ચોખાને વિશ્વની 60 ટકા વસ્તીનો ખોરાક માનવામાં આવે છે. આ ઉપરાંત તે ભારતનો મુખ્ય પાક પણ છે. આજે વિશ્વના 100થી વધુ દેશોમાં ચોખાનું ઉત્પાદન થાય છે. ચીન વિશ્વનો સૌથી મોટો ચોખાનો ઉત્પાદક દેશ છે.
વિદેશોમાં વધી ભારતીય ચોખાની માંગણી, પાકિસ્તાન લાલધુમ
ચોખાને વિશ્વની 60 ટકા વસ્તીનો ખોરાક માનવામાં આવે છે. આ ઉપરાંત તે ભારતનો મુખ્ય પાક પણ છે. આજે વિશ્વના 100થી વધુ દેશોમાં ચોખાનું ઉત્પાદન થાય છે. ચીન વિશ્વનો સૌથી મોટો ચોખાનો ઉત્પાદક દેશ છે. ચીન પછી ચોખાના ઉત્પાદનમાં ભારત બીજા ક્રમે આવે છે. આ ઉપરાંત બાસમતી ચોખાના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે આવે છે. આજે ભારતીય બાસમતી અને ચોખાની અન્ય જાતોને દુનિયાભરમાં પસંદ કરવામાં આવી રહી છે. આ જ કારણ છે કે વર્તમાન નાણાકીય વર્ષમાં પાકિસ્તાનની ચોખાની નિકાસમાં તીવ્ર ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં જાણો શા માટે ભારતીય ચોખાની માંગ પાકિસ્તાની ચોખાની તુલનામાં વધી રહી છે.
ખૂબ જ સસ્તા અને સ્વાદિષ્ટ
બીબીસીના એક અહેવાલ મુજબ ભારતીય બાસમતી અને ચોખાની અન્ય જાતોની માંગ વિશ્વભરમાં વધી રહી છે. તો વળી સામે આંતરરાષ્ટ્રીય બજારમાં પાકિસ્તાનના ચોખાની માંગ સતત ઓછી થઈ રહી છે. પાકિસ્તાન સરકાર આ બાબતે ચિંતિત હોવાનું જણાય છે. આ અહેવાલમાં સ્વિટ્ઝરલેન્ડના એક ચોખાના વેપારીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ભારતીય ચોખા તેના ઓછા ભાવને કારણે વિદેશીઓ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે. વેપારી કહે છે કે ભારત અને પાકિસ્તાનના ભાત એક સરખા ભાવે મળે તો પણ તે ભારતીય ચોખાને વધુ પસંદ કરશે. આનું સૌથી મોટું કારણ એ છે કે પાકિસ્તાની ચોખાની તુલનામાં ભારતીય ચોખા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ઉપરાંત તે ખૂબ જ સરળતાથી રાંધી શકાય છે.
આફ્રિકાના લોકોને પણ પસંદ આવી રહ્યા છે ભારતીય ચોખા
સ્વિટ્ઝરલેન્ડના આ વેપારી દાવો કરે છે કે ભારતીય ચોખા ખરીદ્યા પછી તે આફ્રિકન દેશોમાં વેચે છે. વાસ્તવમાં ભારતીય ચોખાને આફ્રિકન લોકો ખૂબ જ પસંદ કરે છે. વેપારીઓ કહે છે કે ભારતીય અને પાકિસ્તાનના ચોખા વચ્ચે ગુણવત્તામાં કોઈ ખાસ તફાવત નથી. તેમ છતાં ભારતીય ચોખા પાકિસ્તાની ચોખા કરતા થોડા સસ્તા અને સ્વાદિષ્ટ છે. આને કારણે ભારતના ચોખાની માંગ વધારે છે.
GI ટેગ માટે યુરોપીય સંધમાં બન્ને દેશ સામ સામે
ચાલો તમને જણાવી દઈએ કે ચોખાની નિકાસમાં ભારત અને પાકિસ્તાનને એક બીજાના હરીફ માનવામાં આવે છે. આ સિવાય બાસમતી ચોખાના જીઆઈ ટેગની નોંધણી માટે યુરોપિયન યુનિયનમાં બંને દેશો સામ-સામે છે. વાસ્તવમાં બાસમતી ચોખાના જીઆઈ ટેગ માટે ભારતે યુરોપિયન યુનિયનમાં અરજી કરી હતી. જેના જવાબમાં પાકિસ્તાને પણ પોતાનો કેસ દાખલ કરી દીધો.
નિકાસમાં 14 ટકાનો ઘટાડો
પાકિસ્તાનના ચોખાના નિકાસકારો કહે છે કે ભારત વૈશ્વિક બજારમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે ખર્ચ કરતા ઓછા ભાવે ચોખાની નિકાસ કરી રહ્યું છે. આને કારણે વિશ્વના અન્ય દેશોમાં ભારતીય ચોખાની માંગ વધી રહી છે. વર્ષ 2020-2021ના પ્રથમ મહિનામાં પાકિસ્તાને વૈશ્વિક બજારમાં ચોખાની નિકાસમાં ભારે હાલાકી ભોગવી છે. આ સમયગાળા દરમિયાન બાસમતી અને ચોખાની અન્ય જાતની નિકાસમાં લગભગ 14 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે પાકિસ્તાને આ 11 મહિનામાં આ વર્ષે 33 લાખ ટન ચોખાની નિકાસ કરી છે, જ્યારે ગયા વર્ષે આ જ સમયગાળામાં તેણે લગભગ 38 લાખ ટન ચોખાની નિકાસ કરી હતી.
કેવી રીતે સસ્તા પડે છે ભારતીય ચોખા?
એક અહેવાલમાં પાકિસ્તાનના વેપારીઓએ કહ્યું છે કે પાકિસ્તાન વૈશ્વિક બજારમાં ચોખાને પ્રતિ ટન સરેરાશ 450 ડોલરમાં વેંચે છે. તો વળી સમાન ગુણવત્તાવાળા ભારતીય ચોખા 360 ડૉલર પ્રતિ ટન વેચાય છે.ભારતીય ચોખાની માંગને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન સિવાય થાઇલેન્ડ અને વિયેટનામ જેવા દેશોની ચોખાની નિકાસ પણ પ્રભાવિત થઈ રહી છે. અત્રે નોંધનીય છે કે હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય ચોખાના ભાવ પ્રતિ ટન 360 થી 390 ડોલર છે. તો વળી પાકિસ્તાનના ચોખાના ભાવ પ્રતિ ટન 440 થી 450 ડોલર છે. તમને જણાવી દઈએ કે ભારતીય બાસમતીની સાથે ચોખાની અન્ય જાતોની માંગ પણ ઘણી વધી રહી છે. ચાલુ નાણાકીય વર્ષમાં અન્ય જાતોની ચોખાની નિકાસમાં 136 ટકાનો વધારો થયો છે. ઉપરાંત બાસમતી ચોખાની નિકાસમાં પણ વધારો થયો છે. પાકિસ્તાનના ચોખાના નિકાસકારોનું કહેવું છે કે ભારત સરકાર ભારતમાં ચોખા ઉત્પાદન કરતા ખેડુતોને સબસિડી પૂરી પાડે છે. આને કારણે ચોખાનો ભાવ નીચે આવે છે. આ ઉપરાંત ભારતમાંથી વિદેશી દેશોમાં ચોખા મોકલવાનું પણ પાકિસ્તાન કરતા ઘણું સસ્તું છે.
Share your comments