Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

Rajma Crop : રાજમાની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ જાણો, શાકાહારીઓ માટે પ્રોટીનનો ઉત્તમ સ્રોત

રાજમા કઠોળ વર્ગનો પાક છે જે શાકાહારીઓ માટે પ્રોટીનનો ઉત્તમ સ્રોત છે. તેનું વાનસ્પતિક નામ-ફેસીઓલૂસ વુલગારીસ તેમજ પ્રાદેશિક નામ-રાજમા, કિડની બીન છે. તેનું મુળ ઉદભવ સ્થાન: મધ્ય અમેરિકા અને દક્ષિણ મેક્સિકો છે. રાજમામાં વિવિધ ખનીજ, વિટામિન, રેસા, એન્ટીઓક્સિડન્ટોથી ભરપુર છે.

KJ Staff
KJ Staff
રાજમાની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ
રાજમાની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ

રાજમામાં પ્રોટીન ૨૨.૯ %, ફેટ ૧.૩ %, કાર્બોહાઇડ્રેડ ૬૦.૬ %, કેલ્શિયમ ૨૬૦ મિ.ગ્રા./૧૦૦ગ્રામ, ફોસ્ફરસ ૪૧૦ મિ.ગ્રા./૧૦૦ગ્રામ, લોહ ૫.૮ મિ.ગ્રા./ ૧૦૦ગ્રામ રહેલ છે. જેથી રાજમા વજન ઘટાડવામાં મદદ કરે છે.

આંતરડાના આરોગ્યને પ્રોત્સાહન આપે છે, અને બ્લડ સુગરના સ્તરને મધ્યમ કરે છે. ભારતમાં રાજમાનું મુખ્યત્વે મહારાષ્ટ્ર, ઉ.પ., જમ્મુ કશ્મીર, ઉતર પુર્વના રાજ્યમાં ૮૦-૮૫ હજાર હેક્ટરમાં વાવેતર થાય છે. ગુજરાતમાં ઓછા પ્રમાણમાં રાજમાની ખેતી થાય છે.

ઉત્કુષ્ટ કઠોળ સંશોધન કેન્દ્ર પરથી ગુજરાત રાજમા-૧ જાત ખેડૂતો માટે ગુજરાતનાં ઉતર-પશ્ચિમ ખેત હવામાન વિસ્તારના પિયત વિસ્તાર માટે રવિ ઋતુમાં વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. આ પાક લગભગ બધા જ ખરીફ પાકો પછી સરળતાથી વાવી શકાય છે અને તેના પછી ઉનાળુ પાક પણ લઈ શકાય છે. રાજમા ટૂકાગાળાનો (૧૦૦-૧૧૦ દિવસમાં પાકતો) પાક હોવાથી તે ધનિષ્ટ ખેતી પદ્ધતિમાં ખૂબ અનુકૂળ આવે છે.

વાતાવરણ અનુકુળ

રાજમાની ખેતી માટે ઠંડુ અને સુકુ વાતાવરણ અનુકુળ છે. ભારતમાં ડુંગરાળ વિસ્તારમાં રાજમાની ખરીફ ઋતુ દરમિયાન અને નીચી ટેકરીઓ/સપાટ પ્રદેશમાં શિયાળુ/વસંત પાક ઉગાડવામાં આવે છે. ઉત્તર-પૂર્વના મેદાનો અને મહારાષ્ટ્રના ડુંગરાળ વિસ્તાર, ગુજરાત વગેરેમાં રાજમાની ખેતી શિયાળા દરમિયાન થાય છે. રાજમાનો પાક હિમ વર્ષા અને પાણી ભરાય રહે તેવી જમીનમા ખૂબ સંવેદનશીલ છે. રાજમાના યોગ્ય વિકાસ માટે ૧૦-૨૭ 0 સે આદર્શ તાપમાન છે. ૩૦0  સે. થી ઉપર તાપમાન જતા રાજમામા ફૂલ ખરણની ગંભીર સમસ્યા રહે છે. એ જ રીતે, ૫0 સે. નીચે ફૂલો અને વિકાસશીલ શીંગો અને શાખાઓને નુકસાન થાય છે.

જમીન અને વાવેતરની તૈયારી

 કાળી અને ભારે કાળી જમીન તથા ભેજ સંગ્રહ કરી શકે તેવી જમીન રાજમા પાક વાવેતર માટે અનુકુળ છે. બીજના સારા ઉગવા માટે જમીનને ખેડી, તેમાંના મોટા ઢેફા ભાંગી સમાર મારી જમીનને સમતલ બનાવવી. સમતલ જમીન પર પિયતનું પાણી સહેલાઈથી અને સરખી રીતે આપી શકાય છે. બી ના સારા ઉગાવા માટે જમીનમાં ગારણ કરવું. ક્ષાર વાળી જમીન અનુકુળ નથી તથા પીએચ ૫.૫ થી ૬ વાળી જમીન વધુ અનુકુળ છે. જેથી ગુજરાતમાં રાજમાની ખેતીને બહુ બહોળો પ્રતિસાદ મળેલ નથી પરંતુ પ્રગતિશીલ ખેડુતો રાજમાનું વાવેતર કરે છે જેથી રાજ્યમાં રાજમામાં સંશોધન થકી અન્ય વિસ્તારમાં વધુ વાવેતર થઇ શકે તેમ છે.

વાવેતર સમય

ખરીફ-જુન-જુલાઇ,  રવિ-૧૫ ઓક્ટોમ્બર (ગુજરાત માટે રવિ સિઝન અનુકુળ છે.) 

બીજદર અને વાવેતર અંતર

રાજમા વાવેતર માટે ૧૦૦-૧૨૦ કિગ્રા./હેક્ટર બીજ ની જરૂર રહે છે.  

ખરીફ (પહાડી વિસ્તારમાં ) : ૪૫-૫૦ સે. મી. × ૮-૧૦ સે. મી., રવિ : ૪૦ સે. મી.  × ૧૦ સે. મી.  (પિયત), ૩૦ સે. મી.  × ૧૦ સે. મી.  (વરસાદ આધારિત) અંતરે વાવેતર કરવામાં આવે છે.

સુધારેલ જાતો 

જાત

બહાર પડયાનું વર્ષ

બહાર પડયાનું સ્થળ

પાકવાના દિવસો

ઉત્પાદન (કિ.ગ્રા./હે.)

ખાસિયતો

ગુજરાત રાજમા-૧

૨૦૦૬

સ. દાં. કૃ યુ.

૩૦-૩૫

૨૦૦૦

રોગ સામે મધ્યમ પ્રતિકારકતા ધરાવે છે

ગુજરાત રાજમાશ-૧

(ડી.પી.ર.-૮૮-૧-૨) 

૨૦૧૦

સ. દાં. કૃ. યુ.

૫૨-૧૦૦

૧૪૦૦-૧૫૦૦

રોગ અને જીવાત સામે મધ્યમ પ્રતિકારકતા ધરાવે છે

કોટા રાજમાશ-૧

(આર. કે. આર.-૧૦૩૩)

૨૦૧૮

કોટા, રાજસ્થાન

૧૦૦-૧૦૫

૧૫૦૦-૧૮૦૦

સુકારા સામે પ્રતિકારકતા ધરાવે છે

પાક પોષણ વ્યવસ્થાપન

 અન્ય કઠોળ પાકની સાપેક્ષમાં રાજમાના મુળમાં નાઇટ્રોજન ફિક્સેશન કરતા જૈવિક રાઇઝોબિયમ બેક્ટેરિયાની ગાંઠોનું પ્રમાણ ઓછુ હોવાથી વધુ ઉત્પાદન માટે નાઇટ્રોજન ખાતર વધારે આપવુ પડે છે. રાજમા માં ૯૦-૧૨૦ કિગ્રા/હેક્ટરે નાઇટ્રોજન અને ૪૦-૬૦ કિગ્રા/હેકટર આપવાની ભલામણ છે. જેમા અડધો નાઇટ્રોજન અને બધો ફોસફરસ વાવણી સમયે ચાસમાં આપવો. જયારે બાકીનો અડધો નાઇટ્રોજન વાવણી બાદ ૩૦ દિવસે પિયત વખતે પૂરક ખાતર તરીકે આપવાની ભલામણ છે.

પિયત વ્યવસ્થાપન

 રાજમાને છીછરા મૂળ હોવાને કારણે તથા પોષકતત્વોની વધુ જરૂરિયાત હોવાથી બીજા કઠોળ પાક કરતા વધુ પિયતની જરૂર રહે છે. રાજમાના પાકને ૪-૫ પિયતની જરૂર રહે છે. ખેતરમાં પાણીનો ભરાવો ન થાય તેની કાળજી રાખવી. ક્યારમાં પાણી ભરાઈ ન રહે તેમ ૯ થી ૧૫ દિવસના અંતરે આપવું.

નિંદણ વ્યવસ્થાપન

શરૂઆતના નિંદણ નિયંત્રણ માટે વાવણી પછી તરત જ (ઉગાવા પહેલા) પેન્ડિમેથાલિન (સ્ટોમ્પ) ૦.૭૫૦-૧.૦૦ કિ. ગ્રા/હે. ૬૦૦ લિ. પાણીમાં ઓગળી આપવી તેમજ દવા છાંટતી વખતે જમીનમાં ભેજ હોવો જરૂરી છે.   તથા એક-બે વખત હાથેથી નિંદામણ કરવુ અને જરૂરિયાત મુજબ આંતરખેડ કરવી. 

 સંકલિત રોગ, જીવાત નિયંત્રણ   

  • એન્થ્રેકનોઝ

એન્થ્રેકનોઝ રોગના નિયંત્રણ માટે શરુઆતમાં અસરગ્રસ્ત છોડને ખેચીને ખેતરની બહાર કાઢી દુર કરવો. પાકની ફેરબદલી કરવી, ફુવારા પધ્ધતિથી પિયત આપવુ નહિ, ભેજ વાળા/વરસાદી વાતાવરણમાં શક્ય હોય તો ખેત મજુરોથી થતા કામો ટાળવા.  કાર્બેંડાઝિમ, થાયરમ, મેન્કોજેબ નો વારાફરતી ૪૫, ૬૦, ૭૫ દિવસે સ્પ્રે કરવો.  

  • ડાળીઓ સુકાવાના રોગ

ડાળીઓ સુકાવાના રોગના નિયંત્રણ માટે સમયસર વાવેતર કરવુ. વધુ ઉંડાયે વાવેતર કરવુ નહિ. જમીનમાં યોગ્ય ભેજ હોય ત્યારે વાવેતર કરવુ. વધુ અસર હોય તો કાર્બેંડાઝિમ દવાનો સ્પ્રે કરવો.

  • ખુણાના ટપકાના રોગ

ખુણાના ટપકાના રોગના નિયંત્રણ માટે બીજને કાર્બેંડાઝિમ દવાનો પટ આપી ને જ વાવેતર કરવુ. વાવેતર બાદ ૩૫-૪૦ દિવસથી ૧૫ દિવસે કાર્બેંડાઝિમ દવાના ૩-૪ સ્પ્રે કરવા. પાકની ફેરબદલી અપનાવવી. ભેજ વાળા/વરસાદી વાતાવરણમાં શક્ય હોય તો ખેત મજુરોથી થતા કામો ટાળવા. પાક કાપણી પછી પાક અવશેષોને દુર કરવા.   

  • લીફ માઇનોર

લીફ માઇનોર જીવાતના નિયંત્રણ માટે શરૂઆતમાં અસરગ્રસ્ત પાન તોડી દુર કરવા અથવા છોડ દુર કરવા, લિમડાના તેલ આધારિત દવાનો સ્પ્રે કરવો, વધુ ઉપદ્રવ હોય તો ઓક્સિડેમેટોન મિથાઈલ (મેટાસ્યસ્ટોક્સ) નો સ્પ્રે કરવો.  

  • ડાળી/થડ કોરી ખાનાર માખી

ડાળી/થડ કોરી ખાનાર માખીના નિયંત્રણ માટે બીજને ક્લોરપાયરિફોસ દવાનો પટ આપી વાવેતર કરવુ. ફોરેટ દવા મિક્ષ કરી વાવેતર કરવુ. મલ્ચીંગ કરવુ. વટાણા, સોયાબીન વગેરે કઠોળ પાક સાથે કે બાજુમાં વાવેતર કરવાનું ટાળવુ.   

  • મોલો મસી

મોલો મસી ના નિયંત્રણ માટે પાક ફેરબદલી કરવી, વારંવાર કઠોળ પાકનું વાવેતર ટાળવુ. વચ્ચે અનાજ વર્ગ કે રોકડિયા પાકનું વાવેતર કરવુ. ખેતરમાં ડાળિયા પરભક્ષી કિટકનું પ્રમાણ વધારવુ. લિમડાના તેલ આધારિત દવાનો સ્પ્રે કરવો, વધુ ઉપદ્રવ હોય તો ડાયમીથોએટ ૩૦ ટકા ઈસી ૧૦ મીલી અથવા  લીબોળીનું તેલ ૦.૫% (૫૦ મિલિ/૧૦ લી. પાણીમાં) નો સ્પ્રે કરવો.  

કાપણી અને દાણાનો સંગ્રહ

રાજમાનો પાક ૧૨૫-૧૩૦ દિવસે પરિપક્વ થાય છે. શીંગોનો રંગ બદલાયા પછી મોટા ભાગની શિંગો અર્ધ સુકાયેલ જણાય ત્યારે ડાળીઓ સાથે શીંગની કાપણી કરી ૪-૫ દિવસ સુર્ય પ્રકાશમાં ખેતરમાં પાથરી ખળીમાં તપવા/સુકવવા દેવી અને દિવસમાં ૨-૩ વખત ઉપર નીચે ફેરવવુ જેથી વહેલાસર બધી શીંગો સુકાય જાય. પછી બળદ કે થ્રેસરથી શીંગોમાથી રાજમા બીજને અલગ કરવા ખળુ લેવુ અને શુદ્ધ બીજને 3-4 દિવસ સુધી સૂર્ય પ્રકાશમાં સૂકવવા જોઈએ જેથી તેમા ભેજનું પ્રમાણ ૯-૧૦ ટકા રહે પછી સંગ્રહ કરવો જોઇએ. જાળવણી માટે દાણા ભરેલ કોઠીમાં ઈ.ડી.બી. (ઈથીલીન ડાઈબ્રોમાઈડ) નામની ટ્યૂબ (એમપ્યુલ) ૧ ક્વિન્ટલ દાણા માટે ૩.૦ મિ. લિ. ની એક થી બે ટ્યૂબનો ઉપયોગ કરવો. ટ્યૂબને દાણાની કોઠીની વચ્ચેના ભાગે મૂકી તેને તોડી નાંખી ઢાંકણ બંધ કરી દેવું.  

 ઉત્પાદન

૧૫૦૦-૨૫૦૦ કિગ્રા/હેક્ટરનો ઉતારો આવે છે.

આ પણ વાંચો : Fruit cultivation : લાલ દ્રાક્ષ જેવા દેખાતા આ ફળથી ખેડૂતો બની રહ્યા છે સમૃદ્ધ, જાણો કેવી રીતે કરી શકે ખેતી

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More