Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

જો આપ વેલા વાળી શાકભાજી વાવો છો અને વધારે ઉત્પાદન મેળવવા માંગો છો તો અપનાઓ આ પદ્ધતિ

Sukhadev Thakor
Sukhadev Thakor
કારેલાનો વેલો
કારેલાનો વેલો

ખેતીપાકોમાં કેટલાક શાકભાજીના પાકોને જમીનથી ઊંચા રાખવા-અદ્ધર ચડાવવા માટેની યેનકેન પ્રકારે આપણે કરી આપેલી સગવડ-જેને આપણે “માંડવો” કહીએ કે કહીએ વેલા ચડાવવા માટેનું એક પ્રકારનું “માળખું”.

ફેર શું પડવાનો ? શાકભાજીનો વેલો ઉપર લટકી રહે કે ભોંય [જમીન] પર પડી રહે, એમાં વળી ફેર શો પડી જવાનો ? બહુ બહુ તો ઉંદર વકરી ઘૂસ થાય, કંઇ સાવજદીપડા તો નથી થઈ જવાના ને ? ઘડી ભર ભલે એમ લાગે, પણ વાત બહુ વજૂદવાળી છે હો ભાઇઓ ! વેલાવાળા શાકભાજીના પાકોને બન્ને રીતે-અલગ અલગ રીતે વાવી જોયા છે, અને તેના ઉતારા પરથી આંકડા પણ કાઢી જોયા છે. પરિણામો અચંબામાં નાખી દે તેવા મળ્યાં છે.એટલે આટલી ભીંહ દઈને વાત કરી રહ્યો છું આ રહ્યા તેના પાર વિનાના

ફાયદા :
વેલાની વૃદ્ધિ અને વિકાસમાં ઝડપ :


આપે જોયું હશે કે વેલામાં પાંદની સાથે સાથે વધારાના પાતળા નહોર પણ આવેલા હોય છે. તે તાંતણાં જેવા શરૂઆતમાં સીધા અને સાવ ગરીબડા દેખાતા નહોર તેની આસપાસની એક ફૂટની ત્રિજ્યામાં નજર ફેરવી જ રહ્યા હોય છે કે “ક્યાંય આધાર જેવું મળી જાય ? તો ફટાફટ તેની ફરતા વિંટળાઇ જઈ જડબેસલાક પક્કડ જમાવી દઉં !” એક વાર આ નહોર ગોળ ગોળ વિંટળાઇ ગયા એટલે પછી કોઇની તાકાત નથી કે તેને આસાનીથી ત્યાંથી છોડાવી શકે ! એટલે પછી ગમે તેટલું વજન થાય તો પણ વેલો ત્યાંથી નીચે ન પડે. અરે ! એવી ફીટટાઇટ પક્કડ અને એવી મજબુતાઇ હોય છે કે વધુ વહમી રીતે ખેંચાણ કરવાથી વેલો તૂટે તો કુરબાન, બાકી નહોર તૂટે એ વાતમાં માલ નહીં !એનો અર્થ એ થયો કે વેલાનો સ્વભાવ જ હોય છે ઊંચે ચડવાનો ! એને થોડી વધારાની અનુકૂળતા કરી આપીએ એટલે જોઇ લ્યો એના વર્ધન અને વિકાસ બન્નેની મજા ! જમીન પર વેલાનો જે વૃદ્ધિદર હોય, તેનાથી 25-30 ટકા વૃદ્ધિદર માંડવા ઉપર વેલો ચડાવવાથી વધુ મળે છે.

સૂર્યાપ્રકાશનો મળે વધુ લાભ :


સૂર્યપ્રકાશનો વધુમાં વધુ લાભ વેલાઓ માંડવા પદ્ધતિથી પામી શકે છે. આમાં વેલા જમીનથી ઊંચે હોવાના, એટલે ઉપરથી આવતા સૂર્યપ્રકાશના સીધા સંપર્ક ઉપરાંત જમીન પર પહોંચી, પરાવર્તિત થઈ પાછા ફરતા સૂર્યપ્રકાશના સંપર્કમાં ફરી પાછા આવવાનું બનતાં,[બમણો સૂર્યપ્રકાશ મળતાં] પાંદડાં માહ્યલો લીલો રંગ, નીચેથી મૂળ વાટે ચૂસાએલ જમીનરસ અને હવામાંના અંગારવાયુની સાથે સૂર્યપ્રકાશ દ્વારા ખોરાકના રાંધણની જે પ્રક્રિયા થાય છે,તે ખૂબ જ વેગીલી બને છે. અને પરિણામે વેલાના વિકાસ તથા ફળોના ઉત્પાદન બન્નેમાં વિક્રમી વધારો થાય છે.

પરાગનયનમાં સરળતા :


વેલો જમીન પર સૂઈ રહે અને માંડવા પર હિલોળા લે, એ બન્નેમાં હાથી અને ઘોડા જેટલો ફેર છે. નીચે પડ્યા વેલાને પવન ઉપર ઉપર આંટો મારી, અડ્યો ન અડ્યો ને થાય હાલતો, અને પતંગિયા કે મધમાખીને તો અંદર જવાનો જ મેળ ન પડે, તમે જ કહો, પૂરતું પરાગનયન થાય શી રીતે ? ઊંચે હીંચકતા વેલાને આરપારચોપાસ પવન ફેરફુદરડી કરી શકે. પતંગિયાં અને મધમાખીઓ કૂદાકૂદ કે દોડધામ કરી શકે.એટલે પરાગરજની પણ એટલી વધુ હરફર થવા પામે. પરિણામે ફળોના બંધારણનું પ્રમાણ વધુ મળે અને એ રીતે ઉત્પાદન ઘણું વધારે મળે.

ગલકાનો  વેલો
ગલકાનો વેલો

ફળોનું કદ મોટું મળે :


બટકી ઊંચાઇ ધરાવતાં બાળકને શરીર વિજ્ઞાનીઓ ઝાડની ઊંચી ડાળી કે હીંચકે હાથ ચોટાડી, શરીર લટકતું રાખી ટીંગાઈ રહેવાની સલાહ દેતા હોય છે. દૂધી, તૂરિયાં કે કારેલાં જેવાંમાં થોડુકેય વજન હોય તેવાં બધાં જો જમીન પર પડ્યા પડ્યા વધે તેના કરતાં ટીંગાઈને વધે તો જડપથી તેના કદમાં વધારો થતો જોવા મળે છે. સહેજે સવાયાથી દોઢું કદ કશાય વધારાના ખર્ચ કે માવજત વિના મળી જતું હોય તો આ પદ્ધતિ વાપરવી શું ખોટી, તમે જ કહો !

ફળો આકર્ષક અને તંદુરસ્ત મળે.


ઝાઝો વખત માણસ કે માલઢોર બીમાર પડી એકનીએક જગ્યાએ,એની એ સ્થિતિમાં પડી રહે, તો નીચે અડકેલા ભાગો પર ભાઠાં પડી જાય છે. ચાંદાં પડી તે ભાગ રોગિષ્ટ બની જાય છે તો વનસ્પતિ બિચારી શી વિસાતમાં ? ફળો નીચે જમીનને અડકીને પડ્યાં રહે, ત્યાં જમીનનો ભેજ એકધારો તેને ભીંજવ્યા કરે, ફૂગજન્ય જીવાતો તે ભાગમાં સડો જમાવી ફળોને કોહવારો લગાડી 8 થી 10 ટકા નુકસાન કરી દે છે. અરે ! બોર, કેરી, દાડમ જેવાં ફળો પણ જમીનને અડકીને રહે તો તેને પણ કોહવારો લાગી જાય છે.

લટકતા ફળોને ચારે બાજુથી હવા, પ્રકાશ વગેરેની છૂટ મળી રહે અને જમીનજન્ય ભેજના સહવાસથી દૂર રહેવાનું થતું હોવાથી ફળોનો દેખાવ, તેની ચમક અને આકર્ષતા એવાં હોય છે કે ગ્રાહક તેને જોતાં જ વહાલ વરસાવી મોં માગ્યા દામ ખેડૂતને આપી છૂટે છે.

સંરક્ષણમાં સુગમતા રહે :


જમીન પર પડી રહેલ વેલા કરતાં માંડવે પથરાયેલ વેલા વધુ નરવ્યા અને તંદુરસ્ત હોવાનાં જ ! સૂર્યપ્રકાશ સર્વ હાનિઓના હર્તા ગણાય. તેની ચો તરફની હૂંફ, ચોખ્ખી હવા, શ્વાસ અને ખોરાકમાં ઉપયોગી પ્રાણવાયુ અને અંગારવાયુ બન્ને જરૂર પૂરતા મળી રહેવાથી- તેમા જ હરવા ફરવાના હિસાબે કે જેવા તેવા રોગ-જીવાતને એ ગાંઠે જ નહીં ! અને છતાં ક્યારેક કોઇ રોગ-જીવાતને કારી ફાવી જાય તો પણ તેના સંરક્ષણ અર્થે ઇયળોને હાથથી વીણી લેવાનાકે દવા છંટકાવના કામમાં વેલા છૂટાછવાયા પથરાએલા હોય એટલે એ કાર્યો આસાનીથી અને અસરકારક રીતે કરી શકાતાં હોય છે.

આ અંગે જો આપને વધુ માહિતી જોઈએ તો આપ પંચવટી બાગના હીરજી ભીંગરાડિયા માલપરા જિ. બોટાદના છે તેમનો સંપર્ક કરી શકો છો જેમનો મોબાઈલ નંબર 93275 72297 છે

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More