Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

સૂર્યમુખીની વૈજ્ઞાનિક ખેતી કરવા માટેની પદ્ધતિ

સૂર્યમુખી વિશ્વનાં મુખ્ય ચાર તેલીબિયાનાં પાક પૈકી એક અગત્યનો પાક છે. વિશ્વમાં 204 લાખ હેકટરમાં સૂર્યમુખીની ખેતીનું વાવેતર કરવામાં આવે છે. સૂર્યમુખીની ખેતી કરતાં દેશોમાં અમેરિકા, સોવિયત સંઘ, જર્મની, ભારત અને ચીન મુખ્ય છે.

Himanee Chauhan
Himanee Chauhan
Cultivation Of Sunflower
Cultivation Of Sunflower

સૂર્યમુખી વિશ્વનાં મુખ્ય ચાર તેલીબિયાનાં પાક પૈકી એક અગત્યનો પાક છે. વિશ્વમાં 204 લાખ હેકટરમાં સૂર્યમુખીની ખેતીનું વાવેતર કરવામાં આવે છે. સૂર્યમુખીની ખેતી કરતાં દેશોમાં અમેરિકા, સોવિયત સંઘ, જર્મની, ભારત અને ચીન મુખ્ય છે.

સૂર્યમુખીમાં ઉચ્ચ ગુણવત્તાવાળુ 40 થી 42% તેલનું પ્રમાણ છે તેમજ બીજમાં વિટામીન-બી Vitamin B સારા પ્રમાણમાં હોવાથી તે આંખને પ્રકાશની સામે ટકવા માટેની તાકાત આપે છે. તેલમાં 52 થી 56 ટકા લિનોલિક એસિડ હોવાથી સૂર્યમુખીના તેલને ઉત્તમ ખાદ્યતેલ ગણવામાં આવે છે.

સૂર્યમુખી ટૂંકા ગાળામાં તૈયાર થતો ઓછો ભેજ સહન કરી શકે તેવો પાક હોવાથી આંતરપાક તરીકે અનુકૂળ આવે તેમ છે. તથા ક્ષાર સહન કરવાની શક્તિને લીધે આ પાક ખારા પાટ કે ભાલ વિસ્તારમાં સારી રીતે લઈ શકાય તેમ છે. આ ઉપરાંત સૂર્યમુખી ગરમી અને પ્રકાશ સામે ઈન્સેન્સિટીવ હોવાથી ત્રણેય ઋતુમાં તેનું વાવેતર થઈ શકે છે, તેનો લીલાચારા તરીકે પણ ઉપયોગ થઈ શકે છે.

જમીન અને હવામાન

સૂર્યમુખીનો પાક દરેક પ્રકારની જમીનમાં લઈ શકાય છે. સામાન્ય ફળદ્રુપતા ધરાવતી જમીન જેવી કે, ગોરાડુ, રેતાળ, મધ્યમ કાળી જમીન સૂર્યમુખીના પાકને વધુ માફક આવે છે. ભારે ચિકણી ક્ષારયુક્ત જમીનમાં પણ સૂર્યમુખી ઉગાડી શકાય છે.

સૂર્યમુખીની ખેતીમાં ધ્યાન રાખવા જેવી બાબતો

સૂર્યમુખીની ખેતી કરતા સમયે આગલા પાકના અવશેષો દૂર કરીને હળની એક ખેડ અને કરબની બે થી ત્રણ ખેડ કરી જમીન સપાટ, પોચી અને ભરભરી બનાવવી જોઈએ. જમીન તૈયાર કરતી વખતે હેકટર દીઠ 10 ટન ગળતિયું ખાતર આપવાથી જમીનની ફળદ્રુપતા અને ભેજે સંગ્રહ શક્તિ વધે છે.

બીજનો દર અને માવજત

એકલા પાક માટે હેકટર દીઠ 10 કિલો અને આંતર પાક માટે હેકટર દીઠ 5 કિલો બિયારણનું પ્રમાણ રાખીને વાવતેર કરવું જોઈએ. બિયારણને વાવતાં પહેલાં એક કિલો બીજ દીઠ 3 ગ્રામ થાયરમ અથવા કેપ્ટન દવાનો પટ આપીને જ વાવેતર કરવું જોઈએ. બિનપિયત પરિસ્થિતિમાં ઝડપી અને સારા ઉંગાવા માટે સૂર્યમુખીનાં 1 કિલો બીજને 1 લીટર પાણીમાં 14 કલાક સુધી પલાળી રાખી છાંયડે સૂકાયા બાદ વાવતેર કરવા ભલામણ છે.

વાવેતરનો સમય

સૂર્યમુખીનું ગમે તે ઋતુમાં વાવેતર કરી શકાય છે. ચોમાસુ ઋતુમાં સૂર્યમુખીનું વાવેતર વાવણી લાયક વરસાદ થયા બાદ જૂન-જુલાઈ મહિનામાં કરવામાં આવે છે. શિયાળુ પાક માટે ઓક્ટોબરનાં બીજા અઠવાડિયાથી નવેમ્બરના અંત સુધીમાં વાવતેર કરી શકાય છે. ઉનાળુ પાક તરીકે 15મી ફેબ્રુઆરીથી માર્ચના પહેલા અઠવાડિયા સુધીમાં વાવેતર કરી શકાય છે. શિયાળું અને ઉનાળુ ઋતુમાં જમીનમાં ઓરવીને વાવેતરની ભલામણ કરવામાં આવે છે.

બે છોડ વચ્ચે અંતર

સૂર્યમુખીના પાકનું બે હાર વચ્ચે 60 સેમી.નું અંતર રાખી વાવેતર કરવું અને બે છોડ વચ્ચે 30 સેમી.નું અંતર રાખવું. ઉગાવા બાદ 12 થી 15 દિવસે પારવણી કરવી જરૂરી છે. મોર્ડન ઠીંગણી અને વહેલી પાક્તી જાત હોઈ તેનું વાવેતર બે હાર વચ્ચે 45 સેમી અને બે છોડ વચ્ચે 20 સેમી અંતર રાખીને વાવેતર કરવું.

આ પણ વાંચો : Tamarind Cultivation : આંબલીની ખેતી કરવાની પદ્ધતિ

ખાતર વ્યવસ્થાપન

સૂર્યમુખી પાક માટે રાસાયણિક ખાતરનો દર 90 કિલો નાઈટ્રોજન, 60 કિલો ફોસ્ફરસ અને 40 કિલો ગંધક તત્ત્વ પ્રતિ હેકટર પ્રમાણે આપવાની ભલામણ છે. નાઈટ્રોજન તત્ત્વ અડધું એટલે કે 45 કિલો તથા ફોસ્ફરસ તત્ત્વનો પૂરેપૂરો જથ્થો એટલે કે 60 કિલો એક હેકટર જમીનમાં વાવણી પહેલા પાયાના ખાતર તરીકે ચાસમાં ઓરીને આપવું.

નિંદામણ 

સૂર્યમુખીના પાકમાં નિંદામણ કરવા તેમજ જમીનમાં હવાની હેરફેર માટે જરૂરિયાત મુજબ બે થી ત્રણ વખત આંતરખેડ કરવી જોઈએ.પાકનું બે થી ત્રણ વખત હાથથી નીંદામણ કરવું.

જરૂરી પિયત

ચોમાસું પાકમાં ક્રાંતિક અવસ્થા જેવી કે, ફૂલ આવવા અને દાણાનાં વિકાસની અવસ્થાએ ભેજની ખેંચ જણાય તો પિયત આપવાથી ઉત્પાદનમાં વધારો થાય છે.

પાકનું સંરક્ષણ

સૂર્યમુખીનાં પાકમાં ઘણા પ્રકારની જીવાતો જેવી કે, છોડ કાપી ખાનાર કીડા, કાતરા, ઘોડીયા ઈયળ, સફેદમાખી, થ્રિપ્સ, લીલી ઈયળ વગેરે આવે છે, પરંતુ આપણા વિસ્તારમાં લીલી ઈયળ મુખ્ય જીવાત છે. તેના નિયંત્રણ માટે બેસીલસ થુરીન્ઝીનેસીસ 2 લીટર પ્રતિ હેકટર અથવા લીલી ઈયળનું NPV 250 લીટર પ્રતિ હેકટર અથવા ક્વીનાલફોસ 0.09% અથવા ફેનવાલરેટ 0.005 %નો છંટકાવ કરવો.

આ પણ વાંચો : રીંગણના પાકના મુખ્ય રોગોની ઓળખ અને નિવારણ માટેના યોગ્ય પગલાં

સૂર્યમુખીના પાકની સમયસર કાપણી

ગુજરાતમાં ચોમાસુ પાક 80 થી 90 દિવસે તથા શિયાળુ અને ઉનાળુ પાક 98 થી 108 દિવસે તૈયાર થાય છે. સૂર્યમુખીના ફૂલના દડાનો પાછળનો ભાગ લીંબુ જેવા પીળા રંગનો તથા ફૂલની પાંખડી સૂકાવા લાગે ત્યારે પાકની કાપણી કરવી જોઈએ. પીળા થયેલ ફૂલના દડા છોડથી કાપ્યા બાદ સારી રીતે તડકામાં સુકાવા દેવા ત્યારબાદ થ્રેસરથી કે લાકડીથી ધોકાવીને દાણા છૂટાં પાડી સાફ કરવા જોઈએ.

સરેરાશ પાક ઉત્પાદન

સૂર્યમુખીનું પિયત વિસ્તારમાં હેકટરે 1500 થી 2000 કિલોગ્રામ અને બિન પિયત વિસ્તારમાં હેકટરે 800થી 1000 કિલોગ્રામ જેટલું ઉત્પાદન મળે છે.

સૂર્યમુખી પાકના અન્ય ફાયદાઓ

સૂર્યમુખી પાક ઋતુ અમર્યાદિત હોવાથી વર્ષ દરમિયાન ગમે ત્યારે વાવી શકાય છે.

સૂર્યમુખીનો પાક ટૂંકાગાળાનો પાક હોવાથી આંતરપાક કે મિશ્રપાક પદ્ધતિમાં સારી રીતે ફીટ થઈ શકે છે.

મોડા વાવેતરનાં હિસાબે ઉત્પાદનમાં થતો ઘટાડો સૂર્યમુખીનો પાક લેવાથી નિવારી શકાય છે.

સૂર્યમુખીનો પાક ગમે તે પ્રકારની જમીનમાં થઈ શકે છે.

સૂર્યમુખીનો પાક પાણીની ખેંચ સામે પ્રતિકારક શક્તિ ધરાવતો હોય, ઓછા વરસાદમાં પણ નિષ્ફળ જતો નથી.

સૂર્યમુખીનો પાક લીલાઘાસ ચારા તરીકે પણ લઈ શકાય.

આ પણ વાંચો : વૃક્ષારોપણ ખેતી શું છે ? જાણો તેની પદ્ધતિ

આ પણ વાંચો : મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન : સરકારી અને પડતર જમીન પર ફ્રી માં ખેતી કરો

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More