એગ્રી–કલીનીક એવા કેન્દ્ર છે જયાં કૃષિ સલાહકાર દ્વારા ખેડૂતોને જૈવિક ખેતી સંબંધિત માહિતી અને સલાહ દેવામાં આવે છે તેમજ, કૃષિ ને લગતી સમસ્યાઓના સમાધાન કરવામાં આવે છે. એગ્રી–કલીનીકની હાલના સમયમાં વધારે જરૂરીયાત છે. એગ્રી–કલીનીકને એગ્રો સર્વિસ સેન્ટર નામથી પણ ઓળખાવામાં આવે છે.
ઈતીહાસ –
એગ્રી–કલીનીક યોજના કૃષિ મંત્રાલય, ભારત સરકાર દ્વારા નાબાર્ડ– નેશનલ બૈંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ અને મૈનેજ–રાષ્ટ્રીય કૃષિ વિસ્તાર પ્રબંધ સંસ્થાન (હૈદરાબાદ)નાં સહયોગથી વર્ષ ર૦૧૦માં લોંચ થયેલ છે.
એગ્રી–કલીનીક યોજનાનાં મુખ્ય લક્ષ્ય–
- ખેડૂતોને મફતમાં વિસ્તરણ સુવિધાઓ અને કૃષિ સંબંધિત સલાહ અને સેવાઓ ઉપલબ્ધ કરવી. આ સેવાઓ સ્થાનિક જરૂરિયાત અને ખેડૂતને પરવડે એવી હોવી જોઈએ.
- કૃષિ વિકાસ ને આધાર પ્રદાન કરવો.
- કૃષિ સ્નાતક, નિષ્ણાત અને ડિપ્લોમા કરેલ વ્યકિતઓ ને પોતાના રોજગાર માટે તક આપવી.
એગ્રી–કલીનીક યોજનાની ખેડુતો માટે વિભિન્ન પ્રવૃતિઓ–
- જમીન અને પાણીની ટેસ્ટીંગ સંબંધી પ્રયોગશાળાઓની સ્થાપના કરે છે.
- જંતુ સર્વેલન્સ, તપાસ અને નિયંત્રણ સેવાઓ પ્રદાન કરે છે.
- કૃષિ ને લગતા સાધનો, સામગ્રી અને ઉપકરણોની જાળવણી કરે છે.
- બીજ પ્રક્રિયાની યુનિટની સ્થાપના કરે છે.
- છોડનું ટિશુ કલ્ચર કરે છે.
- વર્મીકલ્ચર યુનિટ, જૈવિક ખાતર અને જૈવિક જંતુનાશકનું ઉત્પાદન કરે છે.
- મધમાખી ઉછેર અને પ્રક્રિયા કેન્દ્રની સ્થાપના કરે છે.
- વિસ્તરણ સલાહની સેવાઓ આપે છે.
- એકવાકલ્ચર માટે હેચરીની સ્થાપના કરે છે.
- પશુ સ્વાસ્થ્ય કેન્દ્રની સ્થાપના કરે છે.
- કૃષિ ને લગતી અલગ અલગ વેબસાઈટ જોવા માટે ગામડામાં ઈન્ફોર્મેશન ટેકનોલોજી કિયોસ્ક (કાફે)ની સ્થાપના કરે છે.
- પશુ ભોજનની પ્રક્રિયા અને ટેસ્ટીંગ યુનિટની સ્થાપના કરે છે.
- મુલ્ય સંવર્ધન કેન્દ્રની સ્થાપના કરે છે.
- મુલ્ય સંવર્ધિત વસ્તુઓના રીટેલ (છુટક) બજાર ભાવ વાળા વેચાણ કેન્દ્રની સ્થાપના કરે છે.
- રૂરલ માર્કેટીંગ ડીલરશિપ કરવામાં મદદરૂપ થાય છે.
એગ્રી–કલીનીક યોજનામાં તાંત્રિક સલાહના વિભિન્ન ક્ષેત્ર–
- જમીનના નમૂના અને ટેસ્ટીંગ સંબંધિત ક્ષેત્ર– ખેડૂતો પાસેથી જમીનના નમુનાઓ મંગાવવામાં આવે છે જેમા જમીનનો પ્રકાર, ફળદ્રુપતા અને પોષક તત્વોની ઉણપ જેવી માહિતીઓ આપવામાંં આવે છે. વાવણી ઉપરાંત પાકોમાં કેટલા પોષક તત્વો રહેલા છે અને કેટલી જરૂર છે તેની
- ખેતીની પ્રથાઓ– ઘણા વર્ષોથી ખેડૂતો એક જ પદ્ધતિથી ખેતી કરતા હોય છે તો, તે સિવાયની પણ બીજી ઘણી પ્રથાઓ છે જેમ કે રિલે પાક પદ્ધતિ અને મિકસ પાક પદ્ધતિ. આ રીતે પાકની ફેર બદલી કરીને જમીનની ફળદ્રુપતા વધારી શકાય છે.
- પાક સંરક્ષણ– જુદા જુદા પાકમાં જુદી જુદી જીવાતો લાગતી હોય છે જેના નિયંત્રણ માટે જુદી જુદી દવાઓનું પ્રમાણ નકકી કરવામાં આવેલ છે. આ પ્રકારની સલાહ એગ્રી–કલીનિકમાં આપવામાં આવે છે.
- પાકના વીમા– ઘણી કૃૃત્રિમ અથવા કુદરતી આપત્તિઓથી પાક પુરે પુરો નષ્ટ થઈ જાય છે. આ પાકને ફરીથી તૈયાર કરવા માટે પાક વીમાની સુવિધાઓ આપવામાં આવે છે.
- લણણી પછીની તકનીકો– લણણી પછી પાકને લાંબા સમય માટે સંગ્રહણ, સાચવણી, સફાઈ, સોર્ટિંગ, પેકિંગ કઈ રીતે કરવું આ બધી સંબંધિત માહિતી એગ્રી–કલીનિક આપે છે.
- પશુ સ્વાસ્થ્ય–પશુઓના સ્વાસ્થ્ય માટે તેના સ્વાસ્થ્યની ચકાસણી, રસીકરણ, આજુ બાજુની સ્વચ્છતા કઈ રીતે રાખવી તેની સલાહ આ યોજનામાં આપવામાં આવે છે.
- પશુઓ માટે જરૂરી પોષણ– દુધાળા અને કામાળ પશુઓની ઉંમર પ્રમાણે કયા પ્રકારના પોષક તત્વો કેટલા પ્રમાણમાં આપવા તેની માહિતી આપવામાં આવે છે.
- ચારાની વ્યવસ્થા– આજ રીતે સૂકો તથા લીલો ચારો દિવસમાં કેટલા પ્રમાણમાં આપવો તે અંગેની સલાહ પણ આપવામાં આવે છે.
- પાક અને કૃૃષિને લગતી વિભિન્ન વસ્તુઓનો બજાર ભાવ– પાકનો બજાર ભાવ શું છે, બજાર ભાવ કેટલો હોવો જોઈએ, ભાવમાં ઉતાર ચડાવ કેટલો થાય છે, કેટલો ફાયદો થશે અને કેટલો ફાયદો થવો જોઈએ, આ બધાને લગતી માહિતીઓ આ યોજનામાં આપવામાં આવે છે.
સારરૂપે એ કહી શકાય છે કે એગ્રી–કલીનીક યોજનાથી પાક અને પશુઓ બન્નેની ઉત્પાદકતામાં વધારો થાય છે. જેથી ખેડૂતોનો વિકાસ થાય છે તેમજ આવક પણ બમણી થાય છે.
આ પણ વાંચો:વર્ટિકલ ફાર્મિંગ: 21મી સદી માટે નવો કૃષિ અભિગમ
ડો. ભાવના અસ્નાની, મદદનીશ પ્રાધ્યાપક, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી,જુનાગઢ– ૩૬ર૦૦૧
Share your comments