Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

સાઉથ અમેરિકન પીનવોર્મ: સંરક્ષિત (ગ્રીન હાઉસ) ટામેટાની આક્રમક જીવાત

વિશ્વભરમા શાકભાજીના ઉત્પાદનમા ભારત બીજા ક્રમે આવે છે. શાકભાજીના પાકો ખેડુતોમાં રોકડિયા પાક તરીકે તદુપરાંત શહેરી વિસ્તારમા કિચનગાર્ડનીંગમા લોકપ્રિય છે. બીજા બધા પાકો કરતા શાકભાજીના પાકોમા પોષક તત્વોનુ પ્રમાણ પણ વધુ જોવા મળે છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ટમેટાના પાકમાં દેખાતા ખતરનાક જીવાત
ટમેટાના પાકમાં દેખાતા ખતરનાક જીવાત

વિશ્વભરમા શાકભાજીના ઉત્પાદનમા ભારત બીજા ક્રમે આવે છે. શાકભાજીના પાકો ખેડુતોમાં રોકડિયા પાક તરીકે તદુપરાંત શહેરી વિસ્તારમા કિચનગાર્ડનીંગમા લોકપ્રિય છે. બીજા બધા પાકો કરતા શાકભાજીના પાકોમા પોષક તત્વોનુ પ્રમાણ પણ વધુ જોવા મળે છે. રીંગણ, ટામેટા,બટાકાં, મરચા વગેરે જેવા શાકભાજી પાકોનુ વાવેતર ભારતમા થાય છે. આ શાકભાજી પાકો પૈકી ટામેટાનુ વાવેતર ગુજરાતમા વડોદરા, આણંદ, ખેડા, અમદાવાદ, ભરૂચ, સુરત અને મહેસાણમા વધુ પ્રમાણમા થાય છે. શાકભાજી પાકોમા બટાકાં પછી બીજા નંબરનુ સ્થાન ધરાવતો સોલેનસી કૂળનો પાક છે. જે સામાન્ય રીતે ચોમાસુ, શિયાળા અને ઉનાળા એમ ત્રણેય ઋતુમા ઉગડવામા આવે છે. પરંતુ ટામેટાના પાક માટે ગરમ અને ભેજવાળુ હવામાન માફક ગણવામાં આવે છે. વધુ વરસાદ વાળા વિસ્તારમા ટામેટાનુ ઉત્પાદન સફળતા પૂર્વક થઇ શકતુ નથી. કારણ કે, ટામેટાના પાકના સારા ઉત્પાદન માટે સરેરાશ તાપમાન ૨૦-૨૩ ડીગ્રી સેલ્સિયસ સુધી હોવું જોઈએ. ટામેટાનું વાવેતર સારી નિતારવાળી, ફળદ્રૂપ, ગોરાડું, મધ્યમ કાળી કે કાંપવાળી જમીનમાં થાય છે. ટામેટાનો ઉપયોગ શાક બનાવવામા તેમજ કચુંબર, સુપ, સોસ, અથાણા અને કેચપ જેવી વિવિધ વાનગીઓ બનાવવામાં પણ થાય છે. ટામેટાના પાક ઉત્પાદન પર વિવિધ પ્રકારના જૈવિક અને અજૈવિક પરીળાળો ભાગ ભજવે છે. અજૈવિક પરિબળો સામે સંરક્ષણ મેળવવા ખેડૂતો ટામેટાના પાકને સંરક્ષિત (ગ્રીન હાઉસ) જગ્યાએ વાવેતર કરે છે, પરંતુ ખેડૂતોને ટામેટાની સંરક્ષિત ખેતીમા વિવિધ પ્રકારના જૈવિક પરિબળો જેવા કે જીવાત, રોગ, કૃમિ વગેરે નુકસાન કરે છે. વિવિધ જીવાત જેવી કે લીલી ઈયળ, સફેદમાખી, થ્રિપ્સ, તડતડીયા, પાનકોરીયુ સંરક્ષિત ટામેટાના ઉત્પાદન પર અસર કરે છે.

ટામેટાના પાકમા નવી આક્રમક જીવાત, સાઉથ અમેરિકન પીનવોમૅનો ઉપદ્રવ ખુલ્લા ખેતરમાં તેમજ સંરક્ષિત વિસ્તારમા નોંધવામાં આવ્યો છે. ભારતમાં આ જીવાતનો ઉપદ્રવ સૌપ્રથમ મહારાષ્ટ્રના પૂના શહેરની આજુબાજુના વિસ્તારમાં જોવા મળ્યો હતો. ત્યારબાદ આ જીવાતનો ઉપદ્રવ દેશના બીજા રાજ્યો જેવા કે, કર્ણાટક, તમિલનાડુ, ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગાણામાં પણ જોવા મળ્યો હતો. ગુજરાતમા ૨૦૧૫ - ૧૬ મા શિયાળાની ઋતુમાં આ જીવાતનો ઉપદ્રવ દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, વલસાડ વગેરે જિલ્લામા નોંધવામા આવેલ છે અને હાલની પરિસ્થિતિમાં આ જીવાત સમગ્ર ગુજરાતમાં પ્રસરી ગયેલ છે. આ જીવાતના ઉપદ્રવથી પાકના સંરક્ષણ ખર્ચમાં ખૂળજ વધારો થાય છે. એકવાર જીવાતનો ઉપદ્રવ ચાલુ થઈ જાય પછી તેનું નિયંત્રણ કરવું ખુબજ  મૂશ્કેલ પડી જાય છે. તેમજ આ જીવાતના ઉપદ્રવથી ફળોમાં ટાંકણી જેવા નાના કાણાં પણ જોવા મળે છે. જેથી તેનું બજારમાં મૂલ્ય મળતું નથી. વૈજ્ઞાનિકો આ જીવાતને ટુટા એબ્સ્લ્યુટા અને ફ્થોરીમા એબ્સ્લ્યુટા ના નામે પણ ઓળ્ખે છે. ઉપરાંત આ જીવાત વિશ્વભરમાં અલગ અલગ નામથી પ્રચલિત છે, જેમકે ટામેટાની પાન કોરીખાનાર ઈયળ, ટમેટાની ફળ કોરી ખાનાર ઈયળ, સાઉથ અમેરિકન પીનવોર્મ, વગેરે. પીનવોર્મનુ નુકસાન ટામેટાના ફળમા પણ થતુ હોવાથી ખેડૂતોના હાથમા આવેલો કોળિયો છીનવાય જાય છે. આમ, આ જીવાત આર્થિક દ્રષ્ટિએ ખુબજ નુકસાન કરે છે. ખેડૂતોને આર્થિક નુકસાન કરતી આ જીવતનું નિયંત્રણ કરતા પહેલાં તેની ઓળખ, જીવનચક્ર અને નુકસાન કરવાની રીત વિશે ખેડૂતોને જાણ માટેની માહિતી આ લેખમાં રજૂ કરવામાં આવી છે.  

ઓળખ:

આ જીવાતના પુખ્ત ફૂંદાનું દેખાવ કાળાશ પડતા ભૂખરા રંગના હોય છે. આગળની પાંખો પર કાળો ડાઘ જોવા મળે છે. પુખ્ત ફૂંદીને ઓળખવા માટેનું અગત્યનું લક્ષણ તેની દોરા જેવી (ફીલીફોર્મ) શૃંગીકાઓ છે. માદા ફૂંદીનો ઉદર પ્રદેશ નર કરતા પહોળો અને ઝાંખા સફેદ રંગનો હોય છે. પુખ્ત કીટકો નિશાચર સ્વભાવના હોય છે. પુખ્ત નર અને માદા રાત્રિ દરમ્યાન સંવનન કરે છે અને બીજા દિવસે ઈંડા મુકે છે. ઇંડા નળાકાર ઝાંખા સફેદ રંગના હોય છે. જે સમય જતા નારંગી રંગના થઇ જાય છે. માદા કીટક પાનની નીચેની બાજુએ કળી, ડાળીઓ અને નાના ફળોના વજ્ર પર એકલ દોકલ ઇંડા મુકે છે. માદા કીટક તેના જીવનકાળ દરમ્યાન ૨૫૦-૩૦૦ જેટલા ઈંડા મુકે છે.

ઈયળમા ચાર અવસ્થાઓનો સમાવેશ થાય છે. પ્રથમ અવસ્થાની ઈયળ ઝાંખા સફેદ રંગની અને માથું શ્યામ રંગનુ હોય છે. જે ધીમે ધીમે લીલા રંગમા બદલાય છે. ઈયળોનો જેમ જેમ વિકાસ થતો જાય તેમ તેમ બીજીથી ચોથી અવસ્થા દરમ્યાન ઈયળો લીલાશ પડતા રંગમાથી આછા ગુલાબી રંગની જોવા મળે છે. નાની ઈયળો ૦.૫ થી ૧ મીમીની જયારે પુર્ણ વિકસિત ઈયળ ૮ મીમી જેટલી લંબાઈની હોય છે. ઈયળ અવસ્થા ૧૨ થી ૧૫ દિવસમાં પૂરી થાય છે. ચોથી અવસ્થાની ઈયળો કોશેટા બનવા માટે તૈયાર હોય ત્યારે ખાવાનુ બંધ કરી દે છે અને સામાન્ય રીતે કોશેટા અવસ્થા પૂર્ણ કરવા માટે રેશમના દોરાની મદદથી જમીન પર પડે છે. જો કે, કોશેટા ઘણીવાર પાંદડા પર પણ જોવા મળે છે. અપરિપક્વ કોશેટા તેમના પ્રારંભિક સ્વરૂપમા નળાકાર અને લીલાશ પડતા હોય છે, જે સમય જતાં ઘાટા બદામી રંગમા ફેરવાય છે. કોશેટા અવસ્થા સાતેક દિવસમા પૂર્ણ થાય છે. વર્ષ દરમિયાન આ જીવાતની ૧૨ પેઢીઓ જોવા મળે છે.

ટામેટાના પાકમાં દેખાતા જીવાત
ટામેટાના પાકમાં દેખાતા જીવાત

યજમાન પાક :- ટમેટાં,બટાકાં, રીંગણ, મરચા (કેપ્સીકમ) વગેરે જેવા સોલેનેસી કૂળના પાકો.

નુકસાન:

               ઈંડામાથી નીકળેલ ઈયળ પાન, ફળ કે કુમળી ડાળીમા કોરાણ કરીને દાખલ થયા બાદ ટામેટાના પાનકોરીયાની જેમ પાનના બે પડ વચ્ચે રહી હરિત દ્રવ્યનો ભાગ ખાતી હોય છે, જેના કારણે ગેલેરી જોવા મળે છે. ત્યારબાદ નુકસાન પામેલા વિસ્તારમા સફેદ રંગના ધાબા જોવા મળે છે. વધુ ઉપદ્રવ હોય તો નુકસાન પામેલા પાન કોકડાઈ જાય છે તેમજ પાનમા પ્રકાશસંશ્લેષણની ક્રિયામા વિક્ષેપ પડે છે જેથી છોડ નબળો પડવાથી અન્ય રોગ જીવાત સામે પ્રતિકાર કરવાની શક્તિમા ઘટાડો થાય છે. છેલ્લે નુકસાન પામેલા પાન સુકાઈ જવાથી પાક બળી ગયેલો હોય તેવો દેખાય છે. ત્રીજા અને ચોથા અવસ્થાની ઈયળો પાન ઉપરાંત ટામેટાના ફળ અને કુમળી ડાળીમા નુકસાન કરે છે. આ અવસ્થાની ઈયળો નુકસાનવાળા પાનમાથી બહાર નીકળીને અન્ય બીજા તંદુરસ્ત પાનમા દાખલ થઈ નુકસાન કરે છે. આ ઉપરાંત કુમળી ડાળીમા કોરાણ કરીને અંદરનો ભાગ કોરી ખાય છે જયારે ફળો પાકવાના સમયે ફળની અંદર દાખલ થઈ અંદરનો ભાગ કોરી ખાય છે. આમ આ જીવાત છોડના તમામ ભાગોમા ધરૂવાડિયાથી શરુ કરીને પાકની કાપણી સુધી નુકસાન કરતી જોવા મળે છે..

નુકશાન
નુકશાન

જીવાતના ફેલાવામા ભાગ ભજવતા પરિબળો :- ધરુવાડીયાના રોપ, ઉપદ્રવીત છોડ, ઉપદ્રવીત ફળ, પેકીંગ મટેરીયલ, માર્કેટીંગ યાર્ડ અને વાહન વ્યવહાર

સંકલિત વ્યવસ્થાપન:

  • પાકની ફેરબદલી કરવી.
  • ઉપદ્રવની શરૂઆતમાં નુકસાન પામેલ પાન તેમજ વધુ નુકસાન હોય તો આખા છોડને ઉખાડીને જમીનમાં દાટી દેવો.
  • ધરુવાડીયામાં આ જીવાતના ઉપદ્રવથી બચવા માટે ધરુવાડીયાને નાયલોનના જાળીથી કવર કરવું જોઈએ.
  • આ જીવાતના ફૂંદા વધુ ઉચાઈએ ઉડતા ન હોવાથી પાકની શરૂઆતની અવસ્થાએ ફેરોમોન ટ્રેપ જમીનથી એક ફૂટ ઉચાઈએ છોડની ટોચ ઉપર રહે તેમ ગોઠવવા. પાક મોટો થતો જાય તેમ તેમ ફેરોમોન ટ્રેપની ઉંચાઈ બદલતી રહેવી. ફેરોમોન ટ્રેપમાં જરૂરિયાત મુજબ ૪ થી ૬ અઠવાડિયે ફેરોમોન લ્યુર બદલતી રહેવી.
  • ઉપદ્રવની શરૂઆતમા શક્ય હોય તો વાનસ્પતિક જંતુનાશક દવાઓ જેવી કે લીંબોળીના મીંજમાથી બનાવેલ દ્રાવણ (૫૦૦ ગ્રામ પ્રતિ ૧૦ લીટર મુજબ) અથવા બજારમા મળતી લીમડા આધારિત જંતુનાશક દવાઓ ૩૦ મિલી પ્રતિ ૧૦ લીટર પાણી મુજબ ભેળવીને છંટકાવ કરવો.
  • વધુ ઉપદ્રવ હોય તો નીચે દર્શાવેલ દવાઓ પૈકી કોઈ પણ એક જંતુનાશક દવાનો ૧૦ લીટર પાણીમાં ભેળવી આખો છોડ બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો.
પીનવોર્મનુ નુકશાન
પીનવોર્મનુ નુકશાન
  • કલોરએન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ % એસસી ૩ મિલી (દવાના છંટકાવ બાદ ત્રણ દિવસે ટામેટાની વીણી કરવી)
  • સાયએન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬% ઓડી ૩ મિલી (દવાના છંટકાવ બાદ ત્રણ દિવસે ટામેટાની વીણી કરવી)
  • ફ્લુબેન્ડીયામાઈડ ૨૦ % ડબલ્યુજી ૩ મિલી (દવાના છંટકાવ બાદ પાંચ દિવસે ટામેટાની વીણી કરવી)
  • જીવાત સામે જંતુનાશક દવાની પ્રતિકારક શક્તિનો વિકાસ ન થાય તે માટે ફરીથી બીજો છંટકાવ કરવાનો થાય તો ઉપરોક્ત જંતુનાશક દવાઓની કાર્યપધ્ધતિથી જુદી પડતી જંતુનાશક દવા ઇન્ડોક્ઝાકાર્બ ૧૪.૫% એસસી ૫ મિલી દવા ૧૦ લીટર (દવાના છંટકાવ બાદ પાંચ દિવસે ટામેટાની વીણી કરવી) પાણીમાં ભેળવી આખો છોડ બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો.

સૌજન્ય: 

એસ. એમ. ગોસ્વામી, શ્રી આર. ડી. ડોડીયા, ડો. એન. પી. પઠાણઅને ડો. બી. કે પ્રજાપતિ

કીટકશાસ્ત્ર વિભાગ, ચી. પ. કૃષિ મહાવિદ્યાલય, સ.દા.કૃ.યુ., સરદાર કૃષિનગર 

પાક સંરક્ષણ વિભાગ, બાગાયત મહાવિદ્યાલય, સ.દા.કૃ.યુ., સરદાર કૃષિનગર  

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More