જીરૂનો પાક અન્ય પાકોની સરખામણીમાં ઓછા સમયમાં, ઓછી મહેનત અને ઓછા ખર્ચે વધુ વળતર રળી આપનાર મરીમસાલાનો રોકડીયો પાક છે. વર્ષોથી સૌરાષ્ટ્રના ખેડૂતો પોતાની કોઠાસુઝથી આ પાકનું વાવેતર કરે છે, જેનું ઉત્પાદન પણ સારૂ મળે છે, તેમજ ભાવો પણ પ્રમાણમાં સારા મળે છે. આમ છતાં તેના ઉત્પાદનમાં અડચણરૂપ પરિબળોમાં જીરુમાં આવતા મુખ્ય રોગો જેવા કેકાળી ચરમી, ભુકીછારો અને સુકારાનો સમાવેશ થાય છે. અત્રે આ રોગોની ઓળખ અને નિયંત્રણ વિશેની માહિતી આપવામાં આવે છે. જેથી સમયસર ભલામણ કરેલ દવાનો કે અન્ય ઉપાયોનો અમલ કરી જીરૂનું મહતમ ઉત્પાદન કરી શકાય.
કાળી ચરમી
કાળી ચરમીનો રોગ અલ્ટરનેરીયા બરન્સાઈ નામની ફૂગથી થતો હોય છે. આ રોગ ફેલાવા માટે ઠંડુ ભેજવાળું અને વાદળછાયું વાતાવરણ વધુ ભાગ ભજવે છે. પવન, કમોસમી વરસાદ એટલે કે માવઠાવાળા વાતાવરણની સાથે જમીનમાં પાણી કે ભેજ રહેલ હોય તો પણ આ રોગનો ફેલાવો ઝડપથી થાય છે. દર વર્ષે એકના એક ખેતરમાં જીરૂ લેવામાં આવે તો પણ રોગની માત્રામાં વધરો થવાની પુરતી શક્યતા રહે છે. તદુપરાંત, એકની એક જમીન માં દરવર્ષે બે થી વધારે પાક લેવામાં આવતા હોય અને જમીનને તપવાનો સમયગાળો ન મળતો હોય ત્યારે પણ આ રોગનો ઉપદ્રવ વધારે જોવા મળે છે. ચરમીના રોગને કારણે પાક ઘણી વખત સંપૂર્ણપણે નિષ્ફળ પણ જાય છે. ઝાકળ અને ધુમ્મસ આ રોગનું પ્રમાણ વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે.
લક્ષણો
- સામાન્ય રીતે વાવણી બાદ ૩૦ થી ૪૦ દિવસ પછી આ રોગની શરૂઆત થાય છે.
- ઝાકળ અને ધુમ્મસથી આ રોગનું પ્રમાણ વધે છે.
- રોગ વર્તુળાકારે કુંડીઓમાં જોવા મળે છે. પાન પર કથ્થાઈ રંગના ટપકા જોવા મળે છે. જે સમય જતા મોટા થાય છે.
- ડાળીઓ પર લાંબા પટીવત ભૂખરાથી બદામી રંગના ધાબા પડે છે. ઝાકળ પડતા આખા છોડ ૫ર ફૂગના અસંખ્ય બીજાણુંઓ તૈયાર થાય છે. જેનો ફેલાવો હવા દ્રારા ખુબ જ ઝડપથી થાય છે.
- પાક નાનો હોય અને જો રોગ લાગે તો છોડમાં ફૂલ બેસતા પહેલાં જ સુકાય જાય છે અને ફૂલ બેસવાની અવસ્થાએ રોગ લાગે તો બેસેલ દાણા ચીમડાયેલા, વજનમાં હલકા અને ફૂગના ઉગાવવાળા હોવાથી કાળા રંગના જોવા મળે છે. રોગની તીવ્રતા વધતાં છોડ સુકાયને આખું ખેતર દાઝી ગયુ હોય તેમ કાળું પડી જાય છે. એકવાર આ રોગનું આક્રમણ થયા પછી તે ઝડપથી પ્રસરીને આખા ખેતરોને સાફ કરી નાખે છે.
- કમોસમી વરસાદમાં આ રોગ ઝડપથી પ્રસરે છે.
માહિતી સ્ત્રોત - પ્રો. એસ. વી. લાઠીયા, ડૉ. જે. આર. તળાવીયા, ડૉ. યુ. એમ. વ્યાસ અને ડો. ડી. એસ. કેલૈયા વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ
આ પણ વાંચો -
જાણો, જીરાની ખેતી માટે ક્યા પ્રકારની જમીન અને આબોહવા માફક આવે છે ? અને કેવા બીજીની પસંદગી કરવી ?
જીરાના પાકમાં ખાતર, પિયત અને નિંદણનું વૈજ્ઞાનિક પદ્ધતિથી વ્યવસ્થાપન
Share your comments