રાઈ એ ખાદ્ય તેલીબિયા વર્ગનો અગત્યનો શિયાળુ પાક છે. મગફળી પછી તેલીબિયા પાકોમાં રાઈનો બીજો ક્રમ આવે છે. બીજા શિયાળું પાકોની સરખામણીમાં આ પાક ઓછા ખર્ચે વધુ ચોખ્ખી આવક આપે છે અને લાંબા સમય સુધી સંગ્રહી કરી શકાય છે. હાલના સંજોગોમાં ખાદ્યતેલની માંગને પહોંચી વળવા માટે સરકાર તરફથી ખેડૂતોને જુદા જુદા તેલીબિયાં પાકો વાવે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે પરંતુ કેટલાક અગત્યના પરિબળોને લીધે તેલીબિયાં પાકોમાં સંતોષકારક સરેરાશ ઉત્પાદન મેળવી શકાતું નથી જે પૈકીના મહત્ત્વના પરિબળોની વિગત આ લેખમાં આપેલ છે જેથી રાઈની વૈજ્ઞાનિક ખેતી અપનાવી સરેરાશ - ઉત્પાદનનું સ્તર ઊંચુ લાવી શકાય.
જમીનની પસંદગી અને તૈયારી:
રાઈના પાકને રેતાળ ગોરાડુ અને મધ્યમ કાળી જમીન વધુ અનુકૂળ આવે છે. ભારે અને ઓછા નિતારવાળી જમીન રાઈના પાકને માફક આવતી નથી. વધુ સેન્દ્રિય પદાર્થ ધરાવતી અને સારા નિતારવાળી જમીન આ પાકના વાવેતર માટે વધુ અનુકૂળ આપે છે. મધ્યમ ક્ષારવાળી જમીનમાં પણ આ પાક સારી રીતે લઈ શકાય છે.
ઉત્તર ગુજરાત હવામાન વાળા વિસ્તારમાં ગુવાર (ખરીફ) - રાઈ (શિયાળુ) - બાજરી (ઉનાળુ) અથવા મગ(ખરીફ)રાઈ (શિયાળુ) - બાજરી (ઉનાળુ) જયારે દક્ષિણ સૌરાષ્ટ્ર હવામાનવાળા પિયતની સગવડ ધરાવતા વિસ્તારમાં મગફળી (ખરીફ) - રાઈ (શિયાળુ)- મગફળી (ઉનાળુ) વધુ નફો મેળવવા સારું યોગ્ય અને અનુકૂળ પાક અગ્રક્રમતા માલૂમ પડેલ છે.
સામાન્ય રીતે રાઈનો પાક બિનપિયત અથવા પિયત પાક તરીકે વાવેતર કરવામાં આવે છે. જયારે રાઈના પાકનું બિનપિયત પાક તરીકે વાવેતર કરવાનું હોય ત્યારે ચોમાસું ઋતુમાં ખેતર પડતર રાખી અવાર-નવાર જમીનના પ્રકાર પ્રમાણે વરાપ થયેથી હળ અને કરબ વડે ખેડ કરી સમાર મારી જમીનમાં વધુ ભેજ સંગ્રહ થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે.
પિયત પાક ચોમાસુ પડતર તેમજ ચોમાસુ વાવેતર કરેલી પાક લઈ લીધા પછીની જમીનમાં અગાઉ દર્શાવેલ પાક પદ્ધતિ પ્રમાણે પાક લઈ લીધા પછીની જમીનમાં અગાઉના પાકના જડીયા મૂડિયા વગેરે દૂર કરી વાવણી પહેલા ઓરવાણ આપીને વરાપ અને જમીનના પ્રકાર પ્રમાણે કરબ અને હળની | એક-બે ખેડ કરી સમાર મારી જમીન સમતલ કરવી. સારા સ્કૂરણ માટે જમીન ભરભરી બનાવવી ખાસ જરૂરી છે.
સુધારેલ જાતોની પસંદગી:
કૃષિ યુનિવર્સિટી દ્વારા રાઈની વરૂણા, ગુજરાત રાઈ-૧, ગુજરાત રાઈ-૨, ગુજરાત રાઈ-૩ અને ગુજરાત રાઈ-૪ જેવી જાતો વિકસાવવામાં આવેલ છે. જયારે રાઈની બિનપિયત પાક તરીકે અથવા જયાં ઓછા પિયતની સગવડ હોય ત્યાં ગુજરાત રાઈ૧ ની પસંદગી કરવી કારણ આ જાતને ઓછા પિયતની જરૂરી રહેતી હોય છે અને વહેલી પાકતી જાત છે. ગુજરાત રાઈ-૪ ગુજરાત રાઈ-૩ કરતાં ૧૫ થી ૧૭ ટકા વધુ ઉત્પાદન આપતી છેલ્લે શોધાયેલ જાત છે.
માહિતી સ્ત્રોત - દીપક શર્મા, અપૂર્વકુમાર એમ. પટેલ જનીન વિદ્યા અને પાક સંવર્ધન વિભાગ, વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી - ૩૯૬ ૪૫૦.
આ પણ વાંચો - મરચાની ખેતી કરવા માટેની શરૂથી અંત સુધીની સમગ્ર વિગત
Share your comments