ઈયળ અને પુખ્ત એમ બંને અવસ્થા ખેતી પાકમાં નુકસાન કરતી નાજુક પોચા શરી૨વાળી નાની જીવાતો જેવી કે મોલો, ચિકટો (મીલીબગ), ભીંગડાવાળી જીવાત (સ્કેલ ઈન્સેક્ટ), સફેદમાખી, તડતડીયાં અને પાનકથીરીનું ભક્ષણ કરી તેનું નિયંત્રણ કરે છે. આ પરભક્ષી કીટકના પુખ્ત સુંદર આકર્ષક રંગના અને પાંખો પર ટપકાં, વાંકીચુકી લીટીઓ કે જુદા જુદા રંગના પટ્ટા ધરાવતાં હોય છે જે તેની મુખ્ય ઓળખ છે.
લેડીબર્ડ બીટલની અગત્યની જાતિઓમાં ચીલોમીનસ સેક્સમેક્યુલેટા, કોક્સીનેલા સેપ્ટમ્પન્કટાટા, કોક્સીનેલા ટ્રાન્સવર્સાલીસ, બ્રુમોઇડ્સ સુતુરાલિસ, ક્રિપ્ટોલીમસ મોન્ટ્રોઝીરી, ઇલાઇસ સીન્કટા, હર્મોનીયા ઓકટોમેક્યુલેટા, ફેરોસાયમ્નસ હોર્ની, કાયલોકોરસ નીગ્રીટસ અને વેડાલિયા બીટલ્સનો સમાવેશ થાય છે. ખેડૂતમિત્રો આ પરભક્ષી કીટકની જુદી જુદી જાતિઓને ઓળખતા થાય અને જૈવિક નિયંત્રણમાં તેનો મહતમ લાભ લે તે હેતુથી તેની પ્રાથમિક ઓળખ અંગેની માહિતી આ લેખમાં વર્ણવી છે.
૧. ચીલોમીનસ સેક્સમેક્યુલેટા
- પુખ્ત અર્ધગોળાકાર અને પાંખની પ્રથમ જોડ આછા પીળાશ પડતાં રંગની હોય છે. તેના પર બે બે વાંકીચૂકી લીટીઓ તથા પાંખના છેડાના ભાગ પર એક એક કાળું ટપકું આવેલું હોય છે.
- ઈયળો ઝાંખા કથ્થાઈ કે કાળા રંગની અને શરીર પર સફેદ રંગના ધાબા જોવા મળે છે.
૨. કોક્સીનેલા સેપ્ટમ્પન્કટાટા
- પુખ્ત લંબગોળાકાર અને માથું તેના શરીરના રંગથી અલગ એવા કાળા રંગનું હોય છે જેમાં બંને બાજુએ સફેદ ધારીઓ જોવા મળે છે.
- પાંખો લાલ રંગની હોય છે જેના પર તે કાળા રંગના સાત ટપકાં ધરાવે છે. બંને પાંખો પર ત્રણ-ત્રણ અને બંને પાંખોને જોડતી વચ્ચેની લીટી પર આગળની બાજુ એક ટપકું આવેલું હોય છે. આંખની ફરતે માથા પર બે સફેદ રંગના ટપકાં આવેલા હોય છે.
- ઈયળો ઘાટા કથ્થાઈ કે કાળા રંગની અને શરીર પર પીળાશ પડતાં નારંગી રંગના ટપકાં ધરાવે છે.
૩. કોક્સીનેલા ટ્રાન્સવર્સાલીસ
- પુખ્ત અંડાકાર અને માથું કાળા રંગનું ઉપરથી જોતા સહેલાઈથી જોઈ ન શકાય તેવું હોય છે.
- પાંખો આછા પીળા, નારંગી અથવા લાલ રંગની હોય છે જેના પર જાડા કાળા રંગના આડા અનિયમિત આકારના પટ્ટા જોવા મળે છે
- ઈયળ કાળાશ પડતાં રંગની અને શરીર પર સફેદ અને પીળાશ પડતાં રંગના ટપકાં ધરાવે છે.
૪. બ્રુમોઇડ્સ સુતુરાલિસ
- પુખ્ત અંડાકાર અને બીજી જાતિના લેડીબર્ડ બીટલ કરતાં નાના હોય છે. પુખ્તના માથાનો ભાગ અને ઉદરપ્રદેશનો પાછળનો થોડો ભાગ પીળાશ પડતા રંગનો હોય છે.
- પાંખો પર સફેદ રંગના અને કાળા રંગના ઊભા પટ્ટા જોવા મળે છે
- ઈયળ કાળા અને સફેદ રંગની લીટીઓ ધરાવતી હોય છે અને માથું પીળાશ પડતાં રંગનું હોય છે. ઈયળના આખા શરીર પર કાંટા જેવી રચના હોય છે.
આ પણ વાંચો:વનસ્પતિજન્ય જંતુનાશક દવાઓ દ્વારા સંકલિત કીટ નિયંત્રણ
૫. ક્રિપ્ટોલીમસ મોન્ટ્રોઝીરી
- ઈયળ આખા શરીર પર મીણના તાંતણા ધરાવે છે. શરીર પરના આવા લાંબા તાંતણાંઓને લીધે ઈયળના પગ ભાગ્યે જ દેખાય છે. ઈયળ દેખાવમાં મીલીબગ જેવી જ લાગે છે
- પુખ્ત કાળા રંગના હોય છે અને માથાનો ભાગ પીળાશ પડતા રાતા રંગનો હોય છે. નર પુખ્તના પ્રથમ પગની જોડ ભૂરા રંગની હોય છે જયારે બાકીના બે જોડ પગનો રંગ કાળો હોય છે. જયારે માદા પુખ્તમાં ત્રણે પગની જોડનો રંગ કાળો હોય છે.
૬. ઇલાઇસ સીન્કટા
- પુખ્ત ચળકાટ ધરાવતાં અને લીંબુ જેવા પીળા રંગના હોય છે જે ખેતીપાકમાં નુકસાન કરતી ભુકીછારાની ફૂગને ફેલાતી અટકાવે છે.
- ઈયળ લીંબુ જેવા પીળા રંગની અને ઉપરની બાજુ ચાર ઉભી લીટીમાં કાળા ટપકાં ની હાર ધરાવે છે.
૭. હર્મોનીયા ઓકટોમેક્યુલેટા
- પુખ્ત અંડાકાર અને તેનું આખું શરીર પીળાશ પડતાં નારંગી રંગનું હોય છે. પાંખો પર બે થી ચાર કાળા ટપકાં ધરાવે છે.
- ઈયળ કાળાશ પડતાં રંગની અને શરીર પર પીળાશ પડતાં આછા નારંગી રંગના ટપકાં ધરાવે છે.
૮. ફેરોસાયમ્નસ હોર્ની
- પુખ્ત કાળા રંગના અને અને શરીર પર ચાર લાલાશ પડતાં નારંગી રંગના ટપકાં ધરાવે છે.
- ઈયળ આછા પીળાશ પડતાં રંગની હોય છે.
૯. કાયલોકોરસ નીગ્રીટસ
- પુખ્ત ગોળાકાર, ચળકાટ ધરાવતાં, માથાનો ભાગ આછા નારંગી પડતાં પીળા રંગનો અને પાંખો કાળા રંગની હોય છે.
- ઈયળ કથ્થાઈ રંગની અને આખા શરીર પર કાંટા જેવી રચના ધરાવે છે
૧૦. વેડાલિયા બીટલ્સ
- પુખ્ત લાલ રંગના અને પાંખો પર પાંચ કાળા રંગના ધાબા ધરાવતા હોય છે. આ ધાબાઓ એકબીજા સાથે ભેગા થઇને અનિયમિત આકારના કાળા પટ્ટા બનાવે છે.
- ઈયળ લાલ રંગની, શરીર પર કાળા રંગના ધાબા અને શરીર પર કાંટા જેવી રચના ધરાવે છે.
આ પણ વાંચો:હાઈબ્રિડ કારેલાની ખેતી કરવાની જાણો સંપૂર્ણ પદ્ધતિ
Share your comments