Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

શું છે પંચગવ્ય? અને ખેતીમાં તેની ઉપયોગીતાથી ખેડૂતો કેવી રીતે મેળવી શકે છે ફાયદા

કૃષિ પાકોમાં રોગ થવા માટે રોગપ્રેરક, રોગગ્રાહ્ય પાક અને રોગ થવા માટે અનુકૂળ હવામાન આ ત્રણેય સુમેળ ભાગ ભજવે છે. દિવસે ને દિવસે વધતા જતા રાસાયણિક ખાતરોના વપરાશ ને લીધે જમીનના સ્વાસ્થ્ય પર ખુબ જ માઠી અસર થઈ છે. જમીનમા એસિડિક ક્ષારોનું પ્રમાણ વધી રહ્યુ છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

કૃષિ પાકોમાં રોગ થવા માટે રોગપ્રેરક, રોગગ્રાહ્ય પાક અને રોગ થવા માટે અનુકૂળ હવામાન આ ત્રણેય સુમેળ ભાગ ભજવે છે. દિવસે ને દિવસે વધતા જતા રાસાયણિક ખાતરોના વપરાશ ને લીધે જમીનના સ્વાસ્થ્ય પર ખુબ જ માઠી અસર થઈ છે. જમીનમા એસિડિક ક્ષારોનું પ્રમાણ વધી રહ્યુ છે. સૂક્ષ્મ તત્વોની ઉણપ સર્જાવા માંડી છે. આના લીધે રાસાયણિક ખાતરોનો લઘુતમ અને કુદરતી ખાતરો નો મહતમ ઉપયોગ કરવાની સલાહ સેન્ટિસ્ટ દ્વારા આપવામાં આવે છે. સેન્દ્રિય ખાતરો થકી જમીનનું સ્વાસ્થ્ય અને ફ્ળદ્રુપતામાં વધારો થાય છે. તેઓ જમીનના પીએચ આંકને તટસ્થ બનાવે છે. જમીન તથા વાતાવરણ માં થતાં પ્રદૂષણને અટકાવે છે. આવુ જ એક બહુ-ઉપયોગી કુદરતી ખાતર પંચગવ્ય જે સજીવ ખેતીમાં પોતાનુ આગવુ સ્થાન ધરાવે છે. સંસ્કૃત શબ્દ પંચગવ્યનો અર્થ "ગાયના પાંચ ઘટકોનું મિશ્રણ" છે. પંચગવ્ય એ એક સેન્દ્રિય બનાવટ છે. જે છોડની વૃદ્ધિ અને વિકાસમાં અગત્યનો ભાગ ભજવે છે.

પંચગવ્ય બનાવવાની રીત:

પંચગવ્યમાં મુખ્યત્વે પાંચ ઘટકો (ગાયનું છાણ, ગૌમૂત્ર, ગાયનું દૂધ, ગાયનું દહીં અને ગાયનું ઘી) હોય છે.  પરંતુ અહીયા નવ ઘટકો જેવાકે ગાયનું છાણ, ગૌમૂત્ર, ગાયનું દૂધ, ગાયનું દહીં, ગાયનું ઘી, પાકેલા કેળા, નાળીયેરનું પાણી, શેરડીનો રસ અથવા ગોડ, અને પાણીનું યોગ્ય મિશ્રણ કરીને પંચગવ્ય બનાવાની રીત છે અને તેનો ઉપયોગ એક બળવાન જૈવિક જંતુનાશક, ખાતરો અને વૃદ્ધિ વર્ધક તરીકે થાય છે.

  • પ્રથમ ગાયનું છાણ ૭ કિ.ગ્રા. અને ગાયનું ઘી ૧ કિ.ગ્રા. લેવું, આ બંનેનું મિશ્રણ કરી ત્રણ દિવસ સુધી રાખવું. સવારે અને સાંજે નિયમિત હલાવતા રહેવું.
  • ત્રણ દિવસ પછી ૧૦ લિટર પાણીમાં ગૌમૂત્ર ૧૦ લિટર ભેળવવું અને તેને ૧૫ દિવસ રાખવું. સવારે અને સાંજે નિયમિત રીતે હલાવતા રહેવું.
  • પંદર દિવસ પછી તેમાં ગાયનું દૂધ ૩ લિટર, ગાયના દૂધનું દહીં ૨ લિટર, લીલા નાળિયેરનું પાણી ૩ લિટર, ગોળ ૫૦૦ ગ્રામ અથવા ૩ લિટર શેરડીનો રસ અને સારા પાકેલાં કેળા ૧૨ નંગ ઉમેરવા. આ મિશ્રણને સાત દિવસ સુધી રાખવું. સવારે અને સાંજે નિયમિત હલાવતા રહેવું.

ઉપરોક્ત પદાર્થો મોટા મોઢાવાળા માટીના વાસણમાં અથવા સિમેન્ટની ટાંકી અથવા પ્લાસ્ટિકની ટાંકીમાં રાખવા અને તેને છાંયડામાં ખુલ્લુ રાખવું. આ મિશ્રણ દિવસમાં બે વખત સવારે અને સાંજે બરાબર હલાવતા રહેવું. પંચગવ્યનું મિશ્રણ ૨૫ દિવસે તૈયાર થઈ જાય છે. ટાંકીને છાંયડામાં રાખવી અને તેનું મોઢું તારની જાળી અથવા મચ્છર જાળીથી બાંધવું જેથી તેમાં ઘરમાખી ઈંડા ન મૂકે.

ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

પંચગવ્યનો વપરાશ

છંટકાવ ની રીત: સામાન્ય રીતે પંચગવ્યના ૩% પ્રમાણનો (100 લીટરપાણી માં ૩ લીટર પંચગવ્ય ઉમેરવું) છોડ ના પાંદડા પર છંટકાવ કરવો. બધા પાક માટે ત્રણ ટકાનું પ્રમાણ ઉપયોગી છે. પંદર લીટર ક્ષમતા વાળા પંપમાં 450 મીલી પંચગવ્ય/પંપ ની જરૂર પડે છે. બેટરીવાળા પંપમાં આ દ્રાવણનો ઉપયોગ ગળણીમાં ગાળીને કરવો અને હાથ સંચાલિત પંપમાં મોટા છિદ્રોવાળી નોઝલ નો ઉપયોગ કરવો.

પિયત સાથે ઉપયોગ કરવાની રીત: પિયત સાથે પંચગવ્યનો ઉપયોગ કરવા માટે તેનું પ્રમાણ હેકટર દીઠ ૫૦ લીટર પંચગવ્ય ટપક પદ્ધતિથી અથવા ક્યારા પદ્ધતિથી પાણી સાથે મિશ્ર કરી ઉપયોગ કરવો.

બીજમાવજત આપવી:પંચગવ્યના ત્રણ ટકાનું દ્રાવણ બનાવી તેમાં બીજ અથવા વાવેતર પહેલાં ધરુને ડુબાડવામાં આવે છે. તેને ૨૦ મિનિટ માટે ડુબાળી રાખવામા આવે છે. હળદર, આદુના ભૂપ્રકાંડ અને શેરડીની કાતરીઓ વાવેતર પહેલાં ૩૦ મિનિટ માટે ડુબાળવામાં આવે છે.

બીજ સંગ્રહમાટે ઉપયોગ :લણણી કરેલા બીજને સૂકવણી પહેલા ૩% પંચગવ્યના દ્રાવણમાં ડૂબાળી ત્યાર બાદ તેનો સંગ્રહ કરવો.

ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

સામાન્ય સંજોગોમાં પંચગવ્યનો છંટકાવ નીચે મુજબ કરવો જોઇએ.

  • ફૂલ બેસતા પહેલાં એક છંટકાવ
  • પાકના જીવનકાળ અનુસાર બે છંટકાવ
  • ફૂલ અને ફળ/શીંગો આવવાના સમયેએક છંટકાવ
  • પાકવાના સમયેએક છંટકાવ

 પંચગવ્યની છોડ પર થતી અસરો

પાન (પર્ણ) : પંચગવ્યનો છંટકાવ કરવાથી પાન મોટા તથા પાનની સંખ્યામાં વધારો થાય છે જેને પગલે પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયામાં પણ વધારો થાય છે.

થડ : છોડની પ્રાથમિક ડાળી મજબૂત બને છે ને તેમાં થી દ્રિતિય તથા તૃતીય ડાળીઓ વિકાસ પામે છે. તેના ફળ સ્વરૂપે છોડ પર વધારે ફળ અને શીંગો ની સંખ્યા વધતા ઉત્પાદનમાં વધારો થાય છે.

ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

મૂળ : પંચગવ્યના છંટકાવથી મૂળ મજબૂત બને છે અને વિકાસ સારો થાય છે. જમીનમાં મૂળ ઉંડે સુધી વિસ્તરે છે જે વધારે પ્રમાણમાં પોષક  તત્વો નો ઉપયોગ કરે છે. કઠોળ વર્ગના પાકોમાં આને લીધે જમીનમાં નાઈટ્રોજનનું સ્થિરિકરણ વધે છે.

દુકાળ સહનશક્તિ : પંચગવ્યના છંટકાવથી છોડના પાન તથા થડ ઉપર પાતળુ તૈલી આવરણ થય જાય છે જેના કારણે બાષ્પીભવનની ક્રિયામાં ઘટાડો જોવા મળે છે અને પાણીનો વ્યય ઘટે છે. પાણીની અછતમાં પણ જમીનમાં ભેજ સચવાઈ રહે છે.

સૌજન્ય: 

ડો.  રિશી કે કાલરીયા ,   ડો વિપુલકુમાર સી. ગઢીયા ૨ 

૧ અસ્પી શકીલમ બાયોટેનોલોજી ઇન્સ્ટિટ્યૂટ, નવસારી કૃષિ યુનિવર્સિટી, સુરત

૨.  ડો વિપુલકુમાર સી. ગઢીયા,  એગ્રીકલ્ચર કૉલેજ , જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી , મોટા ભંડારીયા, અમરેલી

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More