અમે તમને અવાર નવાર એવા સફળ ખેડૂતોનો પરિચય કરાવતા હોઈએ છે જેમણે કંઈક નવીનતમ પદ્ધતિ અપનાવીને ખેતી કરી હોય. તો આજે અમે આપ સૌને વીરપુરના એક એવા જ ખેડૂતની માહિતી આપીશું જે છેલ્લા 35 વર્ષથી ફૂલોની ખેતી કરે છે અને હવે દર મહિને 1 લાખની આવક મેળવે છે.
ખેડૂતો પોતાના ખેતરોમાં દિવસ રાત એક કરીને પોતે વાવેલા પાકની માવજત કરીને અન્નનું ઉત્પાદન કરે છે, પછી એ કોઈપણ પ્રકારની ખેતી કરતા હોય જેવાકે બાગાયતી ખેતી હોય કે પછી સિઝન પ્રમાણના પાકની ખેતી. તો આજે આપણે રંગબેરંગી ફૂલોની ખેતી કરતા ખેડૂતની વાત કરીએ તો રાજકોટ જિલ્લાના યાત્રાધામ વીરપુરના પ્રગતિશીલ ખેડૂત બટુકભાઈ ડાભી છેલ્લા 35 વર્ષથી રંગબેરંગી ફૂલોની ખેતી કરે છે. તેઓ ડેજી, ગાદલીયા, કલકતી, ગોટી સહિતના ફૂલની ખેતી કરે છે. તેમને પાંચ વીઘાની ફૂલની ખેતીમાં એક વીઘે મહિને 20 હજારની આવક થઈ રહી છે.
કેટલા મહિનામાં થાય છે ફૂલનુ ઉત્પાદન
ઉલ્લેખનીય છે કે આ ખેડૂત પોતે પોતાના બાપદાદાના સમયગાળાથી ફૂલોની ખેતી કરે છે, અને પોતાની પાંચ વીઘા જેટલી જમીનમાં રંગબેરંગી 4થી 5 પ્રકારના અલગ અલગ ફૂલોનું વાવેતર કરે છે. જેમાં ડેજી, ગાદલીયા, કલકતી, ગોટી અને મખમલિયો સહિતના ફૂલો વાવે છે. ફૂલોના રોપના છોડ વાવ્યા બાદ દોઢથી બે મહિનામાં છોડમાં ફૂલો આવવાની શરૂઆત થઈ જાય છે, તેમાં અઠવાડિયે તેમજ પંદર દિવસે ખાતર તેમજ જંતુનાશક દવાનો છંટકાવ કરવો પડે છે. કારણ કે ફૂલોમાં મછી, કીટકો વધારે પડતી આવી જવાથી છોડ સૂકાઈ પણ જાય છે.
ફૂલોની ખેતીમાં છે સારી આવક
મહત્વની વાત છે કે ફૂલોની ખેતીમાં આવક પણ સારી મળી રહે છે. આ ખેડૂત વીરપુર એક યાત્રાધામ હોવાથી અને ખોડલધામ પણ નજીક હોવાથી ફૂલોના હાર બનાવીને વેચાણ કરે છે. તેમજ જેતપુર અને ગોંડલમાં પણ તેઓ પોતે ફૂલોના પાર્સલ કરીને મોકલે છે, ફૂલોની ખેતીમાં એક વીઘે 15થી 20 હજાર રૂપિયા જેટલી આવક મળે છે. ક્યારેક લગ્નપ્રસંગોની સિઝન વધારે હોય તો ફુલોની માંગ પણ વધે છે અને 25 રૂપિયાથી લઈને 60 રૂપિયા સુધી કિલોના ભાવે ફૂલોનું વેચાણ થાય છે.
ગલગોટા, ગાદલીયો અને ડેજી ફૂલોની માંગ વધારે
હાલના સમયમાં લગ્નપ્રસંગે ગલગોટા, ગાદલીયો અને ડેજી આ ત્રણ ફૂલોની ડિમાન્ડ વધારે રહે છે. જેમાં સારી એવી આવક પણ મળી રહે છે, તો ક્યારેક કોરોનાને લઈને યાત્રાધામો બંધ થયા તો ફૂલો ફેંકી દેવાનો પણ વારો આવ્યો છે. ગયા વર્ષે કોરોનાની બીજી લહેરને કારણે ફૂલો ઉતારીને ફેંકી દીધા હતાં. પરંતુ જો કોઈ ખેડૂતો અન્ય પાકોની સાથે ફૂલોની ખેતી કરે તો ખેડૂતોને સાઈડ ઈન્કમ સારી એવી મળી રહે છે.
દોઢથી બે ફૂટના અંતરે રોપાની કરે છે વાવણી
ફૂલની ખેતી વિશે વાત કરતા ખેડૂતે જણાવ્યું હતું કે, હાલ હું જે ફૂલો વાવું છું તેનો એક રોપો 2 રૂપિયાનો આવે છે. ખેતરમાં દોઢથી બે ફૂટના અંતરે રોપા વાવવામાં આવે છે. તેમજ દર બે દિવસે પાણી આપવામાં આવે છે. સામાન્ય કપાસ, મગફળીના વાવેતરમાં અંતર વધારે હોય છે ત્યારે ફૂલની ખેતીમાં બે રોપા વચ્ચેનું અંતર સાવ નજીક હોય છે. ભાદર ડેમ બાજુમાં હોવાથી પાણી પણ પુષ્કળ પ્રમાણમાં રહે છે. ગુલાબની ખેતી કરતા નથી કારણ કે, રોઝડા અને ભૂંડનો ત્રાસ વધારે રહે છે. રોઝડા ગુલાબના છોડ ખાઈ જાય છે.
લગ્નપ્રસંગમાં ઘરે જ ઓર્ડર મળ્યા
ઉલ્લેખનીય છે કે બટુકભાઈ પોતાના ફૂલોનું વેચાણ મોટાભાગે વીરપુર જલારામ મંદિરમાં જ કરે છે. પરંતુ હાલ કોરોના મહામારીને કારણે દર્શનાર્થીઓની સંખ્યા ઘટી હોવાથી જેતપુર અને ગોંડલમાં ફૂલોનુ વેચાણ કરે છે. જ્યારે લગ્નપ્રસંગમાં ઘરબેઠા જ ઓર્ડર મળી રહે છે. બટુકભાઈ ફૂલોના હાર પણ જાતે જ બનાવે છે. લગ્નપ્રસંગમાં ઘરબેઠા મળેલા ઓર્ડરમાં એક કિલોનો ભાવ 100 રૂપિયા સુધી મળે છે. કિલોના ઓછામાં ઓછા ભાવ 20 રૂપિયા મળે છે જ્યારે સિઝન હોય ત્યારે 30થી 40 રૂપિયામાં એક કિલો ફૂલ વેચાય છે.
આ પણ વાંચો : Zoom Farming : ઝૂમ ખેતી એટલે કે સ્થળાંતરિત ખેતી વિશે પૂર્ણ વિગતો આ પ્રમાણે છે
આ પણ વાંચો : Watermelon : સૌને પ્રિય એવા તરબૂચની ખેતી કરો 3થી 4 મહિનામાં મળશે સારો પાક
Share your comments