Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

કામ ઝીણું, કરે ઘણું : કૃષિ ઉત્પાદનમાં સૂક્ષ્મ તત્વોનું મહત્વ જાણો અને ભારે નફો રળો

KJ Staff
KJ Staff
Importance of Micronutrients
Importance of Micronutrients

પ્રવર્તમાન સમયમાં જળ, જમીન તેમજ પર્યાવરણ જાળવણીની ખૂબ જ જરૂરીયાત છે. જમીનની ફળદ્રુપતા સચવાઈ રહે, ખેતી ટકાઉ અને નફાકારક બની રહે, તે હેતુસર સમતોલ પોષણ વ્યવસ્થા પણ ખૂબ જ જરૂરી છે. પાકની સંપૂર્ણ અને સંતોષકારક વૃદ્ધિ માટે કુલ ૧૭ આવશ્યક પોષક તત્વો જરૂરી છે. તે પૈકી ગૌણ તત્વો છે ગંધક, કૅલ્શિયમ અને મૅગ્નેશિયમ તથા સૂક્ષ્મ તત્વો છે લોહ, જસત, મૅંગેનીઝ, તાંબુ, બોરોન, કલોરાઇડ અને મૉલિબ્ડેનમ.

ગુજરાતના વિવિધ વિસ્તારોની જમીનમાં ગંધક, જસત અને લોહની સરેરાશ ઉણપ અનુક્રમે ૪૦-પ૦, રપ-૩૦ અને ૧પ-ર૦ ટકા જેટલી જોવા મળે છે. દરેક પ્રકારના છોડને તેના પોષણ અને વૃદ્ધિ માટે ઉપર દર્શાવેલ બધા જ આવશ્યક પોષક તત્વોની જરૂરીયાત રહે છે. કૃષિ ઉત્પાદનમાં કુલ ખર્ચના આશરે ૩૦ ટકા જેટલો હિસ્સો ધરાવે છે. તેથી તેનો યોગ્ય અને કાર્યક્ષમ ઉપયોગ થાય તે ઘણું અગત્યનું છે. ખાસ કરીને વર્તમાન સંજોગોમાં સૂક્ષ્મ તત્વોનાં ઉપયોગ બાબતે ધ્યાન આપવામાં આવતું નથી. જયારે આ પોષક તત્વોથી જરા પણ ઓછું નથી, કારણ કે આવશ્યક તત્વની ખાસિયત પ્રમાણે, એક પણ સૂક્ષ્મ તત્વની ખામીથી છોડનો વિકાસ રુંધાય છે, વૃદ્ધિ અટકે છે અને ઉતારો ઘટે છે. સૂક્ષ્મ તત્વ અનેકવિધ કાર્યમાં સંકલિત હોવા ઉપરાંત ઉત્સેચક ક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે. જમીનમાં તે તત્વની અછત ઉભી થતાં સુલભ્યતા ઘટે છે અને છોડની દેહધાર્મિક પ્રક્રિયામાં વિક્ષોપ પડતાં તેની ઉણપના વિશિષ્ટ ચિહનો પ્રદર્શિત થાય છે અને પરિણામ સ્વરૂપ પાકનો ઉતારો ઘટે છે.

સૂક્ષ્મ તત્વોની પુર્તિ મોટા ભાગે ખાતરની અશુદ્ધિ રૂપે અથવા સેન્દ્રિય પદાર્થે જમીનમાં ભળવાથી થતી હોય છે. પરંતુ તેનું પ્રમાણ છોડ ધ્વારા જમીનમાં થતા ઉપાડને ધ્યાનમાં લેતાં મોટા ભાગે અપૂરતું હોય છે. આથી ઘનિષ્ઠ ખેતી પધ્ધતિમાં સારી ગુણવતા અને મહતમ ઉત્પાદન મેળવવા માટે સૂક્ષ્મ તત્વોની પુર્તિ રાસાયણિક ખાતરના રૂપમાં કરવી જરૂરી બને છે. જો જરૂરી પોષક તત્વો સમયસર અને પૂરતી માત્રામાં મળી ન રહે તો ઉત્પાદનમાં ઘટાડો થાય છે અને તેની ગુણવતાને પણ અસર થાય છે. આમ, ગૌણ અને સૂક્ષ્મ તત્વોની ઉણપ ધીરે ધીરે વિસ્તરતી જાય છે ત્યારે ખેડૂતોને આ પોષક તત્વોના યોગ્ય ઉપયોગ બાબતે વૈજ્ઞાનિક સમજ તથા સાચુ માર્ગદર્શન મળી રહે તે ખૂબ જ જરૂરી બને છે.

સૂક્ષ્મ તત્વોના મુખ્ય કાર્યો:

ટકાઉ ખેતી માટે સૂક્ષ્મ તત્વો ખૂબ જ મહત્વના હોય છે. તેઓ (અ) છોડમાં થતી ચયાપચય (દેહધાર્મિક) તેમજ ઉત્સેચકની ક્રિયા માટે ખૂબ જ જરૂરી છે. (બ) હરિતકણ, પ્રોટીન, કાર્બોહાઇડ્રેડના બંધારણમાં જરૂરી છે. (ક) નાઇટ્રોજનના સ્થિરીકરણમાં મદદરૂપ થાય છે. (ડ) ટકાઉ ખેતી માટે તથા ઉત્પાદનની ક્ષમતા વધારવા જરૂરી છે. (ઈ) પાણીની અછત તથા રોગ સામે પ્રતિકારક શકિત વધારે છે. વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસમાં સૂક્ષ્મ તત્વોનો ફાળો રહેલો છે. અગત્યના સૂક્ષ્મ તત્વોના વિવિધ કાર્યો નીચે પ્રમાણે છે :

છોડમાં સૂક્ષ્મ તત્વોનાં અગત્યનાં કાર્યો :

લોહ :

હરિતકણના ઉત્પાદનમાં અને પ્રકાશ-સંશ્લેષ્ણની ક્રિયામાં જરૂરી છે.

છોડને અન્ય તત્વોના ઉપાડ કરવામાં મદદ કરે છે.

પાકની વૃદ્ધિ અને ફલનીકરણની પ્રક્રિયા સાથે સંકળાયેલ છે.

પ્રોટીનના સંશ્લેષ્ણમાં ઉપયોગી છે.

મૅંગેનીઝ :

હરિતકણોના બંધારણમાં ખૂબ જ અગત્યનું છે.

છોડની જૈવ રાસાયણિક આંતરિક પ્રક્રિયામાં ઉપયોગી છે.

જસત :

વનસ્પતિના જીવન રસ માટે ઉપયોગી છે.

કેટલાંક અંત:સ્ત્રાવના ઉત્પાદનમાં મદદરૂપ છે.

વનસ્પતિમાં ફલનીકરણની પ્રક્રિયામાં ઉપયોગી છે.

છોડના વિકાસમાં ઉત્સેચક તરીકે કામગીરી બજાવે છે.

તાંબુ :

શ્વસન ક્રિયાનું નિયમન કરે છે.

પ્રકાશ-સંશ્લેષ્ણની ક્રિયા માટે જરૂરી છે.

અનાજના દાણાના યોગ્ય વિકાસ માટે મદદરૂપ છે.

બોરોન :

છોડના જૈવિક કોષોના બંધારણમાં ઉપયોગી છે.

નાઇટ્રોજનના ઉપાડ માટે મદદરૂપ થાય છે.

મૂળની વૃદ્ધિ સારી થાય છે.

મૉલિબ્ડેનમ :

કઠોળ વર્ગના પાકમાં હવામાંના નાઇટ્રોજનને સ્થિરીકરણ કરવામાં મદદ કરે છે.

સૂક્ષ્મ તત્વોની સુલભ્યતાને અસર કરતાં પરિબળો :

જમીનમાં પોષક તત્વોની સુલભ્યતા મુખ્યત્વે (૧) જમીનનો અમ્લતા આંક, (ર) ઝીણી માટીનું પ્રમાણ, (૩) મુકત ચૂનો, (૪) સેન્દ્રિય ભેજ, (પ) જમીનનો ભેજ, (૬) સુલભ્ય ફૉસ્ફેટનું પ્રમાણ અને (૭) અન્ય તત્વો સાથેનો પારસ્પરિક સંબંધ જેવા અનેક પરિબળો ઉપર આધારીત હોય છે. આમ હલકા પ્રતની રેતાળ, ખડકાળ, પથ્થરિયા, ચૂનખડ તેમજ ઓછા નિતારવાળી ક્ષારીય જમીનો કે અમ્લતા આંક ઊંચો હોય તેવી ભાષ્મિક જમીનમાં સેન્દ્રિય તત્વનું પ્રમાણ ઓછું હોય, જમીનના ઉપલા પડનું ધોવાણ થયેલ હોય અથવા તો સુલભ્ય ફોસ્ફેટની માત્રા વિશેષ હોય તેવી જમીનોમાં સૂક્ષ્મ તત્વોની ખામી વર્તાતી હોય છે.

ઉણપના ચિહ્નોની ઓળખ :

પોષક તત્વો સામાન્ય રીતે જૈવ રાસાયણિક ક્રિયાઓને અસર કરતા હોવાથી છોડની દેહધાર્મિક પ્રક્રિયા ઉપર તેમની ઉણપની અસર વર્તાય છે અને કયારેક દેહધાર્મિક વિકૃતિઓ સ્વરૂપે પણ સૂક્ષ્મ તત્વોની ઉણપ કે અસમતોલનની અસરો જોવા મળે છે, જેમકે એક અભ્યાસ મુજબ જાણવા મળેલ છે કે આમળા ફળ ઉપર જોવા મળતા ડાઘ, ચાંદા, ટપકાં અને અન્ય અનિશ્ચિત ફેરફાર પોષક તત્વોની સમતુલાના અભાવને કારણે વિપરિત અસર તરીકે ઉદભવતા હોય છે. આ સંજોગો કયારેક રોગ અને જીવાતના ઉદભવ માટે મદદરૂપ બની શકે છે. પરિણામે આ પરિસ્થિતિ સંલગ્ન ચેપ ધ્વારા રોગ/જીવાતની અસરથી ઉદભવતી અસરો પોષક તત્વોની ખામીઓનથી ઉદભવતા ચિહ્નો સાથે ભળી જાય છે. છોડની વૃદ્ધિ અને વિકાસ પર થતી અસરો પણ રોગ-જીવતને લીધે પાકની વૃદ્ધિ અને વિકાસ પર થતી વિપરીત અસરો જેવી હોઈ શકે છે. પાકમાં પાણીનું પ્રમાણ વૃદ્ધિ અવસ્થા દરમ્યાન સમતોલ રીતે જળવાઈ ન રહે તે સંજોગોમાં પણ છોડના વિવિધ ભાગો પર જોવા મળતી અસરો પોષક તત્વોની ખામીઓ અથવા રોગોના ચિહનો સાથે ભળી જતી હોય છે જેમકે ફળ ઉપર જોવા મળતી કચરલી અને તિરાડો બોરોન, જસત કે કૅલ્શિયમ જેવા પોષક તત્વોની ખામી સાથે ભળી શકે છે કારણ આવા પોષક તત્વો કોષ્ારસ જાળવણી અને કોષ દિવાલ સંરચના સાથે સંકળાયેલ હોવાથી તેની ઉણપની અસરો ભેજની ખેંચથી ઉદભવતી અસરો સાથે મહદઅંશે ભળી શકે તેમ હોય છે.

આ પ્રમાણે અછતની પરિસ્થિતી રોગકારક જીવાણુઓને તેમનું કાર્ય આગળ ધપાવા માટે સાનુકૂળ રહે છે અને તેથી લાક્ષાણિક ઉણપ ચિહનો સામાન્ય રીતે પાક કે છોડમાં બહુ જ સ્પષ્ટ રીતે જોવા મળતા નથી. આ સંજોગોમાં સંકલિત પ્રયાસો ધ્વારા સાચી પરિસ્િથતિની માહિતી વૈજ્ઞાનિક ઢબે મેળવીજે તે પ્રશ્નોના નિવારણમાં યોગ્ય ઉપાયો અજમાવવા વધુ હિતાવહ છે. ખેડૂતો પોતાના ખેતરમાં સૂક્ષ્મ તત્વોની ઉણપના લાક્ષાણિક ચિહનોનો નિદાન કરી શકે તે માટે ચાવીરૂપ ફલો-ચાર્ટ તથા છોડ ઉપર પ્રદર્શિત થતા લાક્ષાણિક ઉણપ ચિહનોની સમજ સામેલ ચાર્ટમાં દર્શાવેલ છે.

ખેતી પાકોમાં સૂક્ષ્મ તત્વોની ઉણપનું નિવારણ :

ગુણવતાસભર સારા ઉત્પાદન માટે ક્ષોત્રિય તેમજ બાગાયતી પાકોમાં સમતોલ પોષણ વ્યવસ્થા જરૂરી છે. જમીનમાં જે પોષક તત્વોની ઉણપ વરતાતી હોય તે ખૂટતા તત્વની પ્રમાણસર અને સમયસર જમીનમાં પુર્તિ કરવાથી અગર પાક પર છંટકાવ કરવાથી ફાયદાકારક અસર થાય છે. જો જમીન ચકાસણીથી ઉણપ નકકી કરવામાં આવી હોય તો શરૂઆતથી જ જે પાક માટે પાયાના ખાતર સાથે ખૂટતા સૂક્ષ્મ તત્વનું પ્રમાણસર ખાતર કોઠામાં દર્શાવ્યા મુજબ જમીનમાં આપી દેવું સલાહભર્યુ છે. જયારે ઉભા પાકમાં ઉણપના લક્ષાણો દેખાય ત્યારે નિદાન કરી માત્ર ખૂટતા તત્વની પ્રમાણસર પુર્તિ છંટકાવથી કરવી જરૂરી છે. ઉણપની તીવ્રતા મુજબ અઠવાડીયાના આંતરે બે થી ત્રણ છંટકાવ કરવા જોઈએ. આ સૂક્ષ્મ તત્વોની ઉણપ નિવારવા માટે ખાતરની પુર્તિ કોઠામાં દર્શાવ્યા મુજબ કરવી જોઈએ. સેન્દ્રિય ખાતરોમાં આ તત્વોનું પ્રમાણ વિશેષ હોવાથી તેની નિયમિત પુર્તિ કરવાથી સૂક્ષ્મ તત્વોની ઉણપ મહદઅંશે નિવારી શકાય છે.

ગુજરાતની જમીનોમાં સૂક્ષ્મ તત્વો પૈકી મુખ્યત્વે જસત તથા લોહની ઉણપ જોવા મળે છે. જમીનમાં આ તત્વોની અછતને કારણે અનાજ, કઠોળ, તેલીબિયા, શાકભાજીના ઉત્પન્નમાં પણ તેનું પ્રમાણ ઓછું જોવા મળે છે. આપણા ખોરાકમાં આ તત્વોનું પ્રમાણ ઓછું હોવાથી આ તત્વોની દૈનિક જરૂરીયાત પૂરી ન થતાં કયારેક વિવિધ બીમારી અથવા તો રોગો થવાની સંભાવના રહે છે. વિવિધ સાહિત્યો મુજબ આરોગ્ય અને ખાસ કરીને ભારતીય બાળકો અને સ્ત્રીઓમાં લોહ-જસતની ઉણપ જોવા મળે છે. આવા સંજોગોમાં ખેતી પાકોમાં જસત અને લોહની પૂર્તિથી અનાજ અને કઠોળમાં આ તત્વોની માત્રા વધે તે માનવ આરોગ્ય માટે ફાયદાકારક છે.

Share your comments

Subscribe Magazine