદન માટે હલકી જમીનમાં પાંચમું પિયત ૬૫-૭૦ દિવસે આપવું જરૂરી છે.
- વાદળછાયું અને ભેજવાળું વાતાવરણ હોય તેમજ ઝાકળ પડતું હોય અથવા ચરમીનો રોગનાં ચિહનો દેખાય તો પિયત આપવાનું ટાળવું.
જીરૂમાં નિંદણ વ્યવસ્થાપન
- જીરૂના પાકમાં ત્રીજા અને ચોથાપિયત બાદ આંતરખેડ કરવાથી નિંદામણ નિયંત્રણ સાથે એક પિયતનો બચાવ કરી શકાય છે. જેની ઉત્પાદન અને ગુણવત્તા ઉપર કોઈ ખરાબ અસર થતી નથી.
- પિયતની સગવડ પોતાની હોય તો ચોથુ પિયત એકાંતરે ક્યારા પિયત પધ્ધતિથી આપવાથી ઝાકળ પડવાનું પ્રમાણ ઘટાડી શકાય છે.
- બીજ મસાલા પાકોમાં ચીલ, બિલાડો, મેથીયુ, તાંદળજો, લૂણી, સાટોડો, ડુંગળો, દારૂડી, ભોંયપાથરી, ભોંઆમલી, ગોખરૂ, ગાંઠીયું, દૂધેલી, ચીઢો, કુબી, જીરાળો વગેરે નિંદણો મોટાભાગે જીરૂ પાકમાં જોવા મળે છે.
- નિંદણમુક્ત બીજની પસંદગી બાદ નિંદણનું પ્રમાણ અને પ્રકારને ધ્યાનમાં લઈ મજુરો સરળતાથી મળી શકે તેમ હોય તો જીરૂ પાકને શરૂઆતના ૫ દિવસ સુધી નિંદામણમુક્ત રાખવો અથવા આંતરખેડ કર્યા બાદ ર૫ અને ૪૦ વાવણી દિવસ બાદ હાથથી નિંદામણ કરવું.
- નિંદણનું પ્રમાણ ખૂબ જ વધારે હોય તથા મજૂરોથી નિંદામણ કરવું આર્થિક રીતે પોષાય તેમ ન હોય અને મજૂરોની અછત હોય તેવા સંજોગોમાં રાસાયણિક પધ્ધતિથી નિંદણ નિયંત્રણ કરવું આવશ્યક બને છે.
- પેન્ડીમિથેલીન ૧.૦ કિગ્રા. સક્રિય તત્વ હેકટરે ૫૦૦ થી ૬૦૦ લિટર પાણીમાં ઓગાળી વાવણી પછી પ્રથમ પિયત બાદ જમીનમાં પુરતો ભેજ હોય ત્યારે પાકના ઉગાવા પહેલા એક્સરખી રીતે જમીન પર પાછા પગે છંટકાવ કરવો.
- આ ખૂબ જ અસરકારક પધ્ધતિ છે અને મોટા ભાગના નિંદણોનો ઉગાવો થતો નથી.
Share your comments