સમગ્ર વિશ્વમાં માનવ વસતી દિવસે ને દિવસે વધી રહી છે અને અગામી ૪૦ વર્ષોમાં ૭.૦ અબજથી ૯.૫ અબજ લોકો સુધી વસતી વિસ્તરણ થવાની આગાહી કરવામાં આવી રહી છે. એક અંદાજ પ્રમાણે આ વસતી વધારાને લીધે ખાદ્ય પાકો નું ઉત્પાદન બમણું કરવાની જરૂરિયાત ઊભી થશે, પરંતુ વર્તમાન પ્રણાલીની કૃષિ પદ્ધતિથી સ્પષ્ટ થાય છે કે અથાગ પ્રયત્નો કરવા છતાં પણ લગભગ ૧.૨ અબજ લોકો ભુખમરા થી મૃત્યુ પામશે. વધતી જતી વસતી અને મર્યાદિત ખેતી લાયક જમીનને લીધે ખાદ્ય પાકોનું ઉત્પાદન એ એક વાસ્ત્વિક પડકાર બની રહ્યો છે અને એ માટે હાઇડ્રોપૉનિક્સ પદ્ધતિ એ આધુનિક ખેતીનો શ્રેષ્ઠ વિકલ્પ છે.
ભારતીય ખેડૂતો માટે હાઇડ્રોપૉનિક્સ એ એક નવીન પ્ધ્ધતિ છે. આ ટેક્નોલૉજી વિકાસશીલ દેશો અને હાઇટેક સ્પેસ સ્ટેશનો માટે યોગ્ય છે. આ ટેક્નોલૉજીથી રણમાં, બિનફ્ળદ્રુપ જમીનોમાં, પર્વતીય વિસ્તારોમાં અને શહેરોમાં મકાનોની છત પર પણ અસરકારક રીતે ખેતી કરી શકાય છે. ગીચ વસતી વાળા વિસ્તારો કે જ્યાં જમીનની કિંમતમાં વધારાને લીધે પરંપરાગત ખેતી શક્ય નથી, ત્યાં પણ આ ટેક્નોલૉજી ઉપયોગી છે. હાઇડ્રોપૉનિક્સ એ સ્થાનિક રીતે ઉગાડવામાં આવતા ઉચ્ચ મૂલ્ય પાકો જેવા કે ટામેટા, કાકડી, મરી અને લીલા શાકભાજી માટે આદર્શ છે.
હાઇડ્રોપૉનિક્સ કૃષિ પદ્ધતિમાં પાણીની જગ્યાએ બીજા વિવિધ માધ્યમો પણ વાપરી શકાય છે, જેવા કે પરલાઇટ, કૉકોપિટ, વર્મીક્યુલાઇટ, રેતી, ગ્રેનાઇટનો ભૂકો, કાંકરી વગેરે. આ માધ્યમો છોડનાં મૂળની વૃદ્ધિ કરે અને એને પર્યાપ્ત ઑક્સિજન આપી ધોવાણ અટકાવે, એવા હોવા જોઇએ.
પોષક દ્રવ્યો
છોડની વૃદ્ધિ માટે આ 17 ઘટકો જરૂરી છે
૧) એવાં માઇક્રોન્યૂટ્રિયંટ્સ કે જે વધારે માત્રામાં જરૂરી છે. તેમાં કાર્બન, ઑક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ફૉસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ,મૅગ્નેશિયમ અને સલ્ફરનો સમાવેશ થાય છે.
૨) એવાં માઇક્રોન્યૂટ્રિયંટ્સ જે અલ્પમાત્રામાં જરૂરી છે કે જેમાં આયર્ન, બોરોન, ક્લોરીન, કૉપર, મૅંગેનીઝ, ઝિંક, મોલિબ્ડેનમ, કોબાલ્ટ, સોડિયમ અને નિકલનો સમાવેશ થાય છે.
આ દ્રાવણ બનાવવા માટેનું પાણી સારી ગુણવાત્તાવાળુ હોવું જરૂરી છે કે જેની વિદ્યુત વાહકતા ૨.૫ જેટલી હોય અને pH ૫.૫ થી ૬.૫ જેટલી હોય.
લાક્ષણિકતાઓ:
૧) હાઇડ્રોપૉનિક્સથી ઉત્પાદિત શાકભાજી ઉચ્ચ ગુણવત્તાની હોય છે અને ઉપજ ૩થી ૫ ગણી વધી જાય છે.
૨) જમીન તૈયાર કરવાની જરૂર નથી હોતી અને નિંદણ ની સમસ્યા નથી.
૩) નાના વિસ્તારમાં વધારે ઉત્પાદન લેવું શક્ય છે, કારણકે એમાં છોડની વૃદ્ધિ માટે શ્રેષ્ઠ વાતાવરણ આપવામાં આવે છે અને બધા પોષક તત્વો જે-તે સમયે ઉપલબ્ધ હોય છે.
૪) પાણીનો અસરકારક રીતે ઉપયોગ કરવામાં આવે છે કે જેથી જમીનનું પ્રદૂષણ ઘટે છે.
૫) હાઇડ્રોપૉનિક્સ વડે ઉગાડવામાં આવેલી વનસ્પતિઓ માટીમાંથી આવતા જંતુઓ અને રોગોના સંપર્કમાં આવતી નથી. આથી જંતુનાશકો અને ફૂગનાશકોનો ખર્ચ ૫૦થી ૮૦% ઘટી જાય છે.
૬) પોષક તત્વો છોડને સીધા મૂળમાં મળે છે. તેથી ધોવાણ કે બાષ્પીભવનના લીધે પાણીનો બગાડ પણ થતો નથી.
હાઇડ્રોપૉનિક્સ યુનિટ શરૂ કરવા ધ્યાનમાં રાખવાની બાબતો:
૧) પાણી એ સૌથી આગત્યની જરૂરિયાત છે. પાણીનો આવશ્યક જથ્થો અને ગુણવત્તા જળવાય એ જરૂરી છે.
૨) જે પાક ઉગાડવા માંગતા હોઇએ, એની બજારમાં માંગ જાણવી જરૂરી છે.
વિશ્વ ક્ષેત્રે હાઇડ્રોપૉનિક્સથી ઉત્પાદિત પાકની કિંમત વર્ષ ૨૦૨૨ સુધીમાં ૨૭.૨૯ બિલિયન ડૉલર વધવાની ધારણા છે. વધુ ઉત્પાદક્તા, ખર્ચ સામે વળતર અને સંરક્ષિત પર્યાવરણમાં ખેતી, એના લીધે હાઇડ્રોપૉનિક્સથી ઉત્પાદિત પાકનું બજાર વધારે છે.
Share your comments