Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

આંબામાં નવીનીકરણ કરવાની પદ્ધતિ, તેની ટેકનીકો અને આર્થિક અસર

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar

કેરીને 'બધા ફળોના રાજા' તરીકે ઓળખવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં ૧૦૦૦ થી વધુ અલગ અલગ કેરીની જાતો છે. કેરીએ ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં થતો પાક છે. કેરી ભારત દેશનું રાષ્ટ્રીય ફળ છે. આ ફળ ભારતના મોટાભાગનાં રાજ્યોમાં જોવા મળે છે. આ ફળ કાચું હોય ત્યારે સ્વાદમાં ખાટું લાગે છે, જ્યારે બરાબર પાકી જાય ત્યારે મધુર મીઠું લાગે છે કેરીના ફળમાં ઘણી બધી વિવિધતા છે જે વિવિધ હેતુઓ મુજબ ઉપયોગ કરી શકાય છે જેમ કે રસ, કેન્ડી, ચટની, અથાણાં, જામ, જેલી, તાજા ફળ, સૂકા ફળ વગેરેનું મૂલ્યવર્ધન કરી સારા એવા ભાવ મેળવી શકાય છે. કેરી એ ઓછી કેલરીવાળું ફળ છે જેમાં ફાઈબરનું પ્રમાણ વધારે જોવા મળે છે અને વિટામીન-એ અને વિટામીન-સી નું વધુ પ્રમાણમાં હોઈ છે. તેમાં વિટામીન બી-૬, આયર્ન અને થોડું કેલ્શિયમ, જસત અને વિટામીન-ઈ જેવા તત્વો પણ હોઈ છે.

નવીનીકરણએ કાપણીની પ્રક્રિયા છે અને ઝાડની કાપણી પછી વૃક્ષને ફરીથી ઉત્પાદન માટે સક્ષમ બનાવવા માટે મદદ કરે છે અને વધુ ઉત્પાદન મેળવવાની એક ટેકનીક છે. નવીનીકરણ પ્રક્રિયામાં રોગગ્રસ્ત અને મૃત શાખાઓ દૂર કરવામાં આવે છે. ત્યારબાદ બિનઉત્પાદક વૃક્ષોની અનિચ્છનીય શાખાઓ ઉપર નવીનીકરણ કરવામાં આવે છે. નવીનીકરણ કર્યાના બે થી ત્રણ વર્ષ પછી ફૂલ અને ફળની ઉપજ ધીમે ધીમે વધારો થાય છે.

ફિગ.૧. જૂના અને ઘેરાવો થયેલ આંબાના બગીચાઓ
ફિગ.૧. જૂના અને ઘેરાવો થયેલ આંબાના બગીચાઓ

નવીનીકરણના ઉદેશો

૧. ઉત્પાદકતા અને વૃક્ષની આર્થિક વયમાં વધારો કરવા માટે.

૨. ઓછી ઉપજ આપતી અને નીચી જાતોને ચઢિયાતી અને ઉચ્ચ ઉપજ આપતા વૃક્ષોમાં રૂપાંતરિત કરવા.

૩. ઝાડમાંથી આવક વધારવા.

૪. રોગો અને જંતુઓનો ઋતુચક્રને નાશ કરવા માટે

નવીનીકરણ કરવા માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો:-

૧. વૃક્ષની ઉંમર

૨. ઝાડની કાર્ય કરવાની ક્ષમતા

૩. વૃક્ષનું બંધારણ

૪. નવીનીકરણ કરવાનો સમય અને વૃક્ષની સખતાઈ

૫. નવીનીકરણની કર્યા પછીની કાળજી

આંબામાં નવીનીકરણ કરવાની પદ્ધતિ

નવીનીકરણની પ્રક્રિયા ઓકટોબર-નવેમ્બર માસમાં  કરવામાં આવે છે. ૪૦-૪૫ વર્ષના અથવા ફળ ન આપતા ઝાડ પસંદ કરવા અને ઝાડને જમીનથી લગભગ ૨-૩ મીટરની ઊંચાઇએ તેમજ ૩-૬ મુખ્ય ડાળીઓ પર ૩૦ સે.મી. રાખીને બાકીની શાખાઓને સારા ધારદાર સાધન વડે કાપી નાખવી. કાપેલ  ટોચ પર ગાયનું છાણ અથવા કોપર ઓક્સિક્લોરાઇડ પેસ્ટ (૧૫ લિટર પાણીમાં ૨ કિલો કોપર સલ્ફેટ ઓગળવું) અથવા ૨-૩ લિટર પાણીમાં ૩ કિલો કળીચૂનો ઉમેરી બનાવેલ મિશ્રણ કાપેલા ભાગ પર લગાવું. માર્ચ-એપ્રિલ દરમિયાન, કાપી નાખેલી શાખાઓના કપાયેલા ભાગો આસપાસ સંખ્યાબંધ નવી કુંપળ ઉગી નીકશે. તેમાંથી માત્ર ૬ થી ૮ તંદુરસ્ત અને બહાર નીકળતી કુંપળો યોગ્ય અંતરે રાખી અને બાકીની કુંપળને ધીમેથી કટ આપીને દૂર કરી સ્વચ્છ કરવી જેથી કરીને ફૂગ ન લાગે. આ પ્રકિયા ૫-૬ અઠવાડિયા સુધી કરવી આથી પસંદ કરેલ કુંપળો ખૂબ જ ઝડપથી વિકસે અને સારો એવો ઘેરાવો થાય છે. નવીનીકરણ કરેલા બગીચામાં આંતર પાક લઇ શકાય છે. નવીનીકરણ કરેલ વૃક્ષોને ૨.૫ કિલોગ્રામ યુરિયા, ૩.૦ કિલોગ્રામ સિંગલ સુપર ફોસ્ફેટ અને છોડ દીઠ ૧.૫ કિલોગ્રામ મ્યૂરીરેટ પોટાશ નાખવાથી સારો વિકાસ થાય છે. ખાતરનો અડધો ભાગ ફેબ્રુઆરીના મહિનામાં અને બીજો અડધા ભાગને જૂનના અંતમાં નાખવું જોઈએ. નવી કુંપળની તંદુરસ્ત વૃદ્ધિ માટે ખાસ કરીને એપ્રિલ, મે અને જૂનના મહિનાઓમાં ૧૫ દિવસના અંતરે સિંચાઈ કરવું જોઈએ. રોગ અને જીવજંતુઓનું  સમયાંતરે નિયંત્રણ કરવું તથા જરૂર મુજબ આંતરખેડ પણ કરતી રહેવી જેથી ઝાડનો વિકાસ સારો થાય અને પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહે આમ નવીનીકરણ કરેલ ઝાડની ઉત્પાદકતા વધે છે

ફિગ.૨ જુના અને ઘેરાયેલ આંબાના બગીચામાં નવીનીકરણ
ફિગ.૨ જુના અને ઘેરાયેલ આંબાના બગીચામાં નવીનીકરણ
ફિગ.૩ નવીનીકરણ કરેલ ડાળીઓના છેડા પર કોપર ઓક્ઝીકલોરાઈડનું પેસ્ટીંગ
ફિગ.૩ નવીનીકરણ કરેલ ડાળીઓના છેડા પર કોપર ઓક્ઝીકલોરાઈડનું પેસ્ટીંગ
ફિગ.૪ નવીનીકરણ કર્યા બાદ નીકળેલ નવી કુંપળો
ફિગ.૪ નવીનીકરણ કર્યા બાદ નીકળેલ નવી કુંપળો
ફિગ. ૫ નવી કુંપળોનો ૬ મહિના પછી થયેલ વિકાસ
ફિગ. ૫ નવી કુંપળોનો ૬ મહિના પછી થયેલ વિકાસ

આંબામાં નવીનીકરણ કરવા માટેની ટેકનીકો

ભારતમાં અને વિદેશમાં જુદી-જુદી સંસ્થાઓમાં વિકસાવવામાં આવેલા જૂના કેરીના બગીચાઓના નવીનીકરણ માટે અલગ અલગ ટેકનીકો છે.

ટેકનીક–૧ આ ટેકનીકમાં, ઉચું અને મધ્યમ થડ વાળા ઝાડને જમીનથી લગભગ ૩-૪ મીટરની ઊંચાઇમાં કાપી નાખવામાં આવે છે અને પાછું કાપવા માટે બાજુની શાખાઓ રહે તે રીતે કાપવું. વૃક્ષની વધારાની ડાળીઓ કાપી નાખ્યા બાદ તાજી ખુલ્લી પડેલ થડ અને ડાળીઓને કોપર ઓક્ઝીકલોરાઈડનું પેસ્ટ ત્રણ અથવા ચાર વખત લાગવી દેવું  જોઈએ જે સૂર્યના કિરણોથી બચવામાં મદદ કરશે. ટૂંક સમયમાં, ઘણી બધી નવી કુંપળ વિકસશે; આમાંથી સૌથી મજબુત અને સારી ડાળીઓ પસંદ કરો, ડાળીઓની આજુબાજુ સમાન અંતરે અને જુદી જુદી ઊંચાઈએ શક્ય હોય તેવી કુંપળ પસંદ કરો અને વધારાની કુંપળને કાપીને દૂર કરવી. આ પ્રક્રિયાને વારંવાર પુનરાવર્તન કરતું રહેવું જ્યાં સુધી પસંદ કરેલી કુંપળનો વિકાસ સારો અને કુંપળની ડાળીઓ મજબુત થાય ત્યાં સુધી. આ ટેકનીક દ્વારા સારી એવી ઉપજ અને આવક મેળવી શકાય છે.

ટેકનીક–૨ જૂના અને ખુબ જ મોટા ઝાડને એક મીટર અથવા તેથી થોડું વધારે અંતર રાખી કાપવામાં આવે છે. તેમાં ઝાડનું મુખ્ય થડ સિવાય મોટા ભાગની ડાળીઓ કાપી નાખવામાં આવે છે. ત્યારે ઝાડના મૂળ ઝાડના માળખાને જાળવી રાખે છે. કાપી નાખેલા ભાગ પાસે કોપર ઓક્ઝીકલોરાઈડનું પેસ્ટ બે અથવા ત્રણ વખત લાગવી દેવું જેથી સૂર્યના કિરણોથી બચવામાં મદદ થશે. આમ જુના ઝાડમાંથી સારા એવા પ્રમાણમાં લાકડા અને બળતણ મળી રહે છે અને ઝાડનો ફરી પાછો સારો વિકાસ થાય છે. તથા સારા પ્રમાણમાં ઉપજ મેળવી શકાય છે.

ટેકનીક-૩ જૂના અને ગાઢ કેરીના બગીચાઓમાં પ્રકાશની અવર જવર અને પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા ઓછી થાય છે જેના પરિણામે નબળી ઉપજ મળે છે. મુખ્ય થડ પર અસ્તિત્વ ધરાવતી ડાળીઓને પ્રથમ ક્રમની ડાળીઓ તરીકે ગણવામાં આવે છે, પ્રથમ ક્રમ ડાળીઓ પર અસ્તિત્વ ધરાવતી ડાળીઓને બીજા ક્રમની ડાળીઓ કહેવામાં આવે છે, બીજા ક્રમની ડાળીઓ પર અસ્તિત્વમાં આવેલી ડાળીઓને ત્રીજી ક્રમની ડાળીઓ કહેવામાં આવે છે. તેમાં બીજા અને ત્રીજા ક્રમની ડાળીઓની કાપણી કરતા મહત્તમ ફૂલો અને  ફળોની ઉપજ મળે છે.

ટેકનીક-૪ આ ટેકનીકમાં ડિસેમ્બર દરમિયાન ૪૦-૫૦ વર્ષનાં આંબાનાં વૃક્ષોને ફરીથી નવીનીકરણ કરવા માટે જમીનની સપાટીથી ૫ મીટરની ઊંચાઇ પર મુખ્ય શાખાઓ કાપવામાં આવે છે. લગભગ ૩-૪ શાખાઓ તંદુરસ્ત પસંદ કરી અને છત્ર આકારની છત વિકશે એ રીતે રાખવી અને બાકીના શાખાને દૂર કરવામાં આવે છે. જીવજંતુથી ચેપ ન લાગે તે માટે કાપણી પછી તરત કાપેલા ભાગ પર કોપર ઓક્ઝીકલોરાઈડનું પેસ્ટ લગાવામાં આવે છે. પોષણ, સિંચાઈ, આંતર ખેડ, નીંદણ વગેરે જેવી આધુનિક પદ્ધતિઓ યોગ્ય રીતે અપનાવી. ત્યાર બાદ એપ્રિલથી આગળની ડાળીઓમાંથી નવી કુંપળો આવે છે. તેમાંથી ડાળી દીઠ સારી એવી વિકસિત તંદુરસ્ત ૮-૧૦ ડાળીઓ બહારની તરફ સારી રીતે વિકસે  તેમ રાખવી અને બાકીની શાખા દૂર કરવી. આમ કરવાથી ઝાડનો વિકાસ સારો થાય અને સારી એવી માત્રામાં ઉત્પાદન મેળવી શકાય તથા રોગો અને જંતુઓનું પ્રમાણ પણ ઘટે છે.

આંબામાં નવીનીકરણના કરવાના ફાયદાઓ:-

૧. હાલના મૂળનો કાર્યક્ષમ રીતે ઉપયોગ થાય છે.

૨. ફળ વિસ્તારને ઘટાડો થવાથી સરળ રીતે સંચાલિત થઈ શકે છે

૩. આંબાના બગીચામાં આંતરપાક લઇ શકાય છે.

૪. મોટા પ્રમાણમાં કાપેલ લાકડાઓમાંથી વધારાની આવક મેળવી શકાય  છે

૫. છોડની ઉત્પાદકતામાં વધારો થાય છે.

૬. રોગ અને જીવજંતુનું પ્રમાણ ઘટે  છે.

આંબામાં નવીનીકરણ નિષ્ફળ થવાના મુખ્ય કારણો 

 • બગીચાની યોગ્ય સંભાળનો અભાવ
 • નવીનીકરણ પદ્ધતિ વિશે જ્ઞાનનો અભાવ
 • નવીનીકરણ કર્યા બાદ ઝાડ જીવશે કે નહી તેનો ડર
 • નવીનીકરણ કર્યા બાદ બે કે તેથી વધુ વર્ષનું ઉત્પાદન ઓછુ થાય છે
 • રોગ અને જીવાત આવાની શકયતાઓ વધે
 • આંબાના બગીચાના નવીનીકરણ માટે કુશળ મજૂરોનો અભાવ.

નવીનીકરણ બાદ લેવાતી કાળજીઓ :

 • નવીનીકરણ કરેલ ઝાડ પર સુકારો અને આંબાનો મેઢ આવાની શકયતા રહેલ છે તો તેને સમયસર કાબુમાં લેવું.
 • જો આંબામાં મેઢનો ઉપદ્રવ જોવા મળે તો ધ્રુમ્રશીલ જંતુનાશક દવાના ચાર થી પાંચ ટીપા રૂ માં નાંખી રૂ ને ઉપદ્રવ વાળા કાણામાં નાખી કાણાને ભીની માટી વડે બંધ કરી દેવું.
 • નવીનીકરણ બાદના પ્રથમ વર્ષે કુંપળો ઉપર મહોર આવે તો તે દુર કરવા.
 • પસંદ કરેલ કુંપળને મજબૂતાઈ મળે રહે તેની કાળજી રાખવી.
 • છટણી બાદ રોગીષ્ઠ ડાળીઓ કાપી નાંખી કાપેલ ડાળીઓ પર કોપર ઓક્સીકલોરાઇડનું પેસ્ટ બનાવી લગાવવું.
 • બીજા કે ત્રીજા વર્ષ સુધી ખાતર, સિંચાઈ અને પાકસંરક્ષણની માવજતો ચાલુ રાખવી.

આંબામાં નવીનીકરણ કરતા થતી આર્થિક અસર

              ઝાડનું નવીનીકરણ કરવાના નિર્ણયને નાણાંકીય દ્રષ્ટિકોણથી કાળજીપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. શું કાપણી કરતા મૂલ્યમાં અપેક્ષિત વધારો કે ઘટાડો કરશે? સ્વાભાવિક રીતે, વૃક્ષની ઊંચાઈને ઘટાડવા માટે આડપેદાશ કાપણીમાં નોંધપાત્ર ઘટાડો થશે, કારણ કે વૃક્ષના કદને ઘટાડવા માટે મોટા ભાગની ડાળીઓ કાપી નાખતા બે કે તેથી વધુ વર્ષનું ઉત્પાદન ઓછુ થાય છે, તેના આધારે આવકમાં પણ ઘટાડો થાય છે. આમ ઓછા ઉત્પાદનના કેટલાક મૂલ્યને ઝાડના લાકડાના વેચાણ દ્વારા પુનઃપ્રાપ્ત કરવામાં આવે છે. નવીનીકરણ કરતા શરૂઆતમાં ઉત્પાદન ઓછુ થઇ જશે જ્યારે અમુક સમય પછી નવી ડાળીઓનું સર્જન થાય છે જે કેરીનું ઉત્પાદન વધારવામાં મદદ રૂપ થાય છે.  આ રીતે નવીનીકરણ પદ્ધતિ દ્વારા કાપણી કરેલ ઝાડમાંથી સારા એવા બજાર ભાવ અને વધુ આવક મેળવી શકાય છે.

આ પણ વાંચો: ખેડૂતો ઓછા ખર્ચે મબલખ નફો મેળવી શકે છે, આ રીતે કરો તરબૂચની ખેતી

Share your comments

Subscribe Magazine