આંતર-વિશિષ્ટ કલમ શાકભાજીની ઉત્પાદકતા વધારવા ઉપરાંત બાયોટિક અને એબાયોટિક તાણ પ્રત્યે સહિષ્ણુતા વધારવા માટે એક આશાસ્પદ સાધન તરીકે ઉભરી આવી છે. ડ્યુઅલ અથવા મલ્ટીપલ કલમ એક નવો ટેકનોલોજીકલ વિકલ્પ છે, જેમાં એક જ કુટુંબના બે અથવા બેથી વધુ કુળને એક જ છોડમાંથી એકથી વધુ શાકભાજી ઉગાડવા માટે એકસાથે કલમ કરવામાં આવે છે.
ભારતીય શાકભાજી સંશોધન સંસ્થા, વારાણસી, ઉત્તરપ્રદેશમાં કલમવાળા પોમેટો (બટાકા + ટામેટા) ના સફળ ક્ષેત્ર પ્રદર્શન બાદ, 2020-21 દરમિયાન ખેતરમાં રીંગણ અને ટામેટા (બ્રિમેટો) ના ડ્યુઅલ કલમનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બ્રિન્જલ હાઇબ્રિડ - કાશી સંદેશ અને ટમેટાની સુધારેલ જાત - કાશી અમનને સફળતાપૂર્વક રીંગણના રુટસ્ટોક - IC 111056 માં કલમ કરવામાં આવી હતી.
જ્યારે રીંગણના રોપાઓ 25 થી 30 દિવસ અને ટામેટા 22 થી 25 દિવસના થાય ત્યારે કલમ બનાવવામાં આવે છે. બ્રિન્જલ રુટસ્ટોક - IC 111056 લગભગ 5% રોપાઓમાં બે શાખાઓ વિકસાવવાનું વલણ ધરાવે છે. કલમ સાઇડ/સ્પ્લિસ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે, જેમાં રૂટસ્ટોક અને સાયન બંનેમાં 5 થી 7 એમએમ સ્લેંટિંગ કટ (45 એંગલ) બનાવવામાં આવે છે. કલમ બનાવ્યા પછી તરત જ, રોપાઓ નિયંત્રિત વાતાવરણીય સ્થિતિ હેઠળ રાખવામાં આવે છે, જ્યાં તાપમાન, ભેજ અને પ્રકાશ પ્રારંભિક 5 થી 7 દિવસ માટે ઈષ્ટતમ રાખવામાં આવે છે, ત્યારબાદનાં 5 થી 7 દિવસ માટે આંશિક છાંયામાં રાખવામા આવે છે.
ગ્રાફ્ટિંગના 15 થી 18 દિવસ પછી કલમવાળા છોડને ખેતરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. પ્રારંભિક વૃદ્ધિના તબક્કા દરમિયાન, રીંગણ અને ટામેટાં બંનેમાં સંતુલિત વૃદ્ધિ જળવાય તેની કાળજી રાખવામાં આવે છે. તેમજ જો કોઈ કલમની નીચે અંકુરણ ઉગે તો તેને તાત્કાલિક દૂર કરવામાં આવે છે. 25 ટન છાણિયું ખાતર અને ૧૫૦:૬0:૧00 કિ.ગ્રા. એનપીકે/હેક્ટરમાં લેખે આપવામાં આવે છે. રીંગણ અને ટામેટા બંને વાવેતર પછી 60 થી 70 દિવસમાં ફળ આપવાનું શરૂ કરે છે.
પ્રાયોગિક તારણો પ્રમાણે જાણવા મળ્યું છે કે 2.383 કિલોગ્રામ ઉપજ સાથે લગભગ 36.0 ફળો ટામેટા/છોડમાં આવ્યા હતા, જ્યારે રીંગણામાં 2.684 કિગ્રા ઉપજ સાથે 9.2 ફળો/ છોડમાંથી મેળવવામાં આવ્યા હતા. ડ્યુઅલ ગ્રાફ્ટેડ બ્રિમેટો ટેકનોલોજી શહેરી અને ઉપનગરીય વિસ્તારો માટે ખૂબ ઉપયોગી થશે, કે જ્યાં ટેરેસ અને કમ્પાઉન્ડ ઉપર બગીચા અથવા પોટ કલ્ચરમાં શાકભાજી ઉગાડવા માટે મર્યાદિત જગ્યાઓ ઉપલબ્ધ છે.
કલમવાળા બ્રિમેટોનું વ્યાપારી ઉત્પાદન પર સંશોધન ICARIIVR, વારાણસી, ઉત્તર પ્રદેશમાં ચાલુ છે (સ્ત્રોત: ICAR-IIVR, વારાણસી, ઉત્તર પ્રદેશ).
પિયુષ એચ. પટેલ, વિક્રમ એન. શિયાળ, મયુર એમ. રાઠવા નવસારી કૃષિ મહાવિધ્યાલય, નવસારી આણંદ કૃષિ મહાવિધ્યાલય, આણંદ
આ પણ વાંચો - વૈજ્ઞાનિક પદ્ધતિથી કરો કાકડીની ખેતી, થશે લાખોની કમાણી
Share your comments