Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

નીંદણ વ્યવસ્થાપનની વિવિધ પધતિઓ

ખેતી ની શરૂઆત થઈ ત્યારથી ખેડૂતોને મુઝવતો નીંદણનો પ્રશ્ન માત્ર ખેડૂતોનોજ પ્રશ્ન ન રહેતા માનવ સમાજનો પ્રશ્ન બની ગયેલ છે. જેવા કે માનવ જાતની તંદુરસ્તી માટે, વેપારી સમાજ, પશુપાલકો, નહેરોના ઈજનેરો માટે, જંગલોમાં તથા પીવાના પાણીમાં કેટલીક જગ્યાએ જળાશયોમાં પ્રદુષણ રૂપે વિકટ સમસ્યારૂપ છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
weed management
weed management

ખેતીની શરૂઆત થઈ ત્યારથી શરુ કરીને આજ પર્યત સદર સમસ્યાનો રામબાણ ઈલાજ શોધવાના પ્રયત્નો ચાલુ છે. પરંતુ આ પ્રશ્ન તરફ પુરતા પ્રમાણમાં લક્ષ્ય આપવામાં આવેલ નથી. કારણ કે પાકમાં રોગ અને જીવાત દ્વારા થતું નુકશાન સ્પષ્ટ રીતે જોઈ શકાય છે જ્યારે નીંદણ દ્વારા થતુ નુકશાન પાક ઉત્પાદનના અંતે ઘટાડા રૂપે પરોક્ષ રીતે જણાય છે. તેથી નીંદણનું મહત્વ યોગ્ય સમયે ન સ્વીકારવાના કારણે આજના ખેડૂતો માટે નીંદણ પડકાર રૂપ સમસ્યા બનવા પામેલ છે. નીંદણ એક હઠીલો, વણનોતર્યો, બીજા પાકોની સાથે ઉગતો, પાક ઉત્પાદન અને ગુણવત્તામાં ઘટાડો કરનારો, ખેતી ખર્ચ વધારનારો, પ્રતિકુળ આબોહવામાં પણ અડીખમ ટકી રહેનારો ખેડૂતોનો સૌથી મોટો અને છૂપો દુશ્મન છે. આવા શકિતશાળી દુશ્મનને કાબુમાં રાખવા માટે મુખ્યત્વે બે ઉપાયો છે.

 

) અવરોધક ઉપાયો

) પ્રતિરોધક ઉપાયો.

 

) અવરોધક ઉપાયો

નીંદણ નિયંત્રણની આ પદ્ધતિમાં નીંદણના બીજ યા પ્રસર્જન માટે વનસ્પતિક ભાગો ઉપદ્રવિત વિસ્તારમાંથી નીંદણમુક્ત વિસ્તારમાં ન ફેલાય તેવા ઉપાયો કરવામાં આવે છે જે ઓછા ખર્ચાળ અને સરળતાથી અપનાવી શકાય છે.

 

  • નીંદણમુક્ત, શુદ્ધ અને પ્રમાણિત બીજનો વાવણી માટે ઉપયોગ કરવો.
  • સંપૂર્ણ કોહવાયેલુ છાણીયું / કમ્પોસ્ટ ખાતરનો જ ઉપયોગ કરવો.
  • પશુઓને નીંદણના બીજથી મુક્ત લીલો કે સુકો ચારો નાખવો.
  • જાનવરોને નીંદણવાળા ચરીયાણ વિસ્તારમાંથી ખેતી લાયક વિસ્તારમાં પ્રવેશતા અટકાવવા.
  • જાનવરોને પાકટ નીંદણોવાળા વિસ્તારમાં ચરાવવા નહિ.
  • ખેત ઓજારોને નીંદણોના બીજથી મુક્ત રાખવા અને ઉપયોગ કર્યા પછી સાફ કરવા.
  • પિયતની નિકો, ઢાળિયા, પાળિયા, નહેર, ખેતરના ખૂણા, વાડ, શેઢા વગેરે નીંદણોથી મુક્ત રાખવા.
  • ખળાની તથા તેની આજુબાજુની જગ્યા નીંદણમુક્ત રાખવી.
  • ફેરરોપણી સમયે નીંદણોના છોડ કાળજીપૂર્વક દુર કરવા.
  • નીંદણોના બીજવાળી માટીનું બીજી ખેડાણવાળી જમીનમાં સ્થળાંતર કરવું નહિ.
  • નીંદણને બીજ બેસતા પહેલા કાપી કે બાળી નાખવા.

 

) પ્રતિરોધક ઉપાયો

નીંદણના બીજનો ખેતરમાં પ્રવેશ થઈ જાય અથવા તેનો ઉગાવો થયા બાદ વિવિધ પદ્ધતિથી નીંદણ નિયંત્રણના પગલાં લેવામાં આવે તેને પ્રતિરોધક ઉપાયો કહેવાય છે. આ પદ્ધતિમાં નીંદણ નિયંત્રણને અસર કરતા પરિબળો જાણવા ખાસ જરૂરી છે જેથી ચોક્કસ નીંદણ માટે અમુક પરીસ્થિતિમાં કયા ઉપાયો વધુ અસરકારક થશે તે જાણી શકાય અને સહેલાઈથી નીંદણ નિયંત્રણ કરી શકાય.

 

 

) ભૌતિક (યાંત્રિક) ઉપાયો

. નીંદણના છોડ ઉપર ફુલ કે બીજ આવે તે પહેલા ખરપડીથી નિંદામણ કરવું.

. ઉભા પાકમાં યોગ્ય ખેત ઓજારોથી યોગ્ય સમયે આંતરખેડ કરવી.

. ઉંડા મૂળવાળા નીંદણો માટે ઉનાળામાં ઊંડી ખેડ કરવી.

. ક્યારીની જમીનમાં પાણી ભરી રાખી નીંદણોનો નાશ કરવો.

. પડતર જમીનોમાં સુકા કચરાને બાળી નાંખવો.

. આવરણ (મલ્ચ) નો ઉપયોગ કરી નીંદણોની વૃદ્ધિ અટકાવવી.

 

) પાક પદ્ધતિઓનો ઉપયોગ

આ એક બિન ખર્ચાળ કે ઓછી ખર્ચાળ નીંદણ નિયંત્રણ પદ્ધતિ છે. જેમાં યોગ્ય પદ્ધતિ કે ખેત પદ્ધતિનો ઉપયોગ કરીને નીંદણોનું પ્રમાણ ઘટાડી શકાય છે.

વાવેતરનો સમય

પાક અને નીંદણોનો ઉગાવો અને વૃદ્ધિનો આધાર ઉષ્ણતામાન ઉપર રહેલો હોઈ, સમયસરનું વાવેતર જરૂરી છે. મોડુ વાવેતર કરવાથી પાકની વૃદ્ધિ ઘટવા ઉપરાંત કેટલાક વધારાના નીંદણોનો પાકને સામનો કરવો પડે છે.

વાવેતર પદ્ધતિ :

સાંકડા અંતરના પાકોમાં પુંખીને વાવેતર કરવા કરતા હારમાં કે ચોકડી વાવેતર કરવાથી પાકને વૃદ્ધિ માટે પુરતી જગ્યા મળી રહેતા પોષક તત્વો, પાણી અને પ્રકાશનો પાક કાર્યક્ષમ ઉપયોગ કરી, ઝડપી વૃદ્ધિ કરી, નીંદણોની વૃદ્ધિ અટકાવે છે.

 

બિયારણનો દર :

ભલામણ કરેલ બીજ પર દર રાખવાથી એકમ વિસ્તારમાં નીંદણોની વૃદ્ધિ નિયંત્રિત રહે છે. યોગ્ય સમયે ખાલા પુરવા અને પારવણી કરવી.

 

વાવેતરનું અંતર

દરેક પાક માટે ભલામણ કરેલ વાવેતર અંતર રાખવું. વધુ અંતર રાખવાથી નીંદણોને વિકાસ કરવા માટે મોકળું મેદાન મળી જાય છે. જ્યારે ભલામણ કરતા સાંકડા ગાળે વાવેતર કરવાથી પાકની વૃદ્ધિ ઓછી થવા ઉપરાંત આંતરખેડમાં મુશ્કેલીઓ પડતા યોગ્ય સમયે નિંદામણ થઈ શકતું નથી. જેથી પણ નીંદણનો ઉપદ્રવ વધી જાય છે.

પાક પદ્ધતિ :

) પાકની યોગ્ય ફેરબદલી કરવી

) મિશ્ર / આંતર પાક પદ્ધતિ અપનાવી.

) વધુ અને ઝડપી વૃદ્ધિ કરે તેવા પાકની પસંદગી કરવી.

) લીલો પડવાશ કરવો.

) જમીન ઉપર આવરણ  કરી શકે તેવા કઠોળ વર્ગના પાકોનો પાક પદ્ધતિમાં સમાવેશ કરવો.

 આ પણ વાંચો:ઉન્નત ખેતીનો અભિગમઃ પપૈયાની ઉન્નત ખેતી કેવી રીતે કરશો તે જાણીએ

રાસાયણિક ખાતરો

યોગ્ય રાસાયણિક ખાતરો યોગ્ય પદ્ધતિથી, યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં આપવા. રાસાયણિક ખાતરોનો ઉપયોગ ફક્ત પાક કરી શકે તેનો ખ્યાલ રાખવો.

પિયત

યોગ્ય પિયત પદ્ધતિઓ દ્વારા યોગ્ય સમયે અને યોગ્ય જથ્થામાં પિયત આપવું.

 

) જૈવિક ઉપાયો

  • આ પદ્ધતિમાં કુદરતી નીંદણનાશકો જેવા કે કિટકો, જીવાણુંઓ, ફુગ અથવા અમુક પ્રકારની માછલીઓનો નીંદણ નિયંત્રણ માટે ઉપયોગ કરવામાં આવે છે.
  • ૧૯૨૫માં ઓસ્ટ્રેલિયામાં ૬૪ લાખ હેક્ટર જમીનમાંથી ફાફળા થોરનો નાશ કરવા ડેકટીલોપીયર્સ નામના નાના કિટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
  • આપણા દેશમાં હાલ આ અંગે વિવિધ નીંદણોના નાશ માટે સંશોધનો ચાલુ છે. જેમાં, આગિયો, ચીઢો, લેન્ટેના , પાર્થેનિયમ વગેરે નીંદણોનો સમાવેશ થાય છે.

 

) લેસર કિરણોની રીત

આ નવી પદ્ધતિનો ઉપયોગ યુ. એસ.એ.માં જળકુંભીના નાશ માટે કરવામાં આવે છે. જેમા લેસર કિરણો દ્વારા બંધિયાર પાણીવાળી જગ્યાએ જળકુંભીનો નાશ કરવામાં આવે છે.

) કાયદાથી નિયંત્રણ

આ માટે એક વિસ્તારમાંથી બીજા વિસ્તાર તેમજ એક દેશમાંથી બીજા દેશમાં જ્યારે અનાજની કે અન્ય વસ્તુની હેરફે કરવામાં આવે ત્યારે તેની ચકાસણી કરી પ્રમાણપત્ર આપવામાં આવે પછી જ હેરફેર કરવી. કર્ણાટક રાજ્યમાં ગાજરઘાસને અટકાવવા પગલાં લેવાની ફરજ પડી છે.

) સોઈલ સોલરાઈઝેશન :

સોઈલ સોલરાઈઝેશન પદ્ધતિ દ્વારા વાતારવણ, પાક, પાણી તથા જમીનને પ્રદુષિત થયા સિવાય નીંદણનિયંત્રણ કરી શકાય છે. ઉનાળામાં ખુબ ગરમી હોય ત્યારે એપ્રિલ – મે માસ દરમ્યાન જમીન પિયત આપી વરાપ થયે પારદર્શક ૨૫ માઈક્રોન (૧૦૦ ગેજ) એલ.ડી.પી.ઈ. પારદર્શક પ્લાસ્ટીક ૧૫ દિવસ સુધી જમીન ઉપર હવાચુસ્ત રીતે ઢાંકી રાખવાથી જમીનનું તાપમાન સામાન્ય રીતે ૪૫-૪૬સે. હોય છે જે સોઈલ સોલરાઈઝેશન દ્વારા ૧૦-૧૨સે. વધુ ઊંચુ જાય છે. જમીનના ઉપરના સ્તરમાં તાપમાન વધતા જમીનમાં રહેલ નીંદણના બીજની સ્ફુરણ શક્તિ નાશ પામે છે. સોઈલ સોલરાઈઝેશન અપનાવ્યા બાદ જમીનના ઉપરના સ્તરને ઉથલપાથલ કર્યા સિવાય પાકની કે ધરૂની વાવણી કરવાથી અસરકારક નીંદણ નિયંત્રણ મળે છે. આ ઉપરાંત જમીનમાં રોગ કરનાર જીવાણુંઓ, ફુગ તથા કૃમિનું પણ નિયંત્રણ થાય છે. આ પદ્ધતિને લીધે જમીનમાં રહેલા કેટલાક જરૂરી આવશ્યક અલભ્ય પોષકતત્વો લભ્ય સ્વરૂપમાં ફેરવાતા છોડને સહેલાઈથી શરૂઆતના ઉગાવા દરમ્યાન મળતા હોવાથી છોડ તંદુરસ્ત રહે છે. ધરુંવાડીયાના પાકો તથા વધુ આવકવાળા પાકોમાં સોઈલ સોલરાઈઝેશન પદ્ધતિ નીંદણ નિયંત્રણ માટે અસરકારક છે.

 

) રાસાયણિક પદ્ધતિ :

આ એક અગત્યની અને અસરકારક નીંદણ નિયંત્રણ પદ્ધતિ છે.

) ઝડપી ઔધોગિક કરણને કારણે કૃષિ ક્ષેત્રે મજૂરોની તંગી તથા ઉચા મજુરીના દરને લીધે ભૌતિક પદ્ધતિથી નીંદણ નિયંત્રણ ખર્ચાળ અને બિનકાર્યક્ષમ પુરવાર થયું છે. વધુમાં પ્રતિકુલ હવામાન પરીસ્થિતિથી નિંદામણનો યોગ્ય સમય પણ સાચવી શકાતો નથી.

) ઘનિષ્ઠ પાક પદ્ધતિઓ જેવી કે બહુપાક પદ્ધતિ, રીલેપાક પદ્ધતિ, આંતરપાક પદ્ધતિ વગેરે અપનાવવાના કારણે રાસાયણિક નીંદણનાશકોથી ભૌતિક પદ્ધતિઓ કરતા વહેલું, અર્થક્ષમ અને અસરકારક રીતે નીંદણ નિયંત્રણ થઈ શકે છે.

) ઘણી વખત જમીન ભારે કે રેચક હોય તો વરસાદ થવાથી ખેતરમાં દાખલ થઈ શકાતું નથી. આવી પરીસ્થિતિમાં નીંદણના ઝડપી અને સમયસર નાશ માટે રાસાયણિક દવાઓનો ઉપયોગ હિતાવહ છે.

 

) સંકલિત નીંદણ નિયંત્રણ :

બે કે વધુ નિયંત્રણ પદ્ધતિઓનો સમજ પૂર્વક સમન્વય કરીને અસરકારક અને નફાકારક નીંદણ નિયંત્રણ કરી શકાય.

આ પણ વાંચો:જમીનની સ્વસ્થ્યતા અને પર્યાવરણ સંરક્ષણ માટે અપનાવો જૈવિક ખેતી

ડો.જી.આર.ગોહિલ, ડો.વાય.એચ.ઘેલાણી, ડો.વી.જે.સાવલિયા

અને ડો.એચ.સી.છોડવડીયા જૂનાગઢ, કૃષિ યુનિવર્સીટી, જૂનાગઢ

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More