૧. ફૂગથી થતા પાન તથા ફળના ટપકાં(ડાઘા)નો રોગ
- પાન ઉપર ફુગથી થતા આ ટપકાં શરુઆતમાં ગોળાકાર કે અનિયમિત આકારનાં નાના આછા જાંબલી કે કાળા રંગના જોવા મળે છે.
- આવા ટપકાંની ફરતે પીળા રંગની કીનારી જોવા મળે છે.
- રોગની તીવ્રતા વધતાં પાન પીળા પડી ખરી પડે છે.
- ફળ પર ટપકાં(ડાઘા) પડે છે, જેનાં લીધે ફળની ગુણવતા પર ખુબ જ માઠી અસર થાય છે.
- આ રોગને ચોમાસાનું ભેજવાળુ હવામાન વધુ માફક આવે છે.
ફૂગથી થતા પાન તથા ફળના ટપકાં(ડાઘા)નો રોગ
નિયંત્રણ
ફૂગથી થતા પાન તથા ફળના ટ૫કાંના નિયંત્રણ માટે રોગની શરૂઆત જણાય કે તુરત જ કાર્બેન્ડેઝીમ ૦.૦૫ ટકા (૧૦ ગ્રામ/૧૦ લીટર પાણી) અથવા ડાઈફેનકોનાઝોલ અથવા પ્રોપીકોનાઝોલ (૧૦ મીલી/ ૧૦ લીટર પાણી ) પ્રમાણે દ્રાવણ બનાવી છંટકાવ કરવો. ત્યાર બાદ ૧૫ દિવસના અંતરે વારાફરથી ત્રણ થી ચાર છંટકાવ કરવા.
૨. જીવાણુથી થતો પાન અને ફળના ટપકાંનો રોગ
- આ રોગ ઝેંન્થોમોનસ પ્રજાતીના જીવાણુથી થાય છે. આ રોગમાં પાન, થડ, ફુલ અને ફળ ઉપર નાના ટપકાં જોવા મળે છે.
- પાનઉપર શરૂઆતમાં નાના ગોળાકાર,પાણી પોચા ટપકાં જોવા મળે છે. જે પાછળથી આછા બદામી કે ઘાટા બદામી રંગમાં ફેરવાય છે.
- ટપકાંની ફરતે પણ પાણીપોચી કિનારી જોવા મળે છે. રોગની ઉગ્રતા વધતાં ટપકાં એકબીજામાં ભેગા થઈ સમગ્ર પાનને આવરી લઇ મોટાં ડાઘા બનાવે છે. છેવટે પાન સુકાઈ જાય છે. ઘણી વખત આવાં ટપકાંની વચ્ચે ગુંદર જેવું ચીકણું જીવાણુંથી ઉત્પન થતુ ઝરણ પણ જોવાં મળે છે. જેથી ખેડુતો આ રોગને તેલીયાના રોગ તરીકે પણ ઓળખે છે.
- થડની ફરતે બદામીથી કાળા રંગના ટપકાં જોવા મળે છે. થડમાંથી ડાળીઓ ફૂટતી હોય તે જગ્યા પર આવા ટપકાં જોવા મળે છે. જેના લીધે તે ભાગ ફાટી ગયેલ જોવા મળે છે. ફુલ ઉપર પાણી પોચા ટપકાં પડે છે. છેવટે આવાં ટપકાં કથ્થાઈ રંગના પરીવર્તન પામે છે જેનાં કારણે ફુલ ખરી પડે છે.
- ફળ ઉપર પણ બદામી તેમજ કાળા રંગનાં ટપકાં જોવા મળે છે. રોગની તીવ્રતા વધતાં ફળ કહોવાઈ જાય છે. આ રોગને કારણે ઘણી વાર ફળ પર “L” અથવા “Y” આકારની તીરાડ પડવાથી ફળ ફાટી પણ જાય છે.આ રોગ ખાસ કરીને જુન- જુલાઇ મહીનામાં વધુ જોવા મળે છે.
નિયંત્રણ
- રોપણી માટે રોગ મુકત રોપા/કલમો ની પસંદગી કરવી.
- રોગીષ્ટ ડાળીઓ,પાન,ફુલ,ફળ ભેગા કરી બાળી નાખવા.
- રોગની શરૂઆત જણાય કે તરતજ કોપર ઓકસીકલોરાઈડ ૪૦ ગ્રામ દવા ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. અથવા કોપરઓકસીકલોરાઈડ (૪૦ગ્રામ) + સ્ટ્રેપ્ટોસાઇકલીન(૧ગ્રામ) ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો અથવા બોર્ડોમિશ્રણ ૧ ટકાનુ દ્રાવણ બનાવી છંટકાવ કરવો.
૩. ટોચનો સુકારો (ડાયબેક)
- ફુગથી થતા આ રોગ ની શરૂઆત નાની-નાની કુમળી ડાળીઓ પરથી થાય છે.
- રોગની શરૂઆતમાં નાની કુમળી ડાળીઓની સપાટી પર નાના કાળા ટપકાં જોવા મળે છે, જે દબાયેલા હોય છે અને તેની આસપાસનો તંદુરસ્ત લીલો ભાગ ઉપસેલો હોય છે.
- રોગની માત્રા વધતાં છોડની છાલ સૂકાવા લાગે છે અને છાલમાં તિરાડો પડેલી જોવા મળે છે.
- આવી તિરાડમાંથી જે લાકડું દેખાઇ તે પણ કાળા રંગનું થઈ ગયેલુ જોવા મળે છે.
- ધીમે ધીમે ઝાડની ડાળીઓ ટોચથી સૂકાવા લાગે છે જે ધીરે ધીરે નીચે તરફ પ્રસરે છે અને થોડાં દીવસોમાં આખુ ઝાડ ઉપરથી નીચે તરફ સુકાય જાય છે.
નિયંત્રણ
- ઝાડમાં જે કુમળી ડાળીઓ સુકાવવાની શરૂઆત થાય કે તુરત જ થોડા તંદુરસ્ત ભાગ સાથે આવી ડાળીઓ કાપી, એકઠી કરી બાળી નાખવી અને કાપેલા ભાગ પર ૧ ટકાનુ બોર્ડો પેસ્ટ લગાડવું.
- ઝાડ પર કોપર ઓકિઝકલોરાઈડ ૦.ર % (૪૦ ગ્રામ/૧૦ લીટર પાણી) પ્રમાણે દ્રાવણ બનાવી છંટકાવ કરવો. જરૂર પ્રમાણે બે થી ત્રણ છંટકાવ ૧૫ દિવસના અંતરે ફરી કરી શકાય.
૪. દાડમનો સુકારો
- જમીન જન્ય ફુગથી થતા આ રોગમાં ઝાડની અમુક ડાળીઓના પાન પીળા પડી સુકાઈને ખરી પડે છે. છેવટે ડાળીઓ પણ સુકાઈ જાય છે. રોગની તીવ્રતા વધતાં આખા ઝાડના પાન પીળા પડી ખરી જાય છે. છેવટે ઝાડ સુકાઈ જાય છે. ઝાડના જમીન નજીકના થડનો ભાગ તથા મુળ કહોવાઈ ને કથ્થાઈ રંગના થઈ જાય છે.
નિયંત્રણ:
- ઝાડની ફરતે પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખવી.
- બગીચાની સ્વચ્છતા જાળવવી.ચોમાસામાં સેન્દ્રીય ખાતરો જેવા કે કોહવાયેલુ છાણિયુ ખાતર, લીંબોળીનો ખોળ જમીનમાં આપવો. જૈવિક નિયંત્રક ટ્રાઈકોડર્મા આધારીત કલ્ચર છાણિયા ખાતરમાં મિશ્ર કરી થડની ફરતે જમીનમાં આપવુ.
૫. ફળનો સડો
- ફળનો સડો ઘણા પ્રકારની ફુગથી થતો હોય છે.
- રોગની શરુઆતમાં ફળની સપાટી પર પીળાશ પડતા કે બદામી કાળા ડાઘ પડે છે. ફુગનો ચેપ ડીંટથી શરૂ થઇ આખા ફળમાં ફેલાય છે. જેમાં ફળની અંદરના દાણા પોચા પડી સડી જાય છે.
- આવું ફળ કાપતાં તેમાંથી ખરાબ વાસ આવે છે. થોડા સમયમાં આખું ફળ સડી જાય છે.
- દાડમના ફળ ઉતારતી વખતે ફળને થતી ઈજા દ્રારા ફુગ ફળમાં દાખલ થઇ અને સડો ઉત્પન કરે છે.
નિયંત્રણ:
- ફળના સડાને અટકાવવા માટે ફળ ઉતારતી વખતે ફળને ઈજા થાય નહી તેની કાળજી રાખવી.
- દાડમના પતંગિયાના નિયંત્રણ માટે કીટનાશક દવાનો છંટકાવ કરવો.
૬. દાડમના ફળનું ફાટવુ
આ રોગ કોઇ ચેપી કે જીવંત રોગકારકોથી થતો નથી.પરંતુ જમીનમાં અનિયમિત ભેજ તથા બોરોન તત્વની ઉણપથી દાડમના નાના - મોટા ફળો ઝાડ પર જ ફાટી જતાં જોવા મળે છે. તેમજ ફળ ખરી પણ પડે છે.
નિયંત્રણ
- દાડમના ફળ ફાટી જતા અટકાવવા માટે જમીનમાં ભેજની જાળવણી માટે સમયસર પિયત આપવું.
- જમીનમાં સુક્ષ્મ તત્વ બોરોનની ઉણપ હોય તો ઝાડ દીઠ ૨૫૦ ગ્રામ બોરેક્ષ પાવડર આપવો.
આ પણ વાંચો : Hydrogel Rainfed Farming : હાઇડ્રોજેલનો ઉપયોગ કરીને ખેડૂતો ઓછા પાણીમાં પણ પાક ઉગાડી શકે !
Share your comments