દિવેલા એ દેશનો અગત્યનો અખાદ્ય તેલીબીયાં પાક છે. તેનો ઉપયોગ દવાથી માંડીને વિવિધ ઉદ્યોગોમાં થાય છે. તેના તેલની ચીકાશને લીધે એન્જિનોના ઊંજણમાં, રંગ-રસાયણોની બનાવટમાં અને વિવિધ ઔદ્યોગિક કોસ્મેટીક આઇટમો અને દવાઓમાં વપરાય છે. દિવેલાના ખોળમાં રહેલા રેસીન નામના કેફી તત્વને લીધે તે પશુઓના ખાણદાણમાં વાપરી શકતો નથી. પરંતુ તેમાં ૪ ટકા નાઇટ્રોજન તત્વ હોવાથી તેઓ જમીનની ફળદ્રુપતા સુધારવા સેન્દ્રીય ખાતર તરીકે ખૂબ જ ઉપયોગી છે. દિવેલાના વિસ્તાર અને ઉત્પાદનમાં દુનિયામાં ભારતનું સ્થાન પ્રથમ છે અને ગુજરાત રાજ્ય વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં પ્રથમ સ્થાન ધરાવે છે. સને ૨૦૨૦-૨૧માં દેશના કુલ વાવેતરના ૭૫ ટકા વિસ્તાર (૭ લાખ હેક્ટર) અને કુલ ઉત્પાદનના ૮૦ ટકા ઉત્પાદન (૧૨.૫૬ લાખ ટન) ગુજરાત રાજ્યમાં થયું છે. ગુજરાતમાં હેક્ટરદીઠ સરેરાશ ઉત્પાદન ૧૯૬૬-૭૦માં ૩૪૭ કિગ્રા હતું જે જી.સી.એચ.૭ જેવી વધુ ઉત્પાદન આપતી સંકર જાતો વિકસાવવાના તથા તેનો વાવેતર વિસ્તાર વધવાને પરિણામે સરેરાશ ઉત્પાદન વધીને ૨૦૨૧-૨૨ માં ૨૦૧૦ કિ.ગ્રા./હે. થયેલું છે. હાલમાં દાણા, તેલ અને તેલની વિવિધ બનાવટોની નિકાસ કરીને રૂ. ૪૫૦૦ કરોડથી વધારે કિંમતનું મહામૂલુ વિદેશી હૂંડિયામણ મેળવે છે. ઓછા ભેજ સામે ટકી રહેવાની વધુ શક્તિ, ઓછા ખર્ચે વધુ આર્થિક આપતો તથા ઓછા રોગ-જીવાતના પ્રશ્નોને કારણે દિવેલાનો પાક પિયત અને બિનપિયત પાક તરીકે દેશના ઘણા રાજ્યોના ખેડૂતોમાં લોકપ્રિય છે.
પાક ફેરબદલી માં થતી દિવેલા ની ફાયદા કારક અસરો
સામાન્ય રીતે દિવેલા ઊંડું મૂળતંત્ર ધરાવતો પાક હોવાથી તે મોટા ભાગ ના પોષક તત્વો જમીન માં ૩૦ થી ૩૫ સે.મી. ઊંડાઈ થી ગ્રહણ કરે છે. જયારે બીજા પાક ૧૦ થી ૨૦ સે.મી. સુધી ની ઊંડાઈએ થી. જેથી તે જમીન ની ફળદ્રુપતા જાળવી રાખવા માં મદદ રૂપ થાય છે. દિવેલા ના મૂળ પાન અને પ્રકાંડ જમીન માં ભળી ને વિઘટિત અવરોધિત રસાયણ છોડે છે જે નિંદામણ ની બીજ ના ઉગવા ને ઘટાડે છે. દિવેલામાં રીસીન નામ નું રસાયણ રહેલ હોય છે. જે દિવેલા ના મૂળ અને પાન જમીન માં ભળતા જમીન માં જાય છે અને આગળ ના પાક માં જીવાતોને આવતો અટકાવે છે. દિવેલા ના પાક માં ખુબ ઓછી માત્ર માં રોગ જીવતો આવે છે જથી તેમાં જંતુ નાશક ફૂગ નાશક નો ખર્ચો ખુબ નહીવત થાય છે.
જમીન અને આબોહવા: લાંબા ગાળાનો પાક હોવાથી ફળદ્રુપ અને સારા નિતારવાળી જમીન દિવેલા માટે વધુ માફક ગણાએ છે. પાણી ભરાઈ રહેતું હોય તેવી નિતારવાળી, મધ્યમકાળી, ગોરાડું અને રેતાળ ગોરાડું જમીન આ પાક માટે ખૂબ જ માફક આવે છે. પાણીની ખેંચ સામે પ્રતિકારક શક્તિ ધરાવતો હોઈ બિનપિયત પાક તરીકે સૂકા વિસ્તારોમાં સારું ઉત્પાદન આપે છે તથા પિયત ખેતીમાં બે થી ત્રણ ગણું ઉત્પાદન આપે છે. આ પાક વધુ પડતી ઠંડી અને હીમ સહન કરી શકતો નથી. આ પાકની વાવણી માટે ઉનાળામાં ઊંડી ખેડ તથા વાવણી વખતે હળની એક ખેડ અને બે કરબની ખેડ કરી સમાર મારી જમીન સમતલ કરી વાવેતર કરવું.
બીજની પસંદગી: ગુજરાત રાજ્યના ખેડૂતોને વધુ ઉત્પાદન લેવા દિવેલાની નીચે મુજબની સુધારેલ હાઇબ્રીડ જાતો વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. ઉપરોક્ત જાતો પૈકી જી.સી.એચ. ૭ જાત પિયત ખેતીમાં વધુ ઉત્પાદન સાથે સુકારા તથા કૃમિ અને મૂળના કહોવારા રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવતી હોઈ આ જાતની વાવણી માટે પસંદગી કરવી જોઈએ.
કોષ્ઠક ૧: ભારતમાં ઉપલબ્ધ દિવેલાની વિવિધ જાતો
જાત નું નામ |
બહાર પડ્યા નું વર્ષ |
ઉત્પાદન (કિ. ગ્રા.) |
વિશિષ્ટ લક્ષણો |
GCH ૧૦ (ચારૂતર ગોલ્ડ) |
૨૦૨૦ |
૩૮૯૮ |
લાલ થડ,ત્રિછારીય, કાંટાવાળા ગાંગડા, સૂકારા અને પર્ણ ફુદક થી પ્રતીકારિત |
GCH ૯ (JHB - ૧૦૧૮) |
૨૦૧૯ |
૩૮૪૦ |
લાલ થડ,ત્રિછારીય, અર્ધકાંટાવાળા ગાંગડા, સૂકારા અને મૂળ ના કોહવાણથી અને થી પ્રતીકારિત |
GAC ૧૧ |
૨૦૧૯ |
૩૨૩૦ |
સુકરા થી પ્રતીકારિત |
GCH ૮ |
૨૦૧૮ |
૩૬૦૦ |
લાલ મજબુત થડ,ત્રિછારીય, અર્ધકાંટાવાળા ગાંગડા, અને પર્ણ ફુદક પ્રતીકારિત |
GCH ૭ |
૨૦૦૬ |
૩૦૦૦ |
લાલ થડ,ત્રિછારીય, અર્ધકાંટાવાળા ગાંગડા, ગાંઠો ઉપર નેક્ટરી, ગ્લેન્ડ, મૂળના કહોવારા સામેં સૂકારા-કૃમિ અને મૂળના કહોવારા રોગ સામે પ્રતિકાર શક્તિ ધરાવે છે. વધુ ડાળીઓ, પિયતમાં વધુઅનુકૂળતા તથા વધુ ઉત્પાદન આપતી જાત છે. |
બીજની માવજત: બીજને વાવતાં પહેલાં બીજજન્ય રોગોથી છોડના રક્ષણ માટે એક કિલો બીજ દીઠ ૩ ગ્રામ ફૂગનાશક દવા થાયરમ અથવા કાર્બન્ડાઝીમ ૧ ગ્રામ પ્રમાણે બીજને પટ આપી વાવણી કરવી. દિવેલાની હાઈબ્રિડ જાતો માટે પ્રમાણિત બિયારણ વાપરવાનો આગ્રહ રાખવો. દિવેલામાં સુકારાના રોગ સામે રક્ષણ માટે કિલો બીજ દીઠ ૫ ગ્રામ ટ્રાયકોડમાં વિરડી ૨૦ મિ.લિ. પાણીમાં ઓગાળી બીજને પટ આપી વાવણી કરવી.
વાવણીનો સમય, બીજ દર અને અંતર: જુલાઈથી ઓગષ્ટના મધ્ય ભાગ સુધીમાં વાવણી કરવી. ઓગષ્ટ માસમાં વાવણી કરવાથી પાકને ધોડીયા ઈયળ તથા ડોડવા કોરી ખાનાર ઈયળોના ઉપદ્રવથી થોડા ઘણાં અંશે બચાવી શકાય છે. વાવણી અંતર સામાન્ય રીતે જમીન ની ફળદ્રુપતા, પિયત અને જાત પર આધારિત છે. બિન પિયત માટે ૯૦ x ૬૦ નું જયારે પિયત માટે ૧૨૦ x ૭૫ નું અંતર રાખવું. GCH ૫ અને ૭ માટે ૧૫૦ x ૧૫૦ નું અંતર રાખવું. સામાન્ય રીતે બીજ દર ૫.૫ થી ૬.૫ ક્લોગ્રણ પ્રતિ હેક્ટર રાખવો.
દિવેલાનું બિયારણ ક્યાંથી મળે? દિવેલાનું બિયારણ ગુજરાત રાજ્ય બીજ નિગમની કચેરીઓ ખાતેથી તેમજ 'અનુભવ સીડ્સ' બ્રાન્ડ નામે સંશોધન વૈજ્ઞાનિકશ્રી, વિભાગીય સંશોધન કેન્દ્ર, આકૃયુ, આણંદ (ફોન: ૦૨૬૯૨-૨૬૦૩૨૯) ખાતે સંપર્ક કરવો. આ ઉપરાંત બીજ નિગમ અને કૃષિ યુનિવર્સીટી માંથી પણ બિયારણ મેળવી શકાય છે.
ખાતર: દિવેલા લાંબા ગાળાનો પાક હોઈ વધુ ઉત્પાદન મેળવવા તથા જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે હેકટર દીઠ સારૂ કોહવાયેલું ૧૦ ટન છાણિયુ ખાતર અથવા એક ટન દિવેલીનો ખોળ આપવો. દિવેલાના પાક માટે કુલ ૭૫-૫૦-૦૦ નાઈટોજન, ફોસ્ફરસ, પોટાશ કિ.ગ્રા/હે પ્રમાણે રાસાયણિક ખાતર આપવું. પાયામાં બદ્યો જ ફોસ્ફરસ અને પ૦ ટકા નાઈટ્રોજન ચાસમાં ૮ થી ૯ સે.મી. ઉડે આપવું. બાકી રહેલ નાઈટ્રોજન વાવણી બાદ ૫ અને ૧૦ અઠવાડિયા પછી બે સરખા ભાગમાં પિયત વખતે ભેજમાં આપવો. હેકટર દીઠ વધુ ઉત્પાદન મેળવવા માટે દિવેલાને ૧૫૦ કિ.ગ્રા. નાઈટ્રોજન પ્રતિ હેકટર આપવો. તેમાંથી ૫૦ કિ.ગા.નાઈટ્રોજન પ્રતિ હેકટર પાયાના ખાતરના રૂપમાં ચાસમાં આપવો. બાકી રહેલ ૧૦૦ કિ.ગ્રા નાઈટ્રોજનમાંથી ૫૦ કિ.ગ્રા નાઈટ્રોજન/હે. વાવણી બાદ ૪૦ મે દિવસે અને બાકીનો ૫૦ કિ.ગો. નાઈટ્રોજન/હે. વાવણી બાદ ૮૦ મે દિવસે આપવાથી વધુ આર્થિક વળતર મળે છે. જમીનમાં સલ્ફરની ઉણપ હોય તો હેકટરે ૧૨૫ કિલો જીપ્સમ (૨૦ કિલો સલ્ફર) વાવણી સમયે આપવાથી વધુ ઉત્પાદન મળે છે.
આંતરખેડ અને નિંદામણ: દિવેલાના પાકમાં શરૂઆતના ૪૫ દિવસ સુધી નિંદામણ ન કરવામાં આવે તો ૩૦ થી ૩૫ ટકા જેટલું ઉત્પાદન ઘટે છે. આથી પાકને શરૂઆતમાં નિંદામણ મુક્ત રાખવો, બે આંતર ખેડ તથા એકથી બે વખત હાથથી નીંદણ કરવું, દિવેલામાં ૧૦ દિવસ પછી મુખ્ય માળ આવી જતા તથા ડાળીઓમાં પણ માળો ફૂટતી હોવાથી ત્યાર બાદ આંતરખેડ કરવી નહીં.
આંતરપાક: દિવેલાની બે હાર વચ્ચે એક અથવા બે હાર તલ, મગફળી, મગ, ચોળી કે અડદ જેવા પાકો લઈ શકાય છે. પિયત દિવેલાને જોડીયા ચાસ પધ્ધતિથી વાવી તેમાં મગનો આંતરપાક લેવો જેમાં દિવેલા અને મગને દિવેલા ની ભલામણ પ્રમાણે ખાતર આપવું. પાક વાવ્યાના ૫ દિવસ પહેલા ફ્લુકલોરાલીન અથવા ટ્રાયયફ્લુંરાલીન નો છંટકાવ ૦.૭૫ થી ૧ લીટર પર હેક્ટર ના દર થી કરવો.અથવા તો પાક વાવ્યા પછી કોટો બહાર નીકળ્યા પહેલા એલાક્લોર અથવા નાઈટ્રોફેન હેક્તરે ૧.૦ થી ૧.૫ લીટર છાંટવું.
પિયત: દિવેલાના પાકને જીવનકાળ દરમિયાન જમીનની પ્રત અને ભેજ સંગ્રહશક્તિ મુજબ ૬ થી ૮ પિયતની જરૂર પડે છે. જેમાં પ્રથમ ચાર પિયત વરસાદ બંધ થયા પછી ૧૫-૨૦ દિવસના ગાળે તથા બાકીના પિયત ૨૦–૨૫ દિવસના ગાળે આપવા. પાણીની અછતવાળા ઉત્તર ગુજરાત વિસ્તારમાં ટપક સિંચાઈ પદ્ધતિથી પિયત આપવું. જેનાથી ૨૪ ટકા પાણી બચે છે તથા ૩૬ ટકા વધુ ઉત્પાદન મળે છે.
૧) દિવેલાનો સુકારો
ઉનાળામાં ઉડી ખેડ કરવી. બીજને વાવતાં પહેલાં થાયરમ અથવા કાર્બેન્ડાઝીમ ૩ ગ્રામ/કિલો બીજ મુજબ પટ આપી વાવણી કરવી. ટ્રાયકોડરમાં વિરીડી નો પટ ૫ ગ્રામ / કિલો બીજ ના દરે આપવો. ૪ ગ્રામ/કિલો ના દરે થી આપવો. છાણિયુ ખાતર અને શણનો લીલો પડવાશ કરવો. રોગિષ્ટ છોડને મૂળ સાથે ઉખેડી બાળી નાખવા. સુકારા રોગ માટે ગુજરાત હાઈબ્રીડ દિવેલા-૪ અથવા ગુજરાત હાઈબ્રીડ દિવેલા-પ અથવા ગુજરાત હાઈબ્રીડ દિવેલા-૭ જેવી રોગ પ્રતિકારક જાતોની વાવણી કરવી. પાકની ફેરબદલી કરવી.
૨) દિવેલાનો મૂળનો કહોવારો
પાકની ફેરબદલી કરવી. ઉનાળામાં ઉડી ખેડ કરવી. બીજને વાવતાં પહેલાં થાયરમ ૩ ગ્રામ/કિલો બીજ મુજબ પટ આપવો. છાણિયુ ખાતર અને શણના લીલો પડવાશનો ઉપયોગ કરવો. રોગિષ્ટ છોડને મૂળ સાથે ઉખેડી બાળી નાખવા. મૂળના કહોવારા માટે ગુજરાત હાઈબ્રીડ દિવેલા-ર, ગુજરાત હાઈબ્રીડ દિવેલા-૬, જ્યોતિ, જ્વાલા જેવી રોગપ્રતિકારક જાતોની વાવણી માટે પસંદગી કરવી. દિવેલાના પાકને જરુરિયાત મુજબ પાણી આપીને પાણીની ખેંચ પડવા દેવી નહિ. રોગની શરુઆત થતાં કાર્બેન્ડાઝીમ (પ૦ ટકા વે..પા.) ૧૦ લિટર પાણીમાં ૧૦ ગ્રામ પ્રમાણે દૂરાવણ બનાવી છોડની ફરતે જમીનમાં રેડીને (ડ્રેન્ચીંગ)15 દિવસ ના અંતરાલે ૩ વાર આપવાથી રોગની તીવ્રતા ઘટાડી શકાય છે.
૩) ફૂગ થી થતા પણ ના ટપકા (સરકોસ્પોરા)
આ રોગ ની શરૂઆત માં પાન પર પાણી પોચા ટપકા પડે છે જે ધીરે ધીરે બદામી રંગ માં ફેરવાય છે. તેની વચ્ચે સફેદ ટપકું જોવા મળે છે. રોગ ની તીવ્રતા વધતા આ ટપકા એકબીજાને ખાઈ જાય છે અને છેવટે સુકાય જાય છે. મેન્કોજેબ (૪૫% વે. પા.) ૨૫ ગ્રામ/૧૦ લીટર પાણી અથવા કોપર ઓક્ઝીકલોરાઈડ (૫૦% વે. પા.) ૪૦ ગ્રામ/૧૦ લીટર પાણી નો છંટકાવ કરવો.
જીવાતો અને નિયંત્રણ
૧) ઘોડીયા ઈયળ
ઘોડિયા ઇયળ ઘોડી બનીને ચાલે છે જેથી તેને “ઘોડિયા ઇયળ” કહેવામાં આવે છે. આ ઇયળ ઉપર જૂદા જૂદા રંગના પટ્ટા/ડાઘા જોવા મળે છે. દિવેલાના પાકમાં ઘોડીયા ઈયળની સંખ્યા છોડ દીઠ 4 થી વધુ હોય તો જ જંતુનાશકોનો છંટકાવ કરવો. કિવનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં ઓગાળી છટકાવ કરવો. ઈયળ મોટી થઈ ગઈ હોય તો ઉપરોકત દવા સાથે ડીડીવીપી (૦.૦૫ %) પ મિ.લિ. નું મિશ્રણ કરવું.
૨) ડોડવા કોરી ખાનાર ઈયળ
આ જીવાતનો ઉપદ્રવ ખાસ કરીને નવેમ્બર માસમાં વધારે જોવા મળે છે. પાક માં માળા બેસવા ની શરૂઆત થાય ત્યાર પછી આ ઈયળ નો ઉપદ્રવ વધે છે. આ ઈયળ કુમળા ડોડવા માં કાણું પાડીની અંદર દાણા ને નુકશાન કરે છે. રેપીજેન (ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ 18.5% એસસી): 6 મિલી પ્રતિ પંપ, અમેઝ-એક્સ (ઇમામેક્ટીન બેન્ઝોએટ 5% એસજી): 6 ગ્રામ પ્રતિ પંપ છંટકાવ કરવો.
૩) સફેદમાંખી
સફેદમાંખી માદા પાનની નીચલી સપાટી પર મધ્ય નસની નજીક સીધી લાઈનમાં ઇંડા મૂકે છે, જે તેનાં જીવનકાળમાં 51 થી 100 સુધી હોઈ શકે છે. આ ઇંડા લગભગ 7 થી 14 દિવસમાં ફૂટે છે અને આમાંથી નિકળતા બચ્ચા પાન પર ચોંટીને તેનું રસ ચૂસે છે, જેના કારણે છોડની વૃદ્ધિ પ્રભાવિત થાય છે. પાકને આ જીવાતથી બચાવવા માટે નિયંત્રણ જરૂરી છે. આ માટે મેડ્રિડ (એસીટામીપ્રીડ 20% એસપી) 12 ગ્રામ પ્રતિ પંપ અથવા એડોનિક્સ (પાયરિપ્રોક્સીફેન 05% + ડાયફ્થીથ્યુરોન 25% એસઈ) 25 મી.લી. પ્રતિ પંપ પ્રમાણે છંટકાવ કરવો.
કાપણી
વાવણી બાદ લગભગ ૯૦ થી ૧૦૦ દિવસે મુખ્ય માળ પાકી કાપણી લાયક બનશે. માળમાં અંદાજે અડધા ડોડવા પાકી જાય અને બાકીના પીળા પડે તે માળ કાપવાની નિશાની છે. કાપણી લગભગ ચાર માસ સુધી ચાલુ રહે છે કારણ કે બધી જ માળો એક સાથે પાકતી નથી. બધી માળો ઉતરી જાય ત્યારે ખળામાં દિવેલા કાઢવાના શ્રેસરથી દાણા છૂટા પાડી, સાફ કરી વેચાણ માટે તૈયાર કરવામાં આવે છે.
સૌજન્ય:
જય ડી. પટોળિયા, ચિરાગ પી. ચંદ્રમણિયા, દર્શન એલ. કોઠીયા
પીએચડી, સશ્યવિજ્ઞાન બીએસીએ, આણંદ
પીએચડી, જનીનવિદ્યા અને પાક સંવર્ધન, બીએસીએ, આણંદ
પીએચડી, કૃષિ આકાંડાશાસ્ત્ર બીએસીએ, આણંદ
સંપર્ક : jaydpatoliya@gmail.com, 7202040504
Share your comments