Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

જાણવા જેવું : રવી પાકોમાં નુકસાન કરતી જીવાતો અને તેમનું સંકલિત વ્યવસ્થાપન

ખેતી પાકો (શિયાળુ પાકો) જેવા કે ધાન્ય પાકો (ઘઉં); કઠોળ પાકો (તુવેર, ચણા); તેલીબિયા પાકો (દિવેલા, રાઈ-સરસવ); મરી-મસાલાના પાકો (જીરું, ધાણા, વરિયાળી); શાકભાજીના પાકો (કૉબિજ, ફ્લાવર, રીંગણ, ટામેટા વિગેરે) અને ફળ પાકોમાં બદલાતા હવામાન તથા અન્ય કારણોસર જીવાતોનો ઉપદ્રવ ઓછા-વત્તા પ્રમાણમાં જોવા મળે છે. જો તેનો સમયસર ઉપાય કરવામાં ન આવે, તો પાક ઉત્પાદન પર માઠી અસર થાય છે. અહીં વર્તમાન સમયમાં ઊપર જણાવેલ પાકોમાં નુકસાન કરતી જીવાતોના નિયંત્રણ કરવાના ઉપાયો રજૂ કર્યા છે.

KJ Staff
KJ Staff

ખેતી પાકો (શિયાળુ પાકો) જેવા કે ધાન્ય પાકો (ઘઉં); કઠોળ પાકો (તુવેર, ચણા); તેલીબિયા પાકો (દિવેલા, રાઈ-સરસવ); મરી-મસાલાના પાકો (જીરું, ધાણા, વરિયાળી); શાકભાજીના પાકો (કૉબિજ, ફ્લાવર, રીંગણ, ટામેટા વિગેરે) અને ફળ પાકોમાં બદલાતા હવામાન તથા અન્ય કારણોસર જીવાતોનો ઉપદ્રવ ઓછા-વત્તા પ્રમાણમાં જોવા મળે છે. જો તેનો સમયસર ઉપાય કરવામાં ન આવે, તો પાક ઉત્પાદન પર માઠી અસર થાય છે. અહીં વર્તમાન સમયમાં ઊપર જણાવેલ પાકોમાં નુકસાન કરતી જીવાતોના નિયંત્રણ કરવાના ઉપાયો રજૂ કર્યા છે.

પિયત ઘઉં: બીજને વાવણી સમયે દવાના ૫ટની માવજત આપી શકાયેલ ન હોય અને જો ઘઉંના ઉભા પાકમાં ઉધાઈનો ઉ૫દ્રવ શરુ થતો જણાય, તો તુરત જ એક હૅક્ટર પાક વિસ્‍તાર માટે ફિપ્રોનીલ ૫ એસસી ૧.૬ લીટર અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૧.૫ લીટર દવાને ૧૦૦ કિ.ગ્રા. રેતી સાથે મિશ્રણ કરી બરાબર ભેળવીને દવાની માવજત આપેલ રેતી ઘઉંના ઉભા પાકમાં પુંખવી અને ત્‍યાર બાદ પાકને હળવુ પિયત આ૫વું. ક્લોરપાયરીફોસ દવા પિયત સાથે પણ હૅક્ટરે ૨.૫ લીટર પ્રમાણે આપી શકાય. આ ઉપરાંત ચીલનાં પાનનો કસ (૭.૫ કિલો પાન / ૧૦ લીટર પાણીમાં) પણ ઉપયોગ કરીને ઘઉંના પાક્મા ઉધઇનું નિયંત્રણ કરી શકાય છે.

તુવેર: લીલી ઈયળ અને શિંગ માખીનો ઉપદ્રવ મોડી વાવેલ તુવેરમાં વધારે થતો જણાયેલ છે કે જેથી તેના નિયંત્રણ માટે ફેનવાલરેટ ૨૦ ઇસી ૧૦ મિલી ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા પાણીની અછતવાળા વિસ્તારમાં ફેનવાલરેટ ૦.૪% ભૂકી ૨૫ કિ.ગ્રા./હૅક્ટર પ્રમાણે ઉપયોગ કરવાથી લીલી ઈયળ તેમજ શીંગ માખી સામે રક્ષણ મેળવી શકાય. લીલી ઈયળ માટે કડવા લીમડાની લીંબોળીના મીંજ ૫૦૦ ગ્રામ અથવા ૧ કિગ્રા પાનનો કસ કાઢી ૧૦ લીટર પાણીમાં ઉમેરી વહેલી સવારે અથવા સાંજના સમયે છંટકાવ કરવો.

ચણા: લીલી ઈયળના નિયંત્રણ માટે ફેરોમેન ટ્રૅપનો ઉપયોગ કરેલ હોય તો લીલી ઈયળનાં નર ફુદ્દાને આકર્ષતી લ્યુર્સ ૨૧ દિવસે અવશ્ય બદલવી. એક હેકટરે ૪૦ ફેરોમેન ટ્રૅપની ભલામણ કરેલ છે.  કિવનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિલી દવા ૧૦ લીટર પાણીમાં ૫૦% ફૂલ અવસ્થાએ છાંટવાથી લીલી ઈયળનું અર્થક્ષમ નિયંત્રણ મળે છે. બિનપિયત પાકમાં પાણીની અછત હોય ત્યાં તુવેરમાં દર્શાવ્યા મુજબની ભુકારૂપ દવાનો છંટકાવ કરવો.

દિવેલા: ડોડવા કોરનારી ઈયળનો ઉપદ્રવ જણાય તો ડાયક્લોરોવોસ ૭૬ ઈસી ૭‌‌‌‌‌ મિલી અથવા કાર્બારિલ ૫૦ ટકા વેપા ૪૦ ગ્રામ અથવા ક્લોરપાયરિફોસ ૨૦ ઈસી ૨૦ મિલી અથવા પ્રોફેનોફોસ ૪૦% + સાયપરમેથ્રિન ૪% (૪૪ ઇસી) ૧૫ મિલી ૧૦ લીટર પાણીમાં ઉમેરીને ૧૫ દિવસના અંતરે જરૂરિયાત મુજબ છંટકાવ કરવો.

રાઇ-સરસવ: મોલોનો ઉપદ્રવ ૧.૫ સુચકઆંક (ઇંડેક્સ) કરતાં વધારે હોય તો મિથાઇલ- ઓ- ડીમેટોન ૨૫ ઈસી ૧૦ મિલી અથવા ડાયમિથોઓટ ૩૦ ઈસી ૧૦ મિલી ૧૦ લીટર પાણીમાં ભેળવી સાંજના સમયે છાંટવું કે જેથી રાઈમાં ફુલ અવસ્થાએ મધમાખીઓને દવાની ઝેરી અસર ઓછી થાય. મોલો-મશીના વધારે ઉપદ્રવ વખતે જંતુનાશક દવાની સાથે સ્ટીકર માટે સાબુનું પાણી ઉમેરવાથી વધુ સારા પરિણામ મેળવી શકાય.

જીરૂ/ધાણા/વરિયાળી: મોલો-મશી મસાલાનાં આ પાકોમાં પાન તથા ફૂલમાંથી રસ ચુસીને નુકસાન કરે છે. તેના નિયંત્રણ માટે લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામનાં (૫% દ્રાવણ) અથવા વર્ટીસેલિયમ લેકાની (૨ x ૧૦ સીએફ્યૂ/ગ્રામ) નામની ફુગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. વધુ ઉપદ્રવ હોય તો ડાયમીથોએટ ૩૦ ઈસી ૧૦ મિલી અથવા મિથાઇલ-ઓ-ડીમેટોન ૨૫ ઈસી ૧૦ મિલી ૧૦ લીટર પાણીમાં ઉમેરીને છંટકાવ કરવો. થ્રિપ્સનાં બચ્ચાં અને પુખ્ત પાન તથા ફુલ ઊપર ઘસરકા મારીને રસ ચુસી નુકસાન કરે છે. પરિણામે પાન સુકાઈ જાય છે. દાણાં ચીમળાયેલા જોવા મળે છે. ઉપદ્રવને ધ્યાનમાં રાખી એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ અથવા ટ્રાયઝોફોસ ૪૦ ઈસી ૧૦ મિલી અથવા મિથાઇલ-ઓ-ડીમેટોન ૨૫ ઇસી ૧૦ મિલી અથવા ડાયફેંથીયુરોન ૫૦ ડબલ્યૂપી ૧૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઉમેરીને છંટકાવ કરવો.

કોબીજ/ ફલાવર: હિરાફુદું, પાન ખાનરી ઈયળ અને લીલી ઈયળનાં નિયંત્રણ માટે બેસીલસ થુરીન્ઝીન્સીસ ૧૦ ગ્રામ પાવડર અથવા લીમડાની લીંબોળીના મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫%  દ્રાવણ) ૧૦ લીટર પાણીમાં ભેળવી છાંટવુ. વધુ ઉપદ્રવ વખતે ડાયક્લોરવોસ ૭૬ ઈસી ૭ મિલી અથવા કિવનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિલી અથવા મેલાથીઓન ૫૦ ઈસી ૧૦ મિલી અથવા ફેનવેલરેટ ૨૦ ઇસી ૫ મિલી અથવા મિથોમાઇલ ૪૦ એસપી ૧૦ મિલી ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જે તે જીવાતનાં ફેરોમોન ટ્રૅપ હૅક્ટર દીઠ ૪૦ ની સંખ્યામાં ગોઠવવા અને દર ૨૧ દિવસે તેની લ્યુર બદલવી. મોલોના ઉપદ્રવની શરૂઆતમાં લીંબોળીના ૫% નું દ્રાવણનો છંટકાવા કરવો. વધુ ઉપદ્રવ જણાય તો મિથાઈલ- ઓ- ડિમેટોન ૨૫ ઈસી ૧૦ મિલી અથવા ટ્રાઈઝોફોસ ૪૦ ઈસી ૧૦ મિલી અથવા એસીફેટ ૫૦ વેપા ૧૦ ગ્રામ અથવા પ્રોફેનોફોસ ૫૦ ઈસી ૨૦ મિલી અથવા ડાયમીથોએટ ૩૦ ઈસી ૧૦ મિલી ૧૦ લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.

રીંગણ: રીંગણની ડૂંખ અને ફળ કોરનારી ઈયળનો ઉપદ્રવ જણાય તો ઈયળોથી નુકસાનગ્રસ્ત ડૂંખ અને ફળ વીણી લઈ જમીનમાં ઊંડે દાટીને નાશ કરવો. તેમજ જરૂરિયાત મુજબ કાર્બારીલ ૫ ટકા વેપા ૪૦ ગ્રામ અથવા ડાયક્લોરવોસ ૭૬ ઈસી ૧૦ મિલી ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા વધુ ઉપદ્રવ જણાય ત્યારે ડાયક્લોરોવોસ ૭૬ ઈસી ૭ મિલી અથવા ફેનિટ્રોથીયોન ૫૦ ઈસી ૧૦ મિલી અથવા (ડેલ્ટામેથ્રીન ૧% + ટ્રાયઝોફોસ ૩૫% સ્પાર્ક ૩૬ ઇસી) ૧૦ મિલી ૧૦ લીટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. હૅક્ટર દીઠ ૪૦ ફેરોમોન ટ્રૅપ ગોઠવવા અને દર ૩૦ દિવસે લ્યુર બદલવી. રીંગણનો લઘુપર્ણ રોગ લીલા તડતડીયા દ્વારા ફેલાય છે. તેના નિયંત્રણ માટે થાયામેથોક્ષામ ૨૫ ડબલ્યુજી ૫ ગ્રામ મિથાઈલ-ઓ-ડીમેટોન ૨૫ ઈસી ૧૦ મિલી દવા ૧૦ લીટર પાણીમાં ભેળવીને છાંટવી. નવા પાકની ફેરરોપણી અગાઉ ધરુના મૂળને ઈમિડાક્લોરીપ્રીડ ૧૭.૮ એસએલ ૧૦ મિલી ૧૦ લીટર પાણીના દ્રાવણમાં એક કલાક બોળીને વાવવાથી તડતડીયાના ઉપદ્રવ કાબુમાં રહે છે.

ટામેટી: લીલી ઈયળનો ઉપદ્રવ જણાય ત્યારે કાર્બારિલ ૫૦% વેપા ૪ ગ્રામ અથવા સાયપરમેથ્રિન  ૨૫% ઈસી ૩.૬ મિલી અથવા નોવાલ્યુરોન ૧૦ ઈસી ૧૦ મિલી અથવા સ્પીનોસાડ ૪૫ એસસી ૩ મિલી દવા અથવા પ્રોફેનોફોસ ૪૦% + સાયપરમેથ્રીન ૪%  (૪૪ ઈસી) ૧૦ મિલી અથવા ઇંડોક્ઝાકાર્બ ૧૫.૮ ઈસી ૧૦ મિલી અથવા કિવનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિલી ૧૦ લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવાથી તેનુ  અસરકારક નિયંત્રણ મેળવી શકાય.

મરચી: થ્રિપ્સના નિયંત્રણ માટે ટ્રાયઝોફોસ ૪૦ ઈસી ૧૦ મિલી અથવા ઈમિડાક્લોપ્રિડ ૧૭.૮ એસેએલ ૧૦ મિલી અથવા એસીફેટ ૫૦  વેપા ૧૦ ગ્રામ અથવા ડાયફેન્થીયુરોન ૫૦ ડબ્લ્યૂપી ૧૦ ગ્રામ દવા પાણીમાં મિશ્ર કરી ૧૦ થી ૧૫ દિવસના સમયગાળે વારાફરતી છંટકાવ કરવો.

બટાટા: બટાટાની પાન ખાનાર ઇયળનો ઉપદ્રવ જણાય તો કલોરપાયરીફોસ ૨૦ ઈસી ર૦ મિલી અથવા કિવનાલફોસ ૨૫ ઈસી ર૦ મિલી ૧૦ લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. મોલો, તડતડીયા અને સફેદ માખી જેવી ચૂસિયાં જીવાતોનો ઉપદ્રવ કાબુમાં લેવા માટે લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. વધુ ઉપદ્રવ હોય તો ડાયમીથોએટ ૩૦ ઈસી અથવા મિથાઇલ-ઓ-ડીમેટોન ૨૫ ઈસી ૧૦ મિલી અથવા એસીટામીપ્રીડ ૨૦ એસપી ૪ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી જરૂરિયાત મુજબ છંટકાવ કરવો.

ડુંગળી-લસણ: થ્રિપ્સનાં નિયંત્રણ માટે ડાયમિથોએટ ૩૦ ઈસી ૧૦ મિલી અથવા સ્પીનોસાડ ૪૫ એસસી ર મિલી અથવા કલોરફેનાપાયર ૧૦ ઈસી ૭.૫ મિલી અથવા ફીપ્રોનીલ ૫ એસસી ૧૪ મિલી અથવા ક્વિનાલફોસ ૨૫ ઈસી ર૦ મિલી ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. પાકમાં સમયાંતરે પિયત આપતા રહેવુ પરિણામે જમીનમાં રહેલા કોશેટાનો નાશ થાય. બે પિયત વચ્ચે લાંબો ગાળો ના રહે તેની કાળજી રાખવી.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More