મગ એ ખૂબ જ લોકપ્રિય કઠોળ છે, જે ટૂંકા ગાળાનો મુખ્ય કઠોળ પાક છે. ઉનાળુ મગની ખેતી ઘઉં, ચણા, સરસિયુ, વટાણા, બટાકા, જવ, અળસી વગેરે પાકની લણણી પછી જ્યારે ખેતરો ખાલી હોય ત્યારે કરવામાં આવે છે.
મગનો પાક આ બે ઋતુમાં લેવાય છે :
પિયતની પૂરતી સગવડતા રહેલી હોય ત્યાં બહુલક્ષીય પાક પદ્ધતિમાં તેનું ખૂબ જ મહત્વ રહેલુ હોય છે, અને ઉનાળાની ઋતુ દરમિયાન પાકને અગ્રિમતા પણ આપવામાં આવે છે. મગનો પાક ચોમાસા અને ઉનાળા એમ બંને ઋતુઓમાં લેવામાં આવે છે. મગના પાકને ચોમાસામાં મુખ્યત્વે ઓછા વરસાદવાળા અને હલકી જમીનમાં તેમજ આંતરપાક તરીકે લેવામાં આવતો હોવાથી પ્રમાણમાં ઉત્પાદન ઓછું મળે છે જ્યારે ઉનાળુ ઋતુમાં પિયતની પૂરતી સગવડતા હોવાથી અને વાતાવરણ અનૂકુળતાની સાથે સાથે રોગ અને જીવાતનો ઉપદ્રવ પણ ઓછો આવતો હોવાથી સરેરાશ 1200થી 1500 કિલોગ્રામ પ્રતિ હેકટર ઉત્પાદન મેળવી શકાય છે. ઉનાળુ મગનું વાવેતર મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ, વડોદરા, ખેડા અને આણંદ જીલ્લાઓમાં વિશેષ થાય છે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતમાં પણ વધારે અને થોડા પ્રમાણમાં ઉનાળુ મગની ખેતી થાય છે.
જમીનની પસંદગી
મગનું વધુ ઉત્પાદન લેવા માટે જમીનમાં સેન્દ્રિય તત્ત્વો પુરતા પ્રમાણમાં હોવા જરૂરી છે. ચોમાસુ પાકની વાવણી વખતે છાણિયું ખાતર ન નાંખી શકાયું હોય તો ઉનાળાની ઋતુ પહેલા હેકટર દીઠ 10 ટન સારું કહોવાયેલું છાણિયું ખાતર નાખી બે થી ત્રણ વખત ખેડ કરવાથી છણિયું ખાતર જમીનમાં બરાબર ભળી જશે, જેનાથી જમીનની ફળદ્રુપતામાં વધારો પણ થાય છે, સાથે સાથે ભેજ સંગ્રહ શક્તિ પણ વધે છે. ગોરાડુ તેમજ ડાંગરની ક્યારીની જમીન કે જેમાં સેન્દ્રિય તત્ત્વ વધારે હોય તેવી જમીન મગના પાક માટે પસંદ કરવી જોઈએ. જે જમીનમાં ગંઠવા કૃમિનો ઉપદ્રવ હોય તે જમીનમાં ઉનાળુ ઋતુમાં મગનો પાક સારો થતો નથી.
બીજ અને બીજની માવજત
એક હેકટર જમીનમાં વાવણીયાથી ઓરીને વાવતેર કરવા 15-20 કિલોગ્રામ જયારે પંખીને વાવણી કરવા માટે 225 કિલોગ્રામ હેકટર દીઠ બીજની જરૂર રહે છે. જમીન અને બીજ જન્ય રોગોથી પાકને બચાવવા તથા એકમ વિસ્તારમાં છોડની પૂરતી સંખ્યા જળવાઈ રહે તે માટે થાયરમ અથવા બાવિસ્ટીન ફૂગનાશક દવાનો 3 ગ્રામ પ્રતિ કિલોગ્રામ પ્રમાણે પટ આપવો જરૂરી છે.
વાવેતરનો સમય
ઉનાળુ મગનું વાવેતર 15 ફેબ્રુઆરી થી 15 માર્ચ સુધીના સમયગાળા દરમિયાન કરવાથી વધુ ઉત્પાદન મળે છે.
આ પણ વાંચો : રીંગણની ખેતી કરી મેળવો તેનો મખબલ પાક
વાવણીમાં અંતર
ઉનાળુ મગનું વોતર બે ચાસ વચ્ચે 30 સેન્ટિમીટર અંતર રાખીને કરવાથી એકમ વિસ્તારમાં છોડની પૂરતી સંખ્યા જળવાઈ રહે છે અને સરવાળે સારું ઉત્પાદન મળે છે. કયારીની જમીનમાં રવી પાકની કાપણી પછી ઢેફા હોય અને વાવણીયાથી વાવણી થઈ શકે તેમ ન હોય ત્યારે બીજ પુંખીને વાવણી કરવી જોઈએ. જેના માટે બીજનો દર વધારે રાખવો જોઈએ.
ખાતર
વાવણી સમયે રાસાયણિક ખાતર પ્રતિ હેકટરે 20 કિલોગ્રામ નાઈટ્રોજન અને 40 કિલોગ્રામ ફોસ્ફરસ ચાસમાં ઓરીને આપવુ જોઈએ. ઉલ્લેખનીય છે હેકટર દીઠ 20 કિલો સલ્ફર આપવાથી મગનું ઉત્પાદન વધુ મળે છે અને પ્રોટીનનું પ્રમાણ વધવાથી ઉત્પાદનની ગુણવત્તામાં પણ સુધારો થાય છે. ઉલ્લેખનીય છે કે મગના પાકને કોઈપણ સંજોગોમાં વધારે નાઈટ્રોજન યુકત ખાતર આપવું જોઈએ નહીં. વધારે નાઈટ્રોજનથી છોડની વાનસ્પતિક વૃદ્ધિ થાય છે, પ્રમાણમાં ફૂલ મોડા આવે છે અને ઉત્પાદન ઓછું મળે છે.
પિયત વ્યવસ્થા
મગનુ વાવેતર કર્યા પછી ફૂલ આવવાની શરૂઆત પહેલા વધુ પડતો ભેજ અને નાઈટ્રોજનની વધારે લભ્યતા છોડની એકલી વાનસ્પતિક વૃદ્ધિ કરે છે. જમીન હલકી હોય તો ત્યારબાદ બીજુ પિયત 5 દિવસે સારા ઉગાવા માટે આપવું અને ત્યારબાદ ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારે 15 દિવસના અંતરે 4 પિયત આપવાથી સારું ઉત્પાદન મળે છે.
નીંદણ નિયંત્રણ
છોડની વૃદ્ધિ અને વિકાસ માટે જમીનમાં રહેલા જરૂરી પોષક તત્વો અને ભેજ તેમજ હવામાં રહેલ નાઈટ્રોજન, પ્રાણવાયુ અને અંગારવાયુ તેમજ પ્રકાશનું નીંદામણ દ્વારા બિનજરૂરી શોષણ ન થાય તે માટે પાકને પ્રથમ 30 દિવસ સુધી નીંદણમુક્ત રાખવો જોઈએ, જેથી પાક સાથેની નીંદણ હરિફાઈથી પાકને બચાવી શકાય છે.
આ પણ વાંચો : રોજ સવારે ખાલી પેટ કરો ફણગાવેલા મગનું સેવન
પાક સંરક્ષણ
મોલો- મશી, તડતડિયા તથા સફેદ માખી આ જીવાતનો ઉપદ્રવ મગના પાકમાં શરૂઆતના સમયમાં જોવા મળે છે. આ જીવાતો છોડમાંથી રસ ચૂસીને નુકસાન કરતી હોવાથી તેની નિયંત્રણ માટે શોષક પ્રકારની જંતુનાશક દવા જેવી કે ડાયમીથોએટ 0.3 ટકા અથવા ફોસ્ફામીડોન અથવા મથાઈલ ઓ ડીમેટોન 0.04 ટકા પ્રમાણે પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો જોઈએ.
લીલી ઈયળનો ઉપદ્રવ પાકમાં ઈંગો બેસે ત્યારે જોવા મળે છે. આ જીવાત શીંગમાં રહેલ દાણાને નુકસાન કરતી હોવાથી તેનું નિયંત્રણ તાત્કાલિક અને અસરકારક થાય તે જરૂરી છે. તેના નિયંત્રણ માટે મોનોક્રોટોફોસ જંતુનાશક દવા 0.04 ટેકાના દ્રાવણનો 1 થી 2 વખત છંટકાવ કરવો જોઈએ.
કાપણી
મગના પાકમાં છોડ પર મોટા ભાગની શીંગો પાકીને અર્ધ સૂકાયેલ જણાય ત્યારે સવારના સમયમાં પાકી શીંગોની એક થી બે વીણી કરવી. છેલ્લી વીણીની જરૂર ન હોય અથવા બધી શીંગો એક સાથે પાકી જાય તેમ હોય તો છોડની કાપણી કરી ખેતરમાં પાથરીને સૂકાવા દો અને ત્યારબાદ થ્રેસરથી મગના દાણા છૂટી પાડવા.
આ પણ વાંચો : ખેડૂતો માટે ખુશખબર : પામતેલ Palm Oil ની ખેતીને પ્રોત્સાહન આપવા મલેશિયા કરશે ભારતને મદદ
આ પણ વાંચો : ભીંડાની ખેતી માટેની વૈજ્ઞાનિક પદ્ધતિ જુઓ, થશે સારૂ ઉત્પાદન
Share your comments