ભીંડાના પાકમાં નુકસાન કરતી મુખ્ય જીવાતોમાં મુખ્યત્વે તડતડીયાં, સફેદમાખી, મોલો, પાનકથીરી, કાબરી ઈયળ અને લીલી ઈયળનો સમાવેશ થાય છે.
તડતડીયાં-
પુખ્ત તડતડીયાં ફાચર આકારના આછા લીલા રંગના હોય છે. નાના બચ્ચાં પાંખો વગરના હોય છે. બચ્ચાં અને પુખ્ત પાનની નીચેની સપાટીએ રહી પાનમાંથી રસ ચૂસે છે, પરિણામે પાનની ધારો પીળી પડી જઈ ઉપરની બાજુએ વળી જાય છે.
સફેદમાખી-
આ જીવાત કદમાં નાની સફેદ પાંખવાળી અને પીળા રંગનું ઉદરપ્રદેશ ધરાવતી હોય છે. બચ્ચાં અને પુખ્ત પાનની નીચેની સપાટીએ રહીને રસ ચૂસે છે જેથી છોડનો વિકાસ રુંધાય છે. આ જીવાત પીળી નસના વિષાણુ જન્ય રોગના વાહક તરીકે વર્તે છે.
મોલો-
આ જીવાતના બચ્ચાં અને પુખ્ત પાનની નીચેની સપાટી પર રહીને પાનમાંથી રસ ચૂસે છે જેથી છોડનો વિકાસ રૂંધાય છે. તદ્ઉપરાંત આ જીવાતના શરીરમાંથી મધ જેવા ચીકણા પદાર્થનું ઝરણ થાય છે જે પાનની સપાટી પર પડતાં તેના પર કાળી ફૂગનો વિકાસ થતાં પ્રકાશસંશ્લેષણની ક્રિયા અવરોધાય છે.
પાનકથીરી-
આ કીટક લાલ રંગ અને આઠ પગ ધરાવે છે. બચ્ચાં તેમજ પુખ્ત પાનની નીચેની બાજુએ બારીક જાળા બનાવીને રસ ચૂસે છે. જેને લીધે પાન પર સફેદ ધાબા જોવા મળે છે. જો ઉપદ્રવ વધુ હોય તો પાન પીળા પડી છેવટે સૂકાઈ જાય છે.
કાબરી ઈયળ-
આ જીવાતનું ફૂદુ પીળાશ પડતા સફેદ રંગનું અને પાંખના મધ્યમાં જાડી ફાચર આકારની લીલા રંગની પટ્ટી જોવા મળે છે. માદા પાન, ફૂલ અને ક્યારેક કુમળા ફળ પર છુટાછવાયા ઈંડા મૂકે છે. ઈયળ ભૂખરા રંગની હોય છે. પાકની શરૂઆતની અવસ્થામાં નાની ઈયળ ડૂંખ કોરી ખાય છે, જેથી ડૂંખ નમી પડીને સૂકાઈ જાય છે. ભીંડા બેસવાની શરૂઆત થતા ઈયળ ફળમાં દાખલ થઈ તેને અંદરથી કોરી ખાય છે. ઈયળનો વિકાસ પૂર્ણ થતાં ફળમાં કાણું પાડી બહાર નીકળી આવે છે અને જમીનમાં પડેલા પાનમાં કોશેટો બનાવે છે.
લીલી ઈયળ-
આ જીવાતનું ફૂદુ ઝાંખા પીળાશ પડતા તપખરીયા રંગનું હોય છે. આગળની પાંખોમાં કથ્થઈ અને કાળી પટ્ટીઓ જોવા મળે છે. જ્યારે પાછળની પાંખો ઝાખી અને કાળી કીનારી વાળી હોય છે. પુખ્ત માદા ૩૦૦ થી ૫૦૦ની સંખ્યામાં ઇંડા મૂકે છે, જે પીળાશ પડતા સફેદ રંગના હોય છે. ઈયળના રંગમાં લીલાશથી ભૂખરા રંગની વિવિધતા જોવા મળે છે. તે ઘેરા બદામી રંગની અને બંને બાજુએ કાળા રંગની રેખા ધરાવતી હોય છે. કોશેટા અવસ્થા જમીનમાં પસાર કરે છે. ઇંડામાંથી નીકળેલ નાની ઇયળ કુમળા પાનને ખાય છે અને મોટી ઇયળ ફળને નુકસાન કરે છે. જ્યારે ફળ બેસે ત્યારે કાણું પાડી શરીરનો અડધો ભાગ ફળની અંદર અને અડધો ભાગ ફળની બહાર રાખી અંદરનો ગર્ભ કોરી ખાય છે.
સંકલિત જીવાત વ્યવસ્થાપન-
બીજને ઈમીડાક્લોપ્રીડ ૭૦% ડબલ્યુ.એસ. ૭.૫ ગ્રામ/ કિલો બીજ મુજબ માવજત આપવાથી શરૂઆતમાં ચૂસીયાં પ્રકારની જીવાતો સામે રક્ષણ આપે છે.
બે છોડ વચ્ચે ઓછું અંતર રાખવાથી છોડની ઊંચાઈ ઝડપથી વધે છે અને થોડાક અંશે જીવાતનો ઉપદ્રવ ઘટે છે.
પાકની શરૂઆતમાં તડતડિયા અને મોલોનો વધારે ઉપદ્રવ જોવા મળે ત્યારે લીંબોળીનું તેલ ૫૦ મિલિ અથવા લીમડા આધારીત દવાનો ૩૦ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી નિયંત્રણ મેળવી શકાય છે.
કાબરી ઈયળ કુમળી ડુંખો કોરીને નુકસાન કરતી હોય છે. આવી ઉપદ્રવિત ડૂંખોને ઈયળ સહિત તોડીને ઊંડો ખાડો કરી દાટીને નાશ કરવાથી ઉપદ્રવને ઘટાડી શકાય છે.
પાક ૩૦ થી ૩૫ દિવસનો થાય ત્યારે ખેતરમાં ૪૦ ફેરોમોન ટ્રેપ પ્રતિ હેક્ટરે સામૂહિક ધોરણે મુકવાથી નર ફૂદા તેમાં આકર્ષાઈને આવતા હોવાથી આ જીવાતનો ઉપદ્રવ ઘટાડી શકાય છે. ફેરોમોન ટ્રેપની લ્યૂર દર ત્રણ અઠવાડીયા બાદ બદલવી.
પાનકથીરીના વધુ ઉપદ્રવિત ભાગ કે છોડ કાપી/ઉપાડી તેનો નાશ કરવો.
ચૂસિયાં પ્રકારની જીવાતોનો ઉપદ્રવ જોવા મળે ત્યારે લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારીત તૈયાર દવા ૨૦ મિ.લિ. (૧ ઈ.સી.) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઈ.સી.) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
મોલો અને તડતડીયાંનાં નિયંત્રણ માટે થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યુ.જી. ૪ ગ્રામ અથવા એસીટામેપ્રીડ ૨૦ એસ.પી. ૧.૫ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી જરૂરીયાત મુજબ છંટકાવ કરવો.
સફેદમાખીનાં અસરકારક નિયંત્રણ માટે ડાયફેનથ્યુરોન ૫૦% ડબ્લ્યુ.પી. ૧૨ ગ્રામ અથવા ફેનપ્રોપેથ્રીન ૩૦% ઈ.સી. ૩ મિ.લિ. અથવા એસીટામેપ્રીડ ૨૦ એસ.પી. ૪ ગ્રામ અથવા એસીફેટ ૭૫ એસ.પી. ૧૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી વારાફરતી છંટકાવ કરવો.
પાનકથીરીનો વધુ ઉપદ્રવ જણાય ત્યારે ફેનાઝાક્વીન ૧૦ ઈ.સી. ૧૦ મિ.લિ. અથવા ડાયકોફોલ ૧૮.૫ ઈ.સી. ૧૫ મિ.લિ. અથવા સ્પાયરોમેસીફેન ૨૨.૯ એસ.સી. ૮ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ઉમેરીને છંટકાવ કરવો.
કાબરી ઈયળ અને લીલી ઈયળના નિયંત્રણ માટે ક્વિનાલફોસ ર૫ ઈ.સી. ર૦ મિ.લિ., સાય૫રમેથ્રીન ર૫ ઈ.સી. ૩ મિ.લિ., એમામેક્ટીન બેન્ઝોએટ ૫ એસ.જી. 3 ગ્રામ, ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ ૧૮.૫ એસ.સી. ૩ મિ.લિ., લેમ્બડા સાયહેલોથ્રીન ૫ ઈ.સી. ૧૦ મિ.લિ. પૈકીની કોઈ૫ણ એક જંતુનાશક દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી જરૂરીયાત મુજબ છંટકાવ કરવો.
કાબરી ઈયળમાં રોગ પેદા કરતા બેસીલસ થુરીન્જીએન્સીસ ર૦ ગ્રામ અથવા બીવેરીયા બેઝીયાના ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી આખો છોડ પૂરેપૂરો ભીંજાય તેમ સાંજના સમયે છંટકાવ કરવાથી નિયંત્રણ મેળવી શકાય છે.
પાક પૂરો થયા બાદ છોડનો ઢગલો શેઢાપાળા પર ન કરતાં તેનો તાત્કાલિક બાળીને નાશ કરવો જેથી નવા રોપેલ ભીંડામાં આ જીવાતનો ઉપદ્રવ આવતો અટકાવી શકાય.
Share your comments