ભારતીય શાસ્ત્રો માં પંચગવ્યનું મહાત્મ્ય વર્ણવાયુ છે. ખેતીમાં પણ પંચગવ્ય ઉપયોગી થાય છે. અહીં તેની બનાવટ, ઉપયોગીતા અને ફાયદા વિશે જાણીએ...
સંસ્કૃત શબ્દ પંચગવ્યનો અર્થ "ગાયના પાંચ ઘટકોનું મિશ્રણ" છે. તેનો ઉપયોગ સમગ્ર ઇતિહાસમાં પરંપરાગત રીતે ભારતીય ધાર્મિક વિધિઓમાં અને આયુર્વેદિક દવાઓમાં પણ ઉપયોગ કરવામાં આવે છે.
દિવસે ને દિવસે વધતા જતા રાસાયણિક ખાતરોના વપરાશ ને લીધે જમીનના સ્વાસ્થ્ય પર ખુબ જ માઠી અસર થઈ છે. જમીનમા એસિડિક ક્ષારોનું પ્રમાણ વધી રહ્યુ છે. સૂક્ષ્મ તત્વોની ઉણપ સર્જાવા માંડી છે. આના લીધે રાસાયણિક ખાતરોનો લઘુતમ અને કુદરતી ખાતરો નો મહતમ ઉપયોગ કરવો જોઈએ. સેન્દ્રિય ખાતરો જમીનનું સ્વાસ્થ્ય અને ફ્ળદ્રુપતામાં વધારો થાય છે. જમીનના પીએચ આંકને તટસ્થ બનાવે છે. જમીન તથા વાતાવરણ માં થતાં પ્રદૂષણને અટકાવે છે. આવુ જ એક બહુ-ઉપયોગી કુદરતી ખાતર જેનુ નામ છે પંચગવ્ય જે સજીવ ખેતીમાં પોતાનુ આગવુ સ્થાન ધરાવે છે.
પંચગવ્ય બનાવવાની રીત
પંચગવ્યમાં મુખ્યત્વે પાંચ ઘટકો (ગાયનું છાણ, ગૌમૂત્ર, ગાયનું દૂધ, ગાયનું દહીં અને ગાયનું ઘી) હોય છે. પરંતુ અહીયા નવ ઘટકો જેવાકે ગાયનું છાણ, ગૌમૂત્ર, ગાયનું દૂધ, ગાયનું દહીં, ગાયનું ઘી, પાકેલા કેળા, નાળીયેરનું પાણી, શેરડીનો રસ અથવા ગોડ, અને પાણીનું યોગ્ય મિશ્રણ કરીને પંચગવ્ય બનાવાની રીત છે અને તેનો ઉપયોગ એક બળવાન જૈવિક જંતુનાશક, ખાતરો અને વૃદ્ધિ વર્ધક તરીકે થાય છે.
ગાયનું તાજુ છાણ - ૭ કિ.ગ્રા.
ગાયનું ઘી - ૧ કિ.ગ્રા.
ઉપરના આ બંને ઘટકો ને ૨૫ લીટર ની ક્ષમતા વાળા પીપમાં સારી રીતે મિશ્ર કરવુ. આ મિશ્રણ ત્રણ દિવસ માટે રાખી મુકવા અને તે માંથી મિથેન વાયુ દૂર કરવા મિશ્રણને વચ્ચે હલાવવું જરુરી છે.
ગૌમૂત્ર તાજુ- ૧૦ લીટર
પાણી - ૧૦ લીટર
ત્રણ દિવસ બાદ તૈયાર કરેલ મિશ્રણમાં ગૌમૂત્ર અને પાણી બંનેનું મિશ્રણ કરીને મિશ્રણને સવારે અને સાંજે દિવસમાં બે વાર હલાવવું અને ૧૫ દિવસ સુધી આથો લાવવા રાખી મૂકવુ. પ્લાસ્ટિકના પીપનું મોઢું સુતરાઉ પાતળા કાપડથી બાંધી તેને છાંયડાંમાં રાખવું.
ગાયનું દૂધ - ૩ લીટર
ગાય નું દહીં - ૨ લીટર
લીલા નાળીયેર નું પાણી - ૩ લીટર
શેરડીનો રસ - ૩ લીટર અથવા ગોળ (કેમિકલ વગરનો) - ૫૦૦ ગ્રામ
પાકેલાં કેળા – ૧૨ નંગ
ઓગણીસમા દિવસે ઉપરના આ પાંચ ઘટકોનું મિશ્રણ કરવુ. આ મિશ્રણને આથો લાવવા ૭ દિવસ સુધી મૂકી રાખવુ અને ઓક્સિજનની જરુર વાળા સૂક્ષ્મ જીવાણુ ઓની કામગીરીને મદદગાર થવા માટે મિશ્રણને સવારે અને સાંજે દિવસમાં બે વાર હલાવવું. ગોળ, લીલા નાળીયેર નું પાણી અને પાકા કેળા ફર્મેન્ટેશનની પ્રક્રિયાને વેગવંતી બનાવવામાં મદદરુપ થાય છે.
છવ્વીસમાં દિવસે આ મિશ્રણને સુતરાઉ કાપડની મદદથી ગાળી લેવું. આમ ૨૫ દિવસના અંતે પંચગવ્યનું (૨૦ લીટર) સ્ટોક સોલ્યુશન તૈયાર થય જાય છે. (ધ્યાનમાં રાખવા જેવી બાબતો- ભેંસ ઉત્પાદનના ઘટકો ભેળવવા નહી. ગાયની સ્થાનિક જાતિઓના ઉત્પાદના ઘટકો વિદેશી જાતિઓ કરતાં વધારે સામર્થ્ય ધરાવતા હોય છે).
પંચગવ્યના રાસાયણિક ગુણધર્મો દર્શાવે છે કે તેમાં લગભગ તમામ મુખ્ય તેમજસૂક્ષ્મ પોષક તત્વો અને વૃદ્ધિ અંતહસ્ત્રાવો (પાક વૃદ્ધિ માટે જરૂરી) ધરાવે છે. તે કાર્બનિક એસિડ, હાઇડ્રોજન પેરોક્સાઇડ અને એન્ટીબાયોટીક્સઉત્પન કરે છેજે તેના વૃદ્ધિ ઉપરાંત અન્ય રોગકારક સૂક્ષ્મજીવોના નાશ સામે અસરકારક છે કારણ કે વિવિધ લાભદાયી ચયાપચયની ક્રિયા ઉત્પન્ન કરે છે.
પંચગવ્ય ઉપયોગ કરવાની રીતો
૧. છંટકાવ ની રીત
સામાન્ય રીતે પંચગવ્યના ૩% પ્રમાણનો (100 લીટરપાણી માં ૩ લીટર પંચગવ્ય ઉમેરવું) છોડ ના પાંદડા પર છંટકાવ કરવો. બધા પાક માટે ત્રણ ટકાનું પ્રમાણ ઉપયોગી છે. પંદર લીટર ક્ષમતા વાળા પંપમાં 450 મીલી પંચગવ્ય/પંપ ની જરૂર પડે છે. બેટરીવાળા પંપમાં આ દ્રાવણનો ઉપયોગ ગળણીમાં ગાળીને કરવો અને હાથ સંચાલિત પંપમાં મોટા છિદ્રોવાળી નોઝલ નો ઉપયોગ કરવો.
૨. પિયત સાથે ઉપયોગ કરવાની રીત
પિયત સાથે પંચગવ્યનો ઉપયોગ કરવા માટે તેનું પ્રમાણ હેકટર દીઠ ૫૦ લીટર પંચગવ્ય ટપક પદ્ધતિથી અથવા ક્યારા પદ્ધતિથી પાણી સાથે મિશ્ર કરી ઉપયોગ કરવો.
૩. બીજમાવજત આપવી
પંચગવ્યના ત્રણ ટકાનું દ્રાવણ બનાવી તેમાં બીજ અથવા વાવેતર પહેલાં ધરુને ડુબાડવામાં આવે છે. તેને ૨૦ મિનિટ માટે ડુબાળી રાખવામા આવે છે. હળદર, આદુના ભૂપ્રકાંડ અને શેરડીની કાતરીઓ વાવેતર પહેલાં ૩૦ મિનિટ માટે ડુબાળવામાં આવે છે.
૪. બીજ સંગ્રહમાટે ઉપયોગ
લણણી કરેલા બીજને સૂકવણી પહેલા ૩% પંચગવ્યના દ્રાવણમાં ડૂબાળી ત્યાર બાદ તેનો સંગ્રહ કરવો.
પંચગવ્યનો ઉપયોગ કરવાનો સમયગાળો
- ફૂલ પહેલાનો તબક્કો : ૧૫ દિવસના ગાળે એવા બે છાંટકાવ, પાકના સમયગાળા પર આધાર રાખીને કરવાં.
- ફૂલ અને શીંગ બેસવા સમયે : ૧૦ દિવસમાં એક વાર એવા બે છંટકાવ કરવાં.
- ફળ/શીંગના પૂર્ણ વિકાસ તબક્કે : શીંગના પૂર્ણ વિકાસ દરમિયાન એક વખત છંટકાવ કરવો.
ફળ, ફૂલ અને શાકભાજી પાકો પર પંચગવ્યની લાભકારી અસરો
૧. કેરી
- માદા ફૂલોની સંખ્યા વધારે છે.
- અનિયમિત આદત અનુભવતું નથી અને નિયમિત ફળ આવવાનું ચાલુ રહે છે.
- ઓરડાના તાપમાને 12 દિવસ સુધી સાચવી રાખવાની ગુણવત્તા વધારે છે.
- લહેજત અને સુગંધ વધારે છે.
૨. લીંબુ
- વર્ષમાં સતત ફૂલો આવે છે.
- ફળો વધુ ભરાવદાર અને સુગંધિત બને છે.
- ફળની આયુષ્ય ૧૦ દિવસ લંબાવીશકાય છે.
૩. જામફળ
- ફળની ગુણવતા વધારે છે.
- ફળની આયુષ્ય ૫ દિવસ લંબાવીશકાય છે.
૪. કેળા
- ત્રણ ટકાનું દ્રાવણ પિયતના પાણી સાથે અથવા ફળની લૂમમાથી નર ભાગ (ડોડો) દુર કર્યા બાદ ઉપરના છેડેથી છંટકાવ કરવો જેથી ફળનું કદ એકસરખું બને.
૫. ફૂલ પાક
- ત્રણ ટકાનું દ્રાવણ પિયતના પાણી સાથે અથવા છંટકાવ કરવા થી ફૂલની ગુણવતા વધારે છે.
- ફૂલ વધુ ચળકતુ અને આકર્ષક બને છે.
- ફુલોનુ આયુષ્ય ૫ દિવસ લંબાવીશકાય છે.
૬. શાકભાજી પાક
- કાકડી જેવા શાકભાજીના ઉત્પાદનમાં ૧૮% થી વધુ વૃદ્ધિ થાય છે.
- ચળકતી અને આકર્ષક ત્વચા સાથે તંદુરસ્ત શાકભાજી થાય છે.
- આયુષ્ય લંબાવી શકાય છે.
- શાકભાજી વધુ સ્વાદિષ્ટ થાય છે.
વિવિધ પાકો માટે પંચગવ્યનો ઉપયોગ કરવાંનો સમય નીચે પ્રમાણે છે
ગુલાબ |
છાંટણી અને આંખ કલમ સમયે અને કલી આવવાના અને ખીલવાના સમયે |
મગફળી |
વાવણી પછીનાં ૨૫ અને ૩૦ માં દિવસે |
કપાસ |
ફૂલ આવે તે પેલ, ફૂલ આવવાના સમયે અને ફૂલ આવી ગયા પછી જીડંવા બનવાના સમયે |
ચોખા |
ધરુની ફેરબદલી પછીનાં ૧૦, ૧૫, ૩૦ અને ૫૦ માં દિવસે |
સૂર્યમુખી |
વાવણી પછીનાં ૩૦, ૪૫, અને ૬૦ માં દિવસે |
અદડ |
વરસાદ આધારિત : ફૂલ સમયે અને ફૂલ આવ્યાના ૧૫ દિવસ પછી પિયત આધારિત : વાવણી કર્યા પછીના ૧૫, ૨૫ અને ૪૦ દિવસ પછી |
મગ |
વાવણી પછીનાં ૧૫, ૨૫, ૩૦, ૪૦, અને ૫૦ માં દિવસે |
એરંડા |
વાવણી પછીનાં ૩૦, અને ૪૫ માં દિવસે |
ડુંગળી |
ધરુની ફેરબદલી પછીનાં ૦, ૪૫ અને ૬૦ માં દિવસે |
ભીંડા |
વાવણી પછીનાં ૩૦, ૪૫, ૬૦ અને ૭૫ માં દિવસે |
ટામેટો |
૧૨ કલાક માટે ૧% દ્રાવણમાં બીજ ને ડુબાળી રાખવા અને ધરુ ની ફેરબદલી પછી ૬૦ માં દિવસે |
પંચગવ્યની છોડ પર થતી અસરો
પાન (પર્ણ) : પંચગવ્યનો છંટકાવ કરવાથી પાન મોટા તથા પાનની સંખ્યામાં વધારો થાય છે જેને પગલે પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયામાં પણ વધારો થાય છે.
થડ : છોડની પ્રાથમિક ડાળી મજબૂત બને છે ને તેમાં થી દ્રિતિય તથા તૃતીય ડાળીઓ વિકાસ પામે છે. તેના ફળ સ્વરૂપે છોડ પર વધારે ફળ અને શીંગો ની સંખ્યા વધતા ઉત્પાદનમાં વધારો થાય છે.
મૂળ : પંચગવ્યના છંટકાવથી મૂળ મજબૂત બને છે અને વિકાસ સારો થાય છે. જમીનમાં મૂળ ઉંડે સુધી વિસ્તરે છે જે વધારે પ્રમાણમાં પોષક તત્વો નો ઉપયોગ કરે છે. કઠોળ વર્ગના પાકોમાં આને લીધે જમીનમાં નાઈટ્રોજનનું સ્થિરિકરણ વધે છે.
દુકાળ સહનશક્તિ : પંચગવ્યના છંટકાવથી છોડના પાન તથા થડ ઉપર પાતળુ તૈલી આવરણ થય જાય છે જેના કારણે બાષ્પીભવનની ક્રિયામાં ઘટાડો જોવા મળે છે અને પાણીનો વ્યય ઘટે છે. પાણીની અછતમાં પણ જમીનમાં ભેજ સચવાઈ રહે છે.
Share your comments