Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

હાઈડ્રોપોનિક્સ પધ્ધતિ શુ છે અને કેવી રીતે તે ખેતી કરી શકાય ?

હાઈડ્રોપોનિક્સ એ હાઈડ્રોકલ્ચરની એક પેટા પધ્ધતિ છે. હાઈડ્રોપોનિક્સ એટલે પાણીમાં ઉગાડવામાં આવતાં છોડ. 'હાઈડ્રોપોનિક્સ' શબ્દ એ ગ્રીક શબ્દોમાંથી ઉતરી આવ્યો છે: 'હાઈડ્રો' – જેનો અર્થ પાણી, અને 'પોનિક્સ' – અર્થ મજૂરી. એક એવી ખેતી પધ્ધતિ કે જ્યાં છોડને કુદરતી માટી સિવાયનાં વિકાસ માધ્યમમાં ઉગાડવામાં આવે છે

Sukhadev Thakor
Sukhadev Thakor

હાઈડ્રોપોનિક્સ શું છે ?

આમ તો હાઈડ્રોપોનિક્સ એ હાઈડ્રોકલ્ચરની એક પેટા પધ્ધતિ છે. હાઈડ્રોપોનિક્સ એટલે પાણીમાં ઉગાડવામાં આવતાં છોડ. 'હાઈડ્રોપોનિક્સ' શબ્દ એ ગ્રીક શબ્દોમાંથી ઉતરી આવ્યો છે: 'હાઈડ્રો' – જેનો અર્થ પાણી, અને 'પોનિક્સ' – અર્થ મજૂરી. એક એવી ખેતી પધ્ધતિ કે જ્યાં છોડને કુદરતી માટી સિવાયનાં વિકાસ માધ્યમમાં ઉગાડવામાં આવે છે, જેમા છોડને જરૂરી પોષક તત્વો સિંચાઈના પાણીમાં દ્રાવ્ય સ્વરૂપે સંતુલિત માત્રામાં નિયમિત રીતે પૂરા પાડવામાં આવે છે.

ખરેખર છોડનો વિકાસ તેને મળતાં પોષકતત્વોને લીધે જ થાય છે. માટી તો ફક્ત માધ્યમનું કામ કરે છે. માટી પોતે તો તેને ફક્ત મૂળ ફેલાવવા અને ટેકો આપવામાં મદદરૂપ બને છે. છોડ મૂળ દ્રારા માટીમાં ભળેલા ખનિજ તત્વોને બદલે પાણીમાં ઓગળેલા તત્વોને ગ્રહણ કરે છે. આમ, માટીના વિકલ્પરૂપે હાઈડ્રોપોનિક્સ ને લઈ શકાય છે. ધીમે ધીમે પશ્ચિમ દેશોમાં લોકો માટી રહીતના માધ્યમમાં ખેતી કરવા તરફ વળ્યા છે. આ નવી તકનીકને 'હાઈડ્રોપોનિક્સ' અથવા 'સોઈલલેસ કલ્ટીવેશન’ તરીકે ઓળખવામાં આવે છે. વિકસીત દેશોમાં ધીમે ધીમે હાઈડ્રોપોનિક્સ ટેકનોલોજીનો ઉપયોગ થવા લાગ્યો છે. આ પધ્ધતિમાં પાણી અને પોષકતત્વોના પુરવઠાને અંકુશમાં રાખીને ઓછી જગ્યા અને સમયમાં પાકની ઉત્પાદકતા અને ગુણવત્તામાં સુધારો કરવામાં આવે છે.

હાઈડ્રોપોનિક્સ ખેતી પધ્ધતિ પાચ રીતે થઈ શકે છે. જેમાં (૧) દિવેટ સિસ્ટમ (૨) વોટર કલ્ચર પધ્ધતિ (૩) ગ્રેવર કલ્ચર પધ્ધતિ (૪) સેન્ડ કલ્ચર પધ્ધતિ અને (૫) ડ્રિપ સિસ્ટમ (રીકવરી / નોન રીકવરી) પધ્ધતિઓનો સમાવેશ થાય છે. જેની ટુંક્માં માહિતી નીચે મુજબ છે.

દિવેટ સિસ્ટમ

પધ્ધતિ હાઈડ્રોપોનિક્સની સરળ પધ્ધતિ છે. આ પધ્ધતિમાં દ્રાવણમાંથી વાટથી મળતા તત્વો સીધા જ છોડને મળતા હોય છે. આ પધ્ધતિમાં જુદા જુદા માધ્યમ જેવા કે વર્મિક્યુલાઈટ અને કોકોનેટ (નાળિયેર) ફાઈબરનો ઉપયોગ ખૂબ જ પ્રચલિત છે. આ પધ્ધતિમાં જે છોડની પાણી તથા રાસાયણિક દ્રાવણની વધારે જરૂરિયાત હોય તે ઉગાડી શકાતા નથી કારણ કે વાટથી રાસાયણિક દ્રાવણનો પૂરવઠો છોડને મર્યાદિત મળે છે.

વોટર કલ્ચર પધ્ધતિ

આ પધ્ધતિમાં પી.વી.સી. પાઈપ લઈ યોગ્ય અંતરે કાણા પાડી છોડનાં મૂળને કાણામાં ગોઠવવામાં આવે છે. એક કરતા વધારે પાઈપનું જોડાણ કરી દરેક પાઈપમાં પોટેશિયમ, કેલ્શિયમ, આર્યન, મેંગેનિઝ, બોરોન અને ગંધક જેવા તત્વોયુક્ત પાણી આપવામાં આવે છે. છોડના વિકાસ માટે જરૂરી પાણી અને પોષક તત્વો પાઈપ દ્વારા આપવામાં આવેલ પાણીમાંથી મળી રહે છે. વધારાનું પાણી પાઈપનાં બીજા છેડે બીજા પાત્રમાં એકત્ર કરી ફરી પાઈપ દ્વારા આપવામાં આવે છે. પરિણામે પાણી અને ખાતરની બચત થાય છે.

ગ્રેવર કલ્ચર પધ્ધતિ અને સેન્ડ કલ્ચર પધ્ધતિ    

 આ પધ્ધતિમાં મકાનની છત પર પ્લાસ્ટિક નાખી તેના પર રોપા સ્થિર ઉભા રહે તે માટે કાંકરાનો એક ફૂટ જેટલો સ્તર તૈયાર કરવામાં આવે છે. આ કાંકરાના સ્તરમાં યોગ્ય અંતરે રોપા રોપવામાં આવે છે. આ રોપા ઉપર પોષકતત્વોયુક્ત પાણીનો છંટકાવ કરવામાં આવે છે. આ જ રીતે સેંન્ડ કલ્ચર પધ્ધતિમાં રેતીનું સ્તર તૈયાર કરી રોપા ઉછેરવામાં આવે છે.

ડ્રિપ સિસ્ટમ (રીકવરી / નોન રીકવરી)

 હાઈડ્રોપોનિક્સની આ સૌથી વધારે પ્રખ્યાત પધ્ધતિ છે. આ પધ્ધતિ એકદમ સરળ છે કે જેમાં ટાઈમર કંટ્રોલનો ઉપયોગ કરવામાં આવે છે. આ પધ્ધતિમાં રાસાયણિક દ્રાવણની ટેંકમાં એક પંપ લગાવવામાં આવે છે. જ્યારે પંપનું ટાઈમર ચાલુ થાય ત્યારે ડ્રિપની નળીઓ દ્વારા દ્રાવણ દરેક છોડની જરૂરિયાત પ્રમાણે મળે છે. અહીં એર પંપનો ઉપયોગ છોડને ઓક્સિજન પૂરો પાડવા માટે થાય છે.    

 રીકવરી પ્રકારની ડ્રિપ પધ્ધતિમાં વધારાનું દ્રાવણ ફરી પાછું નીચેની ટેંકમાં જમા થાય છે અને તેનો વારંવાર ઉપયોગ કરવામાં આવે છે. નોન રીકવરી સિસ્ટમમાં રાસાયણિક દ્રાવણનો ઉપયોગ ફક્ત એક જ વખત કરવામાં આવે છે. નોન રીકવરી સિસ્ટમમાં જાળવણી ખર્ચ ઓછો આવે છે કારણ કે તેમાં વધારાનું દ્રાવણ ફરીથી એકઠું કરવાનું રહેતું નથી. રીકવરી સિસ્ટમમાં દ્રાવણની સાંદ્રતા અને અમ્લતા જાળવવી ખૂબ જ અગત્યની છે.

હાઈડ્રોપોનિક્સનાં ફાયદા       

  • વર્ષ દરમિયાન ગમે તે સિઝનમાં છોડ ઉગાડી શકાય છે.
  • હાઈડ્રોપોનિક્સથી ઉત્પાદિત શાકભાજી ઉચ્ચ ગુણવત્તાની હોય છે.
  • ઓછી જગ્યામાં વધારે આવક મેળવી શકાય છે.
  • જમીનજન્ય રોગો તથા ક્રુમિનો પ્રશ્ન રહેતો નથી.
  • જમીનની તૈયારી અને નિંદામણ ખર્ચ ઘટે છે.
  • નાનાં વિસ્તારમાં શાકભાજીની ખૂબ સારી ઉપજ પેદા કરી શકાય છે, કારણ કે છોડની વૃધ્ધિ માટે શ્રેષ્ટ પર્યાવરણ બનાવવામાં આવે છે અને છોડને જરૂરી બધા પોષક તત્વો અને પાણી સતત ઉપલબ્ધ હોય છે.
  • છોડના મૂળને પોષકતત્વો માટે સ્પર્ધા રહેતી નથી.
  • શાકભાજીના વૃધ્ધિ તથા વિકાસ માટે સારી ફળદ્રુપ જમીનની જરૂર પડતી નથી.
  • પાણીનો અસરકારક રીતે ઉપયોગ થાય છે.
  • ગ્રીનહાઉસમાં વર્ટીકલ સ્પેસનો ઉપયોગ કરી શકાય છે.
  • નહી વપરાયેલ પોષક તત્વો તથા જમીનનું પ્રદૂષણ મોટા પ્રમાણમાં ઘટાડે છે.

હાઈડ્રોપોનિક્સનાં ગેરફાયદા

  • હાઈડ્રોપોનિક્સ ઉત્પાદનમાં સંચાલન, મૂડી રોકાણ અને મજૂરની ઉચ્ચ કુશળતાની ખુબ જ જરૂરિયાત રહે છે.
  • એક વખત રોગ આવે ત્યારે તેનો ફેલાવો ઝડપથી થાય છે.
  • દૈનિક ધ્યાન – દેખરેખ જરૂરી છે.
  • ગરમ વાતાવરણ અને મર્યાદીત ઓક્સીજન પાક ઉત્પાદન પર અસર કરે છે.
  • ખાસ રીતે તૈયાર કરેલાં દ્રાવ્ય પોષક તત્વોનો હંમેશા ઉપયોગ કરવો પડે છે.
  • પાણી જન્ય રોગોનો ફેલાવો થઈ શકે છે.
  • બજાર શોધવાની સમસ્યા બની શકે છે.

હાઈડ્રોપોનિક્સ એકમ શરૂ કરવા માટે કઈ કઈ જરૂરિયાત રહે છે?

. શાકભાજી એકમ

  • સ્વચ્છ પાણીનો સ્ત્રોત
  • યોગ્ય સ્થળ
  • ખાસ રીતે તૈયાર કરેલ ખાતરનું સ્વરૂપ
  • તંત્ર પ્રણાલી
  • ખાતરના દ્રાવણનું પ્રમાણ અને આપવાનો દૈનિક સમય
  • શાકભાજીની ખેતી પધ્ધતિનુ જ્ઞાન
  • વ્યાપારી અથવા ઘરે બનાવેલ એકમ

. વ્યાવસાયિક એકમ

  • પાણીની ગુણવત્તા સૌથી મહત્વપૂર્ણ છે તથા પૂરતો જથ્થો અને ગુણવત્તાની વિશ્વસનિયતા જરૂરી છે.
  • બજાર: કયા પાકને ક્યારે અને કયા બજારમાં લાવવુ? તેની જાણકારી હોવી જોઈએ.
  • હાઈડ્રોપોનિક્સ શ્રમ સઘન છે, કેમ કે ઓફ સીઝન દરમિયાન ઉત્પાદન માટે અઠવાડિયાના ૭ દિવસ માટે મજૂર ઉપલબ્ધ હોવા આવશ્યક છે.
  • વ્યવસ્થાપન કુશળતા જેવી કે ઉત્પાદન, શ્રમ, વેચાણ, માળખાકિય સુવિધા.
  • શાકભાજી ઉત્પાદન, પરાગનયન, સિંચાઈ, રોગ-જીવાત નિયંત્રણમાં નિપુણતા.
  • સ્થાન: માળખાકિય સુવિધા, શ્રમ, બજાર વ્યવસ્થા વગેરે.
  • ધિરાણ: આવશ્યક મૂડીની રકમ, ગ્રીનહાઉસનો પ્રકાર, શ્રમ ખર્ચ અને બજાર પર આધાર રાખે છે.

. હાઈડ્રોપોનિક્સમાં ઉપયોગમાં લેવાતા સાધનો

  • ગ્રોઈંગ ચેમ્બર (અથવા ટ્રે)
  • પાણીનો પંપ
  • ટાઈમર અને ઓક્સિજન ડિટેક્શન સેન્સર
  • પીવીસી પાઈપ્સ
  • pH અને EC મીટર
  • પોલિનેટર

હાઈડ્રોપોનિક્સ ઉધોગની ભવિષ્યમાં ઝડપથી વ્રુધ્ધિ થવાની ધારણા છે કારણ કે ધીમે ધીમે જમીનની પરિસ્થિતિ બગડતી જઈ રહી છે. ખાસ કરીને આપણા દેશમાં દિવસે - દિવસે શહેરોમાં કોંક્રીટના જંગલોનું પ્રમાણ વધતું જાય છે અને વસ્તી પણ વધે છે. આ વધતી વસ્તીની જરૂરિયાતને પહોંચી વળવા માટે તથા પાકની ઉપજ અને ગુણવત્તામાં સુધારો કરવા માટે હાઈડ્રોપોનિક્સ અથવા સોઈલલેસ કલ્ટીવેશન સિવાય બીજો કોઈ વિકલ્પ બચશે નહી.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More