જામફળ ભારતનું લોકપ્રિય ફળ છે. જામફળનું ફળ અમીર અને ગરીબ બધા પસંદ કરે છે. આ ફળને ગરીબોનું સેવ કહેવામાં આવે છે. કેમ કે સેવમાં મળતા બધા જ પોષક તત્વો જામફળમાં મળે છે. અને તેની બજાર કિંમત પણ ઘણી ઓછી હોય છે.
સંવર્ધન
જામફળનુ સંવર્ધન બીજ અને વાનસ્પતિક એમ બન્ને રીતે કરવામાં આવે છે.
બીજ ની પસંદગી
બીજની પસંદગી એવા માતૃછોડ પરથી કરવી જોઇએ કે છોડ વધારે ઉત્પાદન આપતો હોય, રોગજીવાત રહિત હોય, ફળો ખાવામાં સ્વાદિષ્ટ હોય અને ટકાઉ શક્તિ સારી હોય એવા છોડ પરથી પાકા ફળોની પસંદગી હિતાવહ છે.
જરૂરી માધ્યમો
સૌપ્રથમ બીજથી ધરુ ઉછેર પ્લગ ટ્રેમાં કરવા માટે પ્લગ ટ્રે ની જરૂર પડે છે. ૭૪ થી ૮૨ ખાનાવાળી તથા ખાનાનો વ્યાસ ૪.૫ સેમી હોય તેવી પ્લગ ટ્રે પસંદ કરવી ફાયદાકારક છે. પ્લગ ટ્રે ની સાથે જરૂરી માધ્યમો જેવા કે કોકોપીટ, પરલાઇટ અને વર્મીક્યુલાઇટ નું (૩:૧:૧) પ્રમાણમાં ભેગુ કરીને તેની સાથે જરૂર જણાય એ રીતે યોગ્ય માત્રામાં યુરીયા અને ડીએપી ખાતર સાથે મિક્ષ કરીને વાપરવા થી આમુક પોષક તત્વોની ઉણપ નકારી શકાય છે.
વાવવાનો સમય અને યોગ્ય માળખું
જુન-જુલાઇ અથવા ફેબ્રુઆરી-માર્ચ આ સમય દરમિયાન બીજ વાવવાથી વધારે સફળતા મેળવી શકાય છે. તેના માટે ગ્રીનહાઉસ અથવા ટનલને ૦.૦૭-૦.૧૦ મીલીમિટર અથવા ૩૨ મેસ નેટનો ઉપયોગ કરી યોગ્ય માળખું બનાવી તેમાં મુકવામાં આવે તો એફિડ અને વાયરસથી થતા રોગ, વરસાદ અને ઠંડા તથા સુકા પવનોથી રક્ષણ આપી એક આદર્શ ધરુ તૈયાર કરી શકાય છે. વધુમાં આ માળખાની અંદર ધરુના નાજુક સ્ટેજ દરમિયાન ધરુને અનુરૂપ વાતાવરણને જાળવી શકાય છે.
પ્લગ ટ્રે માં બીજ વાવતા પહેલા
જામફળના બીજનું ઉપરનું પડ સખત હોવાથી તેને વાવતા પહેલા ૨-૩ કલાક પાણીમાં બોળી રાખવાથી વધુ ઝડપી ઉગે છે. પાણીમાં બોળવા માટે એક પાત્રમાં જરૂરી માત્રામાં પાણી ભરીને તેની અંદર બીજ મુકવા. આ દરમિયાન જે બીજ તરીને ઉપર આવે તેને દુર કરવા તથા જે બીજ નીચે બેસી ગયા હોય તેનો વાવવા માટે ઉપયોગ કરવો. વાવતા પહેલા બીજ ને બરાબર સુકવીને બીજ માવજત આપવામાં આવે છે. બીજને બીજજન્ય અને જમીનજન્ય ફુગથી થતા રોગો સામે રક્ષણ આપવા માટે બાવિસ્ટીન દવા વડે ૮ ગ્રામ પ્રતિકિલો બીજ ના દરથી માવજત આપવામાં આવે છે. બીજ ને માવજત આપ્યા પછી તૈયાર કરેલા માધ્યમો વડે પ્લગ ટ્રે માં એક ખાનામાં વધુમાં વધુ ૨ બીજ ૨ થી ૩ સેમી જેટલી ઉંડાઇ એ વાવવામાં આવે છે.
પાછલી માવજત
બીજ ને પ્લગ ટ્રે માં વાવ્યા પછી એગ્રોસેડ નેટથી ટ્રે ને ઢાંકી દેવી અને તેમાં યોગ્ય માત્રામાં રોજ પાણી આપવું. જ્યારે બીજ અંકુરણ થવાની શરૂઆત થાય ત્યારે આવરણને હટાવી લેવું.
પ્લગ ટ્રેમાં ધરુઉછેર કરવાના ફાયદા
- બહારની પરિસ્થિતિ (ક્યારા) માં વાવણી કરવા કરતા પ્લગ ટ્રેમાં વધારે પ્રમાણમાં સફળતા મેળવી શકાય છે.
- બહારની પરિસ્થિતિ કરતા ઓછા દિવસમાં ધરુ તૈયાર કરી શકાય છે.
- ઉગવાની સમાનતા જળવાઇ રહે છે.
- રોગજીવાત અને બહારના અન્ય પરિબળો સામે ધરુવાડીયાને પ્લગ ટ્રેમાં સારી રીતે સાચવી શકાય છે.
- એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી ફેરબદલી કરી શકાય છે.
- પોલીથિનની સરખામણી માં પ્લગ ટ્રેમાં વાવવાથી ફેરબદલી કરતી વખતે વધારે પ્રમાણમાં સફળતા મેળવી શકાય છે.
Share your comments