Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Success Story

પ્રાકૃતીક ખેતી કરતાં ઘનશ્યામભાઈ પુનાભાઈ ટીંબડિયાની સફળગાથા.....

પ્રાકૃતીક ખેતીમાં મીશ્રપાકનાં વાવેતરનું એક મહત્વનું યોગદાન રહેલ છે. જો કે આ પ્રકારનાં અલગ અલગ કૃષિ પાકોનું વાવેતર તથા તેનો ઉછેર ખુબ જ રસપ્રદ કાર્ય છે. આ મહેનતના ફળ પણ એટલાંજ મીઠા મળે છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ઘનશ્યામભાઈના ખેતરે પ્રાકૃતીક રીતે ઉછેરેલા મરચાના ઉત્પાદન સાથે કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, અમરેલીના અધ્રીકારીશ્રીઓ
ઘનશ્યામભાઈના ખેતરે પ્રાકૃતીક રીતે ઉછેરેલા મરચાના ઉત્પાદન સાથે કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, અમરેલીના અધ્રીકારીશ્રીઓ

પ્રાકૃતીક ખેતીમાં મીશ્રપાકનાં વાવેતરનું એક મહત્વનું યોગદાન રહેલ છે. જો કે આ પ્રકારનાં અલગ અલગ કૃષિ પાકોનું વાવેતર તથા તેનો ઉછેર ખુબ જ રસપ્રદ કાર્ય છે. આ મહેનતના ફળ પણ એટલાંજ મીઠા મળે છે. અમરેલી જીલ્લાનાં બગસરા તાલુકાનાં હાડાળા ગામના શ્રી ઘનશ્યામભાઇ પુનાભાઈ ટીંબડિયાએ તેમનાં ખેતરમાં મગફળી, ચણા, હળદર, મરચી, ઘઉ, સુર્યમુખી, વરિયાળી, ધાણા, મેથી, સોયાબીન, ચોળી અને લસણ જેવાં વિવિધ મિશ્ર પાકોનો સફળ પ્રયોગ કર્યો છે. ઘનશ્યામભાઈનાં કહેવા પ્રમાણે આ તમામ પાકનાં ઉત્પાદનમાં રસાયણિક ખેતીની તુલનામાં સફળતા મળી છે.

રાસાયણિક ખેતીથી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા

ઘનશ્યામભાઈ ૨૦૧૯થી ડૉ. સી. કે. ટીંબડિયા (માન. કુલપતિશ્રી, ગુ.ને.ફા.સા.યુ., હાલોલ) ની પ્રેરણાંથી તેમનાં ખેતરમાં પ્રાકૃતીક ખેતીની શરૂઆત કરી છે. તે પહેલાં તેઓ રસાયણિક ખેતી કરતાં હતાં ત્યારે તેઓ મુખ્યત્વે કપાસ, મગફળી, ચણા તથાં ઘઉંનું વાવેતર કરતાં હતા. તે સમયે તેઓએ ખુબ દવાઓ છાંટી, ખુબ ખાતરો નાખ્યાં છતા પણ તેમણે ધાર્યું વળતર મળ્યું નહિ. જયારે ઉપજની આવક આવે ત્યારે તેમાં અડધું તો માત્ર આ રસાયણોના ખર્ચમાં જ વપરાઈ જતું, જે બાદ કરતાં માત્ર તેમની મહેનત વધતી નફો નહી. હવે જો તુલના કરીએ પ્રાકૃતીક ખેતી તથા રસાયણીક ખેતી વચ્ચે તો જયારે તેઓ રસાયણિક ખેતી કરતાં ત્યારે ૧૮ વીઘા જમીનમાં અંદાજીત ૬ લાખ રૂપિયાની આવક મેળવતા હતાં, જેમાં ૨.૨૫ લાખ જેટલો ખર્ચ તો માત્ર રસાયણિક દવાઓમાં તથા હાઇબ્રીડ/વિદેશી બિયારણમાં જ થતો હતો પરંતુ હાલમાં પ્રાકૃતીક ખેતી કરતાં હાલ તેટલી જ જમીનમાં અંદાજીત ૭ લાખ જેટલી આવક મેળવે છે તથા ખર્ચ પણ નહીવત ગયો છે જેનાથી તેમનાં નફામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. જેમાં વિચાર કરતાં સરેરાશ તેમનો ખર્ચ રૂપિયા ૨ લાખ જેટલો ઘટી ગયો છે.

પ્રાકૃતીક ખેતી અંગે ઘનશ્યામભાઈને (વચ્ચે) ભવિષ્યની યોજના અને તેનું માર્ગદર્શન આપતા આચાર્યશ્રી, ડૉ. એસ. પી. દેશમુખ (જમણી બાજુ), મદદનીશ પ્રાધ્યાપક શ્રી બી. ડી. મકવાણા અને ડૉ. બી. આર. ગોંડલીયા (ડાબી બાજુ)
પ્રાકૃતીક ખેતી અંગે ઘનશ્યામભાઈને (વચ્ચે) ભવિષ્યની યોજના અને તેનું માર્ગદર્શન આપતા આચાર્યશ્રી, ડૉ. એસ. પી. દેશમુખ (જમણી બાજુ), મદદનીશ પ્રાધ્યાપક શ્રી બી. ડી. મકવાણા અને ડૉ. બી. આર. ગોંડલીયા (ડાબી બાજુ)

ઘનશ્યામભાઈને કોણ આપ્યો માર્ગેદર્શન

જોગાનુજોગ આ કપરી પરિસ્થિતિમાંથી બહાર આવવાનો રસ્તો મળ્યો ડૉ. સી. કે. ટીંબડિયા સાહેબ તથા ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સીટીની ટીમ દ્વારા. તેમની સલાહ અને માર્ગદર્શન થકી તેઓએ શરૂઆતમાં થોડા વિસ્તારમાં પ્રાકૃતીક ખેતીની શરૂઆત કરી. હાલમાં તેઓ ૧૮ વીઘા જમીનમાં પ્રાકૃતીક ખેતી કરી રહ્યાં છે. જેમાં જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, મિશ્રપાક અને આચ્છાદન જેવાં આયામોનું પાલન કરી રહ્યા છે. તેઓ હાલ એક સાથે ૧૧ થી ૧૨ પાકોનું એક સાથે વાવેતરનો પ્રયોગ કરી રહ્યાં છે. આ તમામ વિવિધ પાકોના વાવેતરનો હેતુ એવો છે કે, જો માત્ર એક પાકનું વાવેતર કરે તો તેની બજારમાં માંગ રહે પણ અથવા ના પણ રહે, પરંતુ જો તેની જગ્યાએ વિવિધ પાકોનું વાવેતર કરેલ હોય તો ચોક્કસ બધા પાકોની થોડા-વધું પ્રમાણમાં માંગ અવશ્યપણે મળી રહે.

ઘનશ્યામભાઈનાં ખેતરે પ્રાકૃતીક વાતાવરણમાં ઉછરેલા સુર્યમુખીનાં છોડનું અવલોકન કરતાં મદદનીશ પ્રાધ્યાપક શ્રી બી. ડી. મકવાણા (જમણી બાજુ) અને ડૉ. બી. આર. ગોંડલીયા (ડાબી બાજુ)
ઘનશ્યામભાઈનાં ખેતરે પ્રાકૃતીક વાતાવરણમાં ઉછરેલા સુર્યમુખીનાં છોડનું અવલોકન કરતાં મદદનીશ પ્રાધ્યાપક શ્રી બી. ડી. મકવાણા (જમણી બાજુ) અને ડૉ. બી. આર. ગોંડલીયા (ડાબી બાજુ)

કેવી રીતે કરે છે ખેતી?

ઘનશ્યામભાઈ છોડનું વાવેતર કરતાં પહેલા જમીનમાં ઘનજીવામૃત આપીને ત્યારબાદ ખેડ કરે છે. વાવેતર પહેલાં બીજને બીજમૃતનો પટ આપે છે. વાવેતર થયા બાદ પ્રથમ પિયત સાથે જીવામૃત પાણી સાથે આપે છે, પાક જયારે ઉગી જાય અને ૧ વેંતનો થાય ત્યારે આચ્છાદન પણ કરે છે. ત્યારબાદ દર ૧૫ થી ૨૦ દિવસે જીવામૃત પાણી સાથે અથવા તો તેનો છંટકાવ કરે છે. રોગ જીવાત નાં ઉપદ્દ્રવ થી બચવા તે ખાટી છાશ અને નીમાસ્ત્ર નો છંટકાવ કરે છે. આ પણ તેઓ જાતે જ બનાવે છે. ખાસ કરીને ઘનશ્યામભાઈ દર ૧૦ મીટરના અંતરે સૂર્યમુખીનું વાવેતર કરે છે. તેમનાં કેહવા પ્રમાણે પ્રાકૃતીક ખેતી શરુ કર્યા બાદ ચોમાસામાં જમીનમાં અળસિયાની માત્રા એટલી બધી વધી ગઈ છે કે અળસિયા જમીનની બહાર પણ જોવા મળતાં હોય છે. આ સાથે, ઘનશ્યામભાઈએ ઉલ્લેખ કર્યો કે, આ બદલાતા વાતાવરણ ની પરિસ્થિતિમાં તેઓ આ પ્રાકૃતિક ખેતી દ્વારા ટકી શકે છે. તેમનો માનવો છે કે, પ્રાકૃતિક ખેતી જ એક માત્ર વિકલ્પ છે જે ખેડૂતને આરોગ્યપ્રદ અને નફાકારક ઉત્પાદન પ્રાપ્ત કરાવા માટે મદદ કરે છે.

પ્રાકૃતિક ખેતી કઈ રીતે પોતાનું ભાગ ભજવે છે

કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, ગુ.ને.ફા.સા.યુ., અમરેલી નાં આચાર્યશ્રી, ડૉ. એસ. પી. દેશમુખ, મદદનીશ પ્રાધ્યાપક શ્રી. બી. ડી. મકવાણા (એન.એફ.) અને ડૉ. બી. આર. ગોંડલીયા (વેજ.) કે જેઓ સમયાંતરે ઘનશ્યામભાઈનાં ખેતરની મુલાકાત લેતાં હોય છે. તેઓ એ પ્રાકૃતીક ખેતી અને તેનાં આયામો કઈ રીતે ભાગ ભજવતા હોય છે તેનાં વૈજ્ઞાનિક કારણો વિસ્તૃતમાં જણાવતાં કહ્યું કે જીવામૃત અને ઘનજીવામૃત ખેતરમાં આપવામાં આવે ત્યારે જમીનમાં જીવાણુઓની સંખ્યા અવિશ્વસનીય રીતે વધે છે અને જમીનના ભૌતિક, રસાયણિક અને જૈવિક ગુણધર્મોમાં સુધારો થાય છે. બીજમૃત દ્વારા માવજત આપેલ બિયારણ જલ્દી અને વધારે પ્રમાણમાં ઉગે છે, મૂળ ઝડપથી વધે છે, છોડને જમીનજન્ય રોગોથી બચે છે અને સારી રીતે ફૂલેફાલે છે. આટલા મીશ્રપાકોના વાવેતરના લીધે જમીનમાં સહજીવનનું તત્વ પણ ઉમેરાઈ છે. આ ઉપરાંત  પ્રાકૃતીક ખેતીથી અળસિયાની સંખ્યા વધે છે જેના કારણે જમીન ખુબ જ પોચી અને ફળદ્રુપ બને છે. અળસિયા દ્વારા વ્યાપક ચેનલિંગ અને બોરોઇંગ જમીનને ઢીલી અને હવાયુક્ત બનાવે છે અને જમીનની નીતારશક્તિ સુધારે છે.

ઘનશ્યામભાઈનાં પ્રાકૃતીક ફાર્મની મુલાકાત લેતાં કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, અમરેલીના અધ્રીકારીશ્રીઓ
ઘનશ્યામભાઈનાં પ્રાકૃતીક ફાર્મની મુલાકાત લેતાં કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, અમરેલીના અધ્રીકારીશ્રીઓ

અળસિયાવાળી જમીનનો ફાયદો

 અળસિયાવાળી જમીન અળસિયા વગરની જમીન કરતાં 10 ગણી ઝડપથી નીતરે છે. વધુમાં સુર્યમુખીનાં વાવેતરનો ફાયદો ડૉ. બી. આર. ગોંડલીયાનાં પહેલાનાં લેખ (શાકભાજી પાકોમાં માંધુપાલનની અગત્યતા, કૃષિ જાગરણ, જાન્યુઆરી,૨૦૨૪) મુજબ સૂર્યમુખીના ફૂલ થી મધમાખીઓ તથાં અન્ય પક્ષીઓ આકર્ષાય છે. ખેતરમાં મધમાખીની અવરજવર વધતાં પરાગનયનમાં નોંધપાત્ર વધારો થાય છે જે વધું ઉત્પાદન મેળવવાંમાં ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે, તથા પક્ષીઓ છોડ પર રહેલી ઈયળ ખાઈને પાકનું સંરક્ષણ કરે છે. આમ પ્રાકૃતીક ખેતી એ માત્ર ને માત્ર ઉત્પાદન લેવાની પદ્ધતિ નથી પરંતુ એ પ્રકૃતિ સાથેનો એક એવો સંબંધ બનાવે છે, જો કે આપણને તથાં પ્રકૃતિ બંનેને લાભદાયી નીવડે છે.

સૌજન્ય: 

ડૉ. બી. આર. ગોંડલીયા, શ્રી બી. ડી. મકવાણા, કુમ. પી. આર. જાગાણી અને ડૉ. એસ. પી. દેશમુખ

કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી,

અમરેલી ૩૬૫૬૦૧

Share your comments

Subscribe Magazine

More on Success Story

More