થ્રીપ્સ
થ્રીપ્સના વધુ ઉપદ્રવ વખતે ખીલ્યા વગરની કળીઓના છોડની બે થી ત્રણ ઈંચની ડાળી સાથે કાપી બાળીને નાશ કરવો. થ્રીપ્સનો ઉપદ્રવ જણાતા જ લીમડા આધારિત દવા 40 મિ. લિ. અથવા લીંબોળીનું તેલ 50 મિ. લિ. પ્રમાણે 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. આ કીટકના ઉપદ્રવની શરૂઆત થયેલ હોય ત્યારે લીંબોળીના મીંજનો ભૂકો 500 ગ્રામ (5 % અર્ક) 10 લિટર પાણીમાં ભેળવી તૈયાર કરેલ દ્રાવણનો છંટકાવ કરવો. રાસાયણિક નિયંત્રણ માટે ડાયમિથોએટ 30 ઇસી 18 મિ.લિ. દવા 10 લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.
ભીંગડાવાળી જીવાત (સ્કેલ)
આ જીવાતનો ઉપદ્રવ ચોક્કસ જગ્યાએ અમુક છોડ ઉપર જોવા મળતો હોવાથી સતત મોજણી કરી ઉપદ્રવિત છોડ પર જ દવા છાંટવી. વધારે પડતા ઉપદ્રવિત સુકાઈ ગયેલ ડાળા કે છોડ કાપી બાળીને નાશ કરવો. ડાયમિથોએટ 30 ઇસી 33 મિ. લિ.દવા 10 લિટર પાણીમાં મિશ્ર કરી થડ અને ડાળી બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો. આ ઉપરાંત વધુ ઉપદ્રવિત છોડના થડની આજુબાજુ જમીન ઉપર પણ દવાનો છંટકાવ કરવો.
ચીકટો (મીલીબગ)
વધુ ઉપદ્રવવાળી કળીઓ તથા ડાળીઓ કાપીને તેનો નાશ કરવો. જો આખો છોડ આ જીવાતથી ઉપદ્રવિત થઇ ગયો હોય તો તેને ઉપાડી લઇ જમીનમાં દાટી કે બાળીને નાશ કરવો. મીલીબગ શેઢા પાળા ઉપર ઉગી નીકળેલ નીંદણ તથાં અન્ય વનસ્પતિ ઉપર નભતી હોવાથી આવા નીંદણનો નાશ કરવો.
લીલી ઈયળ
મોટી ઇયળોને સવાર અથવા સાંજના સમયે હાથથી વીણીને કેરોસીન વાળા પાણીમાં ડુબાડી નાશ કરવો. પીળા રંગના ફૂલવાળા હજારીગોટા પિંજરપાક તરીકે પાકની ફરતે વાવેતર કરવાથી લીલી ઈયળની માદા હજારી ગોટાના ફૂલ અને કળી ઉપર ઈંડા મૂકવાનું પસંદ કરે છે. આવા ફૂલોને ઈંડા સહીત તોડી લેવાથી આ ઇયળનો ઉપદ્રવ ઘટાડી શકાય છે. ખેતરમાં “T”આકારના લાકડીના ટેકા મુકવાથી ખેતરમાં પરભક્ષી પક્ષીઓ બેસે છે અને ઇયળને ખાઈને તેના ઉપદ્રવને કાબુમાં રાખે છે. બેસીલસ થુરીન્ઝીન્સીસ નામનાં જીવાણુંનો પાવડર 15 ગ્રામ 10 લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવાથી આ જીવાતનો ઉપદ્રવ કાબુમાં રાખી શકાય છે.
લીંમડા આધારિત દવા (એઝાડીરેકટીન 1500 પીપીએમ) 40 મિ. લિ. દવા અથવા લીંબોળીના મીંજનો ભૂકો 500 ગ્રામ (5 % અર્ક) 10 લિટર પાણીમાં ભેળવી તૈયાર કરેલ દ્રાવણનો છંટકાવ કરવાથી માદા ફૂદી ઈંડા મુકતી અટકે છે અને સાથે સાથે લીલી ઈયળનાં કુદરતી દુશ્મનોની વસ્તીને કોઈ નુકશાન થતું નથી. લીલી ઇયળનું ન્યુક્લિયર પોલી હેડ્રોસીસ વાયરસ એન.પી.વી. 450 ઈયળ આંક પ્રતિ હેક્ટર મુજબ સાંજના સમયે છાંટવાથી પણ નિયંત્રણ મળે છે.
ઉધઈ
ઉધઈનો ઉપદ્રવ ઘટાડવા અગાઉના પાકના અવશેષોનો નાશ કરવો. જમીનમાં સારું કોહવાયેલુ છાણીયું ખાતર નાખવું. ખાતર તરીકે દિવેલી, લીંબોળી કે કરંજના ખોળનો ઉપયોગ કરવો. પાણી આપવામાં ઢીલ કરવી નહિ.
કથીર
કીટક સિવાયની નુકસાન કરતી જીવાતોમાં પાન કથીરી એ નોંધપાત્ર નુકસાન કરે છે. જેથી ખેડૂતોને આર્થિક રીતે ઘણું બધું નુકસાન થાય છે. પુખ્ત કથીરી લાલ રંગની તથા ચાર જોડ પગ ધરાવે છે. જયારે બચ્ચા પીળા કે નારંગી રંગના અને ત્રણ જોડ પગ ધરાવે છે. આ જીવાતના બચ્ચા અને પુખ્ત પાનની નીચેની સપાટીએ જાળા બનાવી તેમાં રહી રસ ચૂસે છે. પાન પર પીળાશ પડતા ધાબા દેખાય છે. વધુ ઉપદ્રવ હોય તો પાન પીળા પડી છેવટે સુકાઈને ખરી પડે છે.
આવા ઉપદ્રવિત પાન ઉપર સફેદ રૂંવાટી જેવું દેખાય છે. આ ઉપરાંત કળી તથા ફૂલ ઉપર રસ ચૂસીને નુકસાન કરે છે. જેથી ફૂલની ગુણવતા બગડે છે જેથી સારા બજાર ભાવ મળતા નથી. એબામેક્ટીન૧.૯ ઇસી ૨મિ.લિ.અથવા ફ્લુફેનોકઝુરોન૧૦ ડીસી ૧૦ ગ્રામ અથવા મિલ્બેમેક્ટીન ૧ ઈ. સી. ૫મિ.લિ.પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવાથી પાન કથીરીનુંનિયંત્રણ કરી શકાય છે.
કાળી માખી
કાળી માખી પાનની નીચેની સપાટીએ રહી રસ ચૂસીને નુકસાન કરે છે આ જીવાતના વ્યવસ્થાપન માટે હંમેશા ભલામણ કર્યા અનુસાર જ છોડનું વાવેતર કરવું જોઈએ. નીતાર શક્તિ વાળી જમીન પસંદ કરવી જોઈએ. છોડ ઉપર ક્રાયાસોપર્લાની પ્રથમ અવસ્થાની ઈયળો છોડવી. ઉપદ્રવની શરૂઆતમાં લીમડા આધારિત દવા ૪૦ મિ.લિ. અથવા લીમડાનું તેલ ૫૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવાથી આ જીવાતનુંનિયંત્રણ કરી શકાય છે.
Share your comments