શિયાળાની સિઝન શરૂ થવા સાથે બજારો અનેક લીલવણ શાકભાજીથી ઉભરાઈ રહ્યા છે. વાવેતરથી લઈ બજારમાં ગ્રાહકો સુધી શાકભાજીને પહોંચવામાં અનેક પ્રક્રિયામાંથી અને મુશ્કેલ સ્થિતિમાંથી પસાર થવું પડે છે. ખેડૂતો તેમની આજીવિકાના ભાગરૂપે આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમને શાકભાજીના વાવેતર અને જાળવણીને લઈ ખૂબ જ માવજત રાખવી પડતી હોય છે. તો ચાલો આજે આપણે શાકભાજીમાં લાગતી જીવાતો અને તેના નિયંત્રણ વિશે વાત કરીએ.
(૧) ટામેટા, મરચીની જીવાત:
મોલો, તડતડિયા, પાનકોરિયુ, સફેદ માખી: આ જીવાતો માટે ટ્રાયઝોફોસ અથવા ડાયમિથોએટ ૧૦ મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં ભરી છંટકાવ કરવો.
થ્રિપ્સ: થ્રિપ્સના નિયંત્રણ માટે ફેરરોપણી બાદ ૩૦ દિવસે ટ્રાયઝોફોસ અથવા એસીફેટ ૧૦ ગ્રામ દવા ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી ૧૦ થી ૧૫ દિવસના સમયગાળે વારાફરતી છંટકાવ કરવો.
(૨) ભીંડાની જીવાત:
ડૂંખ અને ફળ કોરી ખાનાર અથવા કાબરી ઇયળ: ભીંડાની ચીમળાઇ ગયેલી ડૂંખો/છોડ ઇયળો સહિત તોડી ઉપાડી તેનો નાશ કરવાથી ઇયળનો ઉપદ્રવ કાબુમાં રહે છે. આ જીવતના નિયંત્રણ માટે ફેરોમોન ટ્રેપ હેક્ટેરે ૪૦ લેખે સરખા અંતરે ગોઠવવા. આ ઇયળના નિયંત્રણ માટે બીટી કે પાવડર (બેસીલસ થુરીન્જીન્સીસ - સૂષ્મરોગજીવાણું) હૅક્ટરે ૧ કિલો પ્રમાણમાં બે છંટકાવ, પ્રથમ છંટકાવ ભીંડાના ફળમાં જીવાતના નુકશાનની શરૂઆત થાય ત્યારે અને બીજો છંટકાવ ત્યારબાદ ૧૫ દિવસે કરવો.
(૩) બટાટાની જીવાત:
બટાટાના થડ કાપી ખાનાર ઇયળ: સાંજના સમયે બટાટાના ખેતરમાં ઘાસની ઢગલીઓ કરી રાખવી સવારે તે ઢગલીઓ નીચે સંતાઇ રહેલી ઇયળો ભેગી કરી તેનો નાશ કરવો. તેમજ મિથાઇલ પરાથીઓન ૨% ભુકી ૨૫ કિ.ગ્રા./હે મુજબ સાંજના સમયે છંટકાવ કરવો.
(૪) રીંગણની જીવાત:ડૂંખ અને ફળ કોરી ખાનાર ઇયળ: રીંગણના નુકસાન પામેલ અને ચીમળાઇ ગયેલ ડૂંખો નિયમિત રીતે તોડી જમીનમાં ૨૦ સે.મી. ઊંડાઇએ દાટી દઇ નાશ કરવો. આ જીવતના નિયંત્રણ માટે ફેરોમોન ટ્રેપ હેક્ટેરે ૪૦ લેખે સરખા અંતરે ગોઠવવા. રીંગણના ફળની વીણી વખતે ઉપદ્રવિત ફળો એકત્રિત કરી નાશ કરવો. તેમજ લીંબોળીનો અર્કનો છંટકાવ કરવો.
પાનકોરિયું: રીંગણના પાનકોરિયુંના નિયંત્રણ માટે મીથાઇલ-ઓ-ડીમેટોન ૧૦ મી.લી. દવા પ્રતિ ૧૦ લીટર પાણીમાં ભરી છંટકાવ કરવો.
(૫) કૉબિજની જીવાતો:હીરા ફૂદું: કૉબિજના પાકની આજુબાજુ રાઇનું પિંજર પાક તરીકે વાવેતર કરવું. પાકમાં ફુંદાના નિયનંત્રણ માટે ફેરોમોન ટ્રેપ હેક્ટેરે ૨૫ લેખે સરખા અંતરે ગોઠવવા. જીવતની શરૂઆતમાં લીમડાની લીંબોળીનો અર્ક અથવા તૈયાર લીમડા આધારીત દવા અથવા બીટી પાવડરનો ઉપયોગ કરવો. ઉપદ્રવ વધુ જણાય તો મેલાથીઓન અથવા ડાયક્લોરવોસ અથવા ફેનિટ્રોથીઓન છંટકાવ કરવો.
Share your comments