Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

શુ વગર પાણીએ ઘઉંની ખેતી કરવા માંગો છો ? તો વાવો આ ઘઉં

ભાલ અને દરિયાકાંઠા વિસ્તારમાં થતા બિનપિયત ઘઉં ‘ભાલીયા ઘઉં’ તરીકે પ્રખ્યાત છે. ભાલીયા ઘઉંના વિશિષ્ટ ગુણો અથવા પ્રતિષ્ઠા તેના ઉદ્ભવ સ્થાન એવા ભાલ પ્રદેશના કારણે હોવાથી આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા સને ૨૦૧૧ માં ભાલીયા ઘઉંનું જી.આઈ. (જીઓગ્રાફીકલ ઈન્ડીકેસન) કરાવવામાં આવેલ છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
cultivate wheat without water
cultivate wheat without water

ભાલ અને દરિયાકાંઠા વિસ્તારમાં થતા બિનપિયત ઘઉંભાલીયા ઘઉં’ તરીકે પ્રખ્યાત છે. ભાલીયા ઘઉંના વિશિષ્ટ ગુણો અથવા પ્રતિષ્ઠા તેના ઉદ્ભવ સ્થાન એવા ભાલ પ્રદેશના કારણે હોવાથી આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા સને ૨૦૧૧ માં ભાલીયા ઘઉંનું જી.આઈ. (જીઓગ્રાફીકલ ઈન્ડીકેસન) કરાવવામાં આવેલ છે.

ભાલ અને દરિયાકાંઠા વિસ્તારની ક્ષારીય ભાસ્મિક જમીનમાં સંગ્રહિત ભેજના આધારે આ ઘઉંની ખેતી કરવામાં આવતી હોવાથી તેની ઉત્પાદકતા ઘણી ઓછી છે. આ વિસ્તારમાં નર્મદા નહેરના કારણે પિયતની સગવડ વધતા બિનપિયત ઘઉંના વાવેતરમાં ઉતરોત્તર ઘટાડો થઇ રહ્યો છે. સને ૨૦૧૦-૧૧ માં બિનપિયત ઘઉં હેઠળનો વિસ્તાર ૦.૯૦ લાખ હેક્ટર હતો જે ઘટીને વર્ષ ૨૦૧૮-૧૯ માં ૦.૨૨ લાખ હેક્ટર રહી જવા પામેલ છે. હાલમાં બિનપિયત ઘઉંનું વાવેતર મોટાભાગે અમદાવાદ જીલ્લામાં થાય છે. આ સિવાય ભરૂચ અને પાટણ જીલ્લાઓમાં થોડા ઘણાં વિસ્તારમાં આ ઘઉંનું વાવેતર થાય છે.

cultivate wheat without water
cultivate wheat without water

બિનપિયત ઘઉંના સ્થાનિક વિસ્તારમાં નામ

બિનપિયત ઘઉંને સ્થાનિક ભાષામાં કોરાટ, ભાલીયા, કઠીયા કે ચાસીયા ઘઉં તરીકે ઓળખવામાં આવે છે. જયારે બજારમાં દાઉદખાની અથવા સફેદ ઘઉં તરીકે ઓળખાય છે. આ ઘઉં ગુણવત્તાની દ્રષ્ટિએ ઉત્તમ છે. તેના દાણા કઠણ અને ભરાવદાર હોવાથી તેમજ તેમાં પ્રોટીનના ટકા વધારે હોવાથી તેના બજારભાવ પિયત ટુકડા ઘઉંની સરખામણીએ દોઢા થી બમણા મળે છે. બિનપિયત ઘઉંના લોટમાંથી લડવા, ચુરમું, લપસી, ભાખરી વગેરે ખુબજ સ્વાદિષ્ટ થાય છે. રોટલીમાં મોણ નાખવાની જરૂરીયાત ઓછી રહે છે અને રોટલી લાંબો સમય કુણી રહે છે. બિનપિયત ઘઉંનું ઉત્પાદન વધારવા માટે સુધારેલી ખેતી પદ્ધતિ અપનાવવી જરૂરી છે.

જમીન અને જમીનની તૈયારી:

  • બિનપિયત ઘઉંની ખેતી જમીનમાં સંગ્રહિત ભેજ આધારિત હોય ચોમાસા દરમ્યાન થયેલ વરસાદનું પાણી ભેજના સ્વરૂપે જમીનમાં વધુમાં વધુ સંગ્રહાય તે જરૂરી છે.
  • જે ખેતરમાં ઘઉંનું વાવેતર કરવાનું હોય તે ખેતર ફરતે દોઢ થી બે ફૂટના મજબૂત પાળા હોવા જરૂરી છે. જેથી ચોમાસા દરમિયાન વરસાદનું પાણી ખેતરમાં ભરી શકાય.
  • ખેતરમાં આ રીતે ભરેલું પાણી ચોમાસુ પુરૂ થતાં ધીરે ધીરે સુકાવા લાગે છે અને જમીન વરાપની સ્થિતિમાં આવે છે.
  • આ સમયે જમીનને કળિયાથી ખેડી પાસાદાર બનાવી જોઈએ. આ રીતે ખેડ કરવાથી જમીનના ધડાની ઉપરના ભાગમાં સુકી જમીનનું આવરણ તૈયાર થાય છે.
  • તેને સ્થાનિક ભાષામાં ‘પાંહ’ કહેવામાં આવે છે. જે જમીનમાં ધડામાં રહેલ ભજનો બાષ્પીભવન દ્વારા થતો વ્યય ઘટાડે છે.
  • આ હેતુ માટે ૭ થી ૮ સે.મી. જેટલો પાંહ હોવો જરૂરી છે.
  • વાવણી કરવાની હોય તેના બે દિવસ અગાઉ ફરીથી કળીયાની ખેડ કરવી જરૂરી છે.
  • કળીયાની ખેડથી જમીનની ભેજ સંગ્રહ શક્તિ વધે છે, નિંદામણનું નિયંત્રણ થાય છે તથા જમીનનું પોત સુધારે છે પરિણામે બીજનો ઉગાવો સારો થાય છે.
cultivate wheat without water
cultivate wheat without water

ભાલ વિસ્તારમાં જમીનની પરિસ્થિતિ

  • ભાલ વિસ્તારમાં મોટા ભાગની જમીન ક્ષારીય-ભાસ્મિક પ્રકારની છે. આના લીધે ઘઉંનું ઉત્પાદન ઓછું મળે છે.
  • જે જમીનમાં વિનિમય પામતા સોડિયમનું પ્રમાણ ૧૦ ટકા જેટલું હોય તેવી જમીનમાં ઘઉંનું વધુ ઉત્પાદન મેળવવા માટે દર ચાર વર્ષે એક વખત ચોમાસું શરૂ થતાં પહેલાં હેક્ટરદીઠ એક ટન જીપ્સમ આપવાની ભલામણ છે. તેનાથી જમીનની ભૌતિક સ્થિતિ સુધરે છે.
  • વાવણીનો સમય: ઘઉંનું વાવેતર જમીનમાં ભેજની સ્થિતિ અને પ્રવર્તમાન ઉષ્ણતામાનને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ.
  • મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રી સેલ્સિયસથી ઓછુ હોય તો ઘઉંના વાવેતર માટે વધારે માફક આવે છે.
  • જો જમીનમાં પુરતો ભેજ હોયતો ઘઉંનું વાવેતર નવેમ્બર માસના પ્રથમ પખવાડિયામાં કરવું હિતાવહ છે.
  • જો જમીનમાં ભેજ ઓછો હોય તો ઘઉંનું વાવેતર ઓક્ટોબર માસના મધ્ય ભાગથી શરૂ કરી શકાય.

માહિતી સ્ત્રોત : ડૉ. વી. વી. સોનાણ, સંશોધન વૈજ્ઞાનિક (નિવૃત), આણંદ કૃષિ યુનિવર્સિટી, ડેરોલ (હાલનું સરનામું : ૧૦, અમી સ્ટેટ બેંક સોસાયટી, મધુમાલતી સોસાયટીની અંદર, વેજલપુર, અમદાવાદ-૩૮૦૦૫૧. ડૉ. શૈલેશ ડી. પટેલ, તાલીમ સહાયક (પા.સં), વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ, ફોન : (૦૨૬૯૨) ૨૬૪૮૨૨) 

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More