કેળ દક્ષિાણ તથા મધ્ય ગુજરાતના ખેડૂતોનો મુખ્ય રોકડીયો પાક છે. કેળનાં પાકમાં જીવાણું, વિષાણું અને ફુગ તથા નીમેટોડસથી ઘણા રોગો થાય છે.
વિષાણું જન્ય રોગો
કેળનો ચટપટાનો રોગ:આ રોગનો ફેલાવો મુખ્યત્વે રોપણી માટે વપરાતા રોગીષ્ટ પીલા મારફતે થાય છે. આ રોગ સર્વ પ્રથમ ઓસ્ટ્રેલીયામાં ૧૯૩૦ની સાલમાં નોંધાયો હતો. ચેપિય પીળાપણું કે હાર્દના સડાના નામથી પણ આ રોગને ઓળખવામાં આવે છે. આ રોગ કકુમ્બર મોઝેઈક નામના વાયરસ (વિષાણુ)થી થાય છે અને મશી ધ્વારા કેળનાં રોગીષ્ટ છોડ ઉપરથી તંદુરસ્ત છોડ ઉપર ફેલાય છે. રોગ કરતાં વિષાણું કાકડી, તમાકુ, મકાઈ અને ચોળા જેવાં પાકમાં પણ પોતાનું જીવનક્રમ પુરો કરે છે અને વખત આવ્યે કેળના નવા પાક ઉપર પણ મશી ધ્વારા ફેલાઈ શકે છે.
રોગના લક્ષણો
કેળનાં ચટપટાનાં રોગનાં મુખ્ય ચિન્હો તરીકે પીળા રંગની છાંટ પાનમાં જોવા મળે છે. જે એક બીજા સાથે મળીને પીળા પટામાં રૂપાન્તર પામે છે. આ રોગની અસરવાળો કેળના છોડનો વિકાસ અટકે છે. અને છોડ વામણો રહે છે. છોડના પણો નાના અને સાંકડા તથા વધુ પડતા ઉભા જોવા મળે છે. સામાન્ય રીતે રોગવાળા છોડ ઉપર કોઈ પણ જાતના ફળ આવતા નથી અને અસાધારણ સંજોગોમાં જો આવે તો વિકૃત થયેલ પીળી છાંટવાળા હોય છે. ઘણી વખત વાતાવરણના ફેરફારોના કારણે પર્ણ-દંડીકાઓથી બનેલું ખોટુ થડ (કેળનું થોથું) સડવા માંડે છે અને છોડનો નાશ થાય છે. રોગીષ્ટ છોડની ગાંઠમાંથી નીકળતા પીલા પણ રોગીષ્ટ જ હોય છે.
નિયંત્રણ :
1. કેળની રોપણી વખતે તંદુરસ્ત પીલાની પસંદગી અગત્યનો ભાગ ભજવે છે. રોપતાં પહેલાં પીલાને ૯૦ મીનીટ સુધી ઓરીયોફંજીન દવાના દ્રાવણમાં (૧.ર ગ્રામ ઓરીયોકંજીન ૧૦ લીટર પાણીમાં) રાખીને સાત દિવસ તપાવીને વાવવાથી લાભ થાય છે.
2. મશીના નિયંત્રણ માટે જંતુનાશકોનો છંટકાવ કરવો.
3. વિષાણુ યજમાન પાકોનો નાશ કરવો.
4. રોગવાળા છોડને ઉખાડીને નાશ કરવો.
કેળનાં જુમખિયા પાનનો રોગ:
કેળનાં જુમખિયા પાનનો રોગ વિષાણું થી થતો રોગ છે. જે ગુજરાતમાં ૧૯૮પથી વધુ પડતો જોવા મળે છે. આ રોગ ભારતમાં કેરલ, તમીલનાડુ, પશ્રિમ બંગાળ, ઓરિસ્સા, બિહાર અને મહારાષ્ટ્ર રાજયમાં ઘણાં સમયથી જોવા મળે છે. કેળનાં જુમખિયા પાનનાં રોગની ભયંકરતાને ધ્યાનમાં લેવા ભારત સરકારે આ રાજયોમાંથી કેળનાં પીલાની હેરા-ફેરી ઉપર પ્રતિબંધ મૂકયો છે. ગુજરાતમાં આ રોગ મહારાષ્ટ્રમાંથી આવતા કેળની રોપણી માટેનાં પીલા ધ્વારા દાખલ થયો છે.
રોગના લક્ષણો
રોગવાળા છોડ વામણા રહે છે અને પાન નાનાં, સાંકડા, આછાપીળા કે થોડા લીલાશ પડતાં અને ઝુમખારૂપે છોડ ઉપર જોવા મળે છે. અસરગ્રસ્ત છોડ વામણા રહે છે અને રોગવાળા છોડમાંથી ઉત્પાદન મળતું નથી. રોગનો ફેલાવો કેળની મોલોમશી (પેન્ટા-લોશિયા નીગ્રોનવરોસા) ધ્વારા થાય છે.
નિયંત્રણ
રોગીષ્ટ છોડને ઉખેડીને નાશ કરવો અને મોલોમશીનાં નિયંત્રણ માટે શોષક પ્રકારની જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો. રોગમુકત ખેતરમાંથી કેળની રોપણી માટેના પીલાની પસંદગી કરવી.
જીવાણું જન્ય રોગો :
કેળનો મોકો રોગ અથવા જીવાણુંથી થતો સુકારો :
આ રોગ સ્યુડોમોનાસ સોલેનેસીરમનામનાં જીવાણુંથી થાય છે. રોગનાં જીવાણુંઓ કેળનાં મૂળમાં થતા જખમોમાં રહીને કેળના છોડની ખોરાક તથા પાણી વહન કરતી નળીકાઓમાં પ્રવેશે છે અને ત્યાં વિકાસ પામે છે.
રોગના લક્ષણો:
રોગનાં ખાસ લક્ષણોમાં છોડ સુકાવા માંડે છે અને પાન છોડ ઉપર પીળાં પડી નીચે લટકતાં દેખાય છે. તદ ઉપરાંત કેળાં અપકવ અવસ્થામાં જ પાકી જતાં અને લુમમાં ફાટેલા અને અસ્થવ્યસ્થ સ્થિતિમાં ફળો જોવા મળે છે. કેળનાં છોડની બાજુએથી નીકળેલા પીલા પણ સુકાઈ જઈને કાળા પડતા જોવા મળે છે. રોગીષ્ટ છોડનાં કંદને આડા છેદથી સવારે કાપવામાં આવે તો થોડા વખત પછીથી રોગીષ્ટ કંદની જગ્યા ઉપર બેકટેરીયાગ્રસ્થ અપારદર્શક, આછા થી ગાઢા બદામી રંગના પ્રવાહીનાં બિંદુઓ ભેગા થતાં જોવા મળે છે. જે તંદુરસ્ત છોડનાં કંદમાંથી નીકળતાં પારદર્શક ગુંદરના ટીપાથી જુદા પડે છે. રોગગ્રસ્ત કેળનાં છોડનાં થોથાને આડું કાપીને જોતાં વચ્ચેના ભાગનો રંગ ગાઢો બદામીથી કાળા રંગનો થયેલ જોવા મળે છે.
રોગનો ફેલાવો :મોકો રોગનો ફેલાવો રોગીષ્ટ પીલાઓ મારફતે વધુ જોવા મળે છે. તથા મધમાંખી અને તેનાં જેવાં બીજા કીટકો ધ્વારા કેળનાં રોગીષ્ટ ફુલ ઉપર બેસી તંદુરસ્ત ફુલ ઉપર બેસે ત્યારે પણ રોગનો ફેલાવો થતો જોવા મળે છે.
નિયંત્રણ :
(૧)રોપવા માટેનાં પીલાની પસંદગી રોગમુકત વિસ્તારમાંથી કરવી.
(ર) રોગીષ્ટ કેળનં છોડ તથા યજમાન નિંદામણોનો ખેતરમાંથી નાશ કરવો.
(૩)ધાન્ય પાકો સાથે કેળનાં પાકની ફેરબદલી કરવી.
(૪)કેળનાં નીચેના પાન કાપતી વખતે ઉપયોગમાં લેવાતા દાતરડા વિગેરેને પ% ફીનોલનાં દ્રાવણ અથવા ૧૦% ફોમરમાલડીહાઈડ જીવાણું નાશક દવાનાં દ્રાવણમાં બોળીને પછી પ્રત્યેક પાન કાપવાં.
ફુગજન્ય કેળનાં રોગો :
(૧) સીગાટોકા પાનનાં ટપકાંનો રોગ:
આ રોગ પ્રથમ ફીજી દેશમાં આવેલ સીગાટોકા નામની ખીણ જેમાં કેળનું વાવેતર થતું હતુ. તેમાં નોંધાયેલો હતો અને એથી રોગનું નામ સીગાટોકા લીફ સ્પોટ તરીકે આપવામાં આવ્યું હતું. આ રોગ માઈકોસ્ફેરેલા મ્યુસીકોલા નામની ફુગથી થાય છે. સીગાટોકા પાનનાં ટપકાનાં રોગથી કેળનાં પાકમાં ભુતકાળમાં ફીજી ઓસ્ટ્રેલીયા, આફ્રિકાના દેશો તથા બીજા કેળ ઉગાડતા દેશોમાં વધુ નુકશાન થયેલ હોવાના અહેવાલ નોંધાયેલ છે. આ રોગ હવે ગુજરાતમાં કેળનાં પાકમાં પણ જોવા મળે છે. ચાલુ સાલે મધ્ય ગુજરાતમાં પણ વાતાવરણ માફકસરને કારણે રોગ વ્યાપક પ્રમાણમાં જોવા મળેલ, જેને લીધે અપરિપવક કેળાંની પકવતા થતી પણ જોવા મળે છે.
રોગના લક્ષણો :
સીગાટોકા રોગમાં સર્વપ્રથમ કેળના પાન ઉપર પીળી છાંટ જોવા મળે છે જે થોડા સમય બાદ ૩-૪ મી.મી. લાંબી અને ૧ મી.મી. પહોળી થાય છે. ત્યારબાદ રોગના આક્રમણ માટેની ભેજવાળા હવામાનની પરીસ્થીતિ ચાલુ રહે તો બદામી ટપકાં થાય છે. જેની આજુબાજુ પીળો ભાગ જોવા મળે છે. આ રોગના ટપકાં થોડા સમયબાદ રાખોડી રંગના થાય છે. જેની આજુબાજુ કથ્થઈ અથવા કાળા રંગની ધાર જોવા મળે છે. વધુ પડતા રોગના આક્રમણને લીધે કેળના પાન સુકાઈને ઘેરા બદામી અથવા કાળા રંગની ધારવાળા ટપકાજોવા મળે છે. અને પાન નીચે ટુટીપડે છે. રોગનો ફેલાવો વરસાદ વાળા હવામાન, ઝાકળ અને હવામાનનું ઉષ્ણતામાન જયારે ર૧૦ સે.મિ થી વધુ હોય ત્યારે વધુ જોવા મળે છે. જયારે સીગાટોકા રોગની તિવ્રતા વધુ હોય છે. ત્યારે ફળની સંખ્યા અને લંબાઈ ઘટે છે. અને ફળ અપરીપકવ અવસ્થામાંજ પાકા થતા જોવા મળે છે. જેથી ખેડૂતોને કેળાં તાત્કાલિક ઉતારીને વેચવાની ફરજ પડે છે. પરિણામે આર્થિક રીતે ઘણું નુકશાન ખેડૂતોને વેઠવું પડે છે.
નિયંત્રણ :
(૧)દર ૧ થી ર માસના અંતરે રોગીષ્ટ પાન કપાવી તેનો બાળી અગર બીજી રીતે નાશ કરવો.
(ર) પાક ૬ થી ૮ માસનો થાય પછી નીચેની દવાઓનો વારાફરતી ૧પ થી ર૦ દિવસના અંતરે નિયમિત છંટકાવ કરતા રહેવું.
(3)કાર્બેંન્ડાઝીમપ ગ્રામ દવા ૧૦ લીટર પાણીમાં મિશ્રણ કરી છંટકાવ કરવો.
(ર) કેળના કાળા પાનનાં ટપકાંનો રોગ :
આ રોગ ડીઘટોનીએલા ટોરુલોસા નામની ફુગથી થાય છે.
રોગના લક્ષણો
પાનની ધાર ઉપરના તથા નીચેના જુના પાન ઉપર આ કાળા ટપકનો રોગ વધુ પ્રમાણમાં જોવા મળે છે. શરૂઆતમાં નાના, કાળા, બદામી રંગના ૧ થી ર મી.મી. વ્યાસના ટપકાં જોવા મળે છે. આ ટપકાનો વિસ્તાર ધીમે ધીમે વધે છે અને ર.પ સે.મી. જેટલો થાય છે અને એની કીનારી કાળા રંગની જોવા મળે છે. પાનની ધાર ઉપર આ કાળા ટપકાઓ ભેગા થઈને પાનનો ઝાળ ઉત્પન્ન કરે છે. પાનના કાળા ટપકાં અને ઝાળની આસપાસ પીળો આભાસ જોવા મળે છે. રોગનો ફેલાવો હવામાં ઉડતાં ફુગના બીજ કણોથી થતો જોવા મળે છે અને રોગને ભેજવાળુ હવામાન વધુઅનુકૂળ આવે છે. ફળ ઉપર નાના, ગોળ, ર થી ૪ મી.મી. વ્યાસનાં અસંખ્ય બદામી ટપકાઓ જોવા મળે છે. જેને લીધે ફળ ઉપર કાળા ટપકાની છાંટજોવા મળે છે. જે તંદુરસ્ત ફળનો દેખાવ બગાડે છે. આવા ફળની બજારૂ કિંમત પણ ઓછી અંકાય છે.
નિયંત્રણ :
(૧)ભેજવાળું વાતાવરણ સર્જતા પરિબળો જેવાં કે અપુરતો જમીનનો નિતાર, વધુ ગીચ કેળનું વાવેતર અને વધુ નિંદામણથી આ રોગની તીવ્રતા વધે છે.
(ર) કાર્બેંન્ડાઝીમ ૧૦ ગ્રામ દવા, ૧૦ લીટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરવો.
(૩) કેળનાં બદામી પાનનાં ટપકાનો રોગ :
આ રોગ ડ્રેકસલેરા જીબેરોસ્પોરીયમ નામની ફુગથી થાય છે. આ રોગ સર્વ પ્રથમ ૧૯૬૩માં જમૈકામાં કેળ ઉપર નોંધાયો હતો. અને આ વ્યાધીજન ફુગનો સર્વલક્ષી અભ્યાસ ડ્રેકસલર નામના વૈજ્ઞાનિકે સને ૧૯ર૮-ર૯માં કર્યો. જેને આ ફુગ ચીઢા જેવા નિંદામણ ઉપર જોવા મળી હતી.
રોગના લક્ષણો :
રોગની શરૂઆતમાં નાના લાલાશ પડતાં ટપકા જેની ધાર પીળાશ પડતી લીલી અથવા આછી પીળી જોવા મળે છે. આ ટપકાં ધીમે ધીમે લંબગોળ બનીને વિકાસ પામે છે અને જયારે ટપકાનો મધ્યભાગ સુકાઈ જાય ત્યારે ટપકાંની વચ્ચે ઘોળો અથવા રાખોડી રંગનો ભાગ જોવા મળે છે. આ ટપકાની આજુબાજુ ચોકકસ ઘેરા બદામી રંગની ધાર અને જેની આજુ બાજુ પીળો થયેલ ભાગ જોવા મળે છે. રોગની તીવ્રતા વધતા અનેપાન ઉપર ઘણાં ટપકા ભેંગા થતાં પાનનો ઝાળ જોવા મળે છે. રોગનો ફેલાવો હવામાન તથા ખાસ કરીને ચોમાસા દરમ્યાન વધુ જોવા મળે છે.
નિયંત્રણ
સીગાટોકા રોગમાં જણાવ્યા મુજબ કાર્બેંન્ડાઝીમ દવાનો વારાફરતી છંટકાવ કરવો.
(૪) કેળની લુમના દાંડાનો કહોવારો :
રોગના લક્ષણો :
આ રોગ જીવાણું તથા ફુગથી થાય છે અને કેળની લુમમાં ફળ છોડ ઉપર પ૦ ટકા ભરાયા પછીથી નીચે જમીન ઉપર ખરી પડતાં જોવા મળે છે. સામાન્ય રીતે જાન્યુઆરી માસની શરૂઆતમાં અથવા માર્ચ માસના અંત ભાગમાં આ રોગ વધુ જોવા મળે છે. કેળનાં છોડનાં થડમાંથી જયારે કેળની લુમનો દાંડો વાંકો વળીને નીચે લટકે છે. ત્યાં થડમાં એક ઉંડી ખાલી જગ્યા બને છે જે પાણીનો સંગ્રહ કરે છે. જેને લીધે જીવાણું અને ફુગનો વિકાસ વધુ ઝડપથી થાય છે અને કહોવારો થવાથી લુમ દાંડી સાથે ખરી પડે છે. રોગનો ફેલાવો વધુ ઝાકળ અને ભેજવાળા હવામાનમા વધુ થતા જોવા મળે છે.
રોગનું નિયંત્રણ :
કેળની લુમ પડી જવાનાં રોગનાં નિયંત્રણ માટે સ્ટ્રેપ્ટોસાઈકલીન (૧ ગ્રામ દવા ૧૦ લીટર પાણીમાં અને કારબેન્ડિઝમ (બાવીસ્ટીન/એગ્રોજીમ/જેકેસ્ટીન) માંથી થમે તે એક દવા પ ગ્રામ દવા ૧૦ લીટર પાણીમાં નાંખી વારાફરતી ૧૦ થી ૧પ દિવસનાં અંતરે છંટકાવ કરવો અને કેળની લુમનાં થડમાંથી નીકળતા દાંડાની જગ્યામાં ૧૦૦ મી.લી. દવા જાય તે રીતે છંટકાવ કરવો.
(પ) અપરિપકવ કેળા વહેલા પાકી જવાનો રોગ :
આ રોગથી દક્ષિાણ ગુજરાતનાં ખેડૂતોને ભુતકાળમાં ઘણું જ નુકશાન થયું હતુ. અને જેને પરિણામે કેળનું વાવેતર બિલકુલ ઓછુ થયેલુ હતુ. આ રોગ કેળનાં છોડ ધ્વારા વધુ પડતાં ઈથીલીન ગેસનાં ઉત્પાદનથી થતો હોવાનું સાબિત થયું છે. તદ ઉપરાંત કેળનાં પાન ઉપર ઝાળ અને ટપકાંના રોગને કારણે પણ થાય છે.
રોગના લક્ષણો :
આ રોગમાં કેળની લુમો કે જેમાં પ૦ થી ૬૦ ટકા ભરાયેલાં હોય તે ફકત ૧ર થી ર૪ કલાકમાં છુટા છવાયા કેળનાં છોડ ઉપર પાકી ગયેલી માલમ પડે છે અને ધીમે ધીમે આખા ખેતરમાં કેળાં પાકી જાય છે અને આથી કેળાના બજારમાં લઈ જવા માટેની પ્રક્રિયામાં કેળા નુકશાન પામે છે અને ઉત્પાદનમાં નુકશાન જાય છે.વધુ ભેજવાળું હવામાન, જમીનમાં પાણીનો અપુરતો નિતાર, પાનનાં ટપકાના રોગો, પાનનું વધુ ફાટવું અને સલ્ફરની હાજરીમાં વધારે જોવા મળે છે.
નિયંત્રણ :
કેળના પાકમાં અપરિપકવતા રોગનાં નિયંત્રણ માટે નીચે મુજબનાં પગલાં લેવા હિતાવહ રહેશે.
(૧)કેળના પાકનાં અવશેષો પાક પુરો થયા બાદ ખેતરની બહાર કાઢી બાળીને કે બીજી રીતે નાશ કરવો.
(ર)કેળનાં પાકમાંરોગીષ્ટ પાન અવાર-નવાર કાપી ભેગા કરીને તેનો નાશ કરવો.
(૩)કેળનો પાક ત્રણ માસનો થાય પછી પાનનાં ટપકાં અને ઝાળનાં નિયંત્રણ માટે અગાઉ સુચવ્યા મુજબ ૧પ થી ર૦ દિવસનાં અંતરે કાર્બેંન્ડાઝીમ દવાનો વારા ફરતી છંટકાવ નિયમિત કરતાં રહેવું.
(૬) કેળનો ફયુઝેરીયમ વીલ્ટ (સુકારો) અથવા કેળનો પનામા ડીસીઝ :
આ કેળનો સુકારાનો રોગ ફયુઝેરીયમ ઓકસીસ્પોરમ નામની ફુગથી થાય છેઅને સામાન્ય રીતે આ સુકારાનાં રોગ ગ્રોસમાઈકલ કેળાની જાતોમાં વધુ જોવા મળે છે. જયારે કેવેન્ડીસ (સલુણી) જાતો સુકારાનાં રોગ સામે પ્રતિકારક શકિત ધરાવે છે. હાલમાં ગુજરાતમાં સલુણી અથવા બસરાઈ કેળાનું વાવેતર મોટા પાયે થતું હોવાથી આ રોગ ગુજરાતમાં જોવા મળતો નથી.
રોગનાં લક્ષણો
કેળનાં છોડનાં પાન પીળા પડે છે અને પાન પર્ણદંડિકા પાસેથી નીચે લટકી પડે છે. ધીમે ધીમે રોગની અસર વધતાં કેળનાં બધા જ પાન સુકાઈ જાય છે અને કેળનું થોથું ઉભું રહે છે. કેળનાં રોગીષ્ટ થોથાનો આડો છેદ લેવાથી કેળનાં થોથામાં વચ્ચે તંદુરસ્ત ભાગ જોવા મળે છે. જયારે ઘેરા બદામી રંગનો સડેલો ભાગ તેની આજુ બાજુનાં ભાગમાં જોવા મળે છે. કેળનાં કંદનો સડો પણ થયેલો જોવા મળે છે. રોગનો ફેલાવો રોગીષ્ટ પીલાઓ ધ્વારા અને પહેલાં સુકારો લાગ્યો હોય તેવા ખેતરમાં જોવા મળે છે. રોગનો ફેલાવો રોગીષ્ટ ખેતરમાંથી બીન અસરગ્રસ્ત કેળનાં ખેતરમાં પિયતનાં પાણી ધ્વારા પણ થઈ શકે છે.
નિયંત્રણ :
(૧)રોગીષ્ટ ખેતરમાંથી પીલા નવા વાવેતર માટે લેવા નહિં.
(ર)રોગ પ્રતિકારક જાત જેવી કે બસરાઈ કેળા (સલુણી)નું વાવેતર કરવું.
(૩)પાકની ફેરબદલી અને કેળનો પાક કરતાં પહેલાં લીલો પડવાશ કરવો હિતાવહ રહેશે.
ઉપરોકત રોગ આપણે ત્યાં નહિવત હોવાથી તેની દવાની માવજત આપણી પરિસ્થિતિમાં વિકસાવવામાં આવી નથી.
(૭) સીગાર એન્ડ ટીપરોટ અથવા કેળનાં ફળના અગ્ર ભાગનો સડો:
આ રોગ ફયુઝેરીયમ વરટીસીલીયમ અને બીજી અન્ય ફુગ ધ્વારા જોવા મળે છે.
રોગના લક્ષણો :
આ રોગની શરૂઆત થાય ત્યારે અપરિપકવ કેળાનો અગ્રભાગ બદામી રંગનો થઈ જાય છે અને ફળ કહોવાની શરૂઆત થાય છે. ફળ કહોવાની કિ્રયા ધીમે ધીમે ઉપર તરફ વધે છે. અને કેળાનો પ૦% ઉપરનો ભાગ સડી જઈને કાળો પડી જાય છે. જે સીગરેટનાં બળેલા ભાગ જેવો દેખાય છે. જેથી આ રોગને એગ્રેજીમાં સીગાર એન્ડ ટીપરોટ કહેવામાં આવે છે. ફળને વચ્ચેથી ફાડીને જોતાં અંદરનો ભાગ સુકો બદામી અથવા કાળો થઈ ગયેલ માલુમ પડે છે. ઘણી વખત કેળાની લુમમાં પ૦% ઉપરાંત ફળો અસરગ્રસ્ત થયેલાં જોવા મળે છે.રોગનો ફેલાવો હવામાં ઉડતા ફુગનાં બિજાણુંઓ ધ્વારા થાય છે, અને ગરમ અને ભેજવાળું હવામાન જયારે કેળમાં લુમ આવવાની શરૂઆત થાય ત્યારે પ્રર્વતમાન હોય તો રોગનો ફેલાવો વધુ જોવા મળે છે.
નિયંત્રણ
કાર્બેંન્ડાઝીમ ૧૦ ગ્રામ દવા, ૧૦ લીટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરવો.
(૮) કૃમિથી થતાં રોગો
(કેળનાં મુળનો કૃમિથી થતો કહોવારો)
આ રોગ રેડોફોલસ સીમીલસ નામના કૃમિથી થાય છે અને મુળનાં કહોવારાથી કેળનાં થોથાં મુળની કોઈ જડ જમીનમાં રહેતી નહીં હોવાથી નીચે પડી જાય છે. વાવાઝોડા દરમ્યાન વધુ કેળના છોડ જમીનદોસ્ત થયેલાં જોવા મળે છે.
રોગના લક્ષણો :
આ રોગનું સર્વ પ્રથમ લક્ષણ કેળાની લુમ હોય તેવા છોડ નીચે ગબડી પડે છે અને કેળનાં કંદ સાથેનાં થોડા મુળનાં અવશેષો છોડનાં થડનાં નીચેનાં ભાગમાં જોવા મળે છે. કેળનાં કંદ ઉપર તથા મુળ ઉપર કાળા ડાઘ અથવા ધાબા જોવા મળે છેઅને મુળને વચ્ચેથી ચીરીને જોવામાં આવે તો કાળા પડી ગયેલાં અને સંપૂર્ર્ણ કહોવાઈ ગયેલ માલુમ પડે છે. છોડનો વિકાસ રૂધાય છે.
નિયંત્રણ :
(૧)રોગગ્રસ્ત ખેતરમાંથી વાવણી માટેનાં પીલાની પસંદગી કરવી નહી.
(ર)કાર્બોફયુરાન (ફયુરાડાન ૩ જી) દવા પ્રતિ છોડ દીઠ ૧૦ થી ૧પ ગ્રામ નાંખવી.
(૯) કેળનાં કંદનો સડો :
આ રોગ એક જટીલ સમસ્યા છે અને કૃમિ તથા બેકટેરીયા એમ બંને વ્યાધીજનોથી થાય છે. કૃમિ કેળનાં કંદમાં જખમ પેદા કરે છે. જેથી જીવાણુંઓ તેમાં દાખલ થઈને કંદનો સડો પેદા કરે છે.
રોગના લક્ષણો :
કેળનો કંદ સડી જાય છે અને નવો ઉગેલો પીલો સુકાઈ જાય છે. ઘણી વખત છોડ પડી જાય છે. અને કંદને વચ્ચેથી કાપીને જાઈએ તો તેની કિનારી ઉપર કાળા કહોવાયેલા વિભાગો જોવા મળે છે. રોગ વધુ તીવ્ર હોય ત્યારે કેળનો કંદનો ૭૦ થી ૮૦ ટકા ભાગ કહોવાઈ ગયેલો માલુમ પડે છે. આ રોગથી ઉત્પાદનમાં ઘણું નુકશાન થાય છે.
રોગનો ફેલાવો રોપવાના પીલા મારફતે થતો હોય છે.
નિયંત્રણ :
(૧)અસરગ્રસ્ત ખેતરમાંથી વાવણી માટેનાં પીલાની પસંદગી કરવી નહી.
(ર)પીલાને રોપતાં પહેલાં એમ.ઈ.એમ.સી. (સેરેસાન ૧ ગ્રામ ૪ લીટર પાણીમાં)ની દ્રાવણમાં બોળીને રોપવા.
(૩) કૃમિના નિયંત્રણ માટે ફયુરાડાન ૩જી દવા (કાર્બોફયુરાન) પ્રતિ હેકટરે પ૦ કિલો પ્રમાણે છોડની ફરતે આપવું.
Share your comments