ભારત અને ગુજરાતમાં ફૂલોની ખેતી હવે એક ઉદ્યોગ તરીકે વિકસી રહી છે. ગુજરાતમાં વેપારી ધોરણે ગલગોટા, ગેલાર્ડિયા, ગુલાબ વગેરે ફૂલોની ખેતી કરવામાં આવે છે. મહત્વની વાત છે કે ગલગોટાની ખેતીમાં ગુજરાતના ખેડૂતો વધારે રસ લઈ રહ્યા છે.
ગલગોટાના ફૂલ બધા જ પ્રકારની જમીનમાં તેમજ આબોહવામાં અને વર્ષની ત્રણેય ઋતુમાં થઈ શકે છે. આ ઉપરાંત ગલગોટાનો પાક ખૂબ જ ખડતલ અને તેના ફૂલો આકર્ષક રંગ અને આકારના હોવાથી ફૂલો લાંબા સમય સુધી ટકી શકે છે. ગલગોટાના ફૂલોની ખેતીની પદ્ધતિ ખૂબજ સરળ હોવાથી ખેડૂતો આ પાકની ખેતી તરફ વધારે આકર્ષાયા છે.
ગલગોટાના છોડનો ઉપયોગ લેન્ડ સ્કેપ ગાર્ડનિંગમાં કરવામાં આવે છે સાથે જ તેના છૂટક ફૂલ અથવા તો તોરણ બનાવીને વેચાણ કરવામાં આવે છે.
ગલગોટાના ફૂલોની જાતો
આપણા દેશમાં મુખ્ય બે પ્રકારના ગલગોટાના ફુલોનો ઉછેર કરવામાં આવે છે. આ બન્ને પ્રકારના ગલગોટાના છોડ તેના ફૂલોના રંગ આકાર અને કદની દ્રષ્ટિએ ખૂબજ વિવિધતા ધરાવે છે
ગલગોટાનું સંવર્ધન
ગલગોટાનું વાવતેર બીજમાંથી ધરૂ ઉછેર કરીને ફેરરોપણીથી કરવામાં આવે છે. આ ઉપરાંત ચોમાસામાં જૂના છોડના કુમળા કટકા વાવીને પણ તેના છોડ તૈયાર કરી શકાય છે. આ પધ્ધતિથી તૈયાર કરેલા છોડ ઉપર ફુલોની સંખ્યા ઓછી મળે છે. પરંતુ ફૂલો મોટા કદના અને ઉત્તમ ગુણવત્તાવાળા હોય છે.
ગલગોટાનું ધરૂ ઉછેર
એક હેકટરમાં ગલગોટાના વાવેતર માટે એક કિલોગ્રામ બીજની જરૂર રહે છે. ગલગોટાના બીજની ઉગવાની શક્તિ એકાદ વર્ષમાં નાશ પામતી હોવાથી દર વર્ષે નવા બીજનો ઉપયોગ કરવો જોઈએ. ગલગોટાનું વાવેતર વર્ષની ત્રણેય ઋતુમાં કરી શકાય છે. પરંતુ ફૂલો મેળવવાના સમયને ધ્યાનમાં રાખી તેનો ધરૂ ઉછેર કરવો.
- શિયાળાની ઋતુમાં ગલગોટાનો પાક લેવો હોય તો સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધીમાં ધરૂ તૈયાર કરવું જોઈએ અને ઓક્ટોબરથી નવેમ્બર સુધીમાં ફેરરોપણી કરવી જોઈએ. આ રીતે તૈયારી કરવામાં આવે તો ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી ફૂલો મળી રહે છે.
- ઉનાળાની ઋતુમાં ગલગોટાનો પાક લેવો હોય તો ફેબ્રુઆરીથી માર્ચ સુધીમાં ધરૂ તૈયાર કરવું જોઈએ અને માર્ચથી એપ્રિલ સુધીમાં ફેરરોપણી કરવી જોઈએ. આ રીતે તૈયારી કરવામાં આવે તો મે મહિનાથી જુલાઇ સુધી ફૂલો મળી રહે છે.
- ચોમાસાની ઋતુમાં ગલગોટાનો પાક લેવો હોય તો જુનથી જુલાઇ સુધીમાં ધરૂ તૈયાર કરવું જોઈએ અને જુલાઇથી ઓગષ્ટ સુધીમાં ફેરરોપણી કરવી જોઈએ. આ રીતે તૈયારી કરવામાં આવે તો સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી ફૂલો મળી રહે છે. આ રીતે ગલગોટાના પાકનું આયોજન કરવામાં આવે તો બારેમાસ ફૂલો મળતા રહે છે.
અનુકૂળ આબોહવા
ગુજરાતની ત્રણે ઋતુની આબોહવામાં બંને પ્રકારના ગલગોટાને ઉછેરી શકાય છે છતાં શિયાળાનું માફકસરનું ઠંડુ હવામાન અને સુર્યપ્રકાશવાળા ટૂંકા દિવસો ફુલોના ઉત્પાદન માટે વધારે અનુકૂળ આવે છે. શિયાળામાં ટૂંકા દિવસો અને નીચુ તાપમાનને લીધે છોડનો વાનસ્પતિક વિકાસ ઓછો અને ઉત્તમ ગુણવત્તાવાળા ફૂલોનું ઉત્પાદન વધારે મળે છે. જયારે ઉનાળા અને ચોમાસામાં ઊચું તાપમાન અને લાંબા દિવસોને લીધે પુષ્પ ભેદીકરણની ક્રિયામાં વિક્ષેપ પડવાથી છોડનો વાનસ્પતિક વિકાસ વધારે થાય છે. પરિણામે છોડ ઢળી પડવાની સમસ્યા વધારે મળે છે અને ઉતરતી કક્ષાના ફૂલોની સાથે ઉત્પાદન પણ ઓછું મળે છે.
આ પણ વાંચો : તુરીયાની આધુનિક ખેતી કરવા માટેની સંપૂર્ણ માહિતી
જમીન
ગલગોટાના ફૂલ ખૂબજ રેતાળ કે અતિ ભારે કાળી જમીન સિવાયની દરેક પ્રકારની જમીનમાં સારી રીતે ઉછેરી શકાય છે. પરંતુ આફ્રિકન ગલગોટાને ભારે કાળી જમીન જયારે ફ્રેન્ચ ગલગોટાને હલકી રેતાળ જમીનમાં પણ ઉછેરી શકાય છે
વાવણી
ગલગોટાનું વાવતેર બીજમાંથી ધરૂઉછેર કરીને ફેરરોપણીથી કરવામાં આવે છે. બીજની રોપણી બાદ 40 થી 45 દિવસના ધરૂની ફેર રોપણી માટે ઉપયોગમાં લેવો જોઈએ. આફ્રિકન ગલગોટાની ફેરરોપણી 45 થી 60 સે.મી. ના અંતરે અને ફ્રેન્ચ ગલગોટાની ફેરરોપણી 30 સે.મી.ના અંતરે બે હાર અને બે છોડ વચ્ચે અંતર રાખી કરવી જોઈએ.
ખાતર વ્યવસ્થા
જમીનની તૈયારી કરતી વખતે 15 થી 20 ટન છાણિયું ખાતર જમીનમાં ભેળવી દો. ગલગોટાના સારા ઉત્પાદન માટે 200 કિલોગ્રામ નાઈટ્રોજન 100 કિલોગ્રામ ફોસ્ફરસ અને 100 કિલોગ્રામ પોટાશ તત્વની જરૂર પડે છે. જેમાં નાઈટ્રોજનનો અડધો જથ્થો અને ફોસ્ફરસ તેમજ પોટાશનો પૂરો જથ્થો જમીન તૈયાર કરતી વખતે આપવો જયારે નાઈટ્રોજનનો બાકીનો અડધો જથ્થો ફેરરોપણી બાદ એક મહિના પછી આપવો જોઈએ.
પિયત વ્યવસ્થા
ગલગોટાના છોડનો વાનસ્પતિક વિકાસ 55 થી 60 દિવસમાં પૂરો થાય છે. તે પછી તેની ટોચ પરની કળીઓનો વિકાસ થાય છે. તેની સાથે સાથે મુખ્ય સ્થળ ઉપરની ડાળીઓ નીકળવાની શરૂઆત થાય છે અને તેના ઉપર ફૂલ બેસવા લાગે છે. આમ ગલગોટાના વિકાસની કોઈપણ વ્યવસ્થાએ પાણીની ખેંચ પડે, તો છોડના વાનસ્પતિક અને ફૂલના ઉત્પાદન ઉપર અવળી અસર પડે છે માટે જમીનમાં હંમેશા ભેજ જળવાઈ રહે અને કોઈપણ અવસ્થાએ પાણીની ખેંચ ન પડે તે રીતે નિયમિત પિયત આપવાની ખાસ કાળજી રાખવી.
આ પણ વાંચો : Tamarind Cultivation : આંબલીની ખેતી કરવાની પદ્ધતિ
નિંદામણ
ગલગોટાના પાકની શરૂઆતના વૃદ્ધિકાળ દરમિયાન આંતરખેડ કરી શકાય છે પરંતુ છોડને નુકસાન ન થાય તેની ખાસ કાળજી રાખવી જોઈએ. છોડનો ફેલાવો થયા પછી આંતરખેડ કરવી યોગ્ય નથી જેથી બે-ત્રણ પિયત બાદ કોદાળીથી હળવો ગોડ કરવો જોઈએ.
પાક સંરક્ષણ
બીજને પારાયુકત દવાનો પટ આપી વાવેતર કરવાથી ધરૂનો કહોવારો અને કોલરોટ નામનો રોગ આવતો નથી. આ ઉપરાંત કોપર ઓકસિકલોરાઈડ મેલાથીઓન, મોનોક્રોટોફોસ દવાનો છંટકાવ જરૂર મુજબ કરવો જોઈએ.
ફૂલોની વીણી
ગલગોટાના ફૂલ વહેલી સવારે અને સાંજના સમયે ઉતારવા જોઈએ. સંપૂર્ણ રીતે ખીલેલા હોય તેવા ફૂલોને હાથથી ચૂંટીને વીણી કરી લો. ફૂલ ઉતારવાના આગલા દિવસે પિયત આપવું. જેથી ફૂલો લાંબા સમય સુધી સાચવી શકાય છે. નિયમિત ફૂલો ઉતારવાથી ઉત્પાદન વધારે મળે છે.
ઉત્પાદન
એક હેકટરમાં આફ્રિકન ગલગોટાનું ઉત્પાદન 11 થી 18 ટન એટલે કે 15 થી 25 લાખ ફૂલો અને ફ્રેંચ ગલગોટાનું 8 થી 12 ટન એટલે કે 60 થી 80 લાખ ફૂલો મળે છે.
આ પણ વાંચો :શું તમે જાણો છો કે ચોકલેટ પ્રાણીઓમાં દૂધની ક્ષમતા વધારે છે, જાણો તેના ફાયદા અને કિંમત
Share your comments