Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ડાંગરના ઉભા પાક માટે આ બે રોગ છે ખતરનાક, આવી રીતે મેળવો નિયંત્રણ

ભારતમાં આ રોગ સૌ પ્રથમ ૧૯૫૯ માં પનામાં નોંધાયો હતો. હાલમાં આ રોગ ભારતના દરેક રાજયમાં જોવા મળે છે અને ડાંગરના ઉત્પાદન પર ખૂબજ ગંભીર અસર કરે છે. ગુજરાતમાં નહેર વિસ્તારમાં કે જયાં ઉનાળ ડાંગરની ખેતી કરવામાં આવે છે ત્યાં આ રોગ દર વર્ષે જોવા મળે છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ડાંગરના ઉભા પાક માટે ખતરનાક રોગ
ડાંગરના ઉભા પાક માટે ખતરનાક રોગ

ડાંગરના પાનનો ઝાળ /પાનનો સૂકારો (બેકટેરીયલ લીફ બ્લાઈટ)

 આ રોગ ઝેન્થોમોનાસ કેમ્પેસ્ટ્રીસ નામના જીવાણુથી થાય છે.ભારતમાં આ રોગ સૌ પ્રથમ ૧૯૫૯ માં પનામાં નોંધાયો હતો. હાલમાં આ રોગ ભારતના દરેક રાજયમાં જોવા મળે છે અને ડાંગરના ઉત્પાદન પર ખૂબજ ગંભીર અસર કરે છે. ગુજરાતમાં નહેર વિસ્તારમાં કે જયાં ઉનાળ ડાંગરની ખેતી કરવામાં આવે છે ત્યાં આ રોગ દર વર્ષે જોવા મળે છે.

લક્ષણો: આ રોગના લક્ષણો પાનની ટોચ પરથી શરૂ થાય છે. પાન ટોચના ભાગેથી ઉભી પટ્ટી આકારે નીચેની તરફ એક અથવા બન્ને ધારેથી બદામી રંગમાં ઉંધા ચીપીયા આકારે સુકાતા નીચેની તરફ આગળ વધે છે.રોગ તીવ્ર સ્વરૂપમાં હોય ત્યારે આખુ ખેતર સળગાવેલ હોય તે દેખાય છે. આથી આ રોગને “ઝાળ” તરીકે ઓળખવામાં આવે છે. આ રોગમાં છોડની વૃદ્ધિ અટકે છે અને છોડ સુકાય છે. આવા રોગિષ્ઠ છોડમાં દાણા પોચા રહે છે જેથી ઉત્પાદનમાં આર્થિક નુકસાન થાય છે.સુકારાના જીવાણું બીજ અને ઘરૂ સાથે એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જતા હોય છે. જેથી અનુકુળ વાતાવરણ મળતા આ બીજજન્ય જીવાણું છોડમાં રોગ પેદા કરે છે. જો આ રાગ છોડ ની ફુટ અવસ્થામાં જ આવી જાય તો ખેડૂતને ખૂબ જ આર્થિક  નુકસાન થાય છે.

આવી રીતે મેળવો નિયંત્રણ 

  • રોગમુકત વિસ્તારમાથી તંદુરસ્ત બિયારણ પસંદ કરવું.
  • રોગપ્રતિકારક જાતો જેવી કે આઈ. આર. ૨૨, રત્ના, મસુરી, નર્મદા, ગુર્જરી, જી. એ.આર. ૧, જી. એ. આર. ૨ અને જી. એ. આર. ૩ પસંદ કરવી.
  • ધરૂવાડિયામાં બીજને વાવતા પહેલા ૨૦ લીટર પાણીમાં સ્ટ્રેપ્ટોસાયકલીન ૬ ગ્રામ + પારાયુકત દવા એમિસાન ૬ ટકા વે.પા. ૧૨ ગ્રામ નાખી તૈયાર કરેલ દ્રાવણમાં ૨૫ કિલો બીજને ૮ થી ૧૦ કલાક બોળી રાખીને માવજત આપવી તેમજ પાણીમાં ઉપર તરતાં પોચા અને હલકા બીજને હાથથી દુર કરી નીચે રહેલ બીજને બહાર કાઢી છાંયડે સુકવ્યા બાદ ઉપયોગમાં લેવા.
  • પાકમાં ભલામણ કરેલ જથ્થા મુજબ નાઈટ્રોજનયુકત ખાતરો ત્રણ થી ચાર હપ્તામાં આપવા.
  • ખેતરમાં સુકારાના રોગની શરૂઆત થાય તો નાઈટ્રોજનયુકત ખાતર આપવાનું મલત્વી રાખી રોગને કાબમાં લીધા બાદ જરૂર મુજબ નાઈટ્રોજનયુકત ખાતર આપી શકાય.
  • રોગની શરૂઆતમાં શકય હોય તો રોગિષ્ટ પાન છોડને ઉખાડી, બાળી નાખીને નાશ કરવો.
  • રોગવાળા ખેતરનું પાણી આજબાજુના રોગ વગરના ખેતરમાં ન જાય તેની કાળજી રાખવી.
  • રોપાણ ડાંગરમાં રોગ દેખાય કે તરત જ અથવા ફુટ અવસ્થા પૂરી થવાના સમયે અથવા કંટી નીકળવાના સમયે સ્ટ્રેપ્ટોસાયકલીન + ૧ ગ્રામ કોપર ઓકઝીકલોરાઈડ પ૦ ટકા વે.પા. ૧૦ ગ્રામ દવાનું ૨૦ લિટર પાણીમાં દ્રાવણ બનાવી આખો છોડ ભીંજાય તે રીતે છંટકાવ કરવો. જીવણુનાશકનો છંટકાવ વરસાદ વગરના કોરા સમયગાળાદરમિયાન કરવો.
  • ખેતરના શેઢાપાળા નીંદણમુકત અને સાફ રાખવા.

ડાંગરનાં કરમોડી/ખડડિયો (બ્લાસ્ટ)

આ રોગ પાયરીકયુલેરીયા ઓરાયઝી નામની ફુગથી થાય છે. ડાંગર ઉગાડતા બધા જ વિસ્તારોમાં આ રોગ જોવા મળે છે. ભારતમાં આ રોગ સૌ પ્રથમ તમિલનાડુના તાજ઼ોર જીલ્લામાં જોવા મળ્યો હતો. સુગંધિત જાતો જેવી કે પંખાળી-૨૦૩, કમોદ-૧૧૮, કૃષ્ણ કોદ, બાસમતી–૩૭૦  અને બિનસુગંધિત જીરાસર–૨૮૦, જી. આર. ૪, જી. આર. ૧૧, મસુરી તથા ગુર્જરી વગેરે જાતોમાં આ રોગ જોવા મળે છે. આ રોગથી ૭૦ થી ૮૦ ટકા જેટલુ નુકશાન નોંધાયેલ છે. રોગ છોડની દરેક અવસ્થાએ જોવા મળે છે. તેને ત્રણ ભાગોમાં વહેચવામાં આવે છે.

લક્ષણો :

(ક) પાનનો કરમોડી : શરૂઆતમાં પાન પર ટાંકણીના માથા જેવા નાના આછા બદામી રંગના ટપકાં જોવા મળે છે જે મોટા થતા આંખ (ત્રાક) આકારના, બંને બાજુ અણીવાળા, ૫ સે. મી. લંબાઈના અને તપખીરીયા રંગના હોય છે જેના વચ્ચેનો ભાગ મુખરો સફેદ દેખાય છે. રોગ તીવ્ર સ્વરૂપમાં હોય ત્યારે લગભગ આખા પાન પર આવા ટપકાં જોવા મળે છે પરિણામે પાન ચીમળાઈને સુકાઈ જાય છે અને છોડનો વિકાસ અટકી જાય છે.

(ખ) ગાંઠનો કરમોડી: છોડના થમડાની ગાંઠો રોગના આક્રમણથી સડીને કાળા મખરા રંગની થાય છે. ઉપદ્રવિત છોડને ઉપરથી ખેંચતા તે ગાંઠમાંથી સહેલાઈથી ભાંગીને તૂટી જાય છે. ઉપદ્રવિત છોડની કંટીમાં દાણા ભરાતા કંટીના વજનથી છોડની ટોચનો ભાગ ગાઠમાંથી તુટી જાય છે પરિણામે દાણા ખરી પડે છે.

(ગ) કંટીનો કરમોડી : છોડની કંટીનો પહેલા ગાંઠનો ભાગ ફુગના આક્રમણથી કાળાશ પડતા ભુખરા રંગનો થઈ જાય છે તેમજ કંટીની બીજી નાની શાખાઓના સાંધા પણ કાળા કે ભૂખરા રંગના થાય છે, પરિણામે દાણાને પોષણ મળતું નથી અને દાણા પોચા રહે છે. કંટી ગાંઠના ભાગમાંથી તુટી જાય છે પરિણામે ઉત્પાદનમાં ઘટાડો થાય છે.

આવી રીતે મેળવો નિયંત્રણ 

  • રોગમુકત બીજ વાપરવુ.
  • રોગ પ્રતિકારક જાતો જેવી કે આઈ આર ૨૮, જી આર ૭, રત્ના, નવાગામ -૧૯, જી આર ૧૦૧, જી આ૨ ૧૦૨, નર્મદા, જી આર ૬, આઈ આર ૩૬ વગેરેનું વાવેતર કરવું.
  • એક કિલો બીજ દીઠ થાયરમ ૭૫ ટકા વે.પા. ૨-૩ ગ્રામ/કિલો મુજબ દવાનો પટ આપી ધરુવાડિયામાં વાવવું.
  • ધરૂવાડિયામાં રોગ દેખાય કે તરત જ ટ્રાયસાયકલોઝોલ ૭૫ ટકા વે.પા. ૬ ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ ટકા વે.પા. ૧૦ ગ્રામ અથવા આઈપ્રોબેનફોસ ૪૮ ઈસી ૧૦ મીલિ અથવા થાયોફેનેટ મિથાઈલ ૭૦ ટકા વે.પા. ૧૦ ગ્રામ અથવા અડીફેનફોસ ૫૦ ઈ.સી. ૧૦ મીલી અથવા ટ્રાયયાસાયકલોઝોલ ૪૫ ટકા + હેક્ઝાકોનાઝોલ ૧૦ ટકા ડબલ્યુજી (૧૦ ગ્રામ) અથવા ટેબુકોનાઝોલ ૫૦ ટકા + ટ્રાયફલોક્સીસ્ટ્રોલીન ૨૫ ટકા ડબલ્યુજી (૫ ગ્રામ) અથવા હેક્ઝાકોનાઝોલ ૪ ટકા + ઝાયનેબ ૬૮ ટકા વે.પા. દવાનું ૧૦ લીટર પાણીમાં દ્રાવણ બનાવી ૧૫-૨૦ દિવસના અંતરે જરૂરિયાત મુજબ બે થી ત્રણ છંટકાવ કરવા.
  • રોગની શરૂઆત થાય ત્યારે સ્યુડોમોનાસ ફ્લુરોસન્સ ૬ મીલી પ્રતિ ૧ લીટર પ્રમાણે છંટકાવ કરવો.
  • રોપાણ ડાંગરમાં જીવ પડવાના સમયે અને કંટી નીકળવાના સમયે એમ બે વખત ઉપર જણાવેલ દવાઓ પૈકી કોઈપણ એક દવાનો છંટકાવ કરવાથી રોગને કાબુમાં રાખી શકાય છે.
  • પાકમાં ભલામણ મુજબ નાઈટ્રોજનયુકત ખાતરો વાપરવા.
  • ખેતરના શેઢાપાળા નીંદણમુકત અને સાફ રાખવા.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More