ગુજરાતમાં રાગીનું વાવેતર ડાંગ,વલસાડ,નવસારી,તાપી અને પંચમહાલ જીલ્લામાં થાય છે.રાગીને અંગ્રેજીમાં ફીંગર મિલેટ અથવા આફ્રિકન મિલેટ અને ગુજરાતીમાં રાગી, બાવટાના નામથી પણ ઓળખવામાં આવે છે.રાગી પોષક તત્વોથી ભરપુર તૃણ ધાન્ય પાક છે.તેના દાણામાં રેસાની માત્રા વધારે, સારી ગુણવતાવાળુ પ્રોટીન, ખનીજ તત્વ અને વિટામીનનું પ્રમાણ વિશેષ જોવા મળે છે.રાગીમાં રેસાની માત્રા વધારે હોવાથી મીઠી પેશાબ (ડાયાબીટીસ) અને હ્રદયરોગના દર્દીઓ માટે ખૂબ લાભદાયક છે. રાગીમાં કેલ્શીયમ અને આર્યનનું પ્રમાણ અન્ય ધાન્ય પાક કરતા સવિશેષ હોવાથી તેનો ઉપયોગ કુપોષણ દુર કરવામાં અને બેબી ફુડ બનાવવામાં થાય છે.રાગી વિવિધ પ્રકારની જમીન, આબોહવા તથા જયાં અન્ય પાક ઉગાડવાની શક્યતા ઓછી હોય તેવી ઓછી ફળદ્રુપ અને ઢાળવાળી જમીનમાં પણ થઈ શકે છે.પરંતુ સારા નિતારવાળી લાલ, રાખોડી રંગની, ગોરાડું અને હલકી અથવા મધ્યમ કાળી જમીન રાગીને વધુ માફક આવે છે.ગરમ અને ભેજવાળી આબોહવામાં આ પાક સારો થાય છે.
આરોગ્ય અને પોષણ માટે મદદગાર કડી રાગી
આધુનિક રાસાયણિક પૃથ્થકરણની પદ્ધતિઓ અને ટેકનોલોજીને કારણે કેટલાક રોગોની સારવારમાં હર્બલ ઔષધીઓનો ઉપયોગ વધ્યો છે, સાથે-સાથે અસરકારક સારવાર પદ્ધતિઓ જેવી કે ભારતમાં આયુર્વેદ અને અન્ય ઔષધીઓનો પણ વિકાસ થયો છે.આમ હાલનાં સંજોગોમાં લોકોની આરોગ્ય અંગેની સજાગતા અને પોષકતત્વોથી ભરપુર રાગીનું મહત્વ ખૂબ જ વધ્યુ છે.
(૧) વજન ઓછુ કરવા માટે:-
રાગીમાં ચોખા, ઘઉં અને મકાઈ કરતાં ચરબીનું પ્રમાણ ઘણું ઓછું હોય છે,આથી વજન ઘટાડવા માંગતા લોકો માટેનો શ્રેષ્ઠ વિકલ્પ છે. રાગીમાં ટ્રીપ્ટોફેન નામનો એમિનોએસિડ હોય છે જે ભૂખને ઓછી કરે છે અને વજનને નિયંત્રણમાં રાખે છે.બીજુ રાગી ધીમેથી પચે છે અને તેમાં રહેલા રેસાનાં કારણે ભૂખની તૃપ્તીનો અહેસાસ થઈ જવાથી વધુ કેલરીવાળો અને વધુ ખોરાક લઈ શકાતો નથી.
(૨) હાડકાં મજબૂત કરવા:-
રાગીમાં કેલ્શિયમ (૩૦૦-૩૫૦ મિ.ગ્રા./૧૦૦ ગ્રામ દાણા) તત્વ ભરપૂર પ્રમાણમાં હોવાથી નાના બાળકો અને વૃદ્ધો માટે ખૂબ જ ઉપયોગી છે.રાગી નાના બાળકોના હાડકાંનાં વિકાસમાં તેમજ હાડકાંની નબળાઈવાળા પુખ્તવયનાં લોકો માટે આર્શીવાદરૂપ છે.આમ રોજીંદા આહારમાં રાગીનું નિયમિત સેવન કરવાથી ઓસ્ટીયોપોરોસીસની શકયતા ઓછી થાય છે અને હાડકાં ભાંગવાનું જોખમ પણ ઓછું થાય છે.જો લોકોને દૂધની એલર્જી હોય તો, તેમના માટે રાગી એક પૂરક સોર્સ છે.
(૩) મીઠી પેશાબ (ડાયાબીટીસ)નિયંત્રણમાં રાખે:-
રાગીનાં દાણામાં રેસાનું પ્રમાણ (૩.૬ ગ્રામ/૧૦૦ ગ્રામ દાણા) સારું છે. રાગીનો ગ્લાયસેમીક ઈન્ડેક્ષ ખૂબ જ ઓછો હોવાના કારણે લોહીમાં સાકરનું પ્રમાણ ઘટાડી ઈન્સ્યુલીનના કાર્યક્ષમતા વધારે છે. આમ લોહીમાં સાકરનું પ્રમાણ જાળવી રાખે છે. રાગીમાં રહેલ ફાયટોકેમીકલ્સ પાચનક્રિયા ધીમી કરે છે. આમ રાગી એ ડાયાબીટીસ અને મેદસ્વીતાવાળા દર્દીઓ માટે આર્શીવાદસમાન છે.સંશોધન દ્રારા ફલીત થયેલ છે કે ચોખા અને ઘઉં કરતાં રાગી આધારિત ખોરાક લેવાથી મીઠી પેશાબ(ડાયાબીટીસ)નાં દર્દીઓને ખૂબ જ ફાયદો થાય છે.
(૪) બ્લડ કોલેસ્ટ્રેરોલનું પ્રમાણ નીચું રાખે:-
રાગીમાં રહેલ એમીનો એસિડ જેવા કે લેકટીન અને મીથાઈઓનાઈન લીવરમાં વધારાની ચરબી દૂર કરે છે તથા થેરોનાઈન નામનો એમિનો એસિડા લીવરમાં ચરબી બનતી અટકાવી બ્લડ કોલેસ્ટેરોલનું પ્રમાણ નીચું રાખે છે. આમ રાગી મનુષ્યનાં શરીરમાં કોલેસ્ટેરોલ વધવા દેતું ન હોવાથી હ્રદયરોગનાં દર્દીઓ માટે ખૂબ ઉપયોગી છે.
આ પણ વાંચો:મશરૂમ બીજ ઉત્પાદનનો ઇતિહસ
(૫) લોઃહીની ઉણપ ઓછી કરે:-
રાગીમાં કેલ્શિયમ અને આર્યનનું પ્રમાણ અન્ય ધાન્ય પાક કરતાં વિપુલ પ્રમાણમાં હોવાથી હિમોગ્લોબીનની ઉણપ અને હાડકાંની નબળાઈવાળા લોકો માટે આશીર્વાદરૂપ છે. રાગી એ શરીરમાં લોહી વધારનાર છે, જેથી રોજીંદા આહારમાં નિયમિત સેવન કરવાથી એનેમિયા રોગ સામે પ્રતિકારતા મળે છે. રાગીનો બેબી ફુડ તરીકે ઉપયોગ થઈ શકે છે.
(૬) થકાવટ દુર કરવા (રીલેકસેશન) માટે:-
રાગીમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો આવેલ હોવાથી તેનું નિયમિત સેવન કરવાથી ઘણા બધા રોગો સામે પ્રતિકારક શક્તિ મળે છે તથા થકાવટ ઓછી લાગે છે તેમજ માનસિક ચિંતા, તાણ અને ઈનસોમનીયાને પણ ઘટાડે છે, વળી રાગી માઈગ્રેનના દુ:ખાવો દૂર કરવા માટે ઉપયોગી છે.
(૭) રાગીમાં રહેલ પ્રોટીન/એમીનો એસિડ:-
રાગીમાં ટ્રીપ્ટોફેન,થેરોનાઈન,વેલાઈન અને આઈસોલ્યુસાઈન જેવા એમિનો એસિડ આવેલ છે. આઈસોલ્યુસાઈન સ્નાયુઓના દુ:ખાવા અને સાંધાના દર્દોમાં,લોહી બનાવવા,હાડકાંની મજબુતાઈ તથા ચર્મરોગ માટે ઉપયોગી છે.થેલાઈન નામનો એમિનો એસિડ ચયાપચયની ક્રિયા સુધારવા માટે,સ્નાયુઓના બંધારણ માટે શરીરનાં કોષો સુધારવા માટે ઉપયોગી છે. આ ઉપરાંત એમિનો એસિડ શરીરમાં નાઈટ્રોજનનું પ્રમાણ જાળવી રાખે છે.મોટા ભાગનાં ધાન્ય પાકોમાં ઉપયોગી મીથીઓનાઈન નામનો એમિનો એસિડ હોતો નથી પરંતુ રાગીમાં રહેલ એમિનો એસિડ શરીરની જુદે-જુદી ક્રિયાઓમાં ઉપયોગી છે તથા શરીરમાંથી વધારાની ચરબી દૂર કરે છે અને શરીરને સલ્ફર પૂરો પાડે છે.ગ્લુથાથીઓનનાં ઉત્પાદન માટે સલ્ફર ઉપયોગી છે જે શરીર માટે કુદરતી એન્ટીઓક્સીડન્ટ છે.
રાગી નુ મુલ્યવર્ધન અને વિવિધ બનાવટો:
રાગી માલ્ટ
રાગીને આઠ કલાક/ આખી રાત પાણીમા પલાણી, બીજા દિવસે પાણી નિતારીને ફળગાવવી. ત્યારબાદ તેને ટ્રે ડ્રાયરમાં ૬૦0સે. તાપમાને સુકવી, તેનો પાવડર બનાવીને રાગી માલ્ટ બનાવી શકાય છે, જે પોષક તત્વોથી ભરપુર અને પાચનમાં સરળ છે. આ રાગી માલ્ટ નાના બાળકો ને દુધમા તેમજ ગર્ભવતી મહિલાઓને આપી શકાય છે. તેમજ નીચે દર્શાવેલી વિવિધ પેદાશો બનાવવા ઉપયોગમા લઇ શકાય છે.
રાગીની રાબ:
રાગીના લોટને એક જાડા વાસણમાં થોડુ ઘી નાંખી ધીમા તાપે શેકી લો. પછી તેમા ગોળનુ પાણી નાંખી રાબ જેટલી જાડાઈ થાય ત્યાં સુધી ઉકાળો.
રાગી ની ગોળપાપડી
રાગી ના લોટ ને એક જાડા વાસણ મા ઘી નાખી ધીમા તાપે શેકી લો. હવે તેમા સેકેલો અને વાટેલો ગુંદર, બદામ ની કતરણ, એલચી પાવડર તથા જાયફળ પાવડર નાખી બરાબર મીક્શ કરો. હવે ગેસ પરથી નીચે ઉતારી ગોળ ઉમેરો. મીશ્રણ ગરમ હોવાથી ગોળ ઓગળી જશે. તરત જ થાળી મા ઢાળી, ચોસલા પાડી લો.
રાગી અને કેળાની પેનકેક
ગોળ અને ખાંડ લઇ તેને હુંફાળા દુધ મા ઓગાળો. હવે રાગી નો લોટ, ઘઉં નો લોટ અને ચોખાનો લોટ એક સરખા પ્રમાણ મા લઇ મીક્સ કરો. તથા કેળા ને છુંદી ને રાખો. હવે ગોળ અને ખાંડ ઓગળી જાય એટલે તેમા ધીમે ધીમે લોટ નુ મિશ્રણ ઉમેરો. રેડી શકાય તેવી જાડાઇ થાય એ પ્રમાણે ખીરુ તૈયાર કરવુ. હવે ખીરામા કેળાનો છુંદો અને એલચી પાવડર નાખી મીક્સ કરો. તવા ને ગરમ કરી ખીરા ને પાથરો. બન્ને બાજુ ઘી નાખી ગુલાબી શેકી લો.
રાગી ચીલા/પુડા
એક વાસણમા રાગીનો લોટ, ઝીણા સમારેલા ડુંગળી, ટામેટા, મરચા તથા ધાણા, જીરુ અને મીઠું નાખી બરાબર મીક્સ કરો. હવે તેમા પાણી ઉમેરી સરળ (smooth)ખીરુ તૈયાર કરો. તવા ને ગરમ કરી ખીરા ને પાથરો. બન્ને બાજુ ઘી/તેલ નાખી ધીમા તાપે ગુલાબી શેકી લો,અને રાગીમાંથી ઈડ્લી અને ઢોસા પણ બનવી શકાય છે.
ઉચ્ચ પોષક તત્વોને કારણે તેને "પોષક-અનાજ" ગણવામાં આવે છે. આફ્રિકા અને એશિયામાં 7000 વર્ષોથી લાખો લોકો માટે પરંપરાગત મુખ્ય તરીકે એની ખેતી થાય છે ,ઘણા દેશોમાં તેમની ખેતી ઘટી રહી છે, અને આબોહવા પરિવર્તન અને ખાદ્ય સુરક્ષાને સંબોધનમાં તેમની સંભવિતતા સંપૂર્ણ રીતે સાકાર થઈ રહી નથી.
ગ્રાહકો,ઉત્પાદકો,વેલ્યુ ચેઈન એક્ટર્સ અને નિર્ણય લેનારાઓને રાગીની વિવિધતા અને પોષક અને પર્યાવરણીય લાભોને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત સમયસર છે અને ખાદ્ય ક્ષેત્રના જોડાણોને સુધારી શકે છે. ભારત સરકાર દ્વારા મિલેટ્સનું આંતરરાષ્ટ્રીય વર્ષ (2023) આગળ લાવવામાં આવ્યું હતું અને એફઓઓ ગવર્નિંગ બોડીઝના સભ્યો દ્વારા તેમજ યુએન જનરલ એસેમ્બલીના 75મા સત્ર દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું.
તેથી,રાગી ,મોરયો બાજરી અને અન્ય હલકા ધાન્યને વૈશ્વિક ઉત્પાદન વધારવા,કાર્યક્ષમ પ્રક્રિયા અને વપરાશને સુનિશ્ચિત કરવા,પાકના પરિભ્રમણના બહેતર ઉપયોગને પ્રોત્સાહન આપવા અને ખાદ્યપદાર્થોના મુખ્ય ઘટક તરીકે પ્રોત્સાહિત કરવા માટે સમગ્ર ખાદ્ય પ્રણાલીઓમાં બહેતર જોડાણને પ્રોત્સાહિત કરવા માટે એક અનન્ય તક પૂરી પાડવાનો છે.
આ પણ વાંચો:ડાંગરની પરાળ પર ઉગાડાય છે ચાઈનીઝ મશરૂમ, અત્યારે જ વાંચો તેની ખેતીની અનોખી રીત
Share your comments