અશ્વગંધાને કાળી ચીકળી, લાલ માટીવાળી અથવા જે જમીનમાં મૂળિયાની ખેતી (મૂળા, ગાજર, ડુંગળી જેવા કંદ) થતી હોય તેવી જમીન માફક આવે છે. ૭.૫ થી ૮.૦૦ ની પી.એચ. અને પાણીના નિકાસની વ્યવસ્થા તથા લાંબો સમય પાણી ન ભરાતું હોય એવી જમીન વધુ યોગ્ય છે. કૃષિ નિષ્ણાંતોના મતે નબળી જમીનમાં પણ આ પાકની લાભદાયક ખેતી શક્ય છે.
અંગ્રેજીમાં વિન્ટર ચેરી તરીકે ઓળખાતી અણમોલ ઔષધિ અશ્વગંધાના નામથી ભારતમાં જાણીતી છે. વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ વિધાનિયા સોમ્નીફેરા છે કે જે ભારતમાં અગત્યની તેમજ ‘દિવ્ય ઔષધિ’ તરીકે નામ ધરાવે છે. વિવિધ અલ્કેલોઇડસ ધરાવતી આ વનસ્પતિ ભારત સિવાય અન્ય ઘણા દેશોમાં જોવા મળે છે. ભારતમાં મુખ્યત્વે ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આ વનસ્પતિનું વાવેતર થાય છે. જેમાંથી મધ્યપ્રદેશના મન્દસૌર, નીમચ જિલ્લામાં અંદાજીત ૩૦૦૦ હેકટર ક્ષેત્રફળમાં અશ્વગંધાનું ખુબ જ વાવેતર જોવા મળે છે તેમજ રાજસ્થાનમાં ચિતોડગઢ અને ગુજરાતના જંગલોમાં પણ અશ્વગંધા જોવા મળે છે.
ત્રણ થી છ ફૂટ ઉંચા એવા આ છોડના લીલા પાંદડા તથા મુળીયાને મસળીને સુંઘવાથી ‘‘ઘોડાની લાદ તથા મૂત્ર’’ જેવી વાસ આવે છે જેના લીધે તેનું નામ અશ્વગંધા પડયું છે. આ ઔષધિના સેવનથી મનુષ્ય તાકાતવાન બને છે. લોકભાષામાં કહીએ તો, ઘોડા જેવી શક્તિ આવે છે. અનેક રોગોનો ઇલાજ સારતી આ ઔષધિનું સેવન શરીરને નવ ચેતના પ્રદાન કરે છે. અશ્વગંધાના મૂળનો બજારમાં ભાવ રૂ.૮૦ થી ૧૪૦ રૂ. પ્રતિ કિલો છે. મધ્યપ્રદેશના મન્દસૌર–નિમચમાં અશ્વગંધાની જણસનું વિશાળ માર્કેટ જોવા મળે છે. આ સિવાય ભારતમાં લગભગ દરેક ઔષધિ નિર્માતાને તેની જરૂર પડતી હોવાથી તેના વેચાણ માટે ખેડૂતોને ઘણું બહોળું તેમજ સતત ચાલતું માર્કેટ મળી રહે છે. ઓછો ખેતી ખર્ચ અને વધુ નફો કરી આપતી આ ઔષધિની ખેતી ખુબ જ ફાયદાકારક છે.
જમીનની તૈયારી
અશ્વગંધાને કાળી ચીકળી, લાલ માટીવાળી અથવા જે જમીનમાં મૂળિયાની ખેતી (મૂળા, ગાજર, ડુંગળી જેવા કંદ) થતી હોય તેવી જમીન માફક આવે છે. ૭.૫ થી ૮.૦૦ ની પી.એચ. અને પાણીના નિકાસની વ્યવસ્થા તથા લાંબો સમય પાણી ન ભરાતું હોય એવી જમીન વધુ યોગ્ય છે. કૃષિ નિષ્ણાંતોના મતે નબળી જમીનમાં પણ આ પાકની લાભદાયક ખેતી શક્ય છે.
સામાન્ય રીતે ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં પ્રથમ વરસાદ થયા પછી વાવેતર માટે ખેતર તૈયાર કરી લેવું. કયારો બનાવી, જમીન સપાટ કરી ૧||’-૧||’ ના પારા કરીને વાવેતર કરવું. અશ્વગંધાનું બીજ તલ જેવું લાલ રંગનું હોય છે. સીધું ચાસમાં બીજ વાવી, ક્યારીમાં બી છાંટીને અથવા ધરૂ વાડીયું તૈયાર કરીને વાવેતર કરી શકાય છે. બધી જ પદ્ધતિમાં સારું પરિણામ મળે છે. વાવેતર માટે પ્રતિ એકરમાં ૩ કિલો બીજની જરૂર પડે છે. આ ખેતી માટે દેશી ખાતર ખાસ જરૂરી છે. જો ચાસમાં ખાતર ભરીને વાવેતર કરવામાં આવે તો મૂળિયા ઉંડા લાંબા તેમજ દળદાર થાય છે. બીજને વાવતા પહેલા ગૌમૂત્ર (તાજું), થોડો ચુનો અને ગાયનું દૂધ પાણીમાં મેળવી, કપડાથી ગાળી બિયારણને ભભરાવીને પટ આપી ૪ થી ૬ કલાક છૂટું છૂટું કર્યા બાદ વાવવાથી બીજનો સારો ઉગાવો જોવા મળે છે. વાવેતર બાદ હલ્કી સિંચાઇ અને બીજા દિવસે વ્યવસ્થિત સિંચાઇ કરવી.
જો વરસાદ પડે તો સિંચાઇની જરૂર પડતી નથી. ઓછા પાણીમાં પણ સારૂ પરિણામ આપે છે. દેશી ખાતર ન હોય તો ડીએપી અથવા એસએસપી ખાતર તથા યુરિયાની એકરે એક થેલીની જરૂર પડે છે. અશ્વગંધાની ખેતીમાં જંતુનાશક દવાની જરૂર પડતી નથી, છતાં પણ જરૂર જણાય તો મોનોકોટોફોસ છાંટવી. ઓગસ્ટમાં કરેલ વાવણીમાં નોરતાં દરમિયાન (ઓકટોબર) વટાણા જેવા પોપટા-બિયા જોવા મળે છે. જે ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીમાં લાલ કલરના બિયા બને છે જે અશ્વગંધાના બી છે. આ પ્રમાણે પચાસ ટકા બિયા આવી ગયા બાદ લગભગ ડિસેમ્બર/જાન્યુ. માસમાં છોડને મૂળિયા પાસેથી વાઢીને અથવા હલકી સિંચાઇ કરી ટ્રેકટરથી મૂળિયામાંથી કાઢી એકત્ર કરીને છાપા ઉપર છૂટા છૂટા કરી તડકામાં સૂકવવામાં આવે છે. દસ દિવસમાં તેમાંથી પાંદડા અને બિયા ખરી તે સૂકાઇ જશે.
ટ્રેકટરથી અથવા ધોકાવીને બિયા છૂટા કરીને વાવલીને ચારીને એકત્ર કરાય છે. આ પાઉડર તેમજ બિયાનું પણ વેચાણ થતું હોય છે. જો મૂળિયા માટેની ખેતી કરીએ તો કુલ ૧૫૦ દિવસની આ ખેતી ગણાય છે. બિયાંને અડધાથી વધુ ન પાકવા દેતાં. વધુ પાકવાથી મૂળિયામાં રેસાનું(ફાઇબર) પ્રમાણ વધી જાય છે અને રેસાયુક્ત મૂળીયાનો બજારમાં ભાવ ઓછો મળે છે. મૂળિયા સૂકવી, સૂકાયેલા મૂળને તોડતા જો તડ જેવો અવાજ આવે તથા પાઉડર અંદરથી ઉડે તેવો હોય તો તે ખૂબ જ સારી કવોલીટીના મૂળિયાં ગણાય છે અને ઉંચો ભાવ પણ મળે છે. મૂળિયાને સાઇઝ તથા જાડાઇ મુજબ અલગ અલગ કરીને વર્ગીકરણ કરવું આવશ્યક છે જેને ગ્રેડીંગ-શોર્ટીંગ કહે છે. આવું કરવાથી તેના ભાવ પણ તેની કવોલીટી મુજબ લઇ શકાય છે. મૂળના ગુચ્છાના ૧ થી ૨ સે.મી. ઉપરથી ડાળખા અલગ કાપી લઈ, મૂળિયાના ૭ થી ૧૦ સે.મી. લંબાઇનાં ટુકડા કરી સહેલાઈથી સૂકવણી કરી શકાય છે.
સામાન્ય રીતે ૨૦ સે.થી ૩૫ સે. ઉષ્ણતામાન સૂકવણી માટે જરૂરી છે.અશ્વગંધાની ખેતીમાં એકરે ૩૦ કિ.ગ્રા. બી તથા ૪૦૦ કિલો મૂળિયા મળે છે. આ સિવાય પાંદડા, ડાળખાનો ભૂકાને મસાલા-લોટ દળવાની મીલોમાં પલ્સરાઇસથી પાઉડર (મરચાનો ભૂકો કરવાનુ મશીન) બનાવીને તેનો ભાવ લઇ શકાય છે. બજારમાં મૂળિયા ૧૮૦ થી ૨૦૦ રૂ. તેમજ તેનો મીક્સ પાઉડર ૫૦ રૂ. પ્રતિ કિલોમાં વેચાય છે.
પિયત
જમીનની પ્રતને ધ્યાનમાં રાખી જરૂરિયાત મુજબ ૩ થી ૫ પાણી આપવા. વધુ પાણી આપવાથી મૂળ રેસાવાળા બની, સ્ટાર્ચનું પ્રમાણ ઘટતાં મૂળની ગુણવત્તા બગડે છે. જેથી છોડ સુકાઈ ન જાય તેથી પુરતુ જ પાણી આપવું હિતાવહ છે.
રોગ અને તેનું નિયંત્રણ
અશ્વગંધામાં ધરૂનો કહોવારો તથા છોડનો સુકારો મુખ્ય રોગો છે. આ રોગોના લક્ષણો દેખાય કે તરત જ ડાયથેન એમ ૪૫ નામની દવાને ૩ ગ્રામ પ્રમાણે એક લિટર પાણીમાં ઓગાળી મૂળની આસપાસ દર અઠવાડીયે બે થી ત્રણ વખત દવા મૂળમાં પહોંચે તે રીતે આપવી. જીવાતનો ઉપદ્રવ સામાન્ય રીતે અશ્વગંધાના પાકમાં જણાતો નથી.
ઉત્પાદન
સૂકા મૂળ ૬૦૦ થી ૬૫0 કિ.ગ્રા. પ્રતિ હેક્ટર
મૂળની ગુણવત્તા
ઊંચી ગુણવત્તાવાળા મૂળ બે હાથથી ભાંગતાં સહેલાઈથી તૂટી જાય છે. તેનો તૂટેલો ભાગ સ્ટાર્ચયુક્ત સફેદ જોવા મળે છે. રેસાનું પ્રમાણ ખૂબ જ નહિવત્ત તેમજ સ્વાદે તૂરા, સ્હેજ કડવાશયુક્ત હોય છે. અશ્વગંધાના મૂળમાં અગત્યનું રસાયણ એવું આલ્કલોઈડ “વીથેનોલોઈડ” સમાયેલ છે. જે શારીરીક પુષ્ટતા માટે જરૂરી છે. મૂળમાં તેનું પ્રમાણ ૦.૪ થી ૧.૨ ટકા સુધી અને શર્કરાયુક્ત સ્ટાર્ચનું પ્રમાણ ૩૦ થી ૬૦ ટકા સુધી હોય છે. આલ્કલોઈડ અને સ્ટાર્ચના પ્રમાણ મૂળની જાડાઈ પ્રમાણે વધઘટ થાય છે. આલ્કલાઇડ માટે ૦.૪૦ થી ૦.૫૬ સે.મી. વ્યાસના જાડા મૂળ તથા ૦. ૦૮ થી ઓછા વ્યાસના પાતળા મૂળ વધુ સારા ગણાય છે.
કાપણી
વાવણી બાદ ૧૩૫ થી ૧૫૦ દિવસે છોડ પાકીને તૈયાર થઈ જાય છે. જયારે છોડના ગળાના પાન અને ફળ પીળાં પડી જાય ત્યારે પાક કાપણી માટે તૈયાર થયો તેમ કહી શકાય. પાકી ગયેલા છોડને પાણી આપી મૂળ સાથે આખો જ છોડ જમીનમાંથી ખેંચી કાઢવામાં આવે છે. ફળોને સુકવી પગર કરી બીજ મેળવવામાં આવે છે. મૂળના કટકા કરી તેની અલગ સૂકવણી કર્યા બાદ કટકાને ૩ થી ૪ જુદા જુદા ગ્રેડમાં અલગ પાડવામાં આવે છે.
ગ્રેડ |
પરીઘ (સે.મી.) |
કટકાની વિગત |
જાડા મૂળ |
૨. ૫ થી ૩.૦ |
સફેદ અને કઠણ |
મધ્યમ |
૧.૫ થી ૨.૪ |
સફેદ અને કઠણ |
પાતળા |
૧.૫ થી ઓછા |
સફેદ અને કઠણ |
ઉપરના ત્રણ ગ્રેડ કરતાં જે વધે તે મૂળ અલગ રાખવા. આ પ્રકારના મૂળની છાલનો રંગ પીળો તેમજ મૂળ જલ્દી તૂટી જાય તેવા હોય છે.
છોડનું વર્ણન
સામાન્ય રીતે આ છોડ ૨૫ થી ૪૦ સે.મી.ની ઊંચાઈ અને વધુ શાખાઓ વાળો હોય છે. તેના પાન ઘાટા લીલા રંગના અને પુષ્પ નાનુ અને પીળુ કે લાલ તેમજ ફળ લીલા રંગનું વટાણા જેવું થાય છે. મૂળની લંબાઈ ૧૦ થી ૧૮ સે.મી.ની જ્યારે જાડાઈ ૧.૫ થી ૨.૫ સે.મી.ની હોય છે.
આબોહવા અને જમીન: આ પાકને વૃદ્ધિના સમયે ગરમ ભેજવાળી અને પાકવાના સમયે સૂકી આબોહવા વધુ માફક આવે છે. આમ તો કોઈપણ પ્રકારની જમીનમાં આ પાક થઈ શકે છે. ગોરાડું કે મધ્યમ કાળી જમીન વધુ માફક આવે છે. કાળી રેતીવાળી જમીનમાં પણ સારૂં ઉત્પાદન મેળવી શકાય છે.મંદસોરમાં હલકી રેતાળ જમીનમાં આ પાકનું વાવેતર કરવામાં આવે છે.
વાવણી સમય અને અંતર
આ પાકનું વાવેતર અર્ધચોમાસું એટલે ઓકટોબરના છેલ્લા પખવાડિયામાં કરવું હિતાવહ છે. સામાન્ય રીતે ખેડૂતો બિયારણને પૂંખીને વાવે છે. પરંતુ ૩૦ સે.મી.ના અંતરે હારમાં વાવવામાં આવે તો વધુ ઉત્પાદન તેમજ આંતરખેડ અને નિંદામણ પણ સારી રીતે કરી શકાય છે.
બિયારણનો દર
એક હેક્ટરની વાવણી કરવા માટે આશરે ૧૦ થી ૧૨ કિ.ગ્રા. બિયારણની જરૂર પડે છે.
બિયારણની માવજત
એક કિ.ગ્રા. બિયારણ દીઠ ૩.૦ ગ્રામ ડાયથેન એમ ૪૫ નામની દવાનો બિયારણને પટ આપ્યા બાદ વાવણી કરવી.
ખાતર
પ્રતિ હેકટરે ૧૦ ટન છાણિયું ખાતર તેમજ ૨ ટન દિવેલી ખોળ અથવા ૫ ટન મરઘાનું ખાતર સેન્દ્રિય ખાતર તરીકે પાયામાં આપવાની ભલામણ છે. ખાતર નાખ્યા પછી એક થી બે ઉંડી ખેડ કરી ખાતર બરાબર જમીનમાં ભેળવવું ખુબ જરૂરી છે.
નીંદામણ, આંતરખેડ તથા પારવણી
પાકના વાવેતર પછી ૨૦-૨૫ દિવસે જરૂરી નીંદામણ કરવું. તદ્ઉપરાંત જો પાક હારમાં વાવેલ હોય તો એકાદ બે આંતરખેડ કરવી તેનાથી જમીન પોચી અને ભરભરી બનતાં છોડનો વિકાસ સારો થશે. એક ચોરસ મીટરમાં આશરે ૬૦ થી ૭૦ છોડ રહે તે પ્રમાણે પારવણી કરવી, જેથી હેકટરે ૬ થી ૭ લાખ છોડ મળી રહે.
જૈના વિ. પટેલ અને શ્રીમતી ધરા ડી. પ્રજાપતિ
વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ
કૃષિ યુનીવર્સીટી, આણંદ, ગુજરાત
Share your comments