ચરોતરમાં 2021માં તમાકુનું વાવેતર 1,17,961 હેકટરમાં થયું હતું. તેની સામે ચાલુ વર્ષે 1,30,670 હેક્ટરમાં વાવેતર થયું છે. આમ 10 હજાર હેક્ટરમાં તમાકુનું વાવેતર વધ્યું છે. તમાકુ રૂપી ઝેર પકવતાં ચરોતરમાં રાજ્યના કુલ કેસમાંથી 25 ટકા કેન્સરના કેસ જોવા મળી રહ્યાં છે. જેમાં 20થી 40 વર્ષના યુવાનોના જ 50 ટકા કેસ નોંધાય છે. જે ચરોતર માટે ચિંતાનો વિષય છે.
ચરોતરમાં કેન્સરના નિષ્ણાંત ડોકટરોના જણાવ્યા પ્રમાણે ચરોતરમાં 100એ 60 ટકા લોકોમાં તમાકુનું વ્યસન જોવા મળે છે. તેમાં પણ 20થી 60 વર્ષના 70 ટકા લોકો તમાકુના વ્યસની છે. જ્યારે છેલ્લા 5 વર્ષથી મહિલાઓમાં પણ તમાકુ અને ગુટકા ખાવાનું વ્યસન વધી રહ્યું છે. હાલ ચરોતરમાં તમાકુના કારણે મોઢાના કેન્સરના 70 ટકા કેસ જોવા મળ્યા છે. ચરોતરમાં દર વર્ષે 5000થી વધુ કેસ નોંધાય છે. તેમાં તમાકુ ખાવાને કારણે અંદાજે 3200થી વધુ કેસ કેન્સરના જોવા મળે છે.
આણંદ-ખેડા જિલ્લામાં વર્ષે 2500થી વધુ કેન્સરના નવા કેસ જોવા મળી રહ્યાં છે. હાલમાં ચરોતરમાં 7 હજારથી વધુ કેન્સરના દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. એશિયામાં સૌથી વધુ મોઢાના કેન્સરના કેસો ભારતમાં જોવા મળે છે. ગુજરાતમાં મોઢાના કેન્સરના દર્દી સૌથી વધુ ચરોતરમાં 31 ટકા છે. જેમાં મૃત્યુદર 50 ટકા છે.
ઉચ્ચવર્ગની 10માંથી ત્રણ મહિલાઓને તમાકુનું વ્યસન
આણંદ-ખેડા જિલ્લામાં તમાકુ ગુટકા ખાવાનું ચલણ મહિલાઓમાં વધી રહ્યુ છે. સ્લમ વિસ્તારમાં રહેતી અને મજૂરી કામ કરતી મહિલાઓમા ગુટકા ખાવાનુ પ્રમાણ વધુ છે. તેના કારણે મોઢાના કેન્સરના લગભગ 10 કેસમાંથી 2 કેસ મહિલાઓમાં જોવા મળે છે. માત્ર મજૂરી કરતી મહિલા જ નહીં પણ લક્ઝરિયસ કારમાં ફરતી ઘણી મહિલાઓ પણ એકલવાયા જીવનના કારણે ગુટકાનું સેવન કરી રહી છે. તમાકુ ગુટકાની જાહેરતોથી આવી મહિલાઓ આકર્ષાઇ રહી છે. આણંદ શહેરમાં ઉચ્ચવર્ગની 10માંથી 3 મહિલાઓને તમાકુનું વ્યસન જોવા મળે છે. જેના કારણે મહિલાઓમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યુ છે. - ડો શૈલેશ શાહ, કેન્સર સર્જન,આણંદ
આ વર્ષે ચરોતરમાં 1,30,670 હેક્ટરમાં તમાકુનું વાવેતર થયું છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારે ખેડૂતોને તમાકુના પાકની જગ્યાએ અન્ય પાક તરફ વાળવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. પરંતુ અન્ય પાકની ઉપજના સારા ભાવ મળતા ન હોવાથી ખેડૂતો ફરી તમાકુના પાક તરફ વળ્યાં છે. ગત વર્ષ કરતાં 13 હેક્ટરમાં તમાકુનો વાવેતર વધ્યું છે. આ વર્ષે ચરોતરમાં 1,30,670 હેક્ટરમાં તમાકુનું વાવેતર થયું છે.
Share your comments