Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Worth knowing

મગફળીના પાકનો છુપો દુશ્મન : સફેદ ઘૈણ (મુંડા)ની ઓળખ, નુકશાન અને સંકલિત નિયંત્રણ

KJ Staff
KJ Staff
મગફળીના પાકનો છુપો દુશ્મનનો  ગ્રાફ
મગફળીના પાકનો છુપો દુશ્મનનો ગ્રાફ

સૌરાષ્ટ્ર વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષથી મગફળીના પાકમાં સફેદ ધૈણ કે જે મુંડા તરીકે ઓળખાય છે તેનો ઉપદ્વવ વધતો જોવા મળ્યો છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં એપોગોનીયા  રૌકા નામની જાત મગફળીના પાકને વધુ નુકસાન કરતી માલુમ પડેલ છે. તેની ખાસીયત જાણીતી જાત હેલોટ્રીચીયા કોન્સાગુઇનિયા કરતાં અલગ પ્રકારની છે.

આ પણ વાંચો : Onion in India: સમગ્ર વિશ્વમાં ભારતીય ડુંગળીની માંગમાં વધારો, નિકાસમાં થયો 64 ટકાનો વધારો

યજમાન પાકો :

મગફળી સિવાય આ જીવાત જામફળ, શેરડી, નાળીયેરી, સોપારી, તમાકુ, બટેટા, તેલીબીયા વર્ગના પાકો, કઠોળ વર્ગના પાકો અને શાકભાજી વર્ગના પાકોમાં પણ જોવા મળે છે.

ઓળખ અને નુકસાન :

આ જાતના પુખ્ત કીટકને ઢાલીયા કીટક તરીકે પણ ઓળખવામાં આવે છે. ઢાલિયા કાળા ચળકતા રંગના તેમજ પ્રમાણમાં નાના હોય છે. ઈડા સફેદ રંગના ગોળ હોય છે. આ કીટકની ઈયળ સફેદ રંગની અને બદામી માથાવાળી, મજબૂત મુખાંગોવાળી તેમજ ત્રણ જોડી પગ ધરાવે છે. મોટી ઈયળો પોચા શરીરવાળી તથા મજબૂત બાંધાની હોય છે. તેને અડકતા ગોળ ગુચળુંવળી પડી રહે છે. જમીનમાં મુકાયેલ ઈંડામાંથી નીકળેલ નાની ઈયળો શરૂઆતમાં જમીનમાં રહેલ સેન્દ્રિય પદાર્થ ખાઈ જીવે છે. ત્યારબાદ મગફળીના બારીક મૂળને ખાય નુકસાન કરે છે. 

મગફળીમાં મૂળ ગંડિકાઓ (ગાંઠો) બંધાવાના સમયે ગંડીકાઓ ખાયને નુકસાન કરે છે. આમ તેનું નુકસાન મગફળીના પાકમાં ચાલુ રહે છે. સૂયા તથા અપરિપકવ ડોડવાઓને કાપીને પણ નુકસાન કરે છે. ધૈણની મોટી જાત હેલોટ્રીચીયાની ઈયળો પહેલાં તંતુમૂળ અને ત્યારબાદ મુખ્ય મૂળને કાપી ખાય નુકસાન કરે છે. આ રીતે તેનું નુકસાન ચાસમાં આગળ વધે છે તેથી મગફળીના છોડ સુકાવાથી ખેતરમાં મોટા ખાલા પડે છે. જયારે આ નવી જાતના ધૈણની ઈયળો શરૂઆતમાં તંતુમૂળ ખાઈ ત્યારબાદ મૂળ ગંડિકાઓને ખાય નુકસાન કરે છે. સૂયા બેસતી વખતે તેમજ ડોડવા બંધાવાના સમયે પણ તેને નુકસાન કરે છે. આ જાતની ઈયળો મુખ્ય મૂળ કાપી નુકસાન કરતી નથી તેથી છોડ સંપૂર્ણ સુકાઈ જતા નથી પરંતુ પીળા પડી નબળા વિકાસ સાથે જીવતા રહે છે પરિણામે મગફળીના ઉત્પાદન પર માઠી અસર પડે છે. કેટલાક કિસ્સાઓમાં ૭૦ થી ૮૦ ટકા જેટલું નુકસાન મગફળીના પાકમાં જોવા મળેલ છે. આ જીવાતનો ઉપદ્વવ ગોરાડુ તેમજ રેતાળ જમીનમાં વધારે જોવા મળે છે. જયારે તેના પુખ્ત કિટકો (ઢાલિયા) દેશી બાવળ, બોરડી, લીંમડો જેવા શેઢાપાળાના ઝાડોના પાન ખાય છે, પરંતુ બાવળના પાનને વધુ ખાવાનું વધારે પસંદ કરે છે. ઉપદૂવિત વિસ્તારમાં રાત્રી દરમ્યાન ખૂબ મોટા પ્રમાણમાં બાવળના ઝાડ પર જોવા મળે છે.

જીવન ચક્ર :

 આ જીવાતના પૂખ્ત ૧૮ થી ૨૦ મી.મી. લાંબા અને ૭ થી ૯ મી.મી. પહોળા હોય છે. જીવાતના પૂખ્ત મુખ્યત્વે પહેલા સારા વરસાદ બાદ સંધ્યા સમયે જમીનમાંથી બહાર આવે છે. જે દિવસ દરમ્યાન ખેતરના શેઢા પાળા પર આવેલા યજમાન વૃક્ષો જેવાકે આંબલી, વડ, સરગવો, લીમડો, રાવણો, જામફળી, ચીકુ, કેળ તથા આંબા પર એકઠા થાય છે. સંવનન બાદ માદા કીટક જમીનપર આવીને વહેલી સવારે જમીનમાં આશરે ૧૦ સે.મી. ઊંડાઈએ ઈંડા મુકે છે. હોલોટ્રેકીયા કોનસનગુનીયા જીવાતનું જીવનચક્ર આશરે ૭૬ થી ૯૬ દિવસે પૂર્ણ થાય છે. જેમા ઈંડા અવસ્થા ૮ થી ૧૦ દિવસની, ઈયળ અવસ્થા પ૬ થી ૬૦  દિવસની અને કોશેટા અવસ્થા ૧૨ થી ૧૬ દિવસની હોય છે. જયારે હોલોટ્રેકીયા સેરાટા નામની પ્રજાતિ નું જીવન ચક્ર ૧૪૧ થી ૨૨૮ દિવસમાં પૂર્ણ થાય છે. જેમા ઇંડા અવસ્થા ૧૦ થી ૧૨ દિવસની, ઈયળ અવસ્થા ૧૨૧ થી ૨૦૨ દિવસની જયારે કોશેટા અવસ્થા ૧૦ થી ૧૪ દિવસની હોય છે.

આર્થિક નુકશાન :

આ જીવાતના વધુ પડતા ઉપદ્રવને લીધે પાકમાં મોટા મોટા ખાલા પડે છે જેને લીધે મગફળીના ઉત્પાદનમાં ૨૦ થી ૮૦ ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. જો જમીનમાં ૧ ચોરસ મીટરના વિસ્તારમાં એક ઈયળ જોવા મળે તો રસાયણિક જંતુનાશક દવાનો ઉપયોગ કરીને તેનું તાત્કાલિક નિયંત્રણ કરવું. આ જીવાતનો ઉપદ્રવ રેતાળ અને પોચી જમીનમાં વધારે જોવા મળે છે.

મગફળીના ઘૈણનું સંકલિત નિયત્રણ

 ઘૈણ જીવાતનો જીવનક્મ તથા નુકસાન કરવાની ચોકકસ પ્રકારની ખાસિયતને કારણે તેનું સંપૂર્ણ નિયંત્રણ ફક્ત જંતુનાશક દવાઓથી થઈ શકે નહીં તેથી તેના અસરકારક નિયંત્રણ માટે ઉપદૂવવાળા વિસ્તારમાં નિયંત્રણ માટે વિવિધ પઘ્ધતિઓનું સંકલન કરી સામૂહિક ધોરણે પગલાં લેવા ખૂબ જરૂરી છે.

(અ) વાવેતર વખતે લેવાના પગલાં

૧.  શરૂઆતનો સારો વરસાદ થયા બાદ ખેતરના શેઢા ઉપરના ઝાડ ઉપર એગ્રીગેશન ફેરોમોન ડિસ્પેન્સર (મીથોક્ષી બેન્ઝીન) ૪ પ્રતિ ઝાડ લગાવવું. આ ઝાડ પર ઈમીડાક્લોપ્રીડ ૧૭.૮ ટકા દવા ૧૫ મી.લી.અથવા કવીનાલફોસ ૨૫ ટકા દવા ૩૦ મી.લી. ૧૫ લીટર પાણીમાં મેળવીને છંટકાવ કરવો, જેનાથી ઝાડ પર એકઠા થયેલા ઢાલિયાનો નાશ થશે. આ કામગીરી ૩ થી ૪ દિવસમાં જ પૂર્ણ કરવી જોઈએ.

૨. સાંજના સમયે ખેતરના શેઢાપાળા પરના ઝાડને હલાવી તેના પર બેઠેલા ઢાલિયાને નીચે

   પાડી કેરોસીનવાળા વાસણમાં ભેગા કરી નાશ કરવો.

૩. ઉનાળામાં ઉડી ખેડ કરવાથી જમીનમાં રહેલા કોશેટા તથા સુષુપ્ત અવસ્થામાં રહેલ પુખ્ત

   કીટકો (ઢાલિયા) બહાર આવવાથી સૂર્યતાપથી અથવા પરભક્ષીઓથી તેનો નાશ થશે.

૪. ઘૈણના ઢાલિયા કીટકો પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી વાવણીલાયક વરસાદ થાય તે દિવસે

   સાંજે સાત વાગ્યા પછી ખેતરમાં સાદું પ્રકાશ પીંજર લગાવી, તેમાં આકર્ષાયેલા ઢાલિયાનો

   નાશ કરવો.

પ. કવીનાલફોસ ૨૫ ટકા દવા ૨૫ મી.લી. અથવા થાયોમીથોકજામ 30 ટકા એફએસ 3 મીલી  દવાનો પ્રતિ એક કિ.ગ્રા. બીજ મુજબ પટ આપીને ૩ થી ૪ કલાક બીજને છાંયડામાં સુકવી પછી બીજનો વાવેતર માટે ઉપયોગ કરવો.

૬.  એરંડીનો ખોળ હેકટરે ૫૦૦ કિલો મુજબ વાવણી પહેલા ચાસમાં આપવાથી ધૈણ ઉપરાંત    મગફળીના પાકમાં ડોડવાને નુકસાન કરતી જીવાતો જેવી કે કાળા જીવડા (પોડબોરર),    પીચોળિયા જેવી જીવાતો સામે પણ રક્ષણ મળે છે.

૭. બ્યુવેરીયા બાસીયાના અથવા મેટારીઝીયમ એનીસોપ્લી ૧.૧૫ વે.પા. (ન્યુનતમ ૨ x ૧૦

   સીએફ્યુ/ગ્રામ) વાવેતર પહેલા જમીનમાં એરંડીના ખોળ (૫૦૦ કિ.ગ્રા./ હેકટર) સાથે અને

   ઉગાવાના ૩૦ દિવસ બાદ પાણી સાથે પ કિ.ગ્રા./ હેકટર પ્રમાણે જમીનમાં આપવું.

(બ) ઊભા પાકમાં લેવાના પગલાં

૧  ઊભા પાકમાં આ જીવાતનો ઉપદ્રવ જોવા મળે તો કલોરપાયરીફોસ હેકટરે ૪ લીટર પ્રમાણે પિયત પાણી સાથે આપવાથી સારૂ નિયંત્રણ મળે છે. જો પિયતની સગવડ ન હોય તો પંપ દ્દારા, નોઝલ કાઢી કલોરપાયરીફોસ (૧૦ લીટર પાણીમાં ૫૦ મી.લી દવા) દવાનું પ્રવાહી મિશ્રણ મગફળીના મૂળ પાસે પડે અને જમીનમાં ઉતરે તે રીતે રેડવાથી નિયંત્રણ મેળવી શકાય છે, અથવા કલોરપાયરીફોસ ૪ લીટર દવા પ લીટર પાણીમાં ઓગાળી આ મિશ્રણને ૧૦૦ કિલો રેતીમાં ભેળવી ત્યારબાદ રેતી સુકવી, આ રેતી એક હેક્ટર વિસ્તારમાં છોડના થડ પાસે પુખવી. ત્યારબાદ જો વરસાદ ન હોય તો હળવું પિયત આપવું.

ર  મગફળીના ઉભા પાકમાં આ જાતના ઢાલિયા કીટકો પાન ખાયને પણ નુકસાન કરતા હોય છે તેથી તેના નિયંત્રણ માટે કલોરપાયરીફોસ દવા (૧૦ લીટર પાણીમાં ૨૦ મી.લી. દવા) નો છંટકાવ કરવો.

3  ઘૈણ ઉપદ્રવીત મગફળી ખેતરમાં મગફળી પછી વાવેતર થતા પાક જેવા કે ઘઉમાં પણ તેનો ઉપદ્રવ જોવા મળે છે. તેથી મગફળી લીધા પછી યોગ્ય ખેડ કરવી તથા જંતુનાશક દવા જેવી કે કલોરપાયરીફોસ ૧.૫% નો ઉપયોગ કરવો.

રમેશ રાઠોડ -  (વિષય નિષ્ણાત, પાક સંરક્ષણ )
રમેશ રાઠોડ - (વિષય નિષ્ણાત, પાક સંરક્ષણ )

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન

અંબુજાનગર, તા.કોડીનાર

જી.ગીર સોમનાથ

Share your comments

Subscribe Magazine

More on Worth knowing

More