ટામેટીના પાકમાં ખાસ કરીને ધરુનો કોહવારો, આગોતરો સુકારો, કોકડવા, સ્પોટેડ વિલ્ટ વાયરસ અને ગંઠવા કૃમિ મુખ્ય રોગો છે.
આગોતરો સુકારો (અર્લી બ્લાઇટ):
ટામેટાના પાકમાં આવતો આગોતરો સુકારો એ એક પ્રકારની ફૂગથી થતો સૌથી વિનાશક રોગ છે જે મુખ્યત્વે ઉષ્ણકટિબંધીય તેમજ ઉપ-ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં જોવા મળે છે. આ રોગના લક્ષણો છોડની વૃદ્ધિના તમામ તબક્કામાં જોવા મળે છે. શરૂઆતમા પાન પર ભૂખરા ઘેરા રંગના વર્તુળાકાર ટપકા જોવા મળે છે જે અનુકૂળ આબોહવાની પરિસ્થિતિ મળતા એકબીજા સાથે મળીને કાળાશ પડતા ઘેરા રંગના ધાબા સ્વરૂપે રોગની તીવ્રતા વધારે છે જેના પરિણામ સ્વરૂપે રોગીષ્ટ પાન સુકાઈને ખરી પડે છે. જમીન પર ખરી પડેલ આ રોગીષ્ટ પાન પર રોગકારક ફૂગના બીજાણુ રહેલા હોય છે જે અનુકુળ વાતાવરણ મળતા હવા દ્વારા ફેલાય છે.
સંકલિત વ્યવસ્થાપન:
- જીવાણુ આધારિત દવા સ્યુડોમોનાસ ફ્લુરોસેંસ ૧.૭૫ વે.પા. નો ૫ ગ્રામ દવા પ્રતિ એક કિ.ગ્રા. બિયારણ મુજબ વાવણી પહેલા પટ આપવો.
- રોગની શરૂઆત થયે સ્યુડોમોનાસ ફ્લુરોસેંસ ૧.૭૫ વે.પા. નો ૬૦ ગ્રામ દવા પ્રતિ ૧૦ લિટર પાણી મુજબ છંટકાવ કરવો.
- રોગના વ્યવસ્થાપન માટે રોગની શરૂઆત થયે એઝોક્ષીસ્ટ્રોબીન ૨૩ એસ.સી. ૧૦ મિ.લી. (*૩ દિવસ પ્રતિક્ષા સમય) અથવા કોપર ઓક્ષીક્લોરાઇડ ૫૦ વે.પા. ૨૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવાથી અસરકારક વ્યવસ્થાપન મેળવી શકાય છે.
સ્પોટેડ વિલ્ટ વાઇરસ:
આ વિષાણુથી થતો રોગ છે જે વિશ્વભરના ટોચના દસ આર્થિક રીતે મહત્વપૂર્ણ વાનસ્પતિક વિષાણુઓમા સ્થાન ધરાવે છે અને તેનો ફેલાવો થ્રીપ્સ નામની ચુસિયા જીવાતથી થાય છે. આ વિષાણુથી દર વર્ષે ટામેટાના પાકમાં નોંધપાત્ર આર્થિક નુકશાન જોવા મળે છે. અમુક સંશોધનો મુજબ આ વિષાણુ કેટલાક વિસ્તારોમાં પર્યાવરણમાં સર્વવ્યાપક હોવાનું જણાયું છે.રોગીષ્ટ છોડ ઠીંગણો રહે તે આ રોગનુ એક સામાન્ય લક્ષણ છે. રોગીષ્ટ છોડના પાન પર નાના પીળાશ પડતા વર્તુળાકાર ટપકા જોવા મળે છે. આ વિષાણુ છોડના કોષોને મારી નાખે છે, આવા છોડના પાકા ફળ પર ગોળ કે અનિયમિત આકારના ચાઠા જોવા મળે છે અને અમુક વખત ફળ બેસતા નથી પરિણામે આ રોગ છોડની ઉત્પાદનની માત્રા અને ગુણવત્તા પર માઠી અસર કરે છે.
સંકલિત વ્યવસ્થાપન:
- આ રોગને ફેલાતો અટકાવવા માટે થ્રીપ્સ નામની ચુસિયા જીવાતનુ સંકલિત વ્યવસ્થાપન કરવુ ખૂબ જ જરૂરી છે.
- ખેતરમા જો રોગીષ્ટ છોડ દેખાય તો તરત જ ઉખાડીને ખેતરની બહાર તેનો નાશ કરવો જેથી રોગનો ફેલાવો થતો અટકે.
- ટામેટાના પાન પર થ્રીપ્સની સંખ્યા આર્થિક ક્ષમ્યમાત્રા પાર કરે ત્યારે ઇમીડાક્લોપ્રીડ ૭૦ ડબલ્યુ.જી. ૧ ગ્રામ દવા (*૦૫ દિવસ પ્રતિક્ષા સમય) અથવા સાયાંટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓ.ડી. ૧૦ થી ૧૫ ગ્રામ (*૦૩ દિવસ પ્રતિક્ષા સમય) અથવા થાયોમેથોક્ષામ ૧૨.૬૦ + લામડા-સાયલોથ્રીન ૯.૫૦ ટકા ઝેડ.સી. ૨ ગ્રામ દવા (*૦૫ દિવસ પ્રતિક્ષા સમય) પ્રતિ ૧૦ લિટર પાણી મુજબ છંટકાવ કરવાથી થ્રીપ્સનુ અસરકારક વ્યવસ્થાપન કરી શકાય છે.
ગંઠવા કૃમિ:
વૈશ્વિક સ્તરે શાકભાજી પાકોમા આવતા ગંઠવા કૃમિના લીધે શાકભાજી પાકોની ઉપજમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે.શરૂઆતમા આ કૃમિ છોડના મૂળમા ચુસિકાની મદદથી કાણા પાડીને રસ ચુસે છે અને અંદર પ્રવેશતાં પ્રજનન દ્વારા તેની સંખ્યા વધતી જાય છે પરિણામ સ્વરૂપે મૂળ પર અસંખ્ય નાની મોટી ગાંઠો બને છે. જમીનમા રહેતા આ કૃમિ જમીનજન્ય રોગકારક ફૂગ અને જીવાણુઓ માટે પૂર્વનિર્ધારિત પ્રવેશ સરળ કરી આપીને મૂળમા વિવિધ રોગોના સંકુલનો વધારો કરી પાકની ઉપજમા ગંભીર નુકસાન પહોંચાડે છે અંતે છોડનો વિકાસ અટકી જાય છે અને છોડ ઠીંગણો રહે છે તેમજ ફૂલ અને ફળ ઓછાં બેસે છે.
સંકલિત વ્યવસ્થાપન :
- ઉનાળામાં ઊંડી ખેડ કરીને જમીન તપાવવી જેથી જમીનમા રહેલ કૃમિનો નાશ કરી શકાય.
- જો ખેતરમા કૃમિની હાજરી જણાય તો તેમા શક્ય હોય ત્યા સુધી વાવણી કરવી નહિ.
- પાકની લાંબાગાળાની ફેરબદલી કરવી.
- સારા કોહવાયેલા છાણિયા ખાતર કે દિવેલી અથવા રાયડા અથવા લીમ્બોળીના ખોળનો વધુ ઉપયોગ કરવો.
- કૃમિગ્રસ્ત ખેતરમા એપ્રિલ-મે માસમા ઉપર જણાવ્યા મુજબ સોઇલ સોલેરાઇઝેશન કરવુ જેથી જમીનમા રહેલ કૃમિનો નાશ કરી શકાય.
- ફેરરોપણી માટે સ્વસ્થ અને રોગમુક્ત ધરૂની પસંદગી કરવી.
- વાવણી પહેલા બીયારણને સ્યુડોમોનાસ ફ્લુરોસેન્સ ૧.૦૦ ટકા વે.પા. અથવા ટ્રાયકોડર્મા હર્જીએનમ૧.૦૦ ટકા વે.પા. અથવા વર્ટીસીલીયમ ક્લેમાઇડોસ્પોરીયમ ૧.૦૦ ટકા વે.પા. દવાનો ૨૦ ગ્રામ પ્રતિ કિ.ગ્રા બીજ મુજબ પટ આપીને વાવણી કરવી.
- જમીન તૈયાર કરતી વખતે જમીનમા સારી રીતે કોહવાયેલા છાણિયા ખાતર(૫ ટન/હે.) ને સ્યુડોમોનાસ ફ્લુરોસેન્સ ૧.૦૦ ટકા વે.પા. અથવા ટ્રાયકોડર્મા હર્જીએનમ ૧.૦૦ ટકા વે.પા અથવા વર્ટીસીલીયમ ક્લેમાઇડોસ્પોરીયમ ૧.૦૦ ટકા વે.પા. (૫ કિ.ગ્રા./હે.) સાથે સારી રીતે સઁવર્ધિત કરી રોપણી પહેલા જમીનમા સારી રીતે ભેળવી દેવુ.
(નોંધ: *કૌંસમા દર્શાવેલ દિવસો સી.આઇ.બી. અને આર.સી. મુજબ જે-તે દવાના છંટકાવ અને ફળ ઉતાર વચ્ચેનો સમયગાળો (પ્રતિક્ષા સમય) દર્શાવે છે જેનુ પાલન કરવુ ખૂબ જ જરૂરી છે.)
સૌજન્ય:
શ્રી બિ. કે. પ્રજાપતિ, ડૉ. એન. પી. પઠાણ, પી. એમ. પટેલ અને બી. એચ. નંદાણીયા
પાક સંરક્ષણ વિભાગ, બાગાયત મહાવિધાલય, સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, જગુદણ-૩૮૪૪૬૦
(મો.) ૭૯૯૦૨ ૮૮૯૫૦
Share your comments