નાગલીનાં પાકમાં મુખ્યત્વે ગુલાબી અને સફેદ ગાભમારો, લાલ કાતરા, ભુખરા જીવડાં, પાન વાળનારી 'ઈયળ, થડ કાપનાર ઈયળ અથવા જુથી ઇયળ, કણસલાની ઇયળો, મોલો, પાન કથીરી, લીલા યુસિયા અને ગંધી ચુસિયા જીવાતનો ઉપદ્રવ જોવા મળે છે.તેના ઉપર નિયંત્રણ મેળવા માટે તમારે વૈજ્ઞાનિક રીતે ચાલવું પડે. જો કે આ નીચે આપેલ માહિતી મુજબ છે.
નાગલીની જીવાતોનું સંકલિત નિયંત્રણ
અ. કર્ષણ નિયંત્રણ :
૧. ખેતરની સ્વચ્છતા : ખેતરની સ્વરછતા અને પાકનાજૂના અવશેષો અથવાજડિયાને ખેડી બહાર કાઢી બાળીને નાશ કરવાથી ગાભમારાનાંજીવનચક્રને તોડી શકાય છે અને તેનો ઉપદ્રવ નવા પાકમાં ઘટાડી શકાય છે.
૨. ખેડ :પાકની વાવણી પહેલાં અને પાકની કાપણી બાદ ખેડ કરવાથી જમીનમાં સુષુપ્ત અવસ્થામાં રહેલ જીવાતોની વિવિધ અવસ્થાઓ સૂર્યપ્રકાશમાં ખુલ્લી થશે અથવા પક્ષીઓ દ્વારા નાશ પામશે. ઊંડીખેડ કરીને લાલ કાતરા અને તીતીઘોડાના વ્યવસ્થાપન માટે ખૂબ જ ઉપયોગી છે.
૩.આંતરપાક: નાગલી સાથે રાયડો અને ખરસાણી ૧૫ અથવા ૪:૨:૪ ના પ્રમાણમાં આંતર પાક તરીકે લેવાથી જીવાતની કુદરતી દુશ્મનોનું ખેતરમાં સંરક્ષણ થશે અને જીવાતોનો ઉપદ્રવ કાબૂમાં રહેશે. નાગલીની ફરતે ચોળી, તલ, મગ જેવા પિંજર પાકો વાવવાથી કાતરાનું મુખ્ય પાક નાગલીમાં નુકસાન ઘટાડી શકાય છે.
૪. નિંદામણ: યોગ્ય રીતે અને સમયસર નીંદણ નિયંત્રણ પાકને જુથી ઇયળ કે લશ્કરી ઇયળનાં ઉપદ્રવથી બચાવશે.નિંદામણો કેટલીક જીવાતો માટે સંતાવા અને ઈંડા મુકવા માટેનુ સ્થાન સાબિત થાય છે.
બ. યાંત્રિક નિયંત્રણ :લાલ કાતરા અને અન્ય જીવાતોના ઈંડાના સમૂહને હાથથી વીણી નાશ કરવો. મોલોથી ઉપદ્રવિત છોડને મૂળ સહિત ઉખેડી નાશ કરવો. કણસલાનીચુસિયા અને અન્ય જીવાતોને કેરોસીનવાળા પાણીમાં ખંખેરી નાશ કરી શકાય. પાન વાળનાર ઈયળથી વળી ગયેલા પાનને હાથથી તોડી નાશ કરવો.
ક. ભૌતિક નિયંત્રણ: પ્રકાશ પિંજર મૂકવાથી ગાભમારાની તેમજ લાલ કાતરાના ફૂદાને આકર્ષીને નિયંત્રિત કરી શકાય છે.
ખ. જીવાત પ્રતિકારક જાતોનો ઉપયોગ : જુદા જુદા સંશોધન કેન્દ્રો પર સંશોધિત અને સુધારેલ જીવાત પ્રતિકારક જાતોના ઉપયોગથી જીવાતનો ઉપદ્રવ ઓછો રાખી શકાય છે.
ગ. રાસાયણિક નિયંત્રણ : નાગલીના મુખ્યત્વે વરસાદ આધારિત વિસ્તારમાં વાવેતર થતું હોય છે. અને જીવાતનો ઉપદ્રવ વધુ ન આવતો હોય તો સામાન્ય રીતે જંતુનાશક દવાનાં છંટકાવની જરૂરિયાત રહેતી નથી તેમ છતાં ઉપદ્રવ વધુ હોય તો જ રાસાયણિક જંતુનાશકોનો છંટકાવ કરવો. કેન્દ્રિય જંતુનાશક બોર્ડ (સેન્ટ્રલ ઈન્સેક્ટીસાઈડ બોર્ડ) દ્વારા નાગલીમાં કોઈ પણ દવાની નોંધણી ન થઈ હોવાથી અન્ય પાકમાં ભલામણ થયેલ જે તે જીવાત માટેની જંતુનાશક દવાનો ઉપયોગ કરવો.
૧. ગાભમારાની ઈયળના નિયંત્રણ માટે ધરૂવાડિયામાં બીજ નાખ્યા બાદ ૧૫ દિવસે ૧૦ ગુંઠા વિસ્તારમાં૧ કિલોગ્રામ ફર્ટેરા(ક્લોરેન્ટ્રાનીલીપ્રોલ)દાણાદાર દવા આપવી. (૧૦ મીટરનાં ક્યારામાં ૧૦૦ ગ્રામ દવા વાપરવી).
૨. જુથી ઈચળનાં તથા લાલ કાતરાનાં નિયંત્રણ માટે ઝેરી ખાજ બનાવી ઉપયોગ કરવો જેમાં ૧૦ કિલોગ્રામ ડાંગરની કુસકી લઈ તેમાં ૧ કિગ્રા. ગોળ લઈ અને થોડું પાણી લઈ મિશ્રણ બનાવો. આ મિશ્રણને ૨૪ કલાક રહેવા દો. ૨૪ કલાક બાદ તેમાં ક્વિનાલફોસ જંતુનાશક ઉમેરી એક એકર વિસ્તારમાં છંટકાવ કરવો.
૩. મોલોનો ઉપદ્રવ વધુ હોય તો ડાયમિથોએટ ૧.૭ મિ.લિ. પ્રતિ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
૪. લાલ કાતરા, તીતીઘોડા તથા ભુખરા જીવડાનો વધુ ઉપદ્રવ હોય તો જ નિયંત્રણ માટે પાકની શરૂઆતની અવસ્થામાં ભૂકીરૂપ જંતુનાશકો છાંટી શકાય.
૫. ગંધી બગ કે પાન વાળનાર જીવાતનો વધુ ઉપદ્રવ હોય તો જ કાર્ટેપ હાઇડ્રોક્લોરાઇડ, ક્લોરપાયરીફોસ અથવા ક્વિનાલફોસનો છંટકાવ કરી શકાય.
રોગ નિયંત્રણ : વિવિધ કીટનાશકો તેમજ ફૂગનાશક દવાઓ, રાસાયણિક ખાતરો અને પાણીના અવૈજ્ઞાનિક વપરાશને કારણે નાગલી પાકમાં રોગનું પ્રમાણ વાતાવરણની અનુકૂળતા પ્રમાણે વત્તા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. ભારત દેશમાં નાગલી વાવતા વિસ્તારમાં ૨૫ જેટલા ફૂગથી થતાં રોગો, ૪ વિષાણુંઓથી, ૫ જીવાણુંઓથી અને ૬ કૃમિથી થતાં રોગો અત્યાર સુધી નોંધાયેલ છે. જેમાં કરમોડી (બ્લાસ્ટ), થડનો કોહવારો (ફૂટરોટ), આંજીયો (સ્મટ) અને ભૂખરા ટપકાં/બદામી ટપકાં મહત્વનાં રોગો છે. પણ ગુજરાતમાં નાગલી વાવતા વિસ્તારમાં કરમોડી અને થડનો કોહવારાનાં રોગો સવિશેષ પ્રમાણમાં જોવા મળતા હોય છે.
Share your comments