ફળોના પાકોમાં ૫પૈયા(papaya) એક અગત્યનો ટૂંકાગાળાનો રોકડીયો પાક છે. ગુજરાત રાજયમાં ૫પૈયાનું વાવેતર ડાંગ જિલ્લા સિવાય રાજયનાં જિલ્લાઓમાં ઓછા - વત્તા પ્રમાણમાં થાય છે.
પપૈયાની વૈજ્ઞાનિક ખેતી કરવી ખૂબ જ સરળ છે, પોષક આહારની દ્રષ્ટિએ પાકા ૫પૈયા પાચક, રેચક, પિત્તનાશક અને પોષણક્ષ્મ ગણાય છે. પપૈયામાં વિટામીન ”A” સારા પ્રમાણમાં હોય છે. તેમજ વિટામીન ”C” અને વીટામીન B1 અને B2 તથા ક્ષારોનું પ્રમાણ સારૂ છે. તો આવો જોઈએ કે પપૈયાની વૈજ્ઞાનિક ખેતી માટે શું શું જરૂરી છે, અને તેની ખેતી કેવી રીતે કરી શકાય છે.
જમીન અને હવામાન
પપૈયાના પાક માટે સારા નિતારવાળી ભરભરી અને વધારે સેન્દ્રિય તત્વવાળી જમીન ઉત્તમ ગણાય છે. ગોરાડુ, બેસર અને મધ્યમ કાળી જમીનમાં પપૈયા સારા થાય છે. પપૈયાનો પાક ઉષ્કણકટિબંધના ગરમ અને ભેજવાળા હવામાનમાં સારી રીતે ઉગાડી શકાય છે. સરેરાશ વરસાદ અને સુકા હવામાનમાં ફળ મીઠા થાય છે. વધુ પડતી ઠંડી અને વધુ વરસાદ પપૈયાનો પાક સહન કરી શકતો નથી.
અગત્યની જાતો
મધુબિંદુ :
ગુજરાતમાં વાવણી કરવામાં આવતી આ જાતના બીજમાં નરછોડ નીકળવાનું પ્રમાણ ઓછું હોય છે. ફળ મીઠાં અને સ્વાદિષ્ટ હોય છે.
કુર્ગ હનીડયુ :
મધુબિંદુ જાતમાંથી કુદરતી રીતે કુર્ગ ખાતેથી મળી આવેલ ઉત્તમ છોડમાંથી વિકસાવેલ આ જાત છે. આ ફળ લંબગોળ, ફળનો માવો દળદાર, સુગંધવાળો અને ફળ સ્વાદમાં મીઠાં હોય છે.
વોશિંગ્ટન:
આ જાતના છોડ પ્રમાણમાં ઉંચા થાય છે. પાનની દાંડી જાંબુડીયા રંગના તેમજ પ્રકાંડ ઉપર જાંબુડીયા રંગની રીંગો હોય છે, જે આ જાતની વિશેષતા છે. ફળ ગોળથી લંબગોળ, મધ્યમ કદથી મોટા કદના, મીઠાશવાળા સ્વાદિષ્ટ હોય છે. ફળ લગભગ ર કિલો વજનનું થાય છે.
સી.ઓ-ર:
નીચાથી મધ્યમ ઉંચાઈના વધુ ઉત્પાદન આપતી આ જાતમાં નર છોડનું પ્રમાણ બીજી જાતોની સરખામણીમાં ઓછું છે. છોડની ઉંચાઈ ઓછી, ફળ મોટાં, લંબગોળ તથા સ્વાદમાં મધુર, છોડ દીઠ ફળની સંખ્યા ઓછી હોય છે.
પુસા ડેલીસીયલ:
આ જાતના છોડ મજબુત જુસ્સાદાર અને મધ્યમ ઉંચાઈના થાય છે. ઉત્પાદનમાં અને ગુણવત્તામાં ચઢિયાતી છે. આ જાતમાં માદા અને ઉભયલીંગી છોડ હોવાથી ઉત્પાદન શકિત ૧૦૦ ટકા ગણી શકાય. આ જાતમાં બીજનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે.
આ ઉપરાંત પપૈયાની અન્ય સારી જાતમાં પુસા જાયન્ટ,પુસા ડવાર્ફ, સનરાઈઝ સોલો, રાંચી, પપૈયા પંત–1,2 અને 3 નો સમાવેશ થાય છે. ખેડૂતો મોટે ભાગે રેડ લેડી–786 જે તાઈવાન નામથી જાણીતી છે તે જાતની ખેતી કરે છે. આ જાતમાં બધા છોડ ઉભયલિંગી હોવાથી બધા જ છોડમાં ઉત્પાદન મળે છે. ફળ મધ્યમ મોટા, માવો નારંગી લાલ રંગની અને મીઠો હોય છે. આ જાતના છોડ વધુ પડતા ભેજ કે વરસાદ પ્રત્યે સંવેદનશીલ હોય છે. ઉત્પાદનશકિત સારી છે. પપૈયા લગભગ 30-45 સેમી ઉંચાઈએથી બેસવાના શરૂ થાય છે. માર્કેટને ધ્યાનમાં રાખી પપૈયાની જાતની પસંદગી કરવી જોઈએ.
ધરૂ તૈયાર કરવાની રીત :
એક હેકટર માટે 300 થી 400 ગ્રામ બીજ પૂરતું છે. ધરૂ ઉછેર ગાદી કયારા અથવા 10×15 સે.મી. 150 ગેજની પ્લાસ્ટીક બેગમાં કરી શકાય. ધરૂ ઉછેર માટે 3 મીટર લાંબા અને 1.2 મીટર પહોળા, 15 સે.મી. ઉંચા ગાદી કયારા તૈયાર કરવા. આ કયારામાં ચોમાસાની શરૂઆતમાં બે હાર વચ્ચે 15 સે.મી. અંતરે બીજ વાવી દેવા. બીજ વાવ્યા બાદ માટી અને છાણિયા ખાતરના મિશ્રણ વડે પૂરી દઈને તરત જ ઝારા વડે પાણી આપવું. બીજ 15 થી 20 દિવસ બાદ ઉગી જાય છે. વાવવા માટે તાંજા બીજ વાપરવા અંદાજે 4 થી 6 પાન ધરાવતું અને 20 સે.મી.ઉંચું અને 6 અઠવાડિયાની ઉંમરવાળા છોડ ખેતરમાં રોપવા લાયક ગણાય છે. પ્લાસ્ટિકની કોથળીમાં બીજ ઉગાડવાથી દૂરના અંતરે છોડ લઈ જવા માટે ઘણી સરળતા રહે છે.
રોપણી અને રોપણી અંતર :
જમીનને ખેડી, સમાર મારી, જમીન સમતલ કરી, 2.5 × 2.5 મીટરના અંતરે 1 × 1 × 1 ફૂટ માપના ખાડા બનાવી, ખાડા દીઠ 10 કિલો છાણીયુ ખાતર તેમજ 10 ગ્રામ ફયુરાડાન નાખી, 2 થી 3 પપૈયાના છોડ રોપવા. જયારે 3 થી 4 મહિને ફૂલ આવે ત્યારે ખાડા દીઠ એક માદા છોડ રાખી બાકીના છોડ કાઢી નાખવા. આ ઉપરાંત અંદાજે 10 ટકા નર છોડ એટલે કે અંદાજે 50 છોડ ખેતરમાં છુટા છવાયા રાખવા.
પપૈયાનો પાક ખૂબજ સંવેદનશીલ છે જેથી એ ખૂબ જ કાળજી માંગી લે છે. આ પાકમાં જો ગાદીકયારા પર મલ્ચીંગ પ્લાસ્ટિકનો આવરણ તરીકે ઉપયોગ કરી વાવેતર કરવામાં આવે તો ખૂબ જ સારો પરિણામ મળે છે. આ માટે ર.૪ × ૧.પ મીટરે વાવેતર કરવું. જેના માટે ૩ ફુટના ગાદી કયારા બનાવવા અને તેની ઉપર ૧.ર મીટરનું પ્લાસ્ટિક મલ્ચ પાથરવું. જેમાં ૧.પ મીટરના અંતરે ગોળ કાણા પાડી તેમાં પપૈયાના છોડ રોપવા. મલ્ચીંગનું આવરણ કરતા પહેલા ડ્રીપ સીસ્ટમ ફીટ કરી લેવી જેથી પાણી આપવામાં સરળતા રહે.
પપૈયાના છોડની રોપણી કરતા પહેલા ખાડામાં છાણિયું ખાતર અથવા કોઈ પણ સેન્દ્રિય ખાતર નાંખવું. પપૈયાના છોડમાં ખાતર એક મહિના પછી આપવાનું થાય છે. માટે શરૂઆતમાં છેાડને પોષણ આપવા માટે જૈવિક ખાતર (એઝેટોબેકટર, ફોસ્ફેટ સોલ્યુબીલાઈઝીંગ બેકટેરીયા, પોટાશ સોલ્યુબીલાઈઝીંગ બેકટેરીયા) નો ઉપયોગ કરવો. જેનું પ્રમાણ છોડ દીઠ ૧૦ ગ્રામ અથવા ભલામણ પ્રમાણે ઉપયોગ કરવાથી શરૂઆતમાં છોડને પોષણ મળી શકે.
ખાતર
૫પૈયાને છોડદીઠ રોપણી સમયે 10 કિલોગ્રામ છાણીયુ ખાતર આપવું, 200 ગ્રામ નાઈટ્રોજન, 200 ગ્રામ ફોસ્ફરસ અને 250 ગ્રામ પોટાશ ચાર સરખાં અઠવાડિયામાં આપવા. પ્રથમ હપ્તો રોપણી બાદ બીજા માસે, બીજો હપ્તો ચોથા માસે, ત્રીજો હપ્તો છઠા માસે અને ચોથો હપ્તો આઠમા માસે આપવો. ખાતરો આપ્યા બાદ હળવો ગોડ કરવો.
જીવાત નિયંત્રણ
આ જીવાતોના નિયંત્રણ માટે 10 લીટર પાણીમાં 5 મી.લી. ફોસેફામીડોન અથવા 10 મી.લી.ડાયમી થોએટ દવા મિશ્ર કરી છંટકાવ કરવો.
ઉત્પાદન
ફેર રોપણી પછી દસ મહિના બાદ ૫પૈયાના ફળ ઉતરવાની શરૂઆત થાય છે. ફળનો રંગ ઘેરા લીલામાંથી બદલાઈને આછો પીળો થાય તેમજ ફળ ઉપર નખ મારવાથી દૂધના બદલે પાણી જેવું પ્રવાહી નીકળે છે ત્યારે ફળ ઉતારવા લાયક ગણાય. સામાન્ય રીતે ૫પૈયાના ફળોનું ઉત્પાદન જમીનની ફળદ્રુપતા, માવજત અને ૫પૈયાની જાત ઉપર આધાર રાખે છે. સારી માવજતવાળો ૫પૈયાનો એક છોડ અંદાજે 40 થી 50 કિલો ફળ આપે છે.
આ પણ વાંચો : વરસાદના પાણીથી પપૈયાનો પાકનો નાશ, સાવચેતેના ભાગ રૂપે ભરો આટલા પગલા
આ પણ વાંચો : ભારતની વર્ષ 2013ની તુલનામાં અજમાની નિકાસમાં 158 ટકાનો વધારો નોંધાયો
Share your comments