તુવેર એ કઠોળ પાકોમાં અગત્યનો પાક છે. આપણા દેશમાં વવાતા વિવિધ પાકોમાં વિસ્તારની દષ્ટીએ ચણા અને તુવેર મહત્વના છે. તુવેર, ચણા પછી બીજુ અગત્યનું સ્થાન ધરાવે છે. ભારતમાં વર્ષ ૨૦૧૭-૧૮ માં અંદાજે ૪૪.૫૯ લાખ હેકટર વિસ્તારમાં તુવેર પાકનું વાવેતર થયેલ અને જેનુ ઉત્પાદનઅને ઉત્પાદકતા ૪૧.૮૦ લાખ ટન અને ૮૪૧ કિ.ગ્રા/હે. છે. જયારે ગુજરાતમાં વર્ષ ૨૦૧૭-૧૮ માં અંદાજે ૨.૭૧ લાખ હેકટર વિસ્તારમાં તુવેર પાકનું વાવેતર થયેલ અને જેનુ ઉત્પાદન ૩.૨૧ લાખ ટન થયેલ હતું. ગુજરાતમાં તુવેરના પાકનું વાવેતર કરતા જીલ્લાઓમાં ભરૂચ, વડોદરા, પંચમહાલ, ગોધરા, ખેડા અને સુરત મુખ્ય છે. તુવેર એ ચોમાસાના વરસાદનો અને ત્યારબાદ જમીનમાં સંગ્રહાયેલ ભેજનો ઉપયોગ કરીને બિનપિયત પાક તરીકે પણ લેવામાં આવે છે. આથી તે અર્ધસૂકા વિસ્તારો માટેનો મહત્વનો પાક છે. તુવેરનાં સૂકા દાણામાં ૨૨.૩% જેટલું પ્રોટીન હોય છે. તુવેર એ શાકાહારી લોકો માટે જરૂરી પ્રોટીનનો અગત્યનો સ્ત્રોત છે. તુવેરનું વાવેતર મોટે ભાગે મિશ્રપાક/આંતરપાક તરીકે કરવામાં આવે છે. આ ઉપરાંત તુવેરના મૂળ ખુબજ ઉંડા અને મૂળ ઉપર આવેલી ગાંઠોમાં રહેલા સૂક્ષ્મજીવાણુ હવામાંના નાઇટ્રોજનનું જમીનમાં સ્થિરીકરણ કરે છે જેથી જમીનની ફળદ્રુપતા વધે છે.
જમીન અને આબોહવા
સામાન્ય રીતે ચોમાસામાં તુવેરના પાકનું વાવેતર કરવામાં આવે છે. પરંતુ મોટા ભાગની જાતો લાંબાગાળે પાકતી હોવાથી શિયાળામાં પણ આ પાક ખેતરમાં ઉભો રહે છે. તુવેરનો પાક સામાન્ય રીતે બિનપિયત તરીકે લેવામાં આવતો હોવાથી ભેજનો સંગ્રહ કરી શકે તેવી જમીનમાં સારો થાય છે.સારી નિતાર શકિત ધરાવતી, ગોરાડુ, બેસર, મધ્યમકાળી જમીન તેને વધારે અનુકૂળ આવે છે. પરંતુ ભારે કાળી જમીનમાં તુવેરને પાળી બનાવી તે પર અથવા તો ગાદી કયારા બનાવી તે ઉપર રોપવાથી મૂળ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ઓછી થતા તુવેરનો વિકાસ સારો થાય છે અને સૂકારા જેવા રોગોનું પ્રમાણ ઓછું રહે છે.
જમીનની તૈયારી
તુવેરના છોડનાં મૂળ જમીનમાં ઘણા ઉંડા જતા હોવાથી આ પાકને માટે ઊંડી ખેડ કરી તૈયાર કરવાથી ફાયદો થાય છે. અગાઉનો પાક કાપી લીધા પછીથી જમીનમાં ૧-૨ વખત હળથી અને ૧-૨ વખત કરબથી ખેડ કરી જમીન ભરભરી બનાવવી જોઇએ. તુવેરનો છોડ જમીનમાં પાણી ભરાઈ રહેતા કહોવાઈ જાય છે. જયારે અપુરતો વરસાદ હોય તો જમીનમાં ભેજની ખેંચને લીધે ઉત્પાદન ઉપર માઠી અસર થાય છે. તેથી જમીન તૈયાર કરતી વખતે ૮ થી ૧૦ ટન/હેકટર છાણિયું અથવા ગળતીયું ખાતર નાખી પછી ખેડ કરવાથી જમીનની પ્રત સુધરે છે. જમીનની ભેજ સંગ્રહ શકિત/નીતાર શકિત વધે છે. છાણીયા અથવા ગળતીયા ખાતર સાથે ટ્રાયકોડર્મા ફુગનું કલ્ચર ઉમેરી થોડા ભેજ સાથે ૨-૩ દિવસ છાયડે રાખી જમીનમાં નાંખવાથી સુકારાનો રોગ કાબૂમાં આવે છે. ચોમસા ઋતુમાં વરસાદ આવે તે પહેલા તુવેરની વાવણી માટેની તૈયારીઓ પુરી કરી દેવી જેથી વરસાદ થતા તરતજ સમયસર તુવેરની વાવણી કરી શકાય, જયારે રવી ઋતુની વાવણી માટે ડાંગરની કયારીમાં યોગ્ય ભેજ હોય ત્યારે ઊંડી ખેડ કરી જમીન ભરભરી થાય તે રીતે તૈયાર કરી તરત્ત વાવણી કરવી જોઇએ. રવિ ઋતુ માટે ૧૫ મી ઓકટોબર થી ૧૦ મી નવેમ્બર સુધીમાં વાવણી કરી દેવી જોઇએ.
જાતની પસંદગી
જમીન, આબોહવા અને જરૂરીયાતને અનુરૂપ નીચે આપેલ કોઠામાંથી કોઇ પણ એક જાત વાવેતર માટે પસંદ કરવી.
તુવેરનો પ્રકાર |
જાત |
પાકવાના દિવસો |
દાણાનો રંગ અને કદ |
ખાસિયતો |
વહેલી પાકતી |
ગુજરાત તુવેર-૧ |
૧૨૫ થી ૧૩૦ |
સફેદ અને મોટાકદના દાણા |
શીંગો છૂટી બેસે છે. શાકભાજી માટે વધારે અનુકૂળ |
ગુજરાત તુવેર-૧૦૦ |
૧૪૦ થી ૧૫૦ |
સફેદ અને મોટા કદના દાણા |
શીંગો ઝૂમખામાં આવે છે. શાકભાજી અને દાણા બન્ને માટે ઉપયોગી |
|
ગુજરાત તુવેર-૧૦૧ |
૧૩૦ થી ૧૪૭ |
સફેદ અને મોટા કદના દાણા |
શીંગો એકલદોકલ બેસે છે. |
|
ગુજરાત તુવેર-૧૦૫ (જાનકી) |
૧૩૫-૧૪૫ |
સફેદ અને મોટા કદના દાણા |
મધ્યમ ઘેરાવો ધરાવતી, વધુ ઉત્પાદકતા અને વંધ્યત્વના રોગ સામે પ્રતિકારક |
|
બનાસ |
૧૩૦ થી ૧૪૦ |
સફેદ અને મધ્ય્મ કદના દાણા |
સુકારા સામે મધ્યમ પ્રતિકારક |
|
મધ્યમ મોડી પાકતી |
બીડીએન-૨ |
૧૬૦ થી ૧૮૦ |
સફેદ અને મધ્ય્મ કદના દાણા |
સુકારા સામે પ્રતિકારક |
ટી-૧૫-૧૫ |
૧૮૦ થી ૨૦૦ |
સફેદ |
વંધ્યત્વના રોગ સામે પ્રતિકારક |
|
વૈશાલી |
૧૫૦ થી ૧૭૦ |
સફેદ |
સુકારા અને વંધ્યત્વના રોગ સામે પ્રતિકારક |
|
એજીટી-૨ |
૧૫૦ થી ૧૭૦ |
સ્ફેદ અને મોટા કદના દાણા |
સુકારા અને વંધ્યત્વના રોગનું પ્રમાણ નહિવત છે. |
બીજ માવજત
(ક) ફુગનાશક દવાનો પટ: જમીન અને બીજ જન્ય રોગોથી પાકને બચાવવા તથા એકમ વિસ્તારમાં છોડની પૂરતી સંખ્યા જળવાઈ રહે તે માટે બીજને વાવતા પહેલા થાયરમ કે કેપ્ટાન પ્રતિ કિલો બીજ દીઠ ૩ ગ્રામ મુજબ દવાનો પટ આપવો.
(ખ) જૈવિક ખાતરનો પટ: કઠોળ વર્ગના પાકને રાઇઝોબિયમ નામના જૈવિક ખાતરનો પટ આપવાથી રાસાયણિક ખાતરનો વપરાશ ઘટાડી શકાય છે. તથા ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે છે. કૃષિ યુનિવર્સિટી દ્રારા જૈવિક ખાતર ૫ મિ.લિ. પ્રતિ કિલો બીજ આપવાની ભલામણ છે.
બિયારણનો દર અને વાવણી અંતર
તુવેર માટે બીજનો દર અને વાવણીનું અંતર જાત, જમીનનો પ્રકાર અને વાવેતર પધ્ધતિ પર આધાર રાખે છે. સામાન્ય રીતે નીચે મુજબનો બિયારણનો દર અને અંતર રાખવામાં આવે છે.
તુવેરનો પ્રકાર |
બિયારણનો દર કિ.ગ્રા/હેકટર |
વાવણીનું અંતર (સેન્ટીમીટર) |
|
બે ચાસ વચ્ચે |
બે છોડ વચ્ચે |
||
ચોમાસુ |
|||
વહેલી પાકતી |
૨૦ થી ૨૫ |
૪૫ થી ૬૦ |
૧૫ થી ૨૦ |
મધ્યમ મોડી પાકતી |
૧૫ થી ૨૦ |
૭૫ થી ૯૦ |
૨૫ થી ૩૦ |
શિયાળુ |
૧૫ થી ૨૦ |
૬૦ |
૧૫ |
વાવણી ઓરીને અથવા થાણીને કરવી જોઇએ. રાસાયણિક ખાતર નાંખ્યા બાદ તેજ ચાસમાં ખાતરથી થોડું ઉપર બીજ પડે તે રીતે તુવેરના બીજની રોપણી કરવી.
રાસાયણિક ખાતર
વાવેતર લાયક જમીન તૈયાર કર્યા પછી હેકટરે ૨૫ કિલો નાઇટ્રોજન અને ૫૦ કિલો ફોસ્ફરસ આપવા. આ માટે નીચે મુજબની ખાતરની જરૂર પડશે. ખાતર બીજની નીચે પડે તે રીતે ઓરીને ચાસમાં આપવું. આ ઉપરાંત ૨૦ કિલો સ્લ્ફર આપવાથી ઉત્પાદન અને દાણાની ગુણવતામાં સુધારો થાય છે.
ખાતરનું નામ |
જરૂરી જથ્થો |
|
હેકટર |
એકર |
|
ડી.એ.પી.+ યુરીયા/એમો.સલ્ફેટ |
૧૧૦+૧૦/૨૫ |
૪૫+૪/૧૦ |
અથવા એસ.એસ.પી. + યુરીયા/એમો.સલ્ફેટ |
૩૧૩+૫૫/૧૨૫ |
૧૨૫+૨૨/૫૦ |
એસ.એસ.પી. કે એમોનીયમ સલ્ફેટ ખાતર પસંદ કરેલ હોય તો સલ્ફર અલગથી આપવાની જરૂરીયાત રહેતી નથી.
ખાલા પુરવા તથા પારવણી
કોઇ પણ પાકનું વધુ ઉત્પાદન મેળવવા માટે વાવેતર કરેલ વિસ્તારમાં નક્કી કરેલ છોડની સંખ્યા જાળવવી એ ખૂબજ અગત્યનું પરિબળ છે. તે માટે બીજનો ઉગાવો થયા બાદ જે જગ્યાએ ખાલાં જણાય ત્યાં તુરત જ બીજ વાવીને ખાલાં પુરવાં તેમજ જે જગ્યાએ છોડ વધુ ઉગી નીકળ્યા હોય ત્યાં પારવણી કરી વધારાના છોડ દૂર કરી ઉપર જણાવ્યા પ્રમાણે અંતર રાખી છોડનું પ્રમાણ અને પુરતી સંખ્યા જાળવવી. આમ કરવાથી દરેક છોડની વૃધ્ધિ અને વિકાસ સારી રીતે થશે અને પરિણામે ઉત્પાદન ખૂબજ સારૂ મળશે. તુવેર પાકમાં સ્ફુરણ થયા બાદ એક અઠવાડીયામાં ખાલા પુરવા તથા એક માસમાં થાણા દીઠ એક છોડ રાખી પારવણી કરવી.
નિંદામણ અને આંતરખેડ
પાકનું વધુ ઉત્પાદન મેળવવા તેને નિંદણમુકત રાખવો એ અતિ આવશયક બાબત છે. નિંદણમુકત પાકને જરૂરી પોષક તત્વો, પાણી, હવા અને સૂર્યપ્રકાશ મળી રહેતો હોવાથી તેનો વિકાસ સારી રીતે થવાથી વધુ ઉત્પાદન મળે છે. આ ઉપરાંત નિંદણમુકત ખેતરમાં રોગ અને જીવાતનો ઉપદ્રવ પણ ઓછો રહે છે. આથી પાકને બે થી ત્રણ આંતરખેડ અને નિંદણ કરી તદ્ન નિંદણમુકત રાખવો. જો મજુરની અછત હોય તો નિંદણના નિયંત્રણ માટે પેંડીમીથાલીન ૫૫ મી.લી. અથવા ફલુકલોરાલીન ૪૦ મી.લી નિંદણનાશક દવા પૈકી કોઇ પણ એક દવા ૧૦ લીટર પાણીમાં ભેળવીને તુવેરની વાવણી બાદ તુરત ૧ થી ૩ દિવસમાં છંટકાવ કરવો. જેથી પાક શરૂઆતથી જ નિંદણમુકત રહેતા તેનો વિકાસ સારો થાય છે.
પિયત વ્યવસ્થા
ચોમાસુ પાકને વરસાદની ઋતુ પૂર્ણ થયા બાદ જરૂરીયાત મુજબ પાણી આપવું જેથી ઉત્પાદન સારૂ મળે. ચોમાસુ પૂર્ણ થયા બાદ એક માસ પછી પિયત આપવું અને ત્યારબાદ ૧ માસનાં અંતરે બે પિયત આપવા. જયારે શિયાળુ ઋતુની તુવેરને જરૂરીયાત મુજબ ૩-૪ પિયત આપવા. પ્રથમ પિયત વાવણી વખતે અને ત્યારબાદ દર માસે એક પિયત આપવું. ફુલ અને શીંગો અવસ્થાએ ભેજની ખેંચ ન પડે તેની ખાસ કાળજી રાખવી.
આંતરપાક તરીકે તુવેરની ખેતી
સામાન્ય રીતે તુવેરનું વાવેતર જુવાર, મગફ્ળી, સોયાબીન, ઓરાણ ડાંગર વગેરે પાકો સાથે આંતરપાક અને મિશ્રપાક તરીકે કરવામાં આવે છે. મગફળીના ઉભા પાકમાં છેલ્લી આંતરખેડ કર્યા પછી તુવેરની મધ્યમ મોડી પાકતી જાત મગફળીના બે ચાસ વચ્ચે વાવેતર કરવાથી મગફળીના ઉત્પાદનમાં ઘટાડો થયા વગર તુવેરનું વધારાનું ઉત્પાદન મેળવી શકાય છે. જેને રીલે પાક પધ્ધતિ કહેવાય છે. આ ઉપરાંત આંતરપાક પધ્ધતિમાં ઊભડી મગફળીની ૩ હાર અથવા વેલડી મગફળીની બે હાર પછી અથવા ઓરાણ ડાંગરની ૪ હાર પછી વહેલી પાકતી તુવેરની જાતની એક હારનું વાવેતર કરવાથી એકલી મગફળીના કે ડાંગરના પાક કરતાં વધુ નફો મેળવી શકાય છે. તેમજ ઓછા વરસાદની પરિસ્થિતિમાં એકલી મગફળીના પાકના ઓછા ઉત્પાદનનું જોખમ ઘટાડીતુવેરનું ઉત્પાદન પણ સાથોસાથ મેળવી શકાય છે.
કાપણી
તુવેરની ૮૦ ટકા શિંગો પાકી જાય ત્યારે સવારના સમયમાં કાપણી કરવી જેથી શિંગો ખરી ન જાય. ત્યારબાદ શિંગોને ખળામાં સૂકવી તેમાંથી દાણા કાઢવા અથવા થ્રેસરથી પણ દાણા છૂટા પાડી શકાય છે. દાણા છૂટા પાડયા બાદ તેમાં રહેલ કચરો વગેરે દૂર કરી દાણાને સાફ કરી ગ્રેડિંગ કરી દાણામાં ૮ ટકા ભેજ રહે તે પ્રમાણે સૂર્યતાપમાં સુકવી જંતુ રહિત કરીયોગ્ય જગ્યાએ સંગ્રહ કરવો જોઇએ.
Share your comments