દેશમાં લોકોને સતત મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે, ત્યારે થોડા દિવસ પહેલા અમૂલે અમૂલ દૂધમાં 2 રૂપિયાનો વધારો કર્યો હતો. અને હવે અમૂલે પોતાના બીજા ઉત્પાદન એટલે કે દહીં અને છાશના ભાવમાં પણ મોટો વધારો કર્યો છે. અમૂલના છાશ અને દહીંના ભાવમાં રૂપિયા 1થી 2નો ભાવ વધારો કરી દીધો છે.
અમૂલે પોતાના આ ઉત્પાદનમાં કર્યો ભાવ વધારો
અમૂલે નક્કી કરેલા નવા ભાવ અનુસાર અમૂલ જીરા છાશના પાઉચમાં 1 રૂપિયાનો વધારો કર્યો છે, ઉપરાંત મસ્તી દહીંના પાઉચમાં 1થી 2 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અમૂલે થોડા દિવસ અગાઉ જ દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો હતો. અને હવે દહીં અને છાશની કિંમતમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. મહત્વની વાત છે કે આ ભાવ વધારાની પાછળ લોજિસ્ટિક, પેકેજિંગ, પશુના આહાર તેમજ દૂધના ઉત્પાદન ખર્ચમાં થયેલો ભાવ વધારો મુખ્ય માનવામાં આવી રહ્યો છે.
જીસીએમએમએફ દ્વારા અમૂલ જીરા છાશના 180 મિલીમાં 1 રૂપિયાનો વધારો કરાતાં હવે તેનો ભાવ પાંચ રૂપિયાથી વધીને છ રૂપિયા થઈ ગયો છે, જ્યારે છ લિટર છાશના પાઉચનો ભાવ 141થી વધારીને 150 રૂપિયા કરવામાં આવ્યો છે. જ્યારે અમૂલ મસ્તી દહીંના 200 ગ્રામના પાઉચમાં એક રૂપિયાનો ભાવ વધારવામાં આવ્યો છે, જેથી અમૂલ મસ્તી દહીં 200 ગ્રામના જૂના ભાવ 15 રૂપિયાથી વધીને 16 થઈ છે. જ્યારે 400 ગ્રામ અમૂલ મસ્તીનાં ભાવમાં બે રૂપિયાનો વધારો થતા જુના ભાવ 28થી વધીને 30 રૂપિયા કરવામાં આવ્યો છે. જ્યારે અમૂલ દહીં એક કિલોનાં પાઉચમાં બે રૂપિયાનો વધારો થતા જૂના ભાવ 63 રૂપિયામાં વધારો કરી 65 રૂપિયા કરાયો છે.
આ પણ વાંચો : વિવિધ પાકના ઉત્પાદનમાં બીજની પસંદગીનું શું મહત્વ છે તે જાણો
ગુજરાતમાં દૂધ અને દૂધ ઉત્પાદકોનું સૌથી વધારે વેચાણ કરતી અમૂલ બ્રાન્ડે થોડા દિવસ પહેલાં દૂધના ભાવમાં વધારો કર્યો હતો. અને અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યા પછી હવે છાશના ભાવમાં પણ વધારો કરી દીધો છે. અમૂલે લિટર દીઠ છાસના ભાવમાં 4 રૂપિયાનો વધારો કર્યો છે. આ ઉપરાંત અમૂલ દ્વારા દહીંના ભાવમાં પણ કિલો દીઠ 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અમૂલના આ ભાવ વધારાના કારણે ઉનાળામાં લોકોએ ગરમીથી રાહત મેળવવા માટે વધારે ખર્ચ કરવો પડશે તેવુ લાગી રહ્યું છે.
આ પહેલાં અમૂલે 1 માર્ચથી જ અમલમાં આવે તે રીતે દૂધના લિટર દીઠ ભાવમાં બે રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ હવે દહીં અને છાશના ભાવમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. દૂધનો ભાવ ફેટને આધારે આપવામાં આવે છે.
આ પણ વાંચો : Health Tips : ફુદીનાના ગુણ, કોઈ પણ સમસ્યામાં કરશે મદદ
બનાસ ડેરીએ કિલો ફેટના ભાવમાં રૂપિયા 30નો અને સુમુલ ડેરીએ કિલો ફેટના ભાવમાં રૂપિયા 20નો વધારો કર્યો છે. આ ભાવ વધારાનો લાભ પશુપાલકોને મળી રહ્યો છે. તેને પરિણામે દહીં અને છાશના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આવનારા દિવસોમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ભાવ વધારો થવાની ભીતિ છે ત્યારે ફરી અન્ય કોમોડિટીમાં પણ ભાવ વધારો લાગુ પડે એવી પૂરી શક્યતાઓ છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના પગલે ક્રૂડ કોમોડિટીને માઠી અસર થઈ હોવાનું માનવામાં આવી રહ્યુ છે.
આ પણ વાંચો : Weather Update : ઉનાળાના આગમન સાથે જ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસી શકે છે વરસાદ
આ પણ વાંચો : ગુજરાત બજેટ 2022 : બજેટમાં મહિલાઓ માટે કરવામાં આવી મહત્વપૂર્ણ જાહેરાત, અપાશે મફત અનાજ
Share your comments