ફોલ આર્મીવર્મ (પૂંછડે ટપકાંવાળી લશ્કરી ઈયળ) એ એક બહુભોજી જીવાત છે જેનું ઉદગમસ્થાન અમેરિકા છે. ત્યાંથી આ જીવાત એક નવદેશી જીવાત તરીકે ૨૦૧૬ના વર્ષમાં આફ્રિકાના દેશોમાં નોંધાયેલ છે અને મકાઈના પાકમાં ખૂબ જ આર્થિક નુકસાન કરેલ છે.
ભારતમાં વર્ષ ૨૦૧૮માં આ નવદેશી જીવાત દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યના ચીક્કાબાલાપુર જીલ્લાના મકાઈના ખેતરોમાંથી પ્રથમ વખત નોંધાયેલ છે અને ત્યાર બાદ તામિલનાડુ અને તેલંગણા રાજ્યોમાથી પણ મકાઈના પાકમાં આ નવદેશી જીવાતનો ઉપદ્રવ નોંધાયેલ છે. ગુજરાતમાં આ જીવાતનો સૌપ્રથમ ઉપદ્રવ આણંદ જીલ્લાનાં આંકલાવ તાલુકાનાં મકાઈનાં ખેતરોમાં જોવા મળેલ છે. શરૂઆતમાં આ જીવાત માત્ર મકાઈમાં જોવા મળેલ, ત્યારબાદ આ જીવાત બહુભોજી પ્રકારની હોવાથી ઘણા ક્ષેત્રિય પાકો જેવા કે જુવાર, બાજરી, ડાંગર, કપાસ, શેરડી અને એરંડા જેવા પાકમાં પણ પગપેસારો કરેલ છે.
ઓળખ અને જીવનચક્ર
- આ જીવાતની ઈંડાં, ઈયળ, કોશેટો અને ફૂદું (પુખ્ત) એમ જુદીજુદી ચાર અવસ્થા હોય છે. માદા ફૂદું પાનની નીચેની બાજુએ સમૂહમાં ઈંડાં મૂકે છે.
- આ ઈંડાનો સમૂહ પાન ખાનારી લશ્કરી ઈયળ જેવો જ હોય છે પણ ઈંડાનાં સમૂહ ઉપર રાખોડી રંગની રૂંવાટી હોય છે.
- એક સમૂહમાં ૧૦૦ થી ૩૦૦ ઈંડાં હોય છે.
- ઈંડાં ૦.૪ મિમી વ્યાસ ધરાવતા ગોળાકાર હોય છે જેનું ૨ થી ૩ દિવસમાં સેવન થતાં પ્રથમ અવસ્થાની કાળા માથાવાળી નાની ઈયળ નિકળે છે.
- પુખ્ત ઈયળ ૩૮ થી ૫૪ મિમી લાંબી હોય છે જે ખૂબ જ ખાઉધરી હોવાથી પાકને ખૂબ જ નુકસાન કરે છે. સામાન્ય રીતે ઈયળ અવસ્થા ૧૪ થી ૩૦ દિવસની હોય છે.
- પુખ્ત ઈયળના શરીરના આઠમાં ખડં ઉપર ચોરસ આકારે ગોઠવાયેલા ઉપસેલા કાળા રંગના ચાર ટપકાં હોય છે અને ઈયળના માથા પર સફેદ ઉંધો “Y” આકાર જોવા મળે છે જેનાં આધારે આ જીવાત ઓળખી શકાય છે.
- પરિપક્વ ઈયળ જમીનમાં જઈ માટીનું કવચ બનાવી તેમાં કોશેટા અવસ્થા ધારણ કરે છે.
- કોશેટા અવસ્થા ૭ થી ૩૪ દિવસની હોય છે.
- આ જીવાતનું નર ફૂદું પાન ખાનારી લશ્કરી ઈયળ જેવું જ દેખાય છે પરંતુ તેની અગ્રપાંખે બહારના ખૂણા પર સફેદ ટપકું હોય છે જે આ જીવાતને અલગ પડે છે.
- માદા ફૂદાનીં અગ્રપાંખ ઉપર આવા કોઈ નિશાન હોતા નથી અને તે ભૂખરા રંગની હોય છે. જ્યારે બંને ફૂદાનીં પાશ્વપાંખે સફેદ પડતા રંગની અને બદામી રંગની કિનારી ધરાવે છે.
માહિતી સ્ત્રોત - પિયુષ એચ. પટેલ, ડૉ. ડી. બી. સિસોદીયા અને ડૉ. બી. એલ. રઘુનંદન નવસારી કૃષિ મહાવિધ્યાલય, નવસારી, આણંદ કૃષિ મહાવિધ્યાલય, આણંદ
આ પણ વાંચો - ઘઉં, મકાઈ અને બાજરીની ફોર્ટિફાઈડ જાતોની ઉપયોગી માહિત
Share your comments