Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ચોમાસું પાકોમાં ખાતરની યોગ્ય વ્યવસ્થા કરો

વર્તમાન સમયમાં આધુનિક ખેતી પદ્ધતિમાં ટૂંકાગાળામાં વધુ ઉત્પાદન આપતા પાકોની જાતો તેમજ ઘનિષ્ટ ખેતી પદ્ધતિ દ્વારા એકમ વિસ્તારમાં વર્ષમાં એક કરતાં વધારે વખત પાકોનું વાવેતર કરવામાં આવે છે. જેથી પાક દ્વારા જમીનમાંથી વિપુલ પ્રમાણમાં પોષક તત્વોનું અવશોષણ થાય છે. આ રીતે પાક દ્વારા ઉપાડ થયેલ પ્રમાણ મુજબ જે તે પોષકતત્વો જમીનમાં ઉમેરવા અત્યંત જરૂરી છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
monsoon crops
monsoon crops

સામાન્ય રીતે આ પોષકતત્વો સેન્દ્રીય સ્ત્રોતો કે રસાયણિક ખાતરો દ્વારા ઉમેરવા જોઈએ. વર્તમાન આધુનિક ખેતીમાં સેન્દ્રીય અને છાણીયા ખાતરના વપરાશમાં દિવસે દિવસે ઘટાડો થતો જાય છે અને વધુ ઉત્પાદન મેળવવાની ઘેલછાના કારણે સાંદ્ર રસાયણિક ખાતરોનો અસંતુલિત રીતે ઉપયોગ કરવાના પરિણામે ઘણા જ પ્રશ્નો ઉપસ્થિત થયા છે.

  • અમુક તત્વના વધુ પડતા વપરશને કારણે અન્ય તત્વોની લભ્યતા ઉપર વિપરીત અસર ઉદભવી.
  • સુક્ષ્મતત્વની ઉણપ ઉભી થઇ.
  • જમીનમાં કુદરતી સેન્દ્રીય તત્વની ઉણપ ઉભી થઇ.
  • જમીનમાં હાનિકારક ક્ષારો જમા થવાથી જમીનનું બંધારણ બગડી/પોત ગયું.
  • જમીનમાં સુક્ષ્મજીવાણુંઓની કાર્યવાહી મંદ પડી.

પાક ઉત્પાદનમાં પોષણ વ્યવસ્થા ચાવી રૂપ ભાગ ભજવે છે અને જેનો ફાળો અંદાજે ૪૧ ટકા જેટલો છે. આથી ચોમાસાના મુખ્ય પાકો મગફળી, કપાસ, તલ, એરંડા, વિ.પાકોનું મહતમ ઉત્પાદન મેળવવા માટે કૃષિ યુનીવર્સીટી દ્વારા કરાયેલ ભલામણ મુજબ જ ખાતર વાપરવામાં આવે તો મહતમ ઉત્પાદન અને અધિકતમ નફો મેળવી શકાય સાથે સાથે જમીનની ઉત્પાદકતા પણ જાળવી શકાય.

મગફળી


મગફળીના પાકમાં જમીન તૈયાર કરતી વખતે હેકટરે ૮ થી ૧૦ ટન છાણિયુ ખાતર જમીનમાં ભેળવી દેવું. વાવણી વખતે હેકટરે ૧૨.૫ કીલોગ્રામ નાઈટ્રોજન અને ૨૫ કિલો ફોસ્ફરસ પ્રતિ હેકટર આપવા. સામાન્ય રીતે ખેડૂતો મગફળીના પાકમાં પાયાના ખાતર તરીકે ડી.એ.પી. વાપરતા હોય છે. પરંતુ મગફળીએ તેલીબીયાનો પાક હોય ભલામણ મુજબના નાઈટ્રોજન અને ફોસ્ફરસ, સિંગલ સુપર ફોસ્ફેટ અને એમોનિયમ સલ્ફેટમાંથી આપવામાં આવે તો પાકની ગંધક તત્વની જરુરિયાત પણ પૂરી કરી શકાય છે. દર વર્ષે એક જ ખેતરમાં બે થી વધારે પાક લેવાતા હોય ત્યારે ભલામણ કરેલ નાઈટ્રોજન અને ફોસ્ફરસની સાથે ૪૦ કિલો પોટાશ પ્રતિ હેકટરે આપવાથી મહતમ ઉત્પાદન અને આર્થિક વળતર મેળવી શકાય છે.

સંશોધનના પરિણામો પરથી માલુમ પડેલ છે કે મગફળીના પાકને ભલામણ કરેલ રસાયણિકખાતરના ૫૦% જથ્થાની (નાઈટ્રોજનઅનેફોસ્ફરસ ૬.૨૫:૧૨.૫૦ કિલો/હેકટર) સાથે ૫૦૦ કિલોગ્રામ દીવેલીનો ખોળ પ્રતિ હેકટરે આપવાથી મહતમ ઉત્પાદન અને આર્થિક વળતર મેળવવાની સાથે જમીનની ફળદ્રુપતા પણ જાળવી શકાય છે.

 કપાસ


પિયત વિસ્તારમાં કપાસના પાકમાં જમીન તૈયાર કરતી વખતે હેકટરે ૧૦ ટન છાણીયું ખાતર જમીનમાં ભેળવી દેવું અને હેકટરે ૨૪૦ કીલોગ્રામ નાઈટ્રોજન (ચાર સરખા હપ્તે ૨૫% પાયાનાં ખાતર તરીકે અને બાકીનો નાઈટ્રોજન ત્રણ હપ્તામાં ૩૦, ૬૦ અને ૯૦ દિવસે) તથા ૫૦ કિલો ફોસ્ફરસ બે હપ્તે (અર્ધા પાયાનાં ખાતર તરીકે અને અર્ધો ૬૦ દિવસ બાદ) ઉપરાંત ૧૫૦ કિલોગ્રામ પોટાશ વાવેતર પહેલા અથવા અર્ધો પાયામાં અને અર્ધો ૩૦ દિવસ બાદ અને ૫૦ કિલોગ્રામ ઝીંક સલ્ફેટ આપવાથી વધારે ઉત્પાદન અને વધુ આવક મળે છે. યુરીયા ખાતરની કાર્યક્ષમતા વધારવા એક થેલી યુરિયામાં સલ્ફર (૧-૨ કીલોગ્રામ)કે દિવેલીનો ખોળ (૫ કીલોગ્રામ ) નો પટ આપવો. કપાસના પાકમાં ચાપવા બેસતી વખતે,જીંડવા બંધાવાની શરૂઆતે અને ૫૦ ટકા જીંડવા બંધાયા હોય એ અવસ્થાએ પોટેશિયમ નાઈટ્રેટના ૩ ટકા દ્રાવણનો અને માઈક્રો ન્યુટ્રીયન્ટ મિશ્રણનો છંટકાવ કરવાથી વધુ ઉત્પાદન અને આર્થિક વળતર મેળવી શકાય છે.

આ પણ વાંચો:ટીશ્યુ કલ્ચરમાંથી તૈયાર કરેલા છોડમાંથી કેળાની ખેતી કરો, જાણો આ પદ્ધતિ વિશે

બિન પિયત વિસ્તારમાં વધુ ઉત્પાદન અને ચોખ્ખો નફો મેળવવાની સાથે જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા કપાસના પાકને હેકટરે ૮૦ કિલો નાઈટ્રોજન રસાયણીક ખાતર સાથે કમ્પોસ્ટ ખાતર ૧૦ ટન અને દીવેલીનો ખોળ ૫૦૦ કિલો અને એઝોટોબેકટર અને પીએસએમ ૫ ગ્રામ/કિલો બીજ માવજત અપનાવવાની ભલામણ કરવામાં આવે છે.

દિવેલા(એરંડા)


દિવેલાના પાકમાં જમીન તૈયાર કરતી વખતે હેકટરે ૮ થી ૧૦ ટન છાણીયું ખાતર જમીનમાં ભેળવી દેવું. રસાયણિક ખાતરની વાત કરીએ તો બિન પિયત દિવેલામાં હેકટરે ૪૫ કિલોગ્રામ નાઈટ્રોજન અને ૪૦ કીલ્લોગ્રામ ફોસ્ફરસ આપવાની ભલામણ છે. આ પૈકી ૨૨.૫ કીલ્લોગ્રામ નાઈટ્રોજન વાવણી પછી એક મહીને  જમીનમાં પુરતો ભેજ હોય ત્યારે આપવો.

પિયત દિવેલામાં હેકટરે ૭૫ કીલ્લોગ્રામ નાઈટ્રોજન અને ૫૦ કીલ્લોગ્રામ ફોસ્ફરસ અને ૨૦ કીલોગ્રામ ગંધક , જીપ્સમ મારફત આપવાની ભલામણ છે. આ પૈકી ૩૭.૫ કીલ્લોગ્રામ નાઈટ્રોજન, બધો જ ફોસ્ફરસ અને ગંધક(૧૫૦ કીલોગ્રામ જીપ્સમ) વાવણી વખતે પાયાના ખાતર તરીકે આપવા. જયારે બાકીનો ૩૭.૫ કીલ્લોગ્રામ નાઈટ્રોજન બે હપ્તે વાવણી બાદ ૪૦ અને ૭૦ દિવસે આપવો. જમીન ચકાસણીના આધારે જો પોટાશ અને જસત તત્વની ઉણપ જોવા મળે તો હેકટરે ૫૦ કીલ્લોગ્રામ પોટાશ અને ૨૫ કિલો ઝીંક સલ્ફેટ પાયાના ખાતર તરીકે આપવા.

તલ


તલના પાકને હેકટરે ૫ ટન છાણીયા ખાતર સાથે ૨૫:૨૫ ના.ફો. રસાયણિક ખાતર આપવાથી વધુ ઉત્પાદન અને ચોખી આવક મેળવી શકાય છે. રસાયણિક ખાતરનો વપરાશ ઘટાડવા ઈચ્છતા ખેડૂતોને હેકટરે ૫ ટન છાણીયું ખાતર અને ૫૦:૨૫ કીલોગ્રામ ના.ફો પ્રમાણે રસાયણિક ખાતરની સાથે જૈવિક ખાતર પીએસએમ અને એઝેટોબેકટર ( બંનેનો ૬૨૫ ગ્રામ પ્રતિ હેક્ટર પ્રમાણે )નો બિયારણને પટ આપવાની ભલામણ કરવામાં આવે છે.

કઠોળ (મગ,અડદ)


કઠોળ પાકોમાં જમીન તૈયાર કરતી વખતે હેકટરે ૮ થી ૧૦ ટન છાણિયુ ખાતર જમીનમાં ભેળવી દેવું. વાવણી વખતે હેકટરે ૨૦ કિલોગ્રામ નાઈટ્રોજન અને ૪૦ કીલ્લોગ્રામ ફોસ્ફરસ પાયાના ખાતર તરીકે આપવાની ભલામણ છે.

કઠોળના પાકમા હેકટરે ૬ ટન  સાંદ્ર કમ્પોસ્ટ (એઝોટોબેકટર ૫૦૦ ગ્રામ, પી.એસ.એમ. ૫૦૦ ગ્રામ, રોક ફોસ્ફેટ ૫ કિલો અને યુરીયા ૨.૩ કિલોગ્રામ/ટન ઉમેરી તૈયાર) અથવા ૨ ટન  વર્મી કમ્પોસ્ટ ઉમેરવાથી રસાયણિક ખાતર આપવાની જરૂર રહેતી નથી.

બાજરી


બાજરીના પાકમાં જમીન તૈયાર કરતી વખતે હેકટરે ૧૦ ટન છાણીયું ખાતર જમીનમાં ભેળવી દેવું. બાજરીમાં હેકટરે ૮૦ કીલોગ્રામ નાઈટ્રોજન અને ૪૦ કીલ્લોગ્રામ ફોસ્ફરસ આપવાની ભલામણ છે. બધો જ ફોસ્ફરસ વાવણી વખતે પાયાના ખાતર તરીકે ૪૦ કીલ્લોગ્રામ નાઈટ્રોજન ફૂટ અવસ્થાએ (વાવણી બાદ ૨૫-૩૦ દિવસે ) તથા ૨૦ કીલ્લોગ્રામ નાઈટ્રોજન ગાભે આવવાની અવસ્થાએ (વાવણી બાદ ૪૫-૫૦ દિવસે)આપવાની ભલામણ કરવામાં આવે છે.
બાજરીનાં પાકને ભલામણ કરેલ રસાયણિક ખાતરનાં ૫૦% જથ્થાની (નાઈટ્રોજન અને ફોસ્ફરસ ૪૦:૨૦ કિ.ગ્રા./હેક્ટર) સાથે હેકટરે ૨.૫ ટન કમ્પોસ્ટ અને ૫૦૦ કિ.ગ્રા. દિવેલીનો ખોળ હેકટરે આપવાથી મહતમ ઉત્પાદન અને આર્થિક વળતર મેળવી શકાય છે.

આ પણ વાંચો:નાઇજર ફાર્મિંગ: દૂધાળા પશુઓ માટે ઉત્તમ ખોરાક

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More